મગફળી કાંડ – કૌભાંડીઓનાં બચવાનાં છિદ્રો બંધ કરો

મગફળીની ખરીદી કૌભાંડ - સરકાર કે પક્ષમાં બેઠેલાઓને ગંધ સુદ્ધાં ન આવી એ સૌથી મોટું આશ્ચર્ય છે.

ગુજરાતકારણ – તરુણ દત્તાણી

ગુજરાતનું મગફળી કાંડ સમગ્ર રાજ્યના સીમાડા વળોટીને છેક પાટનગર દિલ્હી સુધી ગાજતું થયું છે. ગુજરાતના આ અનોખા ભ્રષ્ટાચારના માસ્ટર માઇન્ડ ગણાતા આરોપી મગન ઝાલાવાડિયાની તેમના એક સાગરીત સાથેની ઓડિયો ટેપ વાયરલ થઈ છે. તેમાં મગનભાઈ જાણે દિલ્હીમાં બેઠેલા લોકો તેમના તારણહાર બનીને તેમની વ્હારે આવશે એવી આશામાં વાત કરી રહ્યા છે. આવા ભ્રષ્ટ લોકો ફોન પર આવી વાત કરી શકે એ પણ ભાજપના ગુજરાતના અને રાષ્ટ્રીયસ્તરના મોવડીઓ માટે શરમજનક બની રહેવું જોઈએ. કેમ કે રાષ્ટ્રીયસ્તરે પણ પક્ષ અને સરકારનું નેતૃત્વ ગુજરાતીઓ સંભાળી રહ્યા છે અને એક તાલુકા કક્ષાના ભ્રષ્ટ લોકોની મંડળીના મુખિયા તેમને ટેઇકન ફોર ગ્રાન્ટેડલઈ રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૃપાણી થોડા સમય પહેલાં જ અમારી મુલાકાતમાં ગર્વભેર કહી રહ્યા હતા કે સરકારે આ વખતે મગફળીની સિઝનની શરૃઆતથી અંત સુધી ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને રાહત આપી છે અને મગફળીની વિક્રમરૃપ ખરીદી કરી છે. વિજય રૃપાણીની આ ગર્વોક્તિને તંત્રમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓએ ધૂળધાણી કરી નાંખી છે. આવા લોકો પ્રત્યે સરકાર કે શાસક પક્ષ સહેજ પણ રહેમ રાખે તો એ તેમના ખુદના પગ પર જાતે જ કુહાડી મારવાના કામ જેવું કૃત્ય બની રહેશે. ભાજપને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવી ભરતી કરવાનો ભારે ઉત્સાહ હોય છે. આવા ઉત્સાહમાં પક્ષના મોવડીઓ તેમના ઇરાદાઓને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ મગફળીની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું એ વિશે અથથી ઇતિ સુધી બધું બનતું રહ્યું ત્યાં સુધી સરકાર કે પક્ષમાં બેઠેલાઓને ગંધ સુદ્ધાં ન આવી એ સૌથી મોટું આશ્ચર્ય છે.

 

અન્યથા આ કાંડમાં અત્યાર સુધીમાં ૨૨ લોકો તો પકડાઈ ચૂક્યા છે અને હજુ બીજા ઘણા પકડાય તેવી સંભાવના છે. જે સરકાર ખેડૂતોના હિત માટે મબલખ રકમ ફાળવીને ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી કરવા તંત્રને કામે લગાડે અને સરકારના નાણાને ખેડૂતોના ખિસ્સામાં જતા રોકીને વચ્ચેથી જ ચાંઉ કરી જવાના કારસામાં મોટી ગેંગ કામે લાગે છતાં કોઈને ખબર ન પડે તો એ કૌભાંડીઓની ઉસ્તાદી કરતાં પક્ષ અને સરકારની નિષ્ફળતા વધારે છે. એક કેડર-બેઇઝ પાર્ટીની આંખ-કાન અને નાક તેની કેડર હોય છે. પક્ષની કેડરની હેસિયત માત્ર ચૂંટણી લડવાના અને જીતવાના યંત્ર જેવી બનાવી મૂકવાના કેવાં ખતરનાક પરિણામ આવી શકે એ મગફળી-કાંડે દર્શાવી આપ્યું છે. પક્ષમાં અને તંત્રમાં ભ્રષ્ટાચારીઓની બોલબાલા વધી રહી છે. ટેકાના ભાવે સરકાર ખેડૂતોની મગફળી ખરીદી કરતી નથી એવી બૂમો ખેડૂતોમાંથી ઊઠતી હતી તેના પ્રત્યે ધ્યાન આપવાની કોઈને પરવા ન હતી. હવે મગફળી કાંડ બહાર આવ્યા પછીના આંકડા એવું કહે છે કે જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોદામમાં જપ્ત કરાયેલ મગફળીના જથ્થામાંથી ૨૦થી ૩૦ ટકા જથ્થો મગફળીની સાથે ધૂળ-ઢેફા-પથ્થરથી ભરેલી ગૂણીઓનો હતો. ૩૧ હજાર ગૂણીમાં ૩૦ ટકા ભેળસેળ હોય તો કેટલા મોટા પાયે કૌભાંડ આચરાયું છે એ કલ્પના કરવા જેવી છે. આખું કૌભાંડ વ્યવસ્થિત ષડ્યંત્રની રીતે પાર પાડવામાં આવેલું છે.

 

ખેડૂતોના મોઢામાંથી કોળિયો ઝૂંટવી લેનારા આવા કૌભાંડીઓને ક્યારેય માફ ન કરી શકાય. સરકારની તપાસ હજુ જે ગતિએ અને જે સખતાઈથી ચાલવી જોઈએ એ રીતે ચાલતી નથી. આવી ઢીલાશ વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાની તક પૂરી પાડે છે. ખરેખર તો આ ધૂળ-માટી ક્યાંની છે તેની પણ તપાસ થવી જોઈએ. અગાઉ ગોંડલ અને શાપરમાં મગફળીનાં ગોદામોને આગ ચાંપવાની ઘટનામાં પણ સરકારે તપાસના નામે કૂંડાળા કર્યા છે તેને કારણે આવા તત્ત્વોની હિંમત વધે છે. સરકારની જનહિતની યોજનામાં પલિતો ચાંપતા આવા તત્ત્વોને બચાવવાની પેરવી કરનારાઓને પણ શંકાની નજરે જોવા જોઈએ. વિરોધ પક્ષના નેતાઓ જ્યારે એમ કહે કે આ કૌભાંડનો રેલો છેક મુખ્યપ્રધાનના કાર્યાલય સુધી જાય છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૃપાણીની અમારી ઓળખ આવી વાતને સાચી માનવાનો ઇનકાર કરે છે. તો પણ કહેવું જોઈએ કે તંત્રમાં અને પક્ષમાં પેધા પડી ગયેલા ભ્રષ્ટ લોકોમાંથી કોઈ તેમની આસપાસ સંચાર કરતા નથી ને – એ બાબતની ખાતરી તેમણે કરી લેવી જોઈએ. આ કૌભાંડના કૌભાંડીઓને દંડિત કરવાથી જ સરકારની ઇજ્જત  વધશે એ યાદ રાખવું જોઈએ.
———————-

તરૂણ દત્તાણીમગફળી કૌભાંડ
Comments (0)
Add Comment