સુખમાં દુઃખનું સ્મરણ મધુર બની રહે છે

તીવ્ર સ્મરણશક્તિ અભિશાપ બની જવાનો પૂરો સંભવ રહે છે.
  • પંચામતૃ – ભૂપત વડોદરિયા

લગ્ન જીવનનાં પચાસ વર્ષ પૂરાં કરી ચૂકેલાં એક વૃદ્ધ દંપતી માટે અવસર તો હતો ખુશાલીનો, પણ આનંદના આવા અનોખા પ્રસંગે પત્ની કશુંક એવું બોલતી હતી, જે સાંભળીને પતિના ચહેરા પર ક્ષોભ અને અણગમાના ભાવો આવી જતા. પત્નીનો ઇરાદો આવા શુભ પ્રસંગનો ઉમંગ જરાય ઓછો કરવાનો નહોતો, પણ કદાચ તેને ખ્યાલ જ નહીં રહ્યો હોય કે નહીં કહેલી – નહીં કહી શકાયેલી વર્ષો જૂની નાની નાની – નજીવી નજીવી વાતોને યાદ કરવાનો કે પતિને તેની યાદ આપવાનો આ પ્રસંગ જ નહોતો. વર્ષો પહેલાંની એ નાની નાની વાતોનું કંઈ જ મહત્ત્વ નહોતું. આજે તેને યાદ કરવાની કશી જરૃર પણ નહોતી. છતાં પત્ની તો જાણે પોતાનાથી કહી નહીં શકાયેલી નાની નાની વાતો કહેવાનો આ જ ખરો મોકો હોય તેમ બોલ્યે જતી હતી – પતિના ચહેરા પર વારંવાર ક્ષોભ અને પીડાના ભાવો આવી જતા હતા.

માણસ વર્ષો જૂની નાની નાની વાતોનું આવી રીતે ખોટા સમયે અને ખોટા પ્રસંગે રટણ કરવાની લાલચ રોકી શકતા નથી અને તેથી તેઓ ખરેખર ખરા પ્રસંગે જીવવાનું જ ભૂલી જાય છે! જે સ્ત્રી દાંપત્યજીવનનાં પચાસ વર્ષ પૂરાં કરવા સદ્ભાગી બની છે તેને પોતાના આવા સદ્ભાગ્યનું સાચું મૂલ્ય મનમાં વસ્યું નથી – તે તો આટલી લાંબી યાત્રામાં અહીંતહીં વાગેલા ધક્કા, થોડાક કાંટા, થોડાક ઉઝરડા અને થોડાક કઠોર શબ્દોને ભૂલી જવાને બદલે ખાસ આ પ્રસંગે જ યાદ કરીને જાણે એવું સાબિત કરવા માગે છે કે મારા સુખનો ચંદરવો એકથી એક ચઢિયાતાં આભલાંથી જ ભરેલો નથી – એમાં ઠેર ઠેર ઝીણાં ઝીણાં કાણાં છે તેની તરફ હું તમારું ધ્યાન આજના પ્રસંગે ખાસ દોરું છું.

પચાસ વર્ષ પહેલાં પોતાનાં લગ્ન થયાં ત્યારે તેમના પતિ પાસે કંકોત્રી છપાવવાના પૈસા નહોતા એ હકીકત તેમને અત્યારે યાદ કરવાનું મન થાય છે, પણ એમાં આવો અફસોસ શા માટે? પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે તો મોંઘામાં મોંઘી કંકોત્રી છપાવી શકવાની સારી સ્થિતિમાં તે આવી ગયા હતા તેનું શું? આવી સારી સ્થિતિ માટે ઈશ્વર સહિત કોઈનો પાડ માનવો હોય તો માનો અને ન માનવો હોય તો ન માનો, પણ આવી સારી સ્થિતિ પ્રાપ્ત થઈ તે હકીકતની તુલનામાં પેલી નાની હકીકતનું શું મહત્ત્વ છે? આવી વાત યાદ કરવામાં ખરેખર ખોટું કંઈ નથી – જો તમે તેમાં રહેલાં ડંખ અને કડવાશને નિતારી નાખી શક્યા હો તો કંઈ ખોટું નથી. ભૂતકાળની એ નાની નાની વાતોમાંથી તમે ડંખ અને કડવાશને નિચોવી શક્યા હશો તો એ પ્રસંગોનું સ્મરણ નરી ગમ્મત બની જશે.

તીવ્ર યાદશક્તિ સારી વાત છે, પણ યાદ રાખવા જેવું શું છે અને ભૂલવા જેવું શું છે તેનો વિવેક નહીં હોય તો તીવ્ર સ્મરણશક્તિ અભિશાપ બની જવાનો પૂરો સંભવ રહે છે. ઘણુંબધું યાદ રાખવા જેવું હોય છે અને ઘણુંબધું ભૂલી જવા જેવું હોય છે, છતાં તમે કંઈ પણ યાદ રાખી શકો તેમ હો અને યાદ રાખવા માગતા હો તો જરૃર યાદ રાખો, પણ તેમાંથી ડંખ અને કડવાશનો કાંટો દૂર કરી શકો તેમ હો તો જ તેને સ્મરણપોથીમાં દાખલ કરો. તમે જો માત્ર ડંખ અને કડવાશ જ યાદ કરવા માગતા હશો તો તમારા માટે આજનો તાજો દિવસ વીતી ગયેલી કોઈક ક્ષણની કાળી શાહીના ઊડેલા છાંટાથી ખરડાઈ ગયેલો બની જશે.

વીતી ગયેલી વાતોમાંથી તમે ડંખ અને કડવાશને જો દૂર કરી શકો તો તેની સ્મૃતિ ‘સ્મરણનો જ લહાવો’ બની જશે. જે ડંખને દૂર કરી શકે છે, ભૂલી જવા જેવું ભૂલી શકે છે અને ઘણુંબધું માફ કરી શકે છે તેનો જીવવાનો આનંદ જુદો જ હોય છે, પણ માણસો કોણ જાણે કેમ પાછલા હિસાબો ફરી ફરીને ઊથલાવવાની અને સરભર કરવાની જીદ છોડી જ શકતા નથી. આજે ખીલેલાં ફૂલ જોઈ શકતા નથી. આજે ખીલેલાં ફૂલ જોતી વખતે કે કોઈને બતાવતી વખતે વર્ષો પહેલાંના કાંટા ત્યાં હાજર કર્યા વિના રહી શકતા નથી. આજના ફૂલને ગઈ કાલના એ કાંટા સાથે સીધો કોઈ સંબંધ નથી. આજની સુખની ક્ષણે ગઈ કાલનું દુઃખ યાદ કરીને તેને વિશેષ માણી શકતા હો તો જરૃર માણો. સુખમાં દુઃખનું સ્મરણ મધુર બની રહે છે અને બની રહેવું જોઈએ. એ જ રીતે દુઃખમાં સુખનું સ્મરણ આશ્વાસનરૃપ બનવું જોઈએ. આજે દુઃખ છે, ગઈ કાલે સુખ હતું, આવતી કાલે સુખ આવશે. સ્મરણશક્તિને આવા રચનાત્મક અને પ્રસન્નતાપ્રેરક બળ તરીકે વાપરવાને બદલે તેને નકારાત્મક અને નિરાશાપ્રેરક કળ તરીકે જ વાપરશો તો આજની ક્ષણની મીઠી બદામને ગઈકાલની કડવાશથી ચાવવા જેવો ઘાટ થશે.

ફ્રેન્ચ લેખક જીન દ લા બ્રુયરનું એક સરસ વિધાન છે – માણસની જિંદગી એટલે ત્રણ ઘટના ઃ જન્મ, જીવન અને મૃત્યુ. માણસને પોતાના જન્મની ક્ષણનું ભાન સંભવી ન શકે, તે પીડામાં મૃત્યુ પામે છે અને જીવવાનું ભૂલી જાય છે. જે સૌથી મહત્ત્વનું છે તે ભૂલી જાય છે.

કેટલાક માણસો જિંદગીને નર્યા કુતૂહલનો વિષય બનાવી દે છે – જિંદગી નર્યા કુતૂહલનો વિષય નથી. જે તેને વિસ્મયનો વિષય બનાવે છે તેને જિંદગી જીવવાની ખરી મજા પડે છે. જિંદગીને અહંકાર અને આક્ષેપના બે ખીલાની વચ્ચે તાણીને બાંધવા જેવી નથી.
—————-

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment