વિશ્વવૃત્ત
બલ્ગેરિયાના વૃદ્ધનો નવો વર્લ્ડ રેકોર્ડ
તમારા હાથ અને પગ બાંધેલા હોય, તમારા આખા શરીરે કપડાંની થેલી વીંટળાયેલી હોય અને આવી સ્થિતિમાં તમને કોઈ સ્વિમિંગ કરવાનું કહે તો તમે શું કહેશો? તમે કહેશો કે શું મજાક કરો છો? આવું તે કાંઈ થોડું શક્ય છે? તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આગળ વર્ણન કર્યું તેવી સ્થિતિમાં એક જાંબાઝ વ્યક્તિએ સ્વિમિંગ કરી બતાવીને નવો જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વધારે આશ્ચર્ય ઉપજાવે તેવી વાત તો એ છે કે જીવના જોખમે કરેલો આ દિલધડક સ્ટંટ કોઈ યુવાને નહીં, પરંતુ બલ્ગેરિયાના એક ૬૪ વર્ષીય વૃદ્ધે કરી બતાવ્યો છે. સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર અને સાહસવીર યેન પેટકોવ નામના ૬૪ વર્ષીય વૃદ્ધે સ્વિમિંગમાં વિક્રમો સર્જનારા દંતકથા સમાન ખેલાડીઓ હૌડીની અને માઇકલ ફેલ્પ્સને પોતાના આ નવા પરાક્રમ દ્વારા જાણે કે પડકાર ફેંક્યો છે. હાથ-પગ બાંધેલી સ્થિતિમાં હોવા છતાં અને આખા શરીરે કપડાંની થેલી વીંટળાયેલી હોવા છતાં તેમણે તરી બતાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ માટે દાવો કરી દીધો છે. ૨૦૧૩માં ભારતીય માછીમાર ગોપાલ ખારવીએ હિન્દ મહાસાગરમાં ૩૦૭૧ મીટર સ્વિમિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત, ગોપાલ ખારવીના શરીર પર કપડાંની બેગ વીંટળાયેલી ન હતી. યેન પેટકોવે મેસેડોનિયાના લેક ઓહરીડમાં ૩૩૮૦ મીટર સ્વિમિંગ કરીને ભારતીય માછીમારના રેકોર્ડને તોડી નાખ્યો છે. આ સમયે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સના પ્રતિનિધિઓ તેમજ રેડક્રોસ અને વૉટર સ્પોટ્ર્સ ક્લબના ઓબ્ઝર્વર્સ ત્યાં હાજર રહ્યા હતા.
————————-.
ખજાનાની શોધમાં કૂવો ખોદતા મહાશય
બ્રિટનના પ્લાયમાઉથ સિટીમાં રહેતા એક મહાશય પોતાના મકાનના લિવિંગ રૃમમાંથી કૂવો મળી આવ્યા બાદ છેલ્લા છ મહિનાથી ખજાનાની શોધમાં તેને ખોદી રહ્યા છે. કોલિન સ્ટીઅર નામના આ મહાશય પત્ની વેનેસા સાથે ૧૯૮૦ના દાયકામાં અહીં રહેવા આવ્યા હતા. તે સમયે તેમને મકાનના લિવિંગ રૃમના ફ્લોરિંગનો થોડો ભાગ બેસી ગયેલો જણાયો હતો. તેમણે કુતૂહલવશ ફ્લોરિંગ કાઢ્યું ત્યારે નીચેથી એક કૂવો મળી આવ્યો હતો. કૂવામાં આગળ ખોદવાથી ખજાનો મળી આવે તેવા આશય સાથે દંપતીએ કૂવો ખોદવાનું નક્કી કર્યું હતું. હમણાં થોડા સમય પહેલાં સરકારી સેવામાંથી નિવૃત્ત થયા કે તરત જ કોલિને સૌથી પહેલાં કૂવો ખોદવાનું કામ હાથ પર લીધું હતું. આ માટે તેમણે મિત્રોની પણ મદદ લીધી હતી. સમય મળે ત્યારે તેઓ કૂવો ખોદવાનું કામ કરતા ગયા હતા. આમ એક બે દિવસ કરતાં કરતાં છ મહિના વીતી ગયા છે. કોલિને પોતાના આ સાહસ વિશે જણાવ્યું કે, ‘અમારા પાડોશીઓ અને મિત્રોની મદદથી અમે ૧૭ ફૂટ ઊંડે સુધી ખોદી કાઢ્યું છે, પણ હજુ સુધી કશું હાથ લાગ્યું નથી. કૂવામાં હજુ આગળ ખોદવાથી સોનામહોરો ભરેલા ઘડાનો ખજાનો મળવાની મને આશા છે. આથી નિવૃત્ત થયા બાદ હું આ કામ છેલ્લા છ મહિનાથી કરી રહ્યો છું. મેં હજુ હિંમત નથી હારી અને આગળ ખોદવાનું કામ જારી રાખવાનો છું.’
————————-.
ગુમ થયેલી મહિલા પાઇલટનું રહસ્ય ઉકેલાયું
વર્ષ ૧૯૩૭માં નાનકડા જેટમાં દુનિયા ખૂંદવા નીકળેલી અમેરિકન મહિલા પાઇલટ ગાયબ થઈ ગઈ હતી. ૩૯ વર્ષીય મહિલા પાઇલટ એમિલિયા ઇઅરહર્ટનું પ્લેન સમુદ્રમાં તૂટી પડ્યું હોવાનું માનવામાં આવતું હતું. જોકે, તેનું આમ અચાનક ગાયબ થઈ જવાનું રહસ્ય અકબંધ જ રહ્યું હતું અને ઇતિહાસના પાનામાં દફન થઈ ગયું હતું, પરંતુ ઘટનાના ૮૧ વર્ષ બાદ આનું રહસ્ય ઉકેલાયું છે. સંશોધનકારો મુજબ તેના પ્લેન ઇલેક્ટ્રાના એન્જિનમાં ખામી સર્જાયા બાદ તે સમુદ્રમાં તૂટી પડ્યું હતું. સંશોધનકાર રિક ગિલેસ્પીના માનવા પ્રમાણે હવાઈથી ૨,૦૦૦ માઈલ દૂર દક્ષિણ પ્રશાંત મહાસાગરના એક નિર્જન ટાપુ પર એમિલિયાનું પ્લેન તૂટી પડ્યું હતું. તેમની પાસે આ ઘટનાને સંલગ્ન પુરાવાઓ પણ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગિલેસ્પીએ આ કેસ સાથે સંકળાયેલી ઘટનાઓનો ૩૦ વર્ષ અભ્યાસ કર્યાે છે. એમિલિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું તે પછી નેવી દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું. એમિલિયાએ મદદ માટે કરેલા કોલ્સ હજારો માઈલ દૂર લગભગ ડઝનેક લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા તેવું સંશોધનમાં જણાવાયું છે. એમિલિયાના હેલ્પ માટેના કોલ ફ્લોરિડા, આયોવા, ટેક્સાસ ઉપરાંત કેનેડામાં એક મહિલાએ પણ સાંભળ્યા હતા. આ મહિલાએ રેડિયોમાં એવો અવાજ સાંભળ્યો હતો કે, ‘અમે પાણીમાં ડૂબી રહ્યાં છીએ, અમારી પાસે વધુ સમય નથી.’ એમિલિયા સાથે તેનો નેવિગેટર ફ્રેડ નુનાન પણ હતો તેવું રિસર્ચ કહે છે. ૧૯૩૭માં બનેલી આ ઘટનાએ તે સમયે ભારે ઉત્તેજના જગાવી હતી.
————————-.
દૃષ્ટિકોણ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડનારા અમેરિકન
આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે ત્યારે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડત ચલાવનારા એકમાત્ર અમેરિકન સેમ્યુઅલ સ્ટોક્સ ઉર્ફે સત્યનંદાના યોગદાનને યાદ કરવું જરૃરી છે. ફિલાડેલ્ફિયામાં એક બિઝનેસમેન પિતાના ઘેર જન્મેલા સ્ટોક્સની ઉંમર ૨૨ વર્ષની હતી. તે ૧૯૦૪નું વર્ષ હતું. સ્ટોક્સ જરૃરતમંદોની સેવા કરવા માગતા હતા. હિમાલયની ગોદમાં વસેલા શિમલામાં રક્તપિત્તના દર્દીઓની સેવા-ચાકરી કરવા જવાનો તેમણે અચાનક જ નિર્ણય કર્યાે. પરિવાર તેમના આ નિર્ણયથી ખુશ નહોતો છતાં પિતાએ ભારત જવાની વ્યવસ્થા કરી આપી. સ્ટોક્સ ભારત આવી ગયા અને શિમલા નજીક કોટઘર ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવામાં લાગી ગયા. થોડા સમયમાં તેમને લાગ્યું કે દર્દીઓ તેમનામાં પોતાનાપણાની લાગણી અનુભવતા નથી. સ્ટોક્સ ન તો તેમના જેવા લાગતા હતા કે ન તેમની ભાષા બોલી શક્તા હતા. ટૂંક જ સમયમાં તેઓ પહાડી હિન્દી બોલતા થઈ ગયા, સ્થાનિક પહેરવેશ પણ અપનાવી લીધો.
એ સમયે ભારતમાં બ્રિટિશરાજ હતું. ભારતીયોને બ્રિટિશ આર્મીમાં જોડાવા ફરજ પડાતી. બ્રિટિશરો આ પ્રકારે ભરતી કરી તેમની પાસે મજૂરી જ કરાવતા હતા. હિમાચલ પ્રદેશના લોકોને ગુલામ બનાવતી નીતિરીતિ સામે સ્ટોક્સે આંદોલન ઉપાડ્યું. તેમણે બ્રિટિશ સરકારને પત્ર લખી ભારતીય કામદારોની વ્યથાને વાચા આપી. સ્થાનિક લોકો તેમને ભારતીય માનવા લાગ્યા. બ્રિટિશ સરકાર તેમની સામે ઝૂકી ગઈ અને ભારતીયોને મજદૂર બનાવતી વેઠપ્રથા નાબૂદ થઈ ગઈ. જોકે, આ ઘટના બાદ સ્ટોક્સ અંગ્રેજોની નજરમાં આવી ગયા હતા. ૧૯૧૯ની જલિયાંવાલા બાગની ઘટના બાદ તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવાનો નિર્ણય કર્યાે. તેઓ પંજાબ પ્રાંત કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા. ૧૯૨૦માં યોજાયેલા કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં ભાગ લેનારા સ્ટોક્સ એકમાત્ર અમેરિકન હતા. ૧૯૨૧માં બ્રિટિશ રાજવી એડવર્ડ આઠમાની ભારત મુલાકાતનો વિરોધ કરવા બદલ તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી અને છ મહિના લાહોર જેલમાં ગોંધી રાખવામાં આવ્યા. મહાત્મા ગાંધીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે હિન્દુ ધર્મ અપનાવી લીધો અને સેમ્યુઅલ સ્ટોક્સમાંથી સત્યનંદા બની ગયા. ૧૪ મે, ૧૯૪૬ના રોજ સત્યનંદાનું અવસાન થયું. સત્યનંદાના યોગદાનની કદાચ ઇતિહાસે બહુ નોંધ લીધી નથી, પરંતુ હિમાચલવાસીઓ આજે પણ તેમને યાદ કરે છે તે નોંધવું રહ્યું.
—————