દેશભક્તિની ફિલ્મોનો પટારો ખોલશે બોલિવૂડ

બોલિવૂડમાં આજકાલ દેશભક્તિ છવાયેલી જોવા મળે છે.

મૂવીટીવી – ગરિમા રાવ

બોલિવૂડમાં આજકાલ દેશભક્તિ છવાયેલી જોવા મળે છે. ઍરલિફ્ટ, રૃસ્તમ, ટાઇગર ઝીંદા હૈ, રાઝી, પરમાણુ જેવી ફિલ્મો સાબિત કરે છે કે બોલિવૂડ પણ દેશભક્તિના રંગે રંગાયેલું છે. આ ફિલ્મો દર્શકોએ પસંદ કરી અને વખાણી પણ ખરી. આ જ કારણોસર બોલિવૂડ હવે એક કદમ આગળ વધીને જંગ-એ-આઝાદીની યાદોને જુદા-જુદા અંદાજમાં કેમેરામાં કંડારવા જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં મણિકર્ણિકા, કલંંક, શમશેરા જેવી ઘણી ફિલ્મોમાં બ્રિટિશ સરકાર સામેની બગાવત જોવા મળશે.

બોલિવૂડમાં છેલ્લા કેટલા સમયથી દેશભક્તિવાળી ફિલ્મોની કતાર ચાલી રહી છે. જેમાં એક ડગ આગળ માંડીને બોલિવૂડ આવનારા દિવસોમાં દેશના સૌથી મોટા વિજય યુદ્ધ એટલે કે આઝાદીની જંગને પોત-પોતાની રીતે ફિલ્મી પરદે રજૂ કરવાની તૈયારીઓમાં લાગી ગયું છે. આવનારી ફિલ્મોમાં બ્રિટિશરાજને પરદે ઉતારવામાં આવશે તો વળી જંગ-એ આઝાદીની ગુંજ પણ દર્શકોને સાંભળવા મળશે. ભારતના નામથી જાણીતા લિજેન્ડ કલાકાર મનોજકુમારે પોતાના સમયમાં એક પછી એક ઘણી દેશભક્તિને રજૂ કરતી ફિલ્મોને ફિલ્મી પરદે રજૂ કરી હતી. ત્યાર બાદ આ દોર લગભગ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ હવે ફરી આ સમય શરૃ થયો છે અને આવનારા સમયમાં દર્શકોને ફરી બોલિવૂડમાં દેશભક્તિનાં દર્શન થશે.

અત્યારની વાત કરીએ તો બોલિવૂડમાં દેશી હીરોની સ્ટોરીનો સમય ચાલી રહ્યો છે.દર્શકો પણ પોતાની સંસ્કૃતિ, અને હીરોની ગૌરવગાથા જોવાનું પસંદ કરી રહ્યા છે. કલંક, શમશેરા, મણિકર્ણિકા, ગોલ્ડ, આ ફિલ્મો આવી જ ગાથા રજૂ કરે છે. આ ફિલ્મો મોટા બજેટની અને સ્ટાર કાસ્ટિંગ પણ સારા છે. માટે દર્શકોને આ ફિલ્મો સિનેમાઘર સુધી ચોક્કસથી દોરી જશે. આવી ફિલ્મો બનવા પાછળનો એક ટ્રેન્ડ એ પણ છે કે આજના દર્શકોનો ટેસ્ટ થોડો બદલાયો છે. બાયોપિક અને પોતાના દેશની સંસ્કૃતિને રજૂ કરતી ફિલ્મો લોકોને વધુ પસંદ આવી રહી છે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે આપણા દેશમાં સ્ટારની કમી નથી. સાથે જ સંસ્કૃતિની પણ કમી નથી. જેટલી બનાવવી હોય તેટલી ફિલ્મ બનાવી શકાય છે. જેના કારણે ફિલ્મોનું મટીરિયલ સહેલાઈથી મળી રહે છે. દર્શકો અને નિર્માતા બંનેનું કામ ચાલી રહે છે.

શમશેરા ફિલ્મની વાત કરીએ તો તે ઘણી અલગ રીતની ફિલ્મ છે. આ ફિલ્મમાં ૧૮મી સદીની વાત જોવા મળશે. ડાકુ અને એની જનજાતિ વિશે રજૂ કરવામાં આવેલી આ ફિલ્મમાં એક્શન ઓરિએન્ટેડ અને હીરો કેન્દ્રિત રોલ જોવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર કામ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે આવી ફિલ્મ પહેલાં ક્યારેય કરી નથી, માટે હું ઘણો એક્સાઇટેડ છું.

ગોલ્ડ ફિલ્મમાં ફરી એકવાર અક્ષયકુમારનો જાદુ જોવા મળશે. ૧૯૪૮માં આઝાદ ભારતમાં પ્રથમ ઑલિમ્પિક ગોલ્ડ જીતીને વિશ્વ ફલક પર ભારતનો ધ્વજ  ફરકાવનાર હૉકી પ્લેયરની વિજયગાથા રજૂ કરવામાં આવી છે. જેમાં દેશભક્તિની મોજ સાથે રીમા કાગતીએ ગુલામીનો દોર, આઝાદીની જંગ અને બટવારાનું દર્દ પણ બખૂબી વર્ણવ્યું છે. આ ઉપરાંત અક્ષયકુમારની કેસરી ફિલ્મ પણ ૧૮૯૭ સારાગઢીમાં થયેલા યુદ્ધ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ૨૧ શીખ યુવાનોએ હવાલદાર ઉશર સિંહના નેતૃત્વમાં ૧૨ હજાર અફઘાની સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા હતા. મણિકર્ણિકામાં પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ૧૮૫૭ની પ્રથમ ક્રાંતિ દરમિયાન અંગ્રેજોના છક્કા છોડાવ્યા હતા તેને પરદે કંડારવામાં આવ્યું છે.

આ ઉપરાંત સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર જેવા નામાંકિત ફિલ્મ સ્ટારોને લઈને આવનારી ફિલ્મ કલંકમાં પણ બ્રિટિશકાળ જોવા મળશે. એવું કહેવાય છે કે આ ફિલ્મ એ ઘટના પર આધારિત છે જ્યારે બટવારા પહેલાં હીરામંડી (લાહોર)  ગણિકાઓ એકસાથે મળીને અંગ્રેજોની સામે બ્યૂગલ ફૂંક્યું હતું. આ ફિલ્મમાં વરુણ ધવન હીરામંડીમાં લાહોરના મુસ્લિમનો અભિનય કરતો જોવા મળશે. જ્યારે આદિત્ય શિલ્પકારના રોલમાં જોવા મળશે. શમશેરામાં રણબીર કપૂર ડાકુના રોલમાં બ્રિટિશ સરકાર સામે પોતાની જાતિ માટે ઝઝૂમતો જોવા મળશે. રણબીર પ્રથમ વખત આ ફિલ્મમાં એક્શન રોલમાં જોવા મળશે.

દર્શકો દિલ થામીને બેસી જાય, કારણ કે આવનારા સમયમાં એક પછી એક દેશભક્ત અને પસંદીદા હીરોના કિરદારને રજૂ કરતી ફિલ્મો સિનેમાઘરોમાં દસ્તક આપવા માટે રેડી થઈ રહી છે.
——————

મૂવીટીવી - ગરિમા રાવ
Comments (0)
Add Comment