કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની
ચોમાસાની પેટર્ન બદલાતા સૌરાષ્ટ્રના ખેડૂતોએ પાકની પેટર્ન પણ બદલી છે. એક સમયે માત્ર મગફળી, તેલીબિયાં અને કપાસ ઉગાડનારા પ્રદેશની ઓળખ હવે ધીરે-ધીરે બદલાઈ રહી છે. ખેડૂતો દાડમ, ચંદન, હળદર, સોયાબીન અને ઇમારતી લાકડાંની ખેતી કરતા થઈ ગયા છે.
કૃૃષિ ક્ષેત્રના અભ્યાસુઓ કહી રહ્યા છે કે છેલ્લા એક દસકામાં ચોમાસાની પેટર્નમાં મોટો બદલાવ આવ્યો છે. વરસાદના દિવસો જ ઘટી ગયા છે. વરસાદ અનિયમિત અને અપૂરતો થયો છે. આ સંજોગોમાં હવે ખેડૂતોએ ટૅક્નોલોજીનો સાથ લઈને ખેતીની પરંપરાગત પદ્ધતિમાં બદલાવ લાવ્યા છે. ચોમાસંુ એટલે ખરીફ પાકમાં ત્રણથી સાડા ત્રણ મહિને થતા પાકને બદલે હવે ઓછા દિવસોમાં પાક તૈયાર થાય અને સારા પૈસા મળે તેવા પાક પર ખેડૂતોએ નજર દોડાવી છે.
ગુજરાતમાં એક અંદાજ મુજબ ચોમાસંુ પાક ૮૬ લાખ હેક્ટરમાં લેવામાં આવે છે. તેમાંથી સૌરાષ્ટ્રનો આશરે ૪૦ લાખ હેક્ટરનો હિસ્સો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્રના ખેડૂતોએ નવા પ્રયોગો વધુ અપનાવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રની ઓળખ તેલીબિયાં, મગફળી અને કપાસ ઉગાડતા પ્રદેશ તરીકેની વર્ષોથી છે, પણ છેલ્લા એકાદ દસકામાં આ ઓળખ હવે બદલાઈ રહી છે. પ્રગતિશીલ ખેડૂતોએ બાગાયતી ખેતી પર વધુ ધ્યાન આપવાનું શરૃ કર્યું છે. સૌરાષ્ટ્રમાં હવે દાડમ, હળદર, ચંદન, ઇમારતી મલેશિયન લાકડું, ઔષધીય પાકો, સીતાફળ અને સોયાબીનના પાકો લેવામાં આવી રહ્યા છે. ક્યારેય જોયા ન હોય તેવા પાકો સૌરાષ્ટ્રની જમીન પર જોવા મળી રહ્યા છે.
કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવંુ છે કે છેલ્લા એક દસકામાં સૌરાષ્ટ્રની ખેતીમાં જે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે તેના મહત્ત્વનાં કારણોમાં ખેડૂતોની નવી પેઢી શિક્ષિત અને પ્રયોગશીલ બની છે. બીજંુ ઇન્ફાસ્ટ્રક્ચર વધ્યું છે. રોડ – રેલવેની સુવિધા વધતાં ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન હવે રહ્યો નથી. ઓનલાઈન માર્કેટની જાણકારી મેળવી શકાય છે. કૃષિ લોન અને પાક વીમાનો મોટો આધાર મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનો ખેડૂત હવે બીબાંઢાળ ખેતીમાંથી બહાર આવી રહ્યો છે. અહી કૃષિમાં બદલાવ લાવવામાં જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીનો મહત્ત્વનો ફાળો છે. વૈજ્ઞાનિકો સીધો ખેડૂતો સાથે સંવાદ સાધી રહ્યા છે. તેનાથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે.
હેલ્પલાઈન પણ શરૃ કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના એગ્રોનોમી (કૃષિ સંશોધન) વિભાગના હેડ અને એગ્રીકલ્ચર કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.બી.કે. સગારકા કહે છે, ‘સૌરાષ્ટ્રમાં એક સમયે ખેડૂતો ચોમાસામાં મગફળીનો પાક લીધા પછી શિયાળામાં ઘઉંનો પાક જ લેતા હતા, પણ હવે આ પેટર્ન બદલાઈ છે. ઘઉંના બદલે ધાણા, જીરું અને ચણા જેવા પાક લેતા થયા છે. પાણીની ખેંચવાળા વિસ્તારમાં ચણાનો પાક લેવામાં આવી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વરિયાળી, એરંડાનો પાક લેવાય છે. જૂનાગઢ જિલ્લામાં તો હવે સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે. ખેતરમાં એક જ પાક લેવાને બદલે બે-ત્રણ પાક લે છે. કૃષિ યુનિવસિર્ટી દ્વારા સતત સંશોધન કાર્ય ચાલતંુ હોય છે. વરસાદની પેટર્ન બદલાઈ છે ત્યારે ઓછા સમયમાં સારો પાક લઈ શકાય તેવી જાતો વિકસાવવામાં આવી રહી છે.’
સૌરાષ્ટ્રની ખેતીમાં બીજો એક મહત્ત્વનો બદલાવ એ જોવા મળ્યો છે કે મજૂરોની અછતના કારણે ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વધુ વળ્યા છે. આ ફળના પાકના બગીચાઓ બનાવે એટલે લાંબા ગાળા સુધી આવક મળતી રહે અને મજૂરો પર આધારિત રહેવંુ ન પડે. મતલબ કે ખેતી ખર્ચાળ ન બને. એમ કહી શકાય કે ખેડૂતો હવે પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળી રહ્યા છે અને સતત નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે.
જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીના નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક નરેન્દ્રભાઈ ભરાડ આ વાતમાં સૂર પુરાવતા કહે છે, ‘સૌરાષ્ટ્રમાં સમયની સાથે ખેડૂત અને ખેતી બદલાઈ રહી છે. ઉદાહરણ જોઈએ તો દસ વીઘાની વાડી કે ખેતર હોય તો ત્રણ – ચાર વીઘામાં મગફળી કે કપાસ વાવે અને ૩ વીઘામાં કઠોળ અને ૩ વીઘામાં એરંડા કે બીજા કોઈ બાગાયતી પાક લે છે. આમ એક જ ખેતરમાં પાકની વેરાયટીઓ જોવા મળી રહી છે. એક જ સરખો પાક લેવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. એ વાત હવે ખેડૂતોને સમજાઈ રહી છે.’
કૃષિ નિષ્ણાત રમેશભાઈ ભોરણિયા કહે છે, ‘ખેડૂતો કપાસની સાથે હવે તલ, મગ, અડદ અને ફળાઉ પાકો લેતા થયા છે. મગફળીમાં મુંડાનો રોગ આવતા મોટી નુકસાની સહન કરવાનો વારો આવતા કેટલાક ખેડૂતો નવતર એવા હળદર, ચંદન, દાડમ, કેળાં, એપલબોર, સીતાફળ, સોયાબીન, જમરૃખ અને મલેશિયન લાકડાંની ખેતી કરતા થઈ ગયા છે. આવા પ્રયોગો કરતા ખેડૂતો ખુશ છે અને હવે ઓનલાઈન માર્કેટની માહિતી મેળવીને તેઓ ઉત્પાદનનું વેચાણ કરી રહ્યા છે. દાડમની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી હવે સારી ક્વૉલિટીના દાડમની નિકાસ થઈ રહી છે.’ રાજકોટ નજીક બાઘી ગામના ખેડૂત ચંદુભાઈ ભુવા ૩ર વીઘા જમીનમાં હાલ દાડમની ખેતી કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘દાડમની ખેતીમાં મહેનત વધારે છે, પણ આ પ્રયોગથી આર્થિક રીતે ફાયદો થઈ રહ્યો છે.’
સૌરાષ્ટ્રમાં હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પ્રયોગો પણ થઈ રહ્યા છે. રાજકોટના નિતુબહેન પટેલ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રકારના સફળ પ્રયોગો કરી રહ્યાં છે. નિતુબહેન કહે છે, ‘રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતના સૌરાષ્ટ્રના આશરે ૧ર૦૦ જેટલા ખેડૂતો સાથે સીધા સંપર્કમાં રહીને અંદાજે રર૦૦૦ વીઘા જમીનમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી અમે ટીમ મારફત કરી રહ્યા છીએ. પરંપરાગત પાકોને બદલે ખેડૂતો ટૅકનિકલ એક્સપર્ટની સલાહ મુજબ સરગવો, ગુલાબ, લેમન ગ્રાસ, ફુદીનો, મીઠો લીમડો, અશ્વગંધા જેવા ઔષધીય પાકો લઈ રહ્યા છે. કૃષિ નિષ્ણાતોની ટીમ સમયાંતરે ખેતરની મુલાકાતે જાય છે અને જરૃરી માર્ગદર્શન ખેડૂતોને આપે છે. બીજું, ખેડૂતોને આ પાક વેચવાની કોઈ ચિંતા રહેતી નથી. સીધા ખેતરેથી સારા ભાવથી ડાયરેક્ટ અમે જ ખરીદી લઈએ છીએ. આમ સૌરાષ્ટ્રની ખેતી હવે સમયની સાથે બદલાઈ રહી છે.’
સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર ખેતીમાં આવેલા બદલાવની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક લેવાતો હતો, પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી પાકની પેટર્ન બદલાઈ છે. જિલ્લામાં પડઘરી અને ટંકારા વિસ્તારમાં હવે દાડમના ફાર્મ જોવા મળી રહ્યા છે. ગોંડલ ઘોલર મરચાનું હબ બન્યું છે. આ ઉપરાંત લીંબુ અને ખારેકનો પાક લેવામાં આવી રહ્યો છે. રમેશભાઈ ભોરણિયા કહે છે, ‘દેશી મરચીમાં કુંપળનો રોગ આવતા ખેડૂતોએ ૭૦ર અને તેજસ જેવી મરચીની નવી જાતો વાવવાનું શરૃ કર્યું છે.’
જામનગર જિલ્લાનો બારાડી પંથક મરચાના વાવેતર માટે વિખ્યાત હતો હવે તે ઓળખ ભૂંસાઈ રહી છે. અહીંની બંજર જમીનમાં હવે દાડમ અને ખારેકનાં ફાર્મ જોવા મળે છે. ટીસ્યુ કલ્ચરની પદ્ધતિથી દાડમની ખેતી ધૂળેશિયા ગામના ખેડૂતોએ સૌ પહેલાં શરૃ કરી હતી. એક ખેડૂતે ૧૦૦ વીઘામાં દાડમની ખેતી કરી હતી. કાલાવડના ધુતારપુરમાં ચંદનની ખેતી કરવામાં આવી રહી છે. રોપાઓનો ઉછેર પણ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર કપાસ માટે દેશભરમાં જાણીતો છે. એક સમયે પાંચ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસનું વાવેતર થતંુ હતું, પણ પૂરતા ભાવ ન મળતા ધ્રાંગધ્રા, હળવદ સહિતના વિસ્તારના ખેડૂતો હવે જીરું, જામફળ, દાડમ જેવા પાકો તરફ વળી રહ્યા છે.
ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ખેતી બદલાઈ રહી છે. મહુવા યાર્ડના ચૅરમેન ઘનશ્યામભાઈ પટેલ કહે છે, ‘તળાજા – મહુવા વિસ્તારમાં શિયાળુ પાકમાં જમરુખ અને લીંબુનું વાવેતર થઈ રહ્યુ છે અને ખેડૂતો ઇમારતી લાકડાંની ખેતી તરફ વળ્યા છે. મજૂરોની સમસ્યાને લઈને પણ ખેડૂતો સતત નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળદર, ચંદન, દાડમ, કેળાંનું વાવેતર થઈ રહ્યું છે. મહુવા ડુંગળી માટે જાણીતું હતંુ, પણ પાણીનાં તળ ઊંડા જતા હવે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા સહિતના વિસ્તારમાં સફેદ ડુંગળીનું વાવેતર વધ્યું છે.’
———————–