અલભ્ય વૃક્ષો – વનસ્પતિઓનું સાચું સરનામુંઃ વઘઈ બોટનિકલ ગાર્ડન

બોટનિકલ ગાર્ડન અમૂલ્ય દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષોનો ખજાનો ધરાવે છે.

– હેતલ રાવ

ગુજરાતના સૌથી મોટા ઉદ્યાન બોટનિકલ ગાર્ડનમાં એવાં વૃક્ષો અને ઔષધિઓ છે જે માત્ર અહીં જ સચવાયેલી છે. ત્યારે ‘અભિયાન’એ આ ગાર્ડનની મુલાકાત લઈ પ્રાગવડથી લઈને તો ભાગ્યે જ જોવા મળતા એવા કેકટસ વિશે જાણકારી મેળવી.

અમદાવાદથી અંદાજે ૩૭૫ કિલોમીટરના અંતરે આવેલા ડાંગ જિલ્લાના વઘઈ બોટનિકલ ગાર્ડન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરની સાથે વિદેશમાં વસતા કુદરતપ્રેમીઓ માટે અનોખંુ આકર્ષણ કેન્દ્ર છે. બોટનિકલ ગાર્ડન અમૂલ્ય દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષોનો ખજાનો ધરાવે છે. ૨૪ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૧ વિભાગો છે, જ્યાં દુર્લભ ઔષધિનો ભંડાર જોવા મળે છે. આ વિભાગમાં સૌથી આકર્ષણ ગ્રીન પ્લાન્ટનું છે જેમાં એવાં વૃક્ષોનો સમાવેશ થાય છે જે સદાબહાર ગ્રીન રહે છે. આ પ્રકારનાં વૃક્ષોની સાચવણી માત્ર આ સ્થળે જ કરવામાં આવી છે.

સમગ્ર દેશનાં અનેક પ્રકારનાં એવાં વૃક્ષો જે જોવા પણ દુર્લભ હોય છે તેની માટે આ બોટનિકલ ગાર્ડનમાં આખો એક વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં પ્રવેશ કરતા જ કોઈ જંગલના સાંનિધ્યમાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. એટલું જ નહીં, આંખોને ઠંડક મળે એવી અને અનેક પ્રકારની કુતૂહલતા થાય તેવી અલભ્ય વૃક્ષોની જાત અહીં જોવા મળે છે. આ ઉપરાંત આરોગ્ય વન, બામ્બુ પ્લોટ, ટેક્ષોનોમી પ્લોટ, ડ્રાય ડેસીક્યુઅસ પ્લોટ, સ્કલ થોર્ન ફોરેસ્ટ, ડાંગ પ્લોટ, મોઇસ્ટ ડેસીક્યુઅસ પ્લોટ, ઇન્ટર પ્રિટેશન સેન્ટર અને ગ્રીન હાઉસનો સમાવેશ થાય છે.

એવરગ્રીન પ્લોટ દક્ષિણ અને પૂર્વ ભારતમાં જોવા મળે છે. જેની ૩૨૮ જેટલી વનસ્પતિઓની જાતો છે. જ્યારે મોઇસ્ટ ડેેસીક્યુઅસ પ્લોટ ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ જોવા મળે છે. જેની ૩૨૩ જાતો આ ગાર્ડનમાં ઉપલબ્ધ છે. જેમાં લેગર્સટ્રોમિયા, શોરિયા, ટેકનોનિક, ડિલેનિયા, અલેબીમીયા જેવી જાતોનો સમાવેશ થાય છે. આરોગ્યવનમાં વિવિધ પ્રકારની ઔષધિ ઉપયોગ અને ઓળખ માટે રાખવામાં આવી છે. ૪૬૮ જેટલી ઔષધિ આ ઉદ્યાનમાં છે. અતિ દુર્લભ ગણાતા ૧૪૨ જાતના કેક્ટર્સ અહીં જોવા મળે છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ આવા કેક્ટર્સ હશે. રોઝ પ્લોટમાં ગુલાબની વિવિધ જાતો ઉછેરવામાં  આવી છે. અહીં જોવા મળતાં ગુલાબની એક અલગ જ ઓળખ છે.

૪૨ પ્રકારની જાતોનો સમાવેશ કરતા સૂકું પાનખર જંગલ પણ અહીં આવેલું છે. જેમાં ટર્મીનેલીયા, એનોગાયસીસ, ડાયોસપાયરસ સેમી કાર્પસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ક્રબ અને કાંટાળા જંગલમાં ૧૦૧ જાતો જોવા મળે છે. રણ પ્રદેશના જંગલ વિભાગમાં કેપરીસ, ટમચીક્ષ, ટેકોમેલા, યુફોરબીયા, પેરેનીયલ ઘાચી જેવી વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં વાંસની લગભગ ૧૦૦ જાતો છે, જેમાંથી ૨૧ જાતો ભારતમાં જોવા મળે છે. આ ૨૧ જાતોમાંથી પાંચ જાતો વઘઈના બોટનિક્લ ગાર્ડનમાં છે.

વાનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે. જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદ, યુનાની હોમિયોપેથીમાં વપરાતી દવાઓને લગતી વનસ્પતિની ૨૫૭ જાતો છે. જ્યારે પામ વિભાગમાં પામની સાત જાતો જોવા મળે છે. ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની જુદી-જુદી અનેક જાતો જોવા મળે છે.

જ્યારે આ ગાર્ડનની મુલાકાત લેવા માટે આવતી સહેલાણીઓ અને વિદ્યાર્થીઓને વૃક્ષ, વનસ્પતિ અને ઉદ્યાનની પૂર્ણ માહિતી મળી રહે તે હેતુથી આ ગાર્ડનમાં વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યંુ છે. જેમાં ૫૫૨ પુસ્તકો છે.  આ ઉપરાંત હરેબેરીયમની ૩૩૭૪ શીટ પણ છે. સંશોધન અને પ્રદર્શન કેન્દ્રમાં આ વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત અલગ-અલગ વિભાગમાં વનસ્પતિ અને વૃક્ષોના ભંડારો આવેલા છે. ગુજરાતમાં ના જોવા મળતી ઔષધિ અને વૃક્ષોની જાળવણી આ ગાર્ડનમાં કરવામાં આવી છે. અંદાજે ત્રણ લાખથી પણ વધુ લોકો આ ગાર્ડનની મુલાકાત લે છે.

વઘઈ બોટનિકલ ગાર્ડનના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ રબારી કહે છે, ‘છેલ્લાં બે વર્ષથી અહીં બોટનિકલ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં અનેક યુનિવર્સિટી ભાગ લે છે. આ પ્રકારનો ઉત્સવ ભાગ્યે જ કોઈ જગ્યાએ થતો હશે. આવનારા સમયમાં યુવા પેઢી આ વિશે વધુ રુચિ ધરાવે અને આપણી પરંપરા અને આયુર્વેદિક ઔષધિનું મહત્ત્વ સમજી તેને સાચવે તેવા ધ્યેય સાથે પ્રયત્ન કરવામાં આવે છે.’

જ્યારે ગાર્ડનના ફોરેસ્ટ ઓફિસર કિરણ પટેલ કહે છે, ‘આ બોટનિકલ ગાર્ડનમાં આવનારી દરેક સહેલાણીને સવલત મળી રહે તે માટે કેન્ટીન, ટોઇલેટ, લાઇબ્રેરી, વિસામા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંશોધનકર્તા અને પ્રવાસીઓ માટે ખાસ ગાઇડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થાનિક ડાંગીઓને રોજગારી મળી રહે તેવા આશયથી ડાંગી વસ્તુનું વેચાણ કેન્દ્ર શરૃ કરવામાં આવ્યું છે. ગાર્ડનને ડિજિટાઇઝ કરાયું છે.’ વૃક્ષ વનસ્પતિને પ્રેમ કરતા લોકો માટે આ એક અદ્ભુત સ્થળ છે. જ્યારે કંઈક નવું શીખવા અને જાણવા માંગતા લોકો માટે આ એક બેસ્ટ ટૂરિઝમ સ્પોર્ટ છે. ગુજરાતનું બોટનિકલ ગાર્ડન ના દેખા તો કુછ ભી ના દેખા.
——————–

બોટોનિકલ ગાર્ડનવઘઇહેતલ રાવ.
Comments (0)
Add Comment