હસતાં રહેજો રાજ – બોલવું પણ બાફવું નહીં

'કંઈ સમાચાર મળ્યા?' અંબાલાલે હાંફળા ફાંફળા આવીને હાંફતા હાંફતા પૂછ્યું.

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

આપણા દેશમાં અંગ્રેજી ભાષાનું આકર્ષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. અંગ્રેજો ગયા પણ અંગ્રેજી ભાષા મૂકતા ગયા છે. તેથી અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલો ભારત દેશ અંગ્રેજી ભાષાની ગુલામીમાં હજી પણ અકબંધ છે. લોકોને અંગ્રેજી આવડે અને બોલે તો બહુ વાંધો આવતો નથી, પરંતુ જે લોકોને અંગ્રેજી ભાષા આવડતી નથી છતાં બોલે ત્યારે વક્તા કરતાં શ્રોતાની મૂંઝવણ વધી જતી જોવા મળે છે.

‘કંઈ સમાચાર મળ્યા?’ અંબાલાલે હાંફળા ફાંફળા આવીને હાંફતા હાંફતા પૂછ્યું.

‘ના…’ મારાથી ધ્રાસ્કા સાથે બોલાઈ ગયું.

‘પથુભાને હાર્ડ એટેક આવ્યો.’

‘હાર્ડ એટેક નહીં, હાર્ટ એટેક… એટેક બધા હાર્ડ જ હોય…’ મેં સુધારો સૂચવ્યો.

‘સોરી… હાર્ટ એટેક… એ બધું એક જ કહેવાય.’

‘હવે કેમ છે?’

‘જીવે છે… એક્સીલેટર ઉપર રાખ્યા છે…’ અંબાલાલે ફરી બાફ્યું.

‘એક્સીલેટર નહીં વૅન્ટિલેટર…’ મેં ફરી ટોક્યો.

‘સોરી વૅન્ટિલેટર… એ બધું એક જ કહેવાય.’

‘જો અંબાલાલ… પથુભા જેવા પ્રજાવત્સલ ગલ્લાધારકને એટેક આવ્યો એ ખૂબ જ દુઃખની વાત છે. વળી, વૅન્ટિલેટર ઉપર છે ત્યાં સુધી ભયમુક્ત ન ગણાય.’

‘પથુભા કાયમ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરતા હતા, પણ અત્યારે પોતે ભયમુક્ત નથી એવું થયું છે.’ અંબાલાલે શબ્દ પકડી લીધો.

‘આપણે બાપુની તબિયત પૂછવા જવું જોઈએ. ગમે તેમ તોય આપણે એમના ગ્રાહક કહેવાય.’

‘તારી વાત સાવ સાચી છે. હું ભોગીલાલ અને ચુનીલાલને પૂછી જોઉં.’

‘ભોગીલાલ બસ લઈને ગયો હશે. એ સાંજે આવશે. ચુનીયો પણ સાંજે છૂટશે. અત્યારે ફોન કરવાનું રહેવા દે. આપણે સાંજે ખબર કાઢવા જઈશું.’ મેં કહ્યું.

‘ચંદુભા ફ્રી હોય તો એમને પણ નાખતા જઈશું.’ અંબાલાલ ઉવાચ.

‘બધાની ઇચ્છા હોય તો મને વાંધો નથી બાકી ચંદુભા તબિયત બગાડી નાખશે.’

‘કેમ?’

‘એમના મનમાં કંઈ નહીં, પણ બોલી નાખે અને ખબર પૂછવા કે ખબર કાઢવાને બદલે ખબર લઈ નાખે એવું કરે છે.’ મેં અનુભવ ઉપરથી કહ્યું.

‘તને કંઈક કડવો અનુભવ થયો લાગે છે.’

‘એમના પાડોશમાં મારા વાઈફના દૂરના કાકા રહે છે. કમળાશંકરકાકા… હવે થયું એવું કે કમળાશંકરને કમળો થયો.’

‘કમળાશંકરને કમળો ન થાય તો શું કબજિયાત થાય?’

‘કબજિયાત તો એમને વરસોથી હતી. એમાં વળી કમળો થયો. હું અને તારા ભાભી તબિયત પૂછવા ગયા હતા અને પડોશીના નાતે ચંદુભા આવી ચડ્યા.’

‘પછી.’

‘કમળાશંકરનો મોટો દીકરો નરેન્દ્ર થોડોક અક્કલમઠ્ઠો છે. એ વળી અંગ્રેજી ભાષાને આંધળો પ્રેમ કરનારો નીકળ્યો. એણે અમને કહ્યું કે પપ્પાને અત્યારે મિસ્ટર જોન્ડીસ થયો છે પણ ધ્યાન ન રાખીએ તો મિસીસ જોન્ડીસ થતા વાર ન લાગે.’

‘આ મિસ્ટર અને મિસીસ જોન્ડીસ ડૉક્ટર દંપતીનાં નામ છે?’

‘ના… મિસ્ટર જોન્ડીસ એટલે કમળો અને મિસીસ જોન્ડીસ એટલે કમળી.’

‘અરે રામ રામ… અંગ્રેજીનો આટલો મોહ?’

‘હા… હવે ચંદુભા પણ તારી જેમ સમજ્યા નહીં એટલે મેં સમજાવ્યું કે નરેન્દ્ર એમ કહે છે કે બાપુજીને કમળો થયો છે અને ધ્યાન ન રાખીએ તો કમળામાંથી કમળી થઈ જાય.’

‘પછી?’ અંબાલાલને રસ પડ્યો.

‘ચંદુભા તો દરબારના ખોળિયે જીવ. દયાળુ ખરા પણ આખાબોલા. એમણે નરેન્દ્રને કહ્યું કે કમળામાંથી કમળી થાય એટલે ડૉક્ટર અમદાવાદ લઈ જવાનું કહેશે. અમદાવાદથી કમળીમાં મોટા ભાગે મડાં પાછા આવે છે.’

‘બાપુએ ભારે કરી.’

‘આ તો કંઈ જ નથી. જલારામ પ્રોવિઝન સ્ટોરવાળા નાથાલાલના વહુ નર્સ છે. નર્સ હોય એટલે કાયમ સફેદ સાડી પહેરે તે સામાન્ય છે.’

‘બરાબર છે.’

‘એકવાર નાથાલાલ ચંદુભાની હોટલે ચા પીવા આવ્યા તો ચંદુભાએ નાથાલાલને મોઢામોઢ પૂછ્યું કે તમારા વહુ વિધવા છે.’

‘હેં…’

‘હા… તમારા વહુ વિધવા છે? નાથાલાલના હાથમાંથી ચાની પ્યાલી પડી ગઈ એ બોલ્યા કે તમે શાના પરથી પૂછો છો? ત્યારે ચંદુભાએ કહ્યું કે બહેન કાયમ સફેદ સાડી પહેરે છે એટલે પૂછંુ છું.’

‘ન લઈ જવાય… ચંદુભાને સાથે ન લઈ જવાય…’ અંબાલાલે નિર્ણય કર્યો.

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં ચુનીલાલ આવી ચડ્યો.

‘આવ ચુનીલાલ આવ, કેમ આજે નોકરી ઉપર નથી ગયો કે શું?’ મેં પૂછ્યું.

‘ના, આજે પાવરકાપ છે એટલે અડધો દિવસ જ હતો.’

‘ચુનીલાલ, તને કંઈ સમાચાર મળ્યા?’ અંબાલાલે પૂછ્યું.

‘ના.’

‘પથુભાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો.’ અંબાલાલ ઉવાચ.

‘અંબાલાલ, એટેક એટલે જ હુમલો. એટેકનો હુમલો ન હોય.’ મેં સુધારો કર્યો.

‘સોરી હાર્ટ એટેક આવ્યો, એ બધંુ એક જ કહેવાય.’

‘બહુ ખરાબ થયંુ. આપણે ખબર કાઢવા જવું જોઈએ.’ ચુની બોલ્યો.

‘અમે પણ એ જ વિચારતા હતા. સાંજે ભોગીલાલ નોકરી ઉપરથી આવી જાય એટલે જઈએ. બાપુને કઈ હૉસ્પિટલમાં રાખ્યા છે?’

‘હૃદયમ્ હૉસ્પિટલ,’ અંબાલાલે માહિતી આપી.

‘હૃદયમ્? નવી દુકાન ખૂલી લાગે છે… સોરી હૉસ્પિટલ ખૂલી લાગે છે.’

‘હૉસ્પિટલને દુકાન કહો તો પણ ખોટંુ નથી. નિશાળને દુકાન કહો તો પણ ખોટંુ નથી. ખાનગી હૉસ્પિટલ અને ખાનગી શાળા બે એવી જગ્યા છે જ્યાં વગર બંદૂકે ઉઘાડી લૂંટ ચાલતી હોય છે.’ મેં હૈયાવરાળ ઠાલવી.

‘હૃદયમ્ હૉસ્પિટલ ક્યાં આવી?’ ચુનીએ પૂછ્યું.

‘ગાંધી બ્રિજ પુલ ઉપરથી જવાનું.’ અંબાલાલે ફરી બાફ્યું.

‘અલ્યા ગાંધી બ્રિજ બોલો પછી પુલ બોલવાની જરૃર નહીં.’

‘સોરી, ગાંધી બ્રિજ, એ બધંુ એક જ કહેવાય. ગાંધી બ્રિજ ઉપરથી મલ્હાર ચોકમાં જઈને રાઈટ હેન્ડ ઉપર જમણા હાથે ટર્ન લઈને વળી જવાનું.’ અંબાલાલે રૃટ કહ્યો.

‘તું આજ શું ખાઈને આવ્યો છંુ?’ મેં પૂછ્યું

‘દૂધીના મુઠિયા.’

‘તને મુઠિયા વાયડા પડ્યા લાગે છે. અલ્યા ‘રાઈટ હેન્ડ’ બોલ પછી ‘જમણા હાથે’ બોલવાની જરૃર નહીં, ટર્ન લઈએ પછી વળવાની જરૃર નહીં.’

‘બધા વાંધા તને પડે છે. ચુનીયો કશું બોલ્યો?’ અંબાલાલ ગુસ્સે થયો.

‘એ ક્યાંથી બોલે? એને તારી ભાષામાં ભૂલ દેખાતી જ નથી.’ મેં કહ્યંુ.

‘તું આવ્યો ભૂલો શોધવાવાળો. સાક્ષર કરતાં નિરક્ષર સારા. સાક્ષરની દીકરી ચિઠ્ઠી મુકીને કોઈની સાથે ભાગી ગઈ હોય તો દીકરીને શોધવાને બદલે એની ચિઠ્ઠીમાંથી વ્યાકરણ દોષ શોધે એ સાક્ષર.’ અંબાલાલ વધુ ખિજાયો.

‘અમારા ગુજરાતીના શિક્ષક પણ એવા જ હતા. કોઈ વિદ્યાર્થી મૂતરડીની દીવાલ ઉપર ગાળ લખે તો ગુસ્સે થઈને કહે કે લખનારનું વ્યાકરણ ખૂબ કાચું છે.’ ચુની બોલ્યો.

‘સંસ્કાર કાચા છે એ ન જુએ અને વ્યાકરણ કાચું છે એ જુએ તે તારા જેવો સાક્ષર, પથુભાને એટેક આવ્યો છે, એમની તબિયત પૂછવાને બદલે ક્યારનો મારી ભૂલો કાઢે છે.’

‘સોરી.. અંબાલાલ મારી ભૂલ થઈ ગઈ બસ?’ મેં મીનો ભણ્યો.

‘મને અંગ્રેજી આવડતંુ નથી, પણ વાતચીતમાં અંગ્રેજી શબ્દો બોલીએ તો વટ પડે.’

‘કમળાશંકરના નરેન્દ્રની માફક..’

‘નરેન્દ્રની શું વાત છે?’ ચુનીલાલે પૂછ્યું.

‘નરેન્દ્રને જોવા મહેમાન આવ્યા. નરેન્દ્રએ મહેમાન પાસે વાત માંડી કે ૧૯૭૦માં મારા દાદાનું મર્ડર થઈ ગયું. એક જ વરસ બાદ ૧૯૭૧માં દાદીનું મર્ડર થઈ ગયું.’ મેં વાત માંડી.

‘મર્ડર થઈ ગયું?’

‘હા.. પેલા મહેમાન ચા-પાણી પીધા વગર ઊભા થઈ ગયા. વળી કોઈ વચ્ચે પડ્યંુ અને કહ્યું કે દાદા-દાદી બંને કુદરતી મોતે જ મર્યાં છે, પરંતુ આ મુરતિયો જે ગુજરી જાય એને મર્ડર જ કહે છે. એ ધરતીકંપની વાત કરે ત્યારે એમ કહે છે કે ધરતીકંપમાં અનેક માણસોનાં મર્ડર થઈ ગયાં.’

‘નરેન્દ્રને જોવો પડશે.’ ચુનીલાલે ઇચ્છા પ્રગટ કરી.

‘આપણે નરેન્દ્ર અને ચંદુભાને લઈને પથુભાની તબિયત પૂછવા જઈએ.’ અંબાલાલે ભયંકર કલ્પના રજૂ કરી.

‘પથુભાને કેટલામો એટેક આવ્યો છે?’ મેં પૂછ્યું,

‘પહેલો’

‘બાપુ જીવતા રહે તો તને કંઈ વાંધો છે?’

‘કેમ?’

‘પથુભા ચંદુભાને સાંભળશે તો બીજો અને નરેન્દ્રનું અંગ્રેજી સાંભળશે તો ત્રીજો એટેક ત્યાં ને ત્યાં આવશે.’ મેં વાત પુરી કરી.
—————-

જગદીશ ત્રવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment