ઘર છોડીને જઈ રહેલી કશિશને કૌશલ બારીમાંથી જોતો રહ્યો

કશિશની મક્કમતા જોઈને ધ્યેયને એના માટે બહુ જ આદર થયો.

નવલકથા – પ્રકરણ – ૧૮

કામિની સંઘવી

કશિશે કૌશલને સમજાવવાના કરેલા બધા પ્રયત્નો વ્યર્થ ગયા. કૌશલને પિતાએ કહેલા શબ્દો યાદ આવ્યા અને તેણે કેસ પાછો ખેંચી લેવાની રીતસરની જીદ પકડી. કૌશલ કેમ આટલું ઓવરરિએક્શન કરે છે તે કશિશને ન સમજાયું.

કૌશલને સમજાવવા માટે આવેલા ધ્યેયને પણ તેણે ઝપટમાં લીધો. નાણાવટી ફેમિલીને બદનામ કરવાનો પોતાનો કોઈ ઇરાદો ન હતો અને આખી વાત ટ્વિસ્ટ કરી છાપવામાં આવી હોવાનો ધ્યેયે ખુલાસો કર્યાે, પરંતુ કૌશલના ગળે આ વાત ન ઉતરી. તેણે કેસ પાછો ખેંચી લેવાનું રટણ જારી રાખ્યું. તેણે ધ્યેય અને કશિશની કોઈ જ વાત ન સાંભળી. તેણે ધ્યેયને પોતાની અંગત બાબતોમાં દખલ ન દેવાની ચીમકી આપી. દરમિયાન કૌશલનું વલણ વધારે રુક્ષ થતું ગયું.

કશિશે પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન કરી જોયા, પણ કૌશલ પોતાની વાત પર અડી ગયો અને કેસ પાછો ખેંચી લેવાની વાત દોહરાવતો ગયો. બીજી તરફ કશિશે પણ કેસ પાછો નહીં ખેંચવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યાે. બંને વચ્ચે આ મુદ્દે સામસામી દલીલો થઈ. આથી કૌશલે હવે આપણે સાથે નહીં રહી શકીએ તેવી ધમકી ઉચ્ચારી જેની કશિશને કલ્પના પણ ન હતી. કશિશને લાગ્યું કે સમય તેના હાથમાંથી સરકી રહ્યો છે.

છેવટે કશિશે ઘર છોડવાનો મક્કમ નિર્ણય લીધો. તેણે સામાન પેક કર્યાે. પિતાના ઘરે તે જઈ શકે તેમ ન હતી. કશિશ કૌશલના રૃમના દરવાજે આવી અને હું જાઉં છું તેમ કહી સડસડાટ બંગલાની બહાર નીકળી ગઈ. બેડરૃમની બારીમાંથી કૌશલ ઘર છોડીને જઈ રહેલી કશિશને જોતો રહ્યો. કશિશ રિક્ષામાં બેસી અને ત્યાંથી નીકળી ગઈ. 

હવે આગળ વાંચો…

‘ઓહ…કમોન પિક ધ કૉલ…!’ સવારથી ધ્યેય પેલા પેપરના એડિટરનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ એ ફોન ઉપાડતો જ ન હતો. ધ્યેયે મેસેજ પણ કર્યા હતા. સતત રિંગ વાગતી હતી, પણ સામેથી ફોન ઉઠાવ્યો નહીં એથી કંટાળીને ધ્યેય ફોન કટ કરવા જતો હતો ત્યાં સામેથી હલ્લો સંભળાયું તે સાથે જ ધ્યેય ગુસ્સામાં બોલી પડ્યો,

‘યાર તમે આ શું છાપી નાંખ્યું? ખબર છે ને અતુલ નાણાવટી કોણ છે? કેસ ઠોકી દેશે તો કાલે તમારું પેપર બંધ થઈ જશે.’

‘યાર તું ગુસ્સે નહીં થા…જો મેં કર્યું તે સમજી વિચારીને કર્યું છે. મને કહે ખાલી એમ સમાચાર છાપેત કે કશિશ નાણાવટીએ કેસ કર્યો છે તો કેટલા લોકોની નજર આ સમાચાર પર જતી? બહુ બહુ તો કશિશને ઓળખે તેટલા લોકો આ સમાચાર પર નજર ફેરવે…તારી ક્લાયન્ટને હાઈપ મળે તે માટે નાણાવટી પરિવારનું નામ લખવું જરૃરી હતું. અને મેં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે એટલે ખબર પાક્કા છે તેવું કહી ન શકાય. એ કેસ કરે તો ય મને કશું ન થાય અને આજે આખા ગામમાં કશિશનો કેસ ચર્ચાયો છે. તારે આજ તો જોઈતું હતું..રાઇટ?’

એડિટરે વિગતવાર સમજાવ્યું એટલે ધ્યેયને એના પર વિશ્વાસ બેઠો.

‘તને બીજી વાત કહું…આજે મારો રિપોર્ટર ખબર લાવ્યો છે કે નાણાવટી આજે કૉફી હાઉસ લોન્ચ કરવાના હતા તેનો ફિયાસ્કો થયો છે. કૉફી હાઉસ ઓપનિંગના દિવસે જ બંધ થઈ ગયું. બોલ, તું કહે તો આ ન્યૂઝ છાપું?’

‘નોઓ……પર્સનલ મેટરને છાપામાં નહીં ઉછાળતો…હું તને કેસ વિશે બ્રીફ કરીશ તે માહિતી છાપજે, પણ કશિશ વિશે કશું ઘસાતું નહીં લખતો…નહીં તો હું સહન નહીં કરું.’ ધ્યેયે મોઘમમાં એને સમજાવી દીધું કે એની લિમિટ કેટલી છે.

‘ઓ.કે…ડન.’ એડિટર સહમત થઈ ગયો એટલે ધ્યેયે ફોન મુક્યો ત્યાં જ એના ફોન પર રિંગ વાગી,

‘તું ઘરે છે?’ સામે કશિશ હતી.

‘હા…કેમ શું થયું?’ ધ્યેયના સવાલમાં ઉચાટ હતો.

‘હું થોડીવારમાં તારા ઘરે આવું છું…પછી વાત કરું.’

કશિશે બીજું કશું કહ્યું નહીં. રિક્ષા ધ્યેયના ઘર પાસે પહોંચી ત્યારે એ બહાર જ ઊભો હતો. કશિશ રિક્ષાવાળાને પૈસા આપે તે પહેલાં એણે આપી દીધા. એક તો કશિશ ગાડીના બદલે રિક્ષામાં આવી હતી. વળી એના હાથમાં બેગ હતી તે જોઈને ધ્યેયે અનુમાન કરી લીધું કે શું બન્યું હશે. બંને ઘરમાં આવ્યાં. કશિશ કશું જ બોલ્યાં વિના સોફા પર બેઠી. ધ્યેય એના માટે પાણી લઈ આવ્યો. પાણી પીધાં પછી એણે ધ્યેય સામે જોયું,

‘કેસ પાછો નહીં ખેંચું તો સાથે નહીં રહું એવી શરત કૌશલે મૂકી એટલે…’ કશિશે વાક્ય અધૂરું છોડી દીધું. પોતે ધારણા કરી હતી તેવું જ બની રહ્યું છે, ધ્યેયને વિચાર આવી ગયો. એણે નિસાસો નાંખ્યો. બે-ચાર ક્ષણ એમ જ પસાર થઈ, પછી ધ્યેયે પૂછ્યું,

‘હમમ…હવે?’

‘હવે શું? કેસ તો પાછો નહીં જ ખેંચું. એકવાર લડવાનું નક્કી કર્યા પછી પાછી નહીં હટું…અર્જુને ય એવું જ કર્યું હતું ને? સત્યની લડાઈમાં પોતાના પુત્રો સહિત સગાંનું બલિદાન પણ આપ્યું હતું ને?’

કશિશની મક્કમતા જોઈને ધ્યેયને એના માટે બહુ જ આદર થયો. એક મિત્ર તરીકે એના માટે ખૂબ માન-સન્માન હતાં, પણ આજે એની દોસ્તના નિર્ણયે એને સામાન્ય સ્ત્રી કરતા મૂઠી ઊંચેરી સાબિત કરી દીધી છે.

‘ધેર યુ આર..આઇ એમ પ્રાઉડ ઓફ યુ!’ ધ્યેય લાગણીથી બોલ્યો. કશિશ એની સામે જોઈ રહી. રોજ કરતાં ધ્યેયની આંખમાં આજે કંઈક અલગ જ ભાવ હતો. કશિશ એકાદ ક્ષણ માટે એ નજરમાં વરસતા સ્નેહ-આદરને જોઈ રહી. પછી જાણે એની નજરનો ભાર લાગતો હોય અને એમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તેમ બોલી,

‘પ્રાઉડ-બ્રાઉડ તો ઠીક છે, પણ અત્યારે પેટમાં બિલાડાં બોલે છે એનું શું કરવાનું છે?’

‘ઓહ…મારો કૂક આજે રજા પર છે.’

‘ચાલ, આપણે બેવ કશું કિચનમાં બનાવી લઈએ?’ કશિશે રસોઈ કરવાની તૈયારી દેખાડી.

‘નો…બહારથી જ કશું મંગાવી લઈએ….યુ નો આજે તારામાં મને ઝાંસીની રાણી દેખાઈ રહી છે. એટલે હવે રાણી તો કોઈ દિવસ રસોઈ બનાવતી હશે?’

ધ્યેયની આ ડાયલોગબાજી પર કશિશ હસી એટલે ધ્યેય પણ હસ્યો. વાતાવરણ જરા હળવું થઈ ગયું. જે કશિશ માટે ખૂબ જરૃરી હતું જેથી એનો સ્પિરિટ જળવાઈ રહે. છેલ્લા એક-બે દિવસમાં બનેલી ઘટનાના ભાર નીચે દબાય જવાના બદલે એનો હિંમતથી સામનો કરવા એ ઘર છોડીને નીકળી પડી છે તો એ માટે બને એટલો સપોર્ટ કરવો તેને ધ્યેય પોતાની ફરજ સમજતો હતો.

જમવાનું પત્યું એટલે ધ્યેય એના ઘરના ગેસ્ટ રૃમમાં કશિશને લઈ ગયો.

‘આ તારો રૃમ…તું ઇચ્છે ત્યાં સુધી તું અહીં રહી શકે છે.’

‘હમમ…ધી, પ્લીઝ, ખરાબ નહીં લગાડતો, પણ હું મારી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જ અહીં રહીશ. યુ નો, જેટલી બબાલ કેસને લીધે થઈ છે તેના કરતાં વધુ કીચડ હું તારી સાથે રહીશ તો ઊછળશે. એટલે એવું કશું ગોઠવવું પડશે હું બીજે કશે પેઇંગ ગેસ્ટ તરીકે રહી શકું. આઈ ડોન્ટ નો મારે કેટલો સમય ત્યાં રહેવું પડશે. મને થોડા પૈસા પણ જોઈશે અને એક જોબ. નહીં તો મારો ખર્ચ કેવી રીતે કાઢીશ? હું એ.ટી.એમ. કાર્ડ કે ચેકબુક યુઝ નથી કરવા ઇચ્છતી..ઈનફેક્ટ સાથે નથી લાવી, ઘરે જ છોડીને આવી છું.’ કશિશ સોફા પર બેસતાં બોલી.

કશિશે હિંમતભેર માત્ર ઘર જ નથી છોડ્યું, પણ એના પૈસાદાર પતિના પૈસાને ય છોડી દીધા. એ ધારત તો પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા છે તેમાંથી લાખો રૃપિયા વાપરી શકે. એ એનો હક્ક પણ ગણાય. લગ્ન સમયે એને આપવામાં આવેલા કરોડોની કિંમતનાં ઘરેણાં પણ ઓફિશિયલી એની મિલકત ગણાય જેને એ ચાહે તે રીતે વેચી શકે. એક વકીલ તરીકે ધ્યેય આ બધું સમજતો હતો, પણ કશિશે સ્વાભિમાનથી એ હક્ક જતો કર્યો. એની આ હિંમત કાબિલે દાદ હતી. ધ્યેયે એનો ખભો થપથપાવ્યો,

‘બ્રેવ ગર્લ. કિશુ યુ આર ઓસમ!’

‘વધુ પડતાં વખાણ નહીં કર…સાંભળ્યું છે ને વખાણી ખીચડી દાઢે વળગે!’ ધ્યેય એને બિરદાવતો હતો તે કશિશને ગમતું હતું, પણ સાથે-સાથે સંકોચ પણ થતો હતો. જો ધ્યેય એને આટલું સમજી શકે છે તો કૌશલ કેમ એને સમજી ન શક્યો? કૌશલનો વિચાર આવ્યો એ સાથે જ એનો મૂડ આઉટ થઈ ગયો,

‘ધી..આઇમ ટાયર્ડ! હવે હું સૂઈ જાવ?’

‘ઓ.કે. ડિયર!’ ધ્યેય સમજી ગયો કે કશિશ હવે થોડો સમય એકલી રહેવા ઇચ્છે છે. જે ઘટના બની તેની અસરથી મુક્ત થવું આસાન નથી. એક તો કૉફી શોપના ઉદ્દઘાટનનો ફિયાસ્કો થયો. ઉપરથી પડ્યા પર પાટું વાગે તેમ કશિશે ઘર છોડવું પડ્યું.

‘ગુડ નાઇટ કિશુ…ટેક રેસ્ટ!’ ધ્યેય એના રૃમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો એટલે કશિશે બેગમાંથી નાઇટડ્રેસ કાઢ્યો. વૉશરૃમમાં જઈને ફ્રેશ થઈને બેડ પર લંબાવ્યું. શરીર અને મગજ બંને થાકી ગયાં હતાં. ઘટનાઓની ઘટમાળના ઓથારે એના તનમનને નીચોવી નાંખ્યું હતું. બહારથી હિંમત ટકાવી રાખી હતી, પણ અંદરથી એ હલબલી ગઈ હતી. કૌશલ છેક આટલી હદે જશે એ એની કલ્પના બહારની વાત હતી. એક પછી એક વિચાર ચાલુ થઈ ગયા. વિચારો એક વાર મગજને જકડી લે પછી એની પક્કડમાંથી છૂટવું આસાન નથી હોતું. મોડી રાત સુધી કશિશે પડખાં ફેરવ્યાં કર્યાં ત્યારે માંડ ઊંઘ આવી. સવારે એ ઊઠી તો નવ થવા આવ્યા હતા. ફ્રેશ થઈ રૃમની બહાર આવી તો ધ્યેય ડાઇનિંગ ટેબલ પર ચા પીતો બેઠો હતો.

‘ગુડ મોર્નિંગ! મારી ઑફિસ આવવું છે? ત્યાં તારો ટાઇમપાસ થઈ જશે.’ ધ્યેયે પૂછ્યું,

‘ના, હું ઘર શોધવા ઇચ્છું છું. એટલે એક બે બ્રોકરને ફોન કરી લઉં…’

‘કિશુ, એવું કરીશને તો વળી તારા સાસરાવાળા નારાજ થશે. એમના કોન્ટેક્ટ્સ એટલા છે કે તેમને એ વાત ખબર પડશે જ.  મારો એક નાનકડો ફ્લેટ છે… તું ઇચ્છે તો તેમાં રહી શકે. ઇટ્સ ફૂલી ફર્નિશ્ડ.’ ધ્યેયે એને ઑફર આપી.

‘હમમ……કેટલું ભાડું?’ કશિશે પૂછ્યું,

‘આર યુ કિડિંગ? ડોબી, હું તારી પાસેથી પૈસા લઈશ? તારે એવું પૂછાય જ કેમ?’ ધ્યેય નારાજ થઈ ગયો.

‘આઇ એમ સોરી ડિયર…પણ હું કોઈને મારા પર શક કરવાનો મોક્કો નથી આપવા ઇચ્છતી. લોન રૃપે તું મને પચાસ હજાર હમણા આપ. હું થોડા દિવસમાં એક જોબ શોધી લઉં એટલે તને ભાડું આપીશ અને તું ભાડું લે તો જ હું તારા ફ્લેટમાં રહીશ. ઇઝ ઇટ ક્લિયર?’

કશિશ જે રીતે ઉશ્કેરાઈને બોલી, ધ્યેય સમજી ગયો કે આ બાબતમાં એ નમતું નહીં જોખે. એ બ્રોકરની મદદ લઈને બીજે કશે ફ્લેટ શોધે અને હેરાન થાય એના કરતાં એ જે કહે તેમ શરત માની લેવી સારી. કમ સે કમ એને રહેવા માટે ઘર તો મળી રહેશે. કશિશે જોબ કરવાનું કહ્યું એટલે ધ્યેયને કૉફી હાઉસ યાદ આવ્યું, પણ હમણાં એ વાત વિશે કોઈ વાત કરવાનું ધ્યેયને મુનાસિબ ન લાગ્યું.

‘જી હુકમ…રાણી સાહેબ…ગુલામ તમે કહેશો તેમ જ કરશે. આજે ત્યાં સાફ સફાઈ કરાવી લઉં છું. તું કાલે ત્યાં જતી રહેજે.’

‘નો….હું આજે સાંજે જ જઈશ. ઇનફેક્ટ તું મને કોર્ટ જતાં જતાં ત્યાં મૂકતો જા તો હું મારી હાજરીમાં જ ફ્લેટ સાફ કરાવી દઉં.’ કશિશની વાત સાંભળીને ધ્યેયે બે હાથ જોડ્યા.

‘જી…મેડમ…બીજો કોઈ હુકમ?’

‘યસ…હવે શાંતિથી ચા પીવા દે..’ અને કશિશ હસી. ધ્યેય એને આમ આ રીતે હસતાં જોઈ રહ્યો.

‘કિશુ, આવી જ રીતે જીવનભર હસતી રહેજે!’ એ બોલ્યો.

* * *

અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર….ની વધુ રોમાંચ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…

કામિની સંઘવીનવલકથા
Comments (0)
Add Comment