સાંપ્રત પ્રદેશ – તમાકુ ન ખાવાના શપથ લીધા

મહાજન વગરનાં ગામોમાં જીવદયાનાં કાર્યો

પ્રદેશ વિશેષ

તમાકુ ન ખાવાના શપથ લીધા
રાજકોટના નાનામવા સ્મશાનમાં મૃતદેહ પર હાથ મુકી શપથ લેવામાં આવી રહ્યા હતા. આ દ્રશ્ય અચંબામાં મુકી દેનારું હતું. વાત એમ હતી કે ગત રર જુલાઈએ માત્ર ૪ર વર્ષની જેની વય હતી તેવા કેતનભાઈ ઘેરવડાનો કૅન્સરની બીમારીએ ભોગ લીધો હતો. તમાકુના વ્યસને આ યુવાનનો ભોગ લેતા ત્રણ સંતાનો નોધારા થઈ ગયા હતા, જ્યારે કેતનભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારના સભ્યોની આંખમાંથી અશ્રુઓનો દરિયો વહી રહ્યો હતો. મૃતદેહને સ્મશાનમાં અગ્નિદાહ માટે લાવવામાં આવ્યો અને મુખાગ્નિ આપતાં પહેલાં જ્ઞાતિના આગેવાન સુરેશભાઈ ચાવડાનું આ દ્રશ્ય જોઈને હૈયંુ ભરાઈ આવ્યું. તેમણે તમાકુનું વ્યસન બીજા કોઈના ઘરનો મોભી છીનવી ન લે તે માટે એક નાનકડો પ્રયાસ કરવા સ્મશાનમાં આવેલા ડાઘુઓ કે જેઓ વ્યસની હતા તેમને મૃતદેહના માથે હાથ મુકીને વ્યસનને કાયમી ધોરણે તિલાંજલિ આપવા અપીલ કરતા સાતેક વ્યક્તિઓ હવેથી તમાકુ ન ખાવાના શપથ લેવા તૈયાર થઈ ગયા હતા. શપથ લેનારાઓમાં મૃતક કેતનભાઈના ભાઈ વિમલભાઈ પણ હતા. તેઓ કહે છે, ‘મારા ભાઈનો વ્યસને ભોગ લીધો. આથી અમે નક્કી કર્યું કે, હવે તમાકુને કયારેય હાથ ન અડાડવો. મારા ભાઈના મૃતદેહ પર હાથ મુકીને મેં પણ આ શપથ લીધા છે. હું વર્ષોથી તમાકુનું સેવન કરતો હતો.’ નોંધનીય છે કે તમાકુનું વ્યસન કરતાં લોકો આનો ભોગ બનતા હોવા છતાં સમાજમાંથી આ બદી સંપૂર્ણપણે નાબૂદ થતી નથી ત્યારે આવી પહેલ ઘણા લોકોનું જીવન બદલી શકે છે.
————-.

મહાજન વગરનાં ગામોમાં જીવદયાનાં કાર્યો
કચ્છમાં વરસાદ અનિયમિત છે. આવી સ્થિતિમાં પશુઓ અને પશુપાલકોની હાલત કફોડી બની જાય છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ માંડવી તાલુકાના ૨૫થી વધુ મહાજનવિહોણા ગામોમાં છેલ્લાં છ વર્ષથી ઘાસચારા વિતરણનું કામ કરે છે. સંસ્થાના પ્રમુખ વાડીલાલ દોશીના જણાવ્યા મુજબ, ‘દુષ્કાળમાં પીડાતા પશુધનને જોઈને તેમના માટે ઘાસ વિતરણ કરવાનો વિચાર આવ્યો હતો. પ્રોજેક્ટ ચૅરમેન નવીનભાઈ બોરિચાની મદદથી આ કામ ચાલી રહ્યું છે. માંડવી ચેમ્બરની ટહેલને દાતાઓ દ્વારા ઉત્તમ પ્રતિસાદ મળે છે. અમેરિકા, લંડન, ચેન્નઈ, મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ અને ભુજમાંથી દર વર્ષે ૪૦ લાખથી વધુનું દાન મળી રહે છે.’ જે ગામોમાં મહાજન હોય તે ગામોમાં ગાયોને ચારો મળી રહે છે. ચેમ્બર દ્વારા દાન માટે નખાયેલી ટહેલને પ્રતિસાદ મહાજનના લોકો દ્વારા જ મળે છે. આમ મહાજનના દાનથી મહાજનવિહોણા ગામોમાં જીવદયાની પ્રવૃત્તિ થાય છે. રોજ રોજ ૧૪ કે ૧૬ પૈડાંવાળી ટ્રકમાં લીલો ચારો ગાંધીનગરના ગ્રામ્યવિસ્તારમાંથી મગાવાય છે. તાલુકાનાં બે મોટાં સેન્ટરોમાં આ મોટી ટ્રક ઊભી રહે છે અને જે ગામોને ચારો આપવાનો છે તે ગામોના લોકો ટ્રેક્ટર લાવીને રોજનો ૪૦ મણ ચારો લઈ જાય છે. અત્યાર સુધીમાં ૧.૮૦ કરોડના ચારાનું વિતરણ કરાયું છે. ઉપરાંત ૧૫ ગામોમાં પશુઓને પાણી માટેના અવાડા બનાવાયા છે, ડંકી બેસાડાઈ છે. રોજ આ અવાડા ભરવામાં આવે છે. તેમ જ ધણીવગરની ગાયોને સાચવતી પાંચ પાંજરાપોળોને પાંચ દિવસે એક ગાડી ઘાસની આપવામાં આવે છે.
————-.

સ્વચ્છતા માટે વૉટ્સઍપ કરો
ભારત દેશને ગંદકી મુક્ત બનાવવા માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે, ત્યારે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા ખાસ અભિયાન શરૃ કરવામાં આવ્યંુ છે. સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર મુસાફરોની અવર જવર વધુ હોય છે. લોકો ગમે ત્યાં ગંદકી કરતા હોય છે. ત્યારે ઘણા એવા પણ છે જેઓ ગંદકીને સહન નથી કરતા. છતાં ચુપ રહેતા હોય છે. ત્યારે પશ્વિમ રેલવેએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોઈ પણ વ્યક્તિને ગંદકી દેખાય તો તે તરત જ તેનો ફોટો પાડીને રેલવે ડિવિઝનના નંબર પર વૉટ્સઍપ કરી શકે છે. વૉટ્સઍપ પર મળેલા ફોટાના આધારે તંત્ર સફાઈ કામ હાથ ધરી જે-તે જગ્યાથી ગંદકી દૂર કરાવે છે. આ સેવા ૨૪ ક્લાક ચાલે છે. ૯૭૨૪૦ ૯૬૯૦૫ નંબર પર ગંદકીના ફોટા પાડીને મોકલવામાં આવે તો તે જગ્યાને સફાઈ કામદાર તરત જ સાફ કરી ગંદકી દૂર કરે છે. આ વિશે વાત કરતા હેલ્થ ઇન્સ્પેક્ટર અશ્વિન પટેલ કહે છે કે, ‘આ પ્રયત્નોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોઈ રેલવે સ્ટેશન પર હોય અને ગંદકી દેખાય તો તે ફોટા પાડીને મોકલાવી શકે છે. અમે તેનો નિકાલ કરીએ છીએ.’ રેલવે દ્વારા શરૃ કરવામાં આવેલા આ અભિયાનમાં દરેક વ્યક્તિ ફાળો આપી રહી છે, પરંતુ હકીકતમાં તો ગંદકી કરવાની ટેવ ધરાવતી પ્રજાને આવા પ્રયત્નોથી સુધારી શકાશે કે કેમ તે સવાલનો જવાબ આપવો જરા અઘરો છે.
——————-

દેવેન્દ્ર જાનીસુચિતા બોઘાણી કનરહેતલ રાવ.
Comments (0)
Add Comment