‘કિશુ, તારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. મારું માન, કેસ કરવાનું માંડી વાળ.’

ગુસ્સે ભરાયેલી કશિશે ઉદયને તમાચો ઝીંકી દીધો

રાઇટ એન્ગલ – પ્રકરણ – ૧૭ – કામિની સંઘવી

ગુસ્સે ભરાયેલી કશિશે ઉદયને તમાચો ઝીંકી દીધો

કૌશલના આક્ષેપોથી કશિશ દિગ્મૂઢ થઇ ગઇ. પોતે કશું ખોટું કર્યું નથી તેવી તેની લાગણી હતી. સામે પક્ષે કૉફી હાઉસના ઉદ્ઘાટનના દિવસે બધાંની વચ્ચે પિતા અતુલ નાણાવટીની આબરૃ ગઈ તેથી કૌશલ ગુસ્સે ભરાયેલો હતો. કશિશે તેને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે પોતાના ખાસ મિત્ર રોનકના હાથમાં પેપર પકડાવ્યું અને ત્યાંથી જતો રહ્યો. બધાંની વચ્ચે આવી સ્થિતિ સર્જાતાં કશિશ છોભીલી પડી ગઈ. એક પછી એક મહેમાનોએ ફંક્શનમાંથી વિદાય લીધી. કૉફી હાઉસ ખાલી થઈ ગયું.મહેન્દ્રભાઈએ તેને સાંત્વના આપી. ઉદય ત્યાંથી જવા નીકળ્યો ત્યારે કશિશે તેને અટકાવ્યો અને ન્યૂઝપેપરમાં માહિતી તેણે આપી હોવાનો આક્ષેપ કર્યાે. વારસામાં ભાગ ન મળે તે માટે ઘરમાંથી કાઢવા કૌશલ સાથે પરણાવી દેવાની તેની અને ભાભીની ચાલ હતી તેમ જણાવી કશિશે ઉદયને ઘણુ સંભળાવ્યું. ગુસ્સે ભરાયેલી કશિશે ઉદયને તમાચો ઝીંકી દીધો. બીજી તરફ કશિશને ધ્યેયે એમ કહીને અટકાવી કે આ કામ તેણે કર્યું છે. આથી કશિશ અવાચક થઈ ગઈ. ન્યૂઝપેપરમાં સમાચાર ધ્યેયે આપ્યા હતા તેવું તેના મોઢે સાંભળવા છતાં તેને વિશ્વાસ થતો ન હતો. ઉદય મહેન્દ્રભાઈને લઈને જતો રહ્યો. ધ્યેયે શાંતિથી કશિશને સમજાવવાની કોશિશ કરી કે આ બધું તેણે તેના ફાયદા માટે કર્યું હતું. મીડિયા મારફતે લોકો સુધી કેસની વિગતો પહોંચે અને સપોર્ટ મળવાથી કેસ મજબૂત થાય તેવી તેની ગણતરી હતી. કશિશને તેની વાતમાં સચ્ચાઈ લાગી. તેણે કૌશલને સમજાવવાનું કામ ધ્યેયને સોંપ્યું. ઘરે પહોંચેલો કૌશલ હજુ પણ ગુસ્સામાં હતો. તેણે તેના પિતાને ફોન કર્યાે અને કેસની વિગતની માહિતી આપી. તેના પિતાએ કેસ બાબતે અજાણ રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી. તેમણે કશિશ પર કંટ્રોલ રાખવાનું કહી કેસ પાછો ખેંચાવી લેવા જણાવ્યું. આ દરમિયાન ત્યાં પહોંચેલી કશિશને જોઈને કૌશલ બરાડ્યો અને તેને ત્યાંથી જતાં રહેવા કહ્યું.

હવે આગળ વાંચો…

‘લિસન…!’ કશિશે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ કશું બોલે તે પહેલાં જ કૌશલે એને અટકાવી,

‘નો…હું કશું જ નહીં સાંભળંુ…..પહેલાં કેસ પાછો ખેંચ, પછી જ તું કહે તે સાંભળીશ! સમજી!’ કૌશલના આવા તોછડા અને નિર્દય વલણથી કશિશની સ્થિતિ કફોડી થઈ ગઈ. એ સમજતી હતી કે જે થયું તે બહુ જ ખોટું થયું, પણ કૌશલ એનો પતિ છે, એનો હમસફર! એણે આવી ક્રૂર રીતે વર્તન કરવાના બદલે મુશ્કેલ સમયમાં મદદ કરવી જોઈએ. એના બદલે આવી ખોટી જીદ્દ પર અડી જાય તે કેવું?

થોડીવાર માટે નાસીપાસ થઈ ગયેલી કશિશે પોતાના મનને સમજાવવાની કોશિશ કરી. માણસને અણધાર્યું દુઃખ ઝીલવાનું આવે તો એ કદાચ આટલો બેબાકળો થઈ જાય. આટલાં વર્ષોનો અનુભવ છે, કૌશલે આવું વર્તન કદી કર્યું નથી તો એને ફરી સમજાવવાનો પ્રયત્ન કરી લેવો.  કદાચ એ સમજી જાય.

‘ધ્યેયને હતું કે મારા કેસને હાઈપ મળે તો કેસને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એટલે એણે છાપામાં મેટર આપ્યું હતું, પણ એને ખ્યાલ ન હતો કે એડિટર આજે છાપશે.’ કશિશને હતું કે એની ચોખવટથી કૌશલનો ગુસ્સો થોડો ઓછો થશે, પણ ધ્યેયના નામ અને કામે બળતાંમાં ઘી ઉમેરવાનું કામ કર્યું.

‘ગ્રેટ…..વાહ…વાહ…દોસ્ત હો તો એસા!’ કૌશલે જોર-જોરથી તાલી પાડી. કશિશ ડઘાઈને એને જોઈ રહી. ઘણીવાર સાચી હકીકત કસમય પર કહેવાય તો એની અસર વિપરીત જોવા મળે. બસ, કશિશ સાથે આજે આ જ થઈ રહ્યું હતું. જે વાત અત્યારે ન કહેવી જોઈએ તે જ એણે કહી દીધી.

વિપરીત કાળે વિપરીત બુદ્ધિ!

‘એક કામ કર! ધ્યેયને કહે કે ન્યૂઝ ચેનલમાં પણ ખબર આપી દે. એટલે આખા દેશમાં તારો વટ પડી જશે અને નાણાવટી પરિવારનું ય નામ મોટું થશે. ધ ફ્રેટ નાણાવટી ઓન ફ્રન્ટ પેઈજ!’ કૌશલના કટાક્ષથી કશિશનું દિલ લોહીઝાણ થઈ ગયું. હા, એ જાણતી હતી કે આ ઘટનાથી કૌશલ હર્ટ થયો હશે, પણ આવી રીતે વર્તશે એ એની કલ્પના બહારની વાત હતી. એને સમજ પડતી ન હતી કે કૌશલ આટલું બધું ઓવર-રિએક્શન કેમ કરે છે? હવે શું કરવું?

આ જ સમયે ધ્યેય આવ્યો. કર્ટસી પ્રમાણે ધ્યેય એ બંનેની રજા લઈને આવ્યો હોત. વળી, આમ તો બીજા કોઈ સંજોગ હોત તો ધ્યેયે પતિ-પત્ની વચ્ચે પડવાનું મુનાસિબ માન્યું ન હોત, પણ આજની પરિસ્થિતિ માત્ર એને કારણે સર્જાઈ છે, એને કારણે એકબીજાને અપાર ચાહતા પતિ-પત્ની એકબીજા સામે શંકા કરી રહ્યાં છે. એટલે જ કશિશ અને કૌશલને પરિસ્થિતિ સમજાવવી જોઈએ તે એવું માનતો હતો, પણ એ કશું કહે તે પહેલાં એને જોઈને કૌશલે એને ય આવતાંવેંત અડફેટે લીધો.

‘પધારો પધારો વકીલ સાહેબ…તમે તો યાર આજની પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા!’ ધ્યેયને આવતાંવેંત કટાક્ષથી નવાજીને કૌશલ ગુસ્સા અને આવેશમાં એ ભાન ભૂલી ગયો હતો કે એ સમજદારીની લિમિટ ક્રોસ કરી રહ્યો છે.

‘ઇનફ કૌશલ….આ રીતે તું ધ્યેયનું અપમાન કરે તે યોગ્ય નથી. એણે જે કર્યું તે મારા માટે કર્યું હતું.’ પતિ-પત્નીની લડાઈમાં ધ્યેયનું અપમાન થયું એટલે કશિશે એનો બચાવ કર્યો. પરિસ્થિતિ ઘણીવાર માણસને ભાન ભૂલાવી દેતી હોય છે, પણ ઘણીવાર તે આત્મઘાતી પુરવાર થાય છે.

‘અચ્છા! તારા માટે કર્યું પણ બદનામ તો અમે થયાને? નાણાવટી પરિવાર શંકાના દાયરામાં! આજ હેડલાઇન છપાઈ છે ને?’ કૌશલના સવાલનો જવાબ કશિશ પાસે ન હતો, પણ એને ‘અમે બદનામ થયા’ એવા કૌશલના શબ્દો ખૂંચ્યા. આખરે એ ય નાણાવટી પરિવારની સભ્ય છે અને કૌશલ એને હવે પોતાના પરિવારની સભ્ય પણ ગણતો નથી?

‘કૌશલ…મેં માત્ર મેટર મોકલાવ્યું હતું. તારા પરિવારનું તો નામ પણ એમાં ન હતું. એ લોકોએ આખી વાતને ટ્વિસ્ટ કરીને છાપી છે… નાણાવટી ફેમિલીને બદનામ કરવાનો મારો કોઈ ઇરાદો ન હતો.’ ધ્યેયે વિગતવાર ખુલાસો કર્યો જેથી કૌશલનો ગુસ્સો ઓછો થાય.

‘ઓહ…રિયલી? માત્ર તારા કારણે જ કશિશ કોર્ટે ચડી છે. તેં જ એને ચડાવી. ત્યારે જ રોકી હોત તો આજે અમે બદનામ ન થયા હોત! તું અને કશિશ બંને આ પાપમાં સરખાં ભાગીદાર છો. કૌશલ કશું જ જાણતો ન હતો કે ધ્યેયે કશિશને કેસ કરતી અટકાવવા માટે કેટલા પ્રયત્ન કર્યા હતા, પણ આજે આમ ભાન ભૂલીને એણે ધ્યેય પર આરોપ લગાવ્યા તે કશિશને ન ગમ્યું,

‘ધ્યેયે જ મને આ પગલું લેતાં અટકાવી હતી. એટલે તો એ મારો કેસ નથી લડતો.’ ધ્યેયનો બચાવ કરતાં કશિશે કહ્યું એટલે કૌશલનું દિમાગ છટક્યું,

‘એમ? એના બદલે એનો જુનિયર લડે છે…તું મને શું દૂધ પીતો બાળક સમજે છે કે આવો વાહિયાત બચાવ કરે છે? તારા ધ્યેયની બહુ ફેવર કરે છે તો પેલા બે ટકાના એડિટરને કહે કે એ માફી માગે. બોલો કરી શકશે તારો ધ્યેય?’ કૌશલ કશું જ સમજ્યા વિના બોલતો હતો. એના વાગ્બાણ કશિશના દિલ પર ઘા પર ઘા કરતા હતા.

‘તારો ધ્યેય, તારો ધ્યેય’ એમ કહીને એ જાણેઅજાણે ધ્યેય અને કશિશના સંબંધ પર સવાલ ઉઠાવતો હતો.

‘એમ કરવું યોગ્ય પણ ન કહેવાય. કૌશલ! એવું કરવાથી કદાચ વધુ બદનામી થાય અને જે લોકો જાણતા ન હોય તે પણ જાણતા થાય.’

કૌશલના અસહ્ય આક્ષેપને અવગણીને ધ્યેયે પૂરી ધીરજથી કૌશલને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘હવે આ બાબતમાં હું કોઈ ચર્ચા કરવા નથી ઇચ્છતો… અને ધ્યેય તું અમારી પર્સનલ મેટરમાં માથું નહીં માર. કશિશ તું કેસ

પાછો ખેંચ. પછી જ હું તારી સાથે વાત કરીશ! યુ કેન ગો નાવ!’ રણ મેદાનમાં હારવાની નોબત આવે ત્યારે કાયર લોકો રણ છોડીને ભાગે તેમ કૌશલે ય એવું જ કર્યું. એ ફરી કેસ પાછો ખેંચવાની રઢ લઈને બેસી ગયો.

કૌશલે વાત કરવાની ના પાડીને જે રીતે સાવ છેલ્લે પાટલે બેસી ગયો એટલે કશિશ અને ધ્યેયને સમજાઈ ગયું કે હવે કૌશલ સાથે વાત કરીને સમજાવાનો મોકો જતો રહ્યો છે. બંને અસહાય બનીને એકબીજા સામે તાકી રહ્યાં. જાણે બંને જિમમાં હોય જ નહીં તેમ કૌશલ ટ્રેડમિલ પર દોડવા લાગ્યો. એટલે કશિશ અને ધ્યેય બહાર આવ્યાં.

‘અત્યારે એ ગુસ્સામાં છે, હું રાતે વાત કરી જોઈશ.’ કશિશે કહ્યું,

‘ઓ.કે..ટેક કૅર…હું જાઉ?’

કશિશે બોલ્યા વિના હકારમાં માથું હલાવ્યું. ધ્યેય ગયો.

એ આખો દિવસ કશિશે ક્ષુબ્ધ અવસ્થામાં પસાર કર્યો. જે ઘટના બની હતી તે મગજમાં એટલી હદે છવાઈ હતી કે એની અસરમાંથી બહાર નીકળવું અઘરું હતું. એમાં ય દાઝ્યા પર ડામ જેવું કૌશલનું બેરુખ વલણ. કૌશલ આખો દિવસ પોતાના રૃમમાં ભરાઈ રહ્યો, લંચ કે ડિનર માટે પણ નીચે ન આવ્યો. ઇવન રાતે સૂવા માટે પણ બંનેના કોમન બેડરૃમમાં ન આવ્યો અને પોતાના પર્સનલ રૃમમાં સૂતો તેથી કશિશનું મન વધુ તરડાઈ ગયું.

સવારે બ્રેક્ફાસ્ટ સમયે કૌશલ આવ્યો. એણે કશિશ સામે જોયું સુદ્ધાં નહીં. એટલે બોલવાની તો વાત જ ક્યાં આવે? ચૂપચાપ નાસ્તો કરતો રહ્યો, કશિશે જ પહેલ કરી,

‘આઇ એમ સોરી ફોર એવરિથિંગ!’ કશિશે એક વધુ પ્રયત્ન કર્યો જેથી પરિસ્થિતિ સુધરે. એ બોલી એટલે કૌશલે એની સામે જોયું અને કહ્યું,

‘કેસ પાછો ખેંચ્યો?’ કશિશને હતું કે રાત પસાર થઈ છે એટલે કૌશલ હવે થોડો ઢીલો પડ્યો હશે, પણ એ માત્ર આટલું જ બોલીને વેધક નજરે એની સામે જોઈ રહ્યો, કશિશને ખ્યાલ આવી ગયો કે કૌશલ એની વાતમાં મક્કમ છે. હવે જે થાય તે હરિઇચ્છા!

‘હું એ વિશે જ વાત કરવા ઇચ્છું છું.’

કશિશે કહ્યું એટલે કૌશલ બોલ્યા વિના એની સામે જોઈ રહ્યો,

‘તું કહે તે બધું હું કરી શકું છું…પણ એકવાર મારી જગ્યાએ તને મૂકીને વિચારી જો કે અગર તારી સામે મારી સાથે થયું તેવું થયું હોત તો તેં શું રિએકશન આપ્યું હોત?’ કશિશની આંખમાં સ્વાભિમાન હતું કે એ જોઈને ક્ષણવાર માટે કૌશલ ઢીલો પડી ગયો. ત્યાં જ એને એના ડેડના શબ્દો યાદ આવ્યા.

‘તારી મોમ આ ઉંમરે ય મને પૂછ્યા વિના ડગલું ભરતી નથી’ અને કશિશ એનો પતિ હોવા છતાં પોતાને ગણકારતી પણ નથી, આજે ડેડનો ફોન આવશે ત્યારે પોતે શું જવાબ આપવો? મેલ-ઈગો સામે પ્રેમ હારી ગયો. એ ફરી મક્કમ થઈ ગયો,

‘હું તારી જગ્યા પર નથી….અને મને એવી કલ્પના કરવી પણ નથી. મને બસ એટલું કે ‘તું કેસ પાછો ખેંચે છે કે નહીં?’

‘આ રીતે હું કેસ પાછો ખેંચું તેની મને મારું ઝમીર ના પાડે છે. હું મારી જાતને શરમિંદગીમાં ન મૂકી શકું.’ કાલથી કૌશલને સમજાવવાનો પ્રયત્ન કરતી કશિશે આજે ચોખ્ખેચોખ્ખું કહી દીધું. ક્યાં સુધી ઠાલો બચાવ કર્યા કરવો? જે થયું તે બહુ દુષ્કર છે, પણ એમાં એનો વાંક શું? એ જ કે એ એને થયેલા અન્યાય સામે લડે છે?

‘પણ અમને શરમમાં મૂકી શકે છે?’ કૌશલ એની સામે તીક્ષ્ણ નજરે જોઈ રહ્યો.

‘અન્યાય સામે લડવું એ માટે શરમ લાગે કે ગૌરવ થાય? પણ મારી નજરમાં નીચી

પડીને હું ન જીવી શકું.’ કશિશના જવાબથી કૌશલ સ્તબ્ધ થઈ ગયો. એને એમ હતું કે

પોતે કાલથી જે અક્કડતા દેખાડી છે તે જોઈને કશિશ ઢીલી પડશે અને કેસ પાછો ખેંચી લેશે. એના બદલે એ કેસ પાછો ન ખેંચવા માટે વધુ મક્કમ થઈ ગઈ. એ જોઈને કૌશલનો પિત્તો ગયો,

‘મને ખબર છે પેલા બે ટકાના ધ્યેયના કહેવાથી તું આટલી કૂદે છે, પણ યાદ રાખજે કેસ પાછો નથી ખેંચ્યો તો જોવા જેવી થશે!’ કૌશલના આવા આરોપથી કશિશ ખિજાઈ,

‘ડોન્ટ ટૉક રબિશ….તને કશી ખબર જ નથી…સમજ્યો! હું તને બે દિવસથી સમજાવી રહી છું કે ધ્યેયનો એમાં વાંક નથી. મેં મારી મરજીથી કેસ કર્યો છે. તોય તારી પિન ત્યાં જ અટકી ગઈ છે.’ કૌશલને વચ્ચે અટકાવીને કશિશ બોલી પડી,

‘હા…તો અટકે જ ને…મારા પરિવારની ઇજ્જતનો સવાલ છે.’ કૌશલ બોલ્યો એટલે કશિશે એની નજર સાથે નજર મિલાવીને

પૂછ્યું,

‘કાલનો કહે છે કે મારો પરિવાર… મારો પરિવાર… પણ તારા નાણાવટી પરિવારમાં હું આવું છું કે નહીં?’ કાલથી જે વાત ચૂભતી હતી તે આખરે કશિશના હોઠ પર આવી ગઈ. કૌશલ સમજી ગયો કે એ ચર્ચામાં કશિશને પહોંચી નહીં શકે એટલે એણે છેલ્લું હથિયાર અજમાવ્યું.

‘નો મોર ડિસ્કશન! ખાલી હા કે ના…તું કેસ પાછો ખેંચે છે કે નહીં?’ કૌશલ સવાલ કરીને એની સામે તાકી રહ્યો, કશિશ ક્ષણભર એને જોઈ રહી. એના મનમાં અનેક લાગણીઓ સામસામે ખેંચાઈ રહી હતી. એણે કલ્પના કરી ન હતી કે એણે આમ આજે જ આનો જવાબ આપવાનો થશે.

‘હું તને પૂછું છું… તું કેસ પાછો ખેંચે છે કે નહીં?’ કશિશે જવાબ આપ્યો નહીં એટલે કૌશલે ફરી પૂછ્યું,

‘ના…હું કેસ પાછો નહીં ખેંચું.’ કશિશે એટલી જ મક્કમતાથી જવાબ આપ્યો. એનો જવાબ સાંભળીને કૌશલને આંચકો લાગ્યો. એને હતું કે પોતે આટલો મક્કમ રહેશે તો કશિશ કેસ પાછો ખેંચી લેશે. એના બદલે એ જરા પણ ઝૂકવા તૈયાર ન થઈ એટલે હવે કૌશલે પણ સામે પોતાનું જોર દેખાડ્યું, ‘આ તારો આખરી નિર્ણય છે?’ ‘હા..!’ કશિશે ઊંડો શ્વાસ લઈને કહ્યું.

‘ફાઇન…જો એમ હોય તો આપણે સાથે રહી નહીં શકીએ!’

કૌશલ છેક આવી વાત કરશે એની કશિશને કલ્પના ન હતી. સપ્તપદીના ફેરા ફરતાં સમયે તો એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપ્યું હતું અને આજે આમ આવી વાતમાં સાથ તોડવાની હદ સુધી કૌશલ પહોંચી ગયો,

‘તું એવું કહે છે કે મારે ઘર છોડીને જતાં રહેવું?’ કશિશે પૂછ્યું,

‘હું એવું કહું છું કે તું કેસ પાછો ખેંચ, પણ એ શક્ય નથી તો મારે સમાજમાં મારા પરિવારની આબરૃ જાળવવાની ફરજ છે.’ કૌશલે બને એટલા સંયમિત સ્વરે કહ્યું. કશિશ નિઃસહાય બનીને તાકી રહી. એને બહુ મન થયું કે એ કૌશલને સમજાવે કે

પોતે શું કામ લડી રહી છે, પણ કૌશલ હવે એની વાત નહીં સમજે એની એને ખાતરી થઈ ગઈ હતી. જાણે સમય અને સંજોગો એના હાથમાંથી રેતની માફક સરકી રહ્યા હતા. જેને એ મુઠ્ઠીવાળી જકડી રાખવાનો પ્રયત્ન કરતી હતી.

‘ઓ.કે….હું તને સાથે રહેવા મજબૂર નહીં કરું.’ કશિશ આટલું બોલીને ટેબલ પરથી ઊભી થઈ ગઈ. દોડીને પોતાના રૃમમાં જતી રહી. એ આખો દિવસ બંનેએ પોત પોતાના રૃમમાં એકબીજાની રાહ જોયા કરી, પણ બેમાંથી એક પણ ઝૂકવા તૈયાર ન હતાં એટલે એકબીજાના રૃમમાં ગયા નહીં. સાંજે ભારે હૈયે કશિશે બે-ચાર જોડી કપડાં અને પોતાની જરૃરી ચીજવસ્તુઓ લીધી.. પણ ક્યાં જવું? સામાન પેક કરીને એણે પોતાને સવાલ કર્યો. પપ્પાને ત્યાં તો હવે કોઈ એને સ્વીકારશે નહીં અને આ સિવાય તો કોઈ બીજું ઘર એને નથી. સ્ત્રીની આ કેવી મજબૂરી કે જે ઘરને એ પોતાના હાથોથી સંવારે – બનાવે એ જ ઘરને એ પોતાનું માની ન શકે? કશિશ પાસે આજે પતિનું ઘર કે પિતાનું ઘર છે, પણ એનું પોતાનું કહેવાય તેવું કોઈ ઘર નથી. આ કેવી લાચારી?

ઘરમાંથી જતાં પહેલાં એ માસ્ટર બેડરૃમમાં આવી. આ રૃમમાં એ નવવધૂ બનીને આવી હતી. અનેક આશા-ઉમંગ સાથે એણે નવી જિંદગીને હસતે મોઢે આવકારી હતી. આ રૃમમાં કૌશલ સાથેના સહજીવનની અનેક મધુર પળો માણી હતી. કશિશના પગ ભારે થઈ ગયા. એને ધ્યેયના શબ્દો યાદ આવ્યા,

‘કિશુ, તારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. મારું માન, કેસ કરવાનું માંડી વાળ.’ બસ, આ શબ્દોએ એના પગમાં જોર આણ્યું.

પોતે જે માટે લડી રહી છે તે માટે પોતાનું જ એ બલિદાન આપી રહી છે. ભલે પોતે રાખ થઈ જાય, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે એ બેસી નહીં રહે. ભલે પોતાનું જીવન બરબાદ થાય, પણ એને કારણે બીજી અનેક સ્ત્રીઓને લાભ મળે તેવું પણ બને. એણે બધું વિધાતા પર છોડીને પોતાની નાનકડી બેગ હાથમાં લીધી. એ કૌશલના રૃમ પાસે આવી. કૌશલના રૃમનો દરવાજો બંધ હતો, પણ અંદરથી ટી.વી.નો અવાજ આવતો હતો. એણે ડોર પર ટકોરા માર્યા, એટલે અવાજ બંધ થયો, પણ દરવાજો ખૂલ્યો નહીં. કશિશે ઊંડો શ્વાસ લીધો અને બોલી,

‘કૌશલ….હું જાઉ છું. ટેક કૅર! બાય!’ કશિશ આટલું બોલીને સડસડાટ બંગલાની બહાર નીકળી ગઈ. કૌશલ પોતાના બેડરૃમની બારીમાંથી એને જતાં જોઈ રહ્યો. એને બહુ મન થયું કે એ કશિશને બૂમ પાડીને અટકાવી દે, પણ એ કશિશનો પતિ ઓછો અને નાણાવટી પરિવારનો પુત્ર વધુ હોય તેમ એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. એ કશિશને રિક્ષામાં બેસીને જતી જોઈ રહ્યો. જ્યાં સુધી રિક્ષા દેખાય ત્યાં સુધી એ જોતો રહ્યો. (ક્રમશઃ)
—————————————————-.

કામિની સંઘવીરાઇટ એન્ગલ
Comments (0)
Add Comment