કવર સ્ટોરી – નરેશ મકવાણા
વિક્રમ સંવત ૨૦૩૫, શ્રાવણ વદ ચોથ અને શનિવાર, તારીખ ૧૧ ઑગસ્ટ, ૧૯૭૯ – ગોઝારા આ દિવસના એ ત્રણ કલાકમાં ક્યાં શું બન્યું હતું તેને લઈને ૩૮ વર્ષ પછી પણ અસમંજસભરી સ્થિતિ છે. ત્યારે ‘અભિયાન’ અહીં મચ્છુ હોનારતના કેટલાક જાણીતા પ્રસંગોની અજાણી વાતો લઈને આવ્યું છે. એ પણ એવા લોકોની નજરે જેઓ અજાણતા જ જે-તે ઘટનાઓના પ્રથમ પ્રત્યક્ષદર્શી બની રહ્યાં હતાં. એમાં મચ્છુ ડેમની લોખંડની કેબિનમાં બેસીને નજર સામે જ સમગ્ર મોરબીને તબાહ થતું જોનાર એકમાત્ર જીવિત ફીટર પણ છે અને તબાહીની પ્રથમ તસવીરો પાડનાર ૯૫ વર્ષના ફોટોગ્રાફર પણ…
‘એ વખતે એવું થયેલું કે, ડેમ પર અમે સાત જણા હાજર…
* વનુભાઈ નરશીભાઈ રાજપરા – રોજમદાર, ગામ-જોધપર
* હરજીવન નરભેરામ ગોહિલ – રોજમદાર, ગામ-જોધપર
* ભગવાનજીભાઈ નાનજીભાઈ રાજપરા – રોજમદાર, ગામ-જોધપર
* ભીમજીભાઈ નરસિંહભાઈ – રોજમદાર, ગામ-મોરબી
* ગુણવંતભાઈ જે. જોષી – સેક્શન ઓફિસર, ગામ-મોરબી
* વિઠ્ઠલભાઈ પી. ત્રિવેદી – ઇલેક્ટ્રિશિયન, ગામ-મોરબી
અને હું(લક્ષ્મણભાઈ ઝીંઝુવાડિયા – ફીટર) ડેમ પર હાજર હતા. મારું ગામ આ ડેમ પડખે રહ્યું એ જોધપર જ. આગલી રાતથી વરસાદ શરૃ થયો હતો, પણ તેની ડેમ પર કોઈ અસર થાય તેમ નહોતું. છતાં સવારથી અમે સમયાંતરે નિયમિત પાણીનું લેવલ તપાસતાં જતા હતા. એ વખતે મીડિયા આટલું વિકસેલું નહીં એટલે લોકો સુધી સમાચાર પહોંચે એ પહેલાં ઉપરવાસમાં વરસાદ વધુ હોવાથી તકેદારીના ભાગરૃપે વહેલી સવારથી જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ હતી. સરકારી જીપો પર માઈક દ્વારા લોકોને ઍલર્ટ કરવાનું પણ સમાંતરે ચાલતું હતું. આગલી સાંજે ૮ વાગ્યે નાયબ ઇજનેર એ.સી. મહેતા સાહેબે સંદેશો આપ્યો હતો કે ટૂંક સમયમાં ત્રીસ માઈલ ઉપરવાસમાં આવેલા મચ્છુ બંધ-૧ના જળાશયમાંથી પાણી છોડાવાનું છે. એટલે મચ્છુ-૨ તરફ ધસતાં પ્રવાહમાં વધારો થશે. સંદેશમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જળાશયની સપાટી સલામત સ્તરે જાળવવા માટે છ ઇંચ સુધી ખૂલેલા દરવાજાને છ ફૂટ સુધી અને જરૃર પડે પૂરેપૂરા ખોલવા પડશે. અમે ૧૮ પૈકી ૧૬ દરવાજા ખોલી નાખેલા, પણ ૧૫મો દરવાજો વારંવાર મોટરનો ફ્યૂઝ ઊડી જવાથી અને ૧૭મો દરવાજો બ્રેક કૉઈલ કામ ન કરતી હોવાથી ખૂલી શકતો નહોતો.બપોરે સાડા બાર આસપાસ પાણી આ તરફ વધતું અમે જોયું અને સાવચેત થઈ ગયા. એ વખતે ડેમની હાઈટ આ નીચે બ્રિજ રહ્યો (બ્રિજ તરફ આંગળી ચીંધીને બતાવે છે)એટલી જ. આ સામી સાઈડ (ડાબી તરફ હાલના મોટા પાળા તરફ આંગળી ચીંધીને)જે પાળો દેખાય છે તે એ વખતે આટલો ઊંચો નહોતો. આજે દરવાજાની સાઈઝ ૪૧ બાય ૨૭ ફૂટની છે, પણ એ વખતના દરવાજા ૩૦ ફૂટના માંડ હતા. કુલ ૧૮ દરવાજાની પાણી કાઢવાની ક્ષમતા ૩ લાખ ક્યુસેકની જ. એટલે બધા દરવાજા ખોલી નાખીએ તો પણ સરેરાશ ૧૬ હજાર ૬૬૬ ક્યુસેક પાણી જ તેમાંથી નીકળી શકતું. જામ થઈ ગયેલા દરવાજા ખોલવા મદદ માટે જોધપરમાંથી પચાસેક લોકો આવેલા. દરમિયાન વરસાદને કારણે વીજળી ગુલ થઈ ગયેલી એટલે ડેમ પરનું જનરેટર ચાલુ કરેલું, પણ એ વીજળી જેવું કામ થોડું આપે! ૧૬ દરવાજા ખૂલી ગયા પણ બે ખૂલતા નહોતા. ડેમની ૦૩ લાખ ક્યુસેક પાણીની ક્ષમતા સામે ૪.૫ લાખ ક્યુસેક પાણી ડેમમાં આવી ગયું.
છેલ્લે પાણી દરવાજા ઉપર થઈને વહેવા લાગ્યું એટલે મદદ માટે આવેલા ગામલોકો ગભરાઈને ભાગી ગયા. રહ્યા અમે સાત જણા. પછી શું, અમારી નજર સામે સાક્ષાત મોત જેવું કાળું ભમ્મર પાણી ફૂંફાડા મારવા માંડ્યું. એટલે સલામતી ખાતર અમે સાતેય જણા ડેમના દરવાજાની ઉપર આવેલી લોખંડની ઓરડીમાં આવી ગયા. બરાબર પોણા ત્રણે ડેમનું પાણી ઓરડીની જમણી તરફના પાળાને ટપી ગયું અને તેના પ્રચંડ પ્રવાહે ગણતરીની સેકન્ડોમાં જ પહેલાં ડાબી તરફ અને પછી જમણી તરફના માટીના પાળામાં ગાબડાં પાડી દીધાં!!! મારી નજર સામે જ આખો પાળો પાણીમાં ધરાશાયી થઈ ગયો અને એની સાથે જ ખીલેથી છૂટેલા આખલા જેવા મચ્છુનાં પાણીએ મોરબી તરફ દોટ મૂકી!!! ઓરડીમાં ઊભેલા અમે સાતેય હજુ તબાહીની કોઈ કલ્પના કરીએ એ પહેલાં તો દૂરથી પાણીનો પ્રવાહ પુલને વટાવતો લાગ્યો. થોડીવાર પછી ધડાકો થયો અને આઘે પાણીની છોળો ઊડતી દેખાઈ એટલે અમે સમજી ગયા કે પાડા પુલ ગયો! અમારી ચોતરફ મચ્છુના ગાંડાતૂર પાણીને જોઈને બધાંના જીવ પડીકે બંધાયા.
ખાસ તો અમારી ઓરડી તૂટી પડવાની અમને બીક પેઠી. ઓરડીની તિરાડમાંથી જોયું તો મચ્છુનો પ્રવાહ શહેર ઉપર સળંગ વહી રહ્યો હતો. સાડાત્રણ કલાક સુધી મોતનું તાંડવ અમે લાચાર નજરે જોયા કર્યું. સાંજે ધીરે-ધીરે પાણી ઓછું થયું એટલે બધા કેબિનમાંથી નીચે ઉતરીને જમણે છેડે આવેલી રૃમમાં જતા રહ્યા. ડેમની બંને તરફના પાળા તૂટી ગયા હોવાથી કોઈ અમારી મદદે આવી શક્યું નહીં. સળંગ બે દિવસ સુધી અમે સાતેય લોકો ભૂખ્યા-તરસ્યા ઓરડીમાં બેસી રહ્યા. બે દિવસ બાદ નીચે જમીન પર નગરપાલિકાની પાણીની લાઈન દેખાઈ એટલે અમારામાંથી એક વ્યક્તિએ નીચે ઉતરી એ તોડી નાખી. એમાંથી કામચલાઉ સીડી તૈયાર કરી એકબીજાનો હાથ પકડીને અમે બધા નીચે ઊતર્યા, પણ ત્યાં સુધીમાં મચ્છુએ શહેરને તબાહ કરી નાખેલું. આખું મોરબી અમે અમારી નજર સામે તણાતું જોયું!’
-આ શબ્દો છે મચ્છુ હોનારત વખતે ડેમ પર હાજર સાત વ્યક્તિઓ પૈકી હાલ એકમાત્ર જીવિત વ્યક્તિ એવા તત્કાલીન ફીટર લક્ષ્મણભાઈ ઝીંઝુવાડિયાના. આજથી બરાબર ૩૮ વર્ષ અગાઉ બનેલી મોરબી હોનારતની દુર્ઘટના કેવી રીતે બની તેનું તેમણે કરેલું વર્ણન અહીં જેમનું તેમ મૂક્યું છે. આજકાલ કરતા આ દુર્ઘટનાને ૩૮ વર્ષ વીતી ગયાં છતાં મોરબીવાસીઓનાં દિલમાંથી તે ભૂંસાતી નથી. કઠે તેવી વાત એ છે કે, મચ્છુના પાણીએ ખરેખર કેટલા લોકોના જીવ લીધા તે આંકડો આજે પણ સ્પષ્ટ નથી થયો. સરકારી ચોપડે ૬થી ૭ હજાર લોકોનાં મોત બોલે છે જ્યારે સ્થાનિકો ૨૫ હજાર મોત થયાનું છાતી ઠોકીને કહે છે. હોનારતની અસર મોરબી શહેર ઉપરાંત આસપાસનાં ૬૮ ગામડાંઓની ૧ લાખ ૫૩ હજારની વસ્તીને થઈ હોવાથી સ્થાનિકોની વાતમાં તથ્ય છે. જોકે આપણો વિષય અહીં થોડો આડો ફંટાય છે. તારાજીની બોલતી તસવીરો પાછળની સ્ટોરી શું હતી તેની વાત અહીં માંડી છે. ‘અભિયાન’ અહીં હોનારતની લોકમુખે ચઢેલી ચૂકેલી વાતો પાછળની સ્ટોરી ખાસ મોરબીથી જાતતપાસ કરીને લઈને આવ્યું છે.
લોકપ્રતિનિધિઓના જાતઅનુભવો
પૂરમાં સામાન્ય માણસથી લઈને શ્રીમંતો સુદ્ધાંને એકસરખી અસર થઈ હતી. ત્યારે તત્કાલીન અને વર્તમાન લોકપ્રતિનિધિઓ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં હતા તે જાણવાની સૌ કોઈને ઇચ્છા થાય. મોરબીના તત્કાલીન ધારાસભ્ય ગોકળદાસભાઈ પરમાર પૂરની રાત્રે અમદાવાદથી પરત ફરી રહ્યા હતા. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘એ વખતે એવું થયેલું કે, ૧૦મી ઑગસ્ટે હું કામથી અમદાવાદ ગયેલો. રાત્રે પરત ફરતી વખતે વાંકાનેરમાં વરસાદ બહુ હતો એટલે ડ્રાઇવરે અન્ય રસ્તો શોધી કાઢેલો. મોરબીમાં પાડા પુલ પર પહોંચ્યા તો જોયું કે પાણીની છોળો છેક પુલ ઉપરથી ઊડતી હતી.
ડેમની ભૂગોળથી હું સારી પેઠે વાકેફ હતો એટલે બીજા દિવસે વહેલી સવારથી જ મેં તકેદારીના ભાગરૃપે નીચાણવાળા વિસ્તારોમાંથી ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને બીજા આગેવાનો સાથે મળીને લોકોને સ્કૂલના મકાનમાં શિફ્ટ કરવા માંડ્યા. બધાને રહેવા-જમવાની સુવિધા પુરી કરાવીને બપોરે બે વાગ્યે હું ઘેર પરત ફર્યો. હજુ અડધો કલાક માંડ વિત્યો હશે ત્યાં મારી શેરીમાં દરિયાનાં મોજાંની જેમ અચાનક પાણી ધસી આવ્યું. મને અંદાજ આવી ગયો કે ડેમ તૂટ્યો! તરત હું પત્ની અને દીકરી સાથે મેડી પર ચડી ગયો. એટલીવારમાં તો પાણી ઘરથી ઉપર પાંચ ફૂટ સુધી આવી ગયું! અમે કૂદીને બાજુના ઘરની મેડી પર જતા રહ્યા. ત્યાંથી જોયું તો ચોતરફ મસમોટા ઝાડ, કોઈ પશુ, કોઈનો સામાન વગેરે તણખલાની જેમ પાણીમાં તણાતાં હતાં. ઉચિત પગલાં લીધાં છતાં પાણીના જોર આગળ અમારું કશું ચાલ્યું નહોતું.’
અહીં એક મહત્ત્વનો રોલ કમ્યુનિકેશનનાં સાધનોની ઊણપનો પણ ખરો. એ વખતે સતત વરસતા વરસાદને કારણે ટેલિફોન પણ વીજળીની સાથે બંધ થઈ પડેલા. પરિણામે મોરબી આખું સાફ થઈ ગયું છે તેની કોઈને ખબર જ નહોતી પડી. કહેવાય છે કે બહારથી આવતો એક વ્યક્તિ પાડા પુલ પાસે ઊતર્યો ત્યારે સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને તેણે રાજકોટ જઈને તત્કાલીન કૃષિમંત્રી કેશુભાઈ પટેલને જાણ કરી એ પછી સમગ્ર સરકારી તંત્ર મોરબી તરફ દોડતું થયું હતું. એવું પણ કહેવાય છે કે બીબીસી રેડિયોએ હોનારતના સમાચાર સૌ પ્રથમ પ્રસારિત કર્યા હતા, પણ સરકારી તંત્ર સુધી તેની વાત પહોંચી નહોતી. હોનારત પછી તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ દોડતા આવેલા. તેમણે તમામ મદદની ખાતરી સાથે રાહત અને બચાવકાર્ય પુરજોશથી શરૃ કરાવેલું.
સમગ્ર પુનર્વસન કાર્ય દરમિયાન તેમણે મોરબીને જ પોતાનું રહેણાક બનાવી દીધેલું. દરરોજ સાંજે છ વાગ્યે તેઓ આખા દિવસની ઝીણામાં ઝીણી કામગીરીની સમીક્ષા કરતાં અને ઘટતું કરવા સૂચનો આપતા. પછી તો ગુજરાત સહિત દેશ અને દુનિયાની અનેક સેવાભાવી સંસ્થાઓ મોરબીમાં ઊતરી પડી હતી. સફાઈ અભિયાન સાથે ઠેર-ઠેર રસોડાં શરૃ થયેલાં. શુદ્ધ પાણીનાં ટેન્કરો, રસોઈનો સામાન, ઘરવખરી, બાંધકામની ચીજવસ્તુઓ એમ કશાની કમી નહોતી રહી. વાળંદ, સુથાર, કડિયા, લુહાર, મોચી, સોની, કુંભાર સહિત જે-તે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવો સામાન અપાયેલો. વેપારીઓ જે આર્થિક રીતે ખતમ થઈ ગયા હતા તેમને બેઠા કરવા રાજકોટના વેપારીઓએ મફત સામાન ભરી આપેલો. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે શહેરને બેઠું કરવામાં મોટો ફાળો આપેલો. જેનું ઋણ ચૂકવતાં મોરબીની જનતાએ ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં તેમને અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી વધુ મતોથી જિતાડીને વિધાનસભામાં મોકલેલા.
એ વખતે મોરબીના વર્તમાન ધારાસભ્ય બ્રિજશભાઈ મેરજા ૨૨ વર્ષના હતા. શું જોયેલું તેમણે તેની વાત કરતાં તેઓ કહે છે, ‘એ વખતે હું ૨૨ વર્ષનો હતો. કૉલેજમાં જન્માષ્ટમીની રજાઓ હોવાથી હું રાજકોટથી મારા ગામ ચમનપર જવા નીકળેલો, પણ રસ્તામાં લોકો દ્વારા જાણવા મળ્યું કે મોરબીમાં હોનારતની સ્થિતિ છે એટલે હું ઘેર પહોંચવાના અન્ય વિકલ્પો વિચારવા લાગેલો. વાંકાનેર તરફના રસ્તે વાહનની રાહ જોતો મોડી રાત સુધી બેસી રહ્યો, પણ કશું મળ્યું નહીં એટલે રાજકોટ પરત જતો રહ્યો. ત્યાં પહોંચ્યો તો જોયું કે છાપાઓનો સ્પેશિયલ વધારો બહાર પડેલો. જેમાં મોરબીમાં આવેલા પૂરની પરિસ્થિતિનો ચિતાર હતો. એ વાંચ્યો ત્યારે મને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ. ત્રીજા દિવસે હું શનાળા તરફથી વતન જવા નીકળ્યો ત્યાં રસ્તામાં લીલાપર, વાઘપરા, વજેપરમાં વીજળીના થાંભલા પર મૃત પશુઓનાં શબ લટકતાં હતાં. ઘરોમાં સરેરાશ ૧૧ ફૂટ પાણી ચડી ગયેલાં હતાં તેનાં નિશાન હતાં. દરમિયાન એક ડૉક્ટર કુટુંબને મારી નજર સામે તેમના જ ઘરમાં કાદવમાં ગરકાવ થઈને મોતને ભેટતા જોયેલું, એ દ્રશ્ય આજે પણ ભૂલી શકતો નથી.’
મોરબી કુદરતી થપાટોનું ભોગ બનતું આવેલું શહેર છે. ૧૯૭૪-૭૫માં સતત ત્રણ વર્ષ કારમો દુકાળ પડેલો. ૧૯૭૯માં આ હોનારત આવી. હજુ મોરબી તેમાંથી માંડ બેઠું થયું હતું ત્યાં ૧૯૯૬માં ભયંકર વાવાઝોડું આવેલું. ૨૦૦૧માં ધરતીકંપ આવ્યો એમાં પણ અહીં ભારે તબાહી થયેલી. આ બધી કુદરતી આપત્તિઓમાં વચ્ચે પણ મોરબીએ પોતાનું ખમીર ગુમાવ્યું નહીં. દરેક વખતે તે ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થયું છે.
એક મકાન જ્યાં ૫૦૦થી વધુ લોકો બચી ગયેલાં !
મોરબીમાં સૌથી ઊંચો વિસ્તાર ખત્રીવાડ ગણાય અને સૌથી નીચો વિસ્તાર વાઘપરા, વજેપર, વસંત પ્લોટ, જૂના બસસ્ટેન્ડ વગેરે. હોનારતના એ ફોટાઓમાં જ્યાં પશુઓ, માણસોનાં શબ અને ખાટલા લટકતાં જોવા મળે છે તે આ વિસ્તારનાં દ્રશ્યો છે. સ્વાભાવિક છે કે નીચાણવાળો વિસ્તાર હોવાથી સૌથી વધુ જાનહાનિ અહીં જ થાય, પરંતુ અહીં એક એવું મકાન પણ હતું જ્યાં એકસાથે ૫૦૦ જેટલા લોકોના જીવ બચી ગયેલા. એ મકાન એટલે અશોકાલય. હાલ તેની જગ્યાએ એપાર્ટમેન્ટ બની ગયો છે, પણ સ્થાનિકોની યાદોમાં તે આજે પણ જેમનું તેમ છે. મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસનું ઘર એ વખતે અશોકાલયની બાજુમાં જ હતું એટલે તેમને આખી ઘટના હજુ પણ યાદ છે.
એ ઘટના યાદ કરતાં પ્રવીણભાઈ કહે છે, ‘એ વખતે એવું થયેલું કે, પૂરના કારણે વીજળી જતી રહી હોવાથી જે લોકો જીવિત હતા તેમણે યથાસ્થાને રાત વિતાવવી પડેલી. એમાં રાત્રે કોઈએ એવી અફવા ફેલાવી કે વાંકાનેર પાસેનો મચ્છુ-૧ ડેમ પણ તૂટ્યો છે એટલે લોકોમાં ફરી હોબાળો મચી ગયેલો. મારી બાજુમાં જ અશોકાલય નામનું બહુ જૂનું મકાન આવેલું હતું. જ્યાં હાલ એપાર્ટમેન્ટ બની ગયેલ છે. તેની અગાશી પર એ વખતે ૫૦૦થી વધુ લોકો ચડી ગયેલા. આ મકાનની બાજુમાં જ ઝૂલતો પુલ આવેલો હતો અને તેેની ઉપરથી પાણી વહેતું હતું.એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે પાણીનો પ્રકોપ કેટલો હશે. અશોકાલયની આસપાસનાં મકાનો એક પછી એક તૂટીને પાણીમાં ગરકાવ થઈ રહ્યાં હતાં અને અહીં અગાશી પર હાજર લોકોમાં રોકકળ વધતી જતી હતી. મચ્છુનું રૌદ્ર સ્વરૃપ ગમે ત્યારે પોતાને પણ આંબી જશે એ કલ્પનાએ સૌ કોઈ ધ્રૂજતાં હતાં, પણ કુદરતે રહેમ કરી અને અહીં હાજર બધાં લોકો બચી ગયેલાં.’
એક એવી ઘટના હતી જેણે મોરબીના ગર્ભશ્રીમંત લોકોને પણ બીજા દિવસે સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા વહેંચાતી ખીચડી માટે લાઈનમાં ઊભા કરી દીધા હતા. ચોતરફ લોકો સર્વસ્વ ગુમાવીને હતપ્રભ, શૂન્યમનસ્ક અને દિશાહીન થઈ ગયા હતા. એક તરફ મચ્છુના કારણે અનેકનાં ઘર તબાહ થઈ ગયાં હતાં તો બીજી તરફ એ પછી પુનર્વસનમાં અનેક ગરીબ લોકો ઘરનું ઘર પામ્યાં હતાં.
કિશોરભાઈ દફ્તરી – જેમનો ફોટો તબાહીની ઓળખ બન્યો
અમુક લોકોનું મોત એવું હોય છે જેના વિશે વધુ વિચારીએ તો માણસજાતનો નીતિ, ધર્મ, ઈશ્વશક્તિ પરથી વિશ્વાસ ઊઠી જાય છે. સ્વ. કિશોરભાઈ દફ્તરીનું મોત આવી જ કોઈ કક્ષામાં સ્થાન પામે છે. મોરબી હોનારતની જે કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે તેમાં એક ફોટો ખાસ ધ્યાન ખેંચે છે. દીવાલને ટેકે સફેદ શર્ટમાં હાથ વળી ગયેલો છે તેવો એક યુવકનો મૃતદેહ ઊભો છે. તેની પીઠ પાછળ પાણીમાં તણાઈને આવેલો કાંટાળો કચરો ભેગો થયેલો છે. આટલું ઓછું હોય તેમ લોખંડના થાંભલાનો એક ટુકડો પણ મૃતદેહને અડકેલો જોવા મળે છે. મોરબી હોનારતની ભયાનકતા ઉજાગર કરતો આ ફોટો પછી તો હોનારતની ઓળખ બની ગયેલો, પણ તે વ્યક્તિ કોણ હતી, શું કરતી હતી તેના વિશે મોરબીના ગણ્યાગાંઠ્યા વરિષ્ઠ નાગરિકો સિવાય બહુ ઓછા લોકોને ખબર છે. નામ એમનું કિશોરભાઈ દફતરી. વ્યવસાયે વકીલ પણ ગરીબો માટે મફત કેસ લડતા. તેમની આ હાલત કેવી રીતે થયેલી તેની પાછળની સ્ટોરી કુદરત પરનો આપણો વિશ્વાસ ડગમગાવી મૂકે તેવી છે. શું થયું હતું તેમની સાથે તે એ વખતે તેમના સાથીદાર રહેલા નવીનચંદ્ર મહેતાના શબ્દોમાં સાંભળીએ.
નવીનભાઈ કહે છે, ‘હોનારતના દિવસે બપોરે સાડા બાર આસપાસ એવું થયેલું કે કિશોરભાઈ દફ્તરી તેમના મિત્ર હુસેનભાઈ ઘાંચી, મોરબી સ્ટેટ સાથે સંકળાયેલા રાજુભાઈ રાણા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સૂર્યકાંતભાઈ ઘોઘાણી અને હું- અમે સૌ નગરપાલિકાની માઈકવાળી જીપ લઈને લોકોને સલામત સ્થળે ખસી જવાની જાહેરાત કરતા હતા. દરમિયાન બે વાગ્યા આસપાસ અમે ત્રણ લોકો અશોકાલય રોડ પાસે ઊતરી ગયા અને કિશોરભાઈ તથા હુસેનભાઈ બંને મિત્રો આગળ ગયા. અમારા છુટા પડ્યાની વીસ જ મિનિટમાં ડેમ તૂટ્યો! મચ્છુનાં પાણી શહેરભરમાં ફરી વળ્યાં અને કિશોરભાઈ, હુસેનભાઈની સાથે મારી દુકાને તેમની રાહ જોતાં મારા ભાઈ પણ લાપતા થયા. બીજે દિવસે તેમના મોતના સમાચાર મળ્યા. વાહન કશું ચાલે તેમ નહોતું એટલે અમે ત્રણે મિત્રો રેંકડી લઈને શનાળા રોડ પરના એ મકાન પાસે પહોંચ્યા જ્યાં તેમનો મૃતદેહ પડ્યો હતો. ત્યાં જઈને જોયું તો કિશોરભાઈની લાશ તેમના જ એક અસીલના ઘરની દીવાલ સાથે દબાઈને ઊભી હતી. તેમનાથી થોડે જ દૂર હુસેનભાઈનો મૃતદેહ હતો. પાણી બંને મિત્રોને દોઢ કિલોમીટર દૂર ઢસડી લાવ્યું હતું. લોકોને એલર્ટ કરવા જતાં બંને મિત્રો ઍલર્ટ થવાનું ભૂલી ગયા હતા.’
કિશોરભાઈના ભત્રીજા કમલેશભાઈ દફતરીના મતે તેઓ પહેલેથી સેવાભાવી જીવ હતા. ગરીબ માણસનો કેસ લડવાનો એક રૃપિયો પણ ન લેતા. હોનારતના દિવસે બંને ભાઈઓ વરસાદી માહોલ હોવાથી સાડા અગિયાર આસપાસ ઑફિસ બંધ કરીને ઘેર જવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં હુસેનભાઈ ઘાંચી મળી ગયા હતા જેઓ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઍલર્ટ કરવા જીપ લઈને નીકળ્યા હતા. પછી પરત ન ફરી શક્યા.
લાલજીભાઈ પલણ – તબાહીની પહેલી તસવીરો ખેંચનાર ફોટોગ્રાફર
હોનારતની મહત્ત્વની કેટલીક ઘટનાઓના પ્રથમ પ્રત્યક્ષદર્શીઓ વચ્ચે જે વ્યક્તિએ મચ્છુએ સર્જેલી ભયાનક તારાજીની પહેલી તસવીરો દુનિયા સમક્ષ મૂકી તે લાલજીભાઈ પલણને અહીં ખાસ યાદ કરવા પડે. આજે ઈન્ટરનેટ પર મોરબી હોનારત સર્ચ કરતાં જ તાર પર લટકતાં પશુઓ, તૂટી પડેલો પાડા પુુલ, છલકાતો મચ્છુ ડેમ વગેરેની જે તસવીરો જોવા મળે છે તે લાલજીભાઈએ પાડેલી છે. જિંદગીનાં ૭૧ વર્ષ ફોટોગ્રાફી પાછળ ખર્ચી નાખનારા લાલજીભાઈ પલણ આજે ૯૫ વર્ષની ઉંમરે પણ મચ્છુ હોનારતનું નામ પડતાં જ શોકમાં સરી પડે છે. ‘ક્યાં હતા એ દિવસે?’ એવો સવાલ પૂછતા જ તેઓ યાદશક્તિને જરાય જોર આપ્યા વિના તરત કહે છે ઃ ‘એ વખતે મારો સ્ટુડિયો અત્યારની જેમ મેડી પર નહીં, પણ શેરીમાં નીચે હતો. હોનારતમાં ત્યાં ૧૪ ફૂટ સુધી પાણી ફરી વળ્યાં હતાં. મારા બધા કેમેરા દુકાનમાં રહી ગયેલા, પણ સદ્ભાગ્યે એક કેમેરો મારી પાસે મેડી પર રહી ગયેલો. આખા શહેરમાં પાણી ફરી વળ્યાં હોઈ રાત્રે વીજળીનું નામોનિશાન નહોતું.
બીજા દિવસે સવારે હું બાળકોને સલામત સ્થળે ખસેડીને ફોટા પાડવા નીકળ્યો. વીજળીના તૂટેલા તાર પર પશુઓ લબડતાં હતાં. ક્યાંક ખાટલા તો ક્યાંક માણસો પણ વીજળીના તાર પર લટકતાં જોવા મળ્યા. લાશોના તો ખડકલા થયેલા. એ બધી તસવીરો મેં પાડી. આખા શહેરમાં એક ફૂટ સુધી કાદવ ફરી વળેલો છતાં એમાં ફરીફરીને મેં આ ફોટા પાડ્યા છે. એ વખતે ૧૨ ફોટાનો એક રોલ આવતો. મેં આવા ચાર રોલ ભરીને હોનારતના ફોટા પાડેલા. આજે પણ એમાંની કેટલીક નેગેટિવ મારી પાસે પડી છે, પણ તેનો હવે કોઈ મતલબ નથી. આજે પણ એ દિવસ યાદ કરું છું તો મારા વૃદ્ધ શરીરમાં ગરમાટો આવી જાય છે. એ મરેલાં પશુઓ, એ ચૂંથાતા માનવદેહો, કાળમુખી મચ્છુ નદી, તૂટેલો પાડા પુલ બધું જ એવું ને એવું આંખો સામે તરવરે છે.’
ડેમ તૂટવાનું રહસ્ય આજે પણ અકબંધ
છેલ્લે ડેમ તૂટવા પાછળના કારણની ચર્ચા કરવી જ રહી. કેમ કે આજની તારીખે તેનું કારણ અકબંધ રહ્યું છે. કહેવાય છે કે મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી, પણ તત્કાલીન એન્જિનિયર વિશ્વૈશ્વરૈયાએ તેમને ચેતવ્યા હતા કે સૂચિત જગ્યાએ તૈયાર થનારો ડેમ શહેર માટે આશીર્વાદરૃપ નહીં હોય. આથી તેમણે યોજના પડતી મૂકી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે ડેમ બાંધવાનું નક્કી કર્યું ત્યારે આ ચેતવણી તો ભૂલાઈ ગઈ હતી સાથે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી કેટલીક ટૅક્નિકલ બાબતોની પણ અવગણના કરાયેલી. કેન્દ્રે ડેમનું સૂચિત સ્થળ બદલવા કહેલું. ઉપરાંત પૂર આવે તો ડેમમાં કેટલું પાણી ભરાય, મહત્તમ કેટલું પાણી છોડી શકાય તેની ગણતરી પણ યોગ્ય રીતે ન થઈ હોવાનું કહેવાય છે. બે વર્ષ બાદ હોનારતના ચાર દાયકા થવા આવશે છતાં સરકારી તંત્ર પાસે કોઈ તર્કબદ્ધ આંકડા કે માહિતી નથી ત્યારે હાવર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ઉત્પલ સાંડેસરા અને ટોમ વુટને ૭ વર્ષ મહેનત બાદ રજૂ કરેલા પુસ્તક ‘નો વન હેડ એ ટંગ ટુ સ્પીક’માં ડેમ તૂટવા પાછળનાં કારણોને લઈને અનેક તથ્યો રજૂ કરાયાં છે. એ મુજબ ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહત્તમ શક્ય આવકની ગણતરી કરવા માટે જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે પાણી છોડવાની ક્ષમતા કરતાં આવક બમણી થઈ ગઈ હતી. એટલે જ ૧૮ માસ સુધી સરકારી અધિકારીઓ પોતાના બચાવ માટેના પુરાવા શોધતા હતા, પરંતુ જેવી આ લાપરવાહી ખૂલવાની શરૃઆત થઈ કે તરત તપાસપંચ આટોપી લેવાયું હતું. આ સિવાયની પણ અનેક વિગતો આ પુસ્તકમાં સાંપડે છે.
આગામી સમયમાં રિલીઝ થનારી મચ્છુ હોનારત પરની સૌ પ્રથમ હાઈટેક ગુજરાતી ફિલ્મ ‘મચ્છુ’ના ડિરેક્ટર શૈલેષ લેઉઆ પણ હોનારતનાં કારણો અને તેની પાછળની સ્ટોરી જાણવા માટે ત્રણ વર્ષ કરતાં વધુનો સમય આપી ચૂક્યા છે. આઠ લોકોની તેમની ટીમે ૨૦૧૪થી લઈને ૨૦૧૭ની શરૃઆત સુધી મોરબીની ગલીએ ગલીએ ફરીને, સંશોધન કરીને હોનારત મામલે અનેક મહત્ત્વની બાબતો શોધી કાઢી છે. આ માટે તેમણે ખાસ નાસા પાસેથી મચ્છુ ડેમની આંકડાકીય માહિતી મગાવી છે. તો બીજિંગ અને સેન્ટ ફ્રાન્સિસ્કોમાં તેની ફાઈનલ ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં એવી અનેક બાબતો રજૂ થનાર છે જે મોરબી હોનારતનાં રહસ્યો પરથી પડદો ઊંચકશે. આથી જ શૈલેષભાઈ આ મામલે વધુ કશું કહેવા માંગતા નથી. અહીં તંત્રને ક્યાં ખામી રહી ગઈ તેની જાણ થાય કે ન થાય તેનો કોઈ અર્થ રહેતો નથી, પણ ૩૮ વર્ષ બાદ પણ મોરબીવાસીઓને હજુ કયા કારણોસર તેમના સ્વજનો હોનારતનો ભોગ બન્યા હતા તેની ખબર નથી પડી તે મોટી કરુણતા છે.
————–