સમાજ – હિંમત કાતરિયા
મુજફ્ફરપુર બાલિકા ગૃહ બળાત્કાર કાંડ આશ્રયની આડમાં હવસના શિકારની કહાની છે. બાળકીઓને પહેલા શેલ્ટર હોમની મહિલા કર્મચારીઓ સાથે સૂવા માટે મારઝૂડ કરીને ફરજ પાડવામાં આવતી, બાદમાં મહિલા કર્મચારીઓ એ બાળકીઓને પુરુષોને ખુશ કરવા અન્ય કમરાઓમાં લઈ જતી. સરકારી સહાયથી ચાલતા બાલિકા ગૃહમાં ડઝનો બેસહારા છોકરીઓ સાથેના જુલમની લોહી ઊકળી ઊઠે એવી આ કથની અનેક સવાલો ઊભા કરે છે.
મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ સગીરા પર બળાત્કારની ઘટનામાં નીતિશ સરકારે રેતીમાં મોં ઘાલવા જેવી સ્થિતિ થઈ છે. હવે મુખ્યમંત્રી ચમરબંધીને પણ નહીં છોડવાની વાત કરે છે, પણ ઘટનાના બે મહિના પછી પણ પોલીસ મુખ્ય આરોપી મધુને શોધી શકી નથી કે નથી તો સીબીઆઈ પાસે તેનો કોઈ સુરાગ. મીડિયાને મળેલી જાણકારી પ્રમાણે મધુ નેપાળ થઈને વિદેશ ભાગી ગઈ છે. આગળની તપાસ માટે મધુ પકડાવી જરૃરી છે. કેમ કે તે બ્રજેશ ઠાકુર જેટલી જ પાવરફુલ થઈ ગઈ હતી. સગીરાઓને જબરદસ્તી રેપ કરાવવામાં તેની મહત્ત્વની ભૂમિકા હતી. બાલિકા ગૃહ રેપ કાંડમાં કોણ-કોણ પાવરફુલ લોકો સંડોવાયેલા છે તેનો ખુલાસો મધુની ધરપકડ બાદ જ થઈ શકે તેમ છે.
મધુની કરમ કહાની જરા વિચિત્ર છે. ૨૦૦૩માં મુજફ્ફરપુરમાં યુવા આઇપીએસ અધિકારી દીપિકા સુરીએ શહેરના કુખ્યાત રેડ લાઇટ વિસ્તાર ચતુર્ભુજમાં પરાણે દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલી છોકરીઓને ત્યાંથી છોડાવવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત તેમણે એક ઘરમાંથી ડઝન જેટલી છોકરીઓ છોડાવી હતી. તેમાંની એક શેલ્ટર હોમ રેપકાંડની ખલનાયિકા મધુ હતી. એક સરકારી કાર્યક્રમમાં બ્રજેશ ઠાકુરની નજર ૨૦ વર્ષની મધુ પર ઠરી. બ્રજેશે મધુને નવજીવન પ્રદાન કરવાની ઑફર આપી પોતાના એનજીઓમાં જોડી. ધીમે-ધીમે મધુ બ્રજેશનો પડછાયો બનીને તેની સાથે રહેવા લાગી. બ્રજેશનાં નાનાં-મોટાં કામ સાથે તે જોડાયેલી રહેતી. મધુ મોટા લોકોને એનજીઓની સગીરાઓ મોકલવા લાગી. આવી રીતે પરસ્પરના સહયોગથી બ્રજેશની સાથે સાથે મધુનું પણ કદ વધતું ગયું. મધુ ફરી જૂની જિંદગી તરફ ઢળવા લાગી. બ્રજેશ અને એના સાથીઓને બાળકીઓ અને છોકરીઓ સપ્લાય કરવા લાગી. તપાસ અધિકારીઓ પ્રમાણે, પાવરફુલ લોકો પાસે લાચાર અને મજબૂર છોકરીઓને ભોગ ધરાવવાના બદલામાં મધુ પોતાનું કામ કઢાવતી હતી. તે ઘણા મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં હતી. તેનું કદ બ્રજેશના કદથી સહેજેય ઓછું નહોતું. તે સોદો કરવા માટે પટનાથી દિલ્હી પણ જતી હતી. સૂત્રો પ્રમાણે, પીડિતાઓએ મધુ સામે જ સૌથી વધુ આરોપો લગાવ્યા છે.
બાલિકા ગૃહમાં ભારેખમ દિવસ પુરો થતો અને સાંજ ઢળ્યે બાલિકાઓ ફફડી ઊઠતી હતી. મુજફ્ફરપુરમાં સરકારી મદદથી ચાલતા એ બાલિકા ગૃહની એ ભયાવહ હકીકત જે હવે સગીરાઓ પરના બળાત્કારના અડ્ડા તરીકે કુખ્યાત થઈ ગઈ છે. એમાં રહેતી એક ૧૦ વર્ષની અને બીજી ૧૪ વર્ષની બાળકીએ પટનાની એક વિશેષ પોક્સો કોર્ટમાં કથની કહી, ‘જ્યારે હંટરવાલે અંકલ(બ્રજેશ ઠાકુર) આવતા ત્યારે અમે બધી ધ્રૂજી ઊઠતી.’ ૧૦ વર્ષીય બાલિકાને યાદ છે કે બળાત્કાર પહેલાં તેને કેવી રીતે નશીલો પદાર્થ ખવડાવવામાં આવતો હતો. પ્રાઇવેટ પાર્ટમાં દર્દ સાથે તે બેહોશીમાંથી જાગતી હતી અને શરીર પર મારના નિશાન પણ જોતી. બાળકીઓએ કહ્યંુ કે જ્યારે કોઈએ ઠાકુરની હરકતોનો વિરોધ કર્યો ત્યારે તેને અસહ્ય માર પડ્યો હતો. બધી છોકરીઓનો ડર અને પીડા લગભગ એકસરખી છે. એક સાત વર્ષીય બાળકીએ કોર્ટને કહ્યું કે, લગભગ બધાએ તેને ભોગવી છે. ઠાકુર સામે ફરિયાદ કરવાના બદલામાં તેને લોખંડની પાઇપથી ફટકારવામાં આવી. હાથ-પગ બાંધીને બળાત્કાર કરવામાં આવ્યો. વિરોધ કરતા તેને ભૂખી રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો. આખરે ઠાકુરને ખુશ કરવા એ બાળકીએ આત્મસમર્પણ કરવું પડ્યું.
એક બાળકીએ કોર્ટને કહ્યું, ‘એનજીઓના પદાધિકારીઓ અને કેટલાક બહારના લોકો દ્વારા વારંવાર બળાત્કાર કરવાના કારણે હું સરખી રીતે ચાલી પણ નહોતી શકતી. ક્યારેક-ક્યારેક તો મોટી છોકરીઓને રાત્રે બહાર પણ લઈ જવાતી હતી.’ એક ૧૧ વર્ષીય બાળકીએ બળાત્કારીની ઓળખ ‘તોંદવાલે અંકલજી’ તરીકે કરી જ્યારે બીજીએ ‘મૂંછવાલે અંકલજી’ તરીકે કરી. કેટલીક બાળકીઓએ બળાત્કારીની ઓળખ ‘હેડ સર’ તરીકે કરી હતી. આ હેડ સર એ જ જિલ્લા સમાજ કલ્યાણ સમિતિના ફરાર અધ્યક્ષ દિલીપ કુમાર વર્મા છે. આ બાળકીઓ બળાત્કારીઓની અસલી ઓળખ નથી જાણતી, તેમને તેમના ભયાનક ચહેરાઓ અને કદ-કાઠી જ યાદ છે. ગત મહિને આ બાલિકા ગૃહની ૪૨ બાળકીઓની મેડિકલ તપાસ થઈ જેમાં ૩૪ બાળકીઓ સાથે બળાત્કાર અને ઓછામાં ઓછી ત્રણના ગર્ભપાત કરાયા હોવાનું બહાર આવ્યું. ત્રણ અત્યારે પણ ગર્ભવતી છે. મોટા ભાગની બાળકીઓની ઉંમર ૭થી ૧૪ વર્ષ વચ્ચેની છે અને તેમાંની મોટા ભાગની છોકરીઓ અનાથ છે.
આ રેપ કાંડમાં ધરપકડ કરવામાં આવેલા ૧૦ લોકોમાં નેહા કુમારી અને કિરણ કુમારી, બે મહિલાઓ પણ છે. આ કાંડમાં સમાજ કલ્યાણ વિભાગના જિલ્લા સ્તરે નિયુક્ત બાળ સંરક્ષણ પદાધિકારી સ્તરના ૮ અધિકારીઓને કલ્યાણ ગૃહોમાં યૌન શોષણની જાણ હોવા છતાં કાર્યવાહી નહીં કરવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. રેપ કાંડના મુખ્ય સૂત્રધાર વિકાસ સમિતિના મુખ્ય સંરક્ષક બ્રજેશ ઠાકુરના મોબાઇલમાંથી ઘણા રહસ્યો ખૂલશે. બ્રજેશના નજીકના લોકો સુધી પહોંચવામાં મોબાઇલ મદદરૃપ થશે. સીબીઆઈ બ્રજેશના મોબાઇલની કોલ ડિટેલનો અભ્યાસ કરી રહી છે. દરમિયાન પશ્ચિમ ચંપારણન બેતિયાના એક યુવકે મુજફ્ફરપુર પોલીસને એક ગુપ્ત પત્ર લખીને બ્રજેશ ઠાકુરના અન્ય કેટલાય કારનામાનો ખુલાસો કર્યો છે.
બિહાર સરકારની નોડલ એજન્સી સમાજ કલ્યાણ વિભાગે આ બાળકીઓની દેખભાળની જવાબદારી જેની ખુદની વિશ્વાસનીયતા સંદિગ્ધ હતી એક એવા બિનસરકારી સંગઠને સોંપી. ભલું થજો મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ(ટીઆઈએસએસ)નું કે તેની ટીમ સોશિયલ ઓડિટ પ્રોગ્રામ હેઠળ ત્યાં પહોંચી નહીંતર બાળકીઓ સાથે યાતનાનો અંતહીન દોર ચાલુ જ રહેત. તેને સમગ્ર બિહારનાં ૧૧૦ આશ્રય ગૃહોનું સોશિયલ ઓડિટ કરવા માટે નિયુક્ત કરવામાં આવી હતી.
તંત્ર સાથે ઠાકુરની એટલી સાઠગાંઠ હતી કે ટીઆઈએસએસનો રિપોર્ટ એપ્રિલ મહિનામાં દાખલ થયો હતો, પરંતુ પોલીસે ઠાકુરના એનજીઓ સામે છેક ૩૧ મેના રોજ એફઆઇઆર દાખલ કરી. અરે, એ જ દિવસે તેને ભિખારીઓ માટે શેલ્ટર હાઉસ ચલાવવાની મંજૂરી પણ મળી ગઈ. જોકે ૩ જૂને સમાજ કલ્યાણ વિભાગે ઉતાવળે નવો પ્રોજેક્ટ રદ્દ કરી દીધો. સૂત્રો પ્રમાણે, ઠાકુરના એનજીઓ સામે આપેલા રિપોર્ટને સમાજ કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નજરઅંદાજ કરીને ૨૦૧૩માં બાલિકાઓ માટે શેલ્ટર હોમ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. સૂત્રો પ્રમાણે, મુજફ્ફરપુરમાં પાંચ બાલિકા સંરક્ષણ અને મહિલા સંરક્ષણ ગૃહ ચલાવવા માટે દર વર્ષે ઠાકુરને ૧ કરોડ રૃપિયા મળતા હતા. ઠાકુર પોતાના અખબાર પ્રાતઃ કમલની ૩૦૦ કોપી છાપતો હતો અને ૬૦,૮૬૨ કોપી બતાવીને વર્ષે ૩૦ લાખ રૃપિયાની જાહેરાત મેળવતો હતો. ઠાકુરના સગા મહિલાઓ માટે સમસ્તીપુરમાં હસ્તકલા પ્રશિક્ષણ કેન્દ્ર, શ્રમિકોને જોડતી એક યોજના અને બેતિયામાં એક મહિલા ગૃહ વામા શક્તિ વાહિનીનું સંચાલન કરે છે. ઠાકુરના એનજીઓને મહિલાઓને વ્યવસાયિક પ્રશિક્ષણ આપીને આત્મનિર્ભર કરવા માટે એક સ્વાધાર ગૃહ ચલાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે. ૧ ઑગસ્ટે પોલીસના દરોડામાં ત્યાંથી ભારે માત્રામાં નિરોધનાં પેકેટ, ઊંઘની ગોળીઓ અને કેટલીક ખાલી દારૃની બોટલો જપ્ત થઈ હતી. અહીં દેહવ્યાપાર થઈ રહ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઠાકુરની ૨૮ જુલાઈએ અન્ય આરોપીઓ સાથે ધરપકડ કરવામાં આવી. ધરપકડ સમયે પણ તેના ચહેરા ઉપર દંભી હાસ્યની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. હવે ઠાકુર જેલમાં છે ત્યારે બળાત્કાર અને મહિલાઓના શોષણની એક પછી એક કહાનીઓ બહાર આવી રહી છે. મુજફ્ફરપુરમાં જ સંચાલિત અન્ય એક આશ્રય ગૃહમાં રહેતી ૧૧ મહિલા પોતાનાં ચાર બાળકો સાથે લાપતા છે. આ મુદ્દે જુલાઈમાં એક અલગ એફઆઇઆર નોંધાઈ છે. મુજફ્ફરપુર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રવિ રોશનની પણ ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેની પત્ની શિબા કુમારીએ આ મામલામાં સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ ચન્દ્રેશ્વર વર્માની ભૂમિકાની તપાસની પણ માગ કરી છે. શિબા કુમારીનું કહેવું છે કે ચન્દ્રેશ્વર વર્મા પણ આ આશ્રય ગૃહમાં વારંવાર જતા હતા.
આમ અનાથ અને બેસહારા છોકરીઓને આશ્રયની આડમાં તેમની આબરૃ લૂંટવાની અને જુલમની કંપારી લાવી દે તેવી હકીકતો ધીમે-ધીમે બહાર આવી રહી છે. અહી કેટલીક વક્રોક્તિઓ સામે આવે છે. બાળ આશ્રયનું ઠેકાણુ જ બાળકોને નર્કાગારમાં ધકેલે છે અને જે મહિલાને શુભ ઉદ્દેશથી દેહવ્યાપારમાંથી છોડાવી તે જ મહિલા સાત વર્ષ સુધીની નાની બાળકીઓને ફરજિયાત સેક્સ ક્રિયામાં ધકેલે છે. બાળકીના પ્રતિકારના બદલામાં તેમને ફટકારવામાં આવે છે, ભૂખી રાખવામાં આવે છે. પીડિત વંચિતોને ગૌરવપૂર્ણ જીવન અપાવવાની સૌથી વધુ જવાબદારી જેના શિરે છે તે પાવરફુલ નેતા, અધિકારીઓ જ આ મજબૂર, લાચાર સગીર છોકરીઓના શરીરને ભોગવવાનો પાશવી આનંદ લે છે એ પણ કંઈ કમ વિચિત્ર બાબત નથી.
————–