લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ.

વરસાદનું સંગીત જંગલમાં સાંભળીને મનુષ્યનું હૃદય કલાસ્પર્શથી ભીંજાયેલું છે

– દિલીપ ભટ્ટ

આપણી સુખની પરિભાષા જંગલોએ આપી છે. સ-ફળ થવું એટલે કે ઉછેરના પરિણામરૃપ ફળફળાદીથી વૃક્ષવેલનું લચી પડવું. કેમ સૂકાયેલા લાગો છો? ના રે ના, અમે તો લીલ્લાછમ્મ્ છીએ.

આદિ મનુષ્ય વનમાં હતો અને સદીઓ- સહસ્ત્રાબ્દિઓ સુધી એણે વનને પોતાના અસ્તિત્વનો અધાર માન્યો. આજે પણ એવા લોકો છે જેઓ જંગલથી દૂર જવા ચાહતા નથી. તેઓને નગરવાસીઓ વનવાસી કે આદિવાસી કહે છે. આદિવાસી એટલે કે આદિકાળથી તેઓ જ્યાં વસતા હતા ત્યાં જ હજુ વસે છે. એ વનમાનુષ કેવો હતો તે આપણે જાણતાં નથી, પરંતુ નૃવંશશાસ્ત્રીઓએ કહ્યા પ્રમાણે આજનો આપણા સહુ સહિતનો મનુષ્ય ખરેખર તો ત્રીજો વનમાનુષ છે. આનાય પાંચ-સાત ફેરા પછી પૂર્ણ મનુષ્ય આવશે. નગરમાં વસવાટ કર્યા પછી કે જંગલોની બહાર નીકળીને નગરો વસાવ્યા પછી મનુષ્ય ચાહતો હતો તો પણ એ કેટલુંક પોતાની સાથે લાવી શક્યો નથી. પહાડો, નદીઓ, ઝરણાઓ, પ્રાણીઓ અને પંખીઓ એમ ઘણુ પાછળ રહી ગયું છે. આંશિક રીતે કંઈક સાથે આવ્યું છે. ઘટાટોપ વૃક્ષો એને ગમે છે.

વૃક્ષઘટા નીચે એ જ્યારે બેસે છે ત્યારે એના હૃદય પર લીલા રંગનું લીંપણ થાય છે કે જે એને અંતઃકરણમાં ટાઢક આપે છે. એ હરિયાળી શીતળતાનો મનુષ્ય ઘેલો છે, પરંતુ જંગલો માટે નગરમાં જગ્યા નથી. એટલે કાંકરિયા, સુંદરવન અને કેટલાક એવા શો પીસ એણે નમૂનારૃપ રાખ્યા છે. ક્યારેક જંગલો મનુષ્યને સાદ કરે છે, પોતાની પાસે બોલાવે છે. મધ્ય રાત્રિએ શાખા-પ્રશાખાના પર્ણછત્ર વચ્ચેથી વરસતી ચાંદનીમાં ફરી સ્નાન કરવાનું એને મન થઈ આવે છે. એ દોડવા જાય છે જંગલો તરફ ને ચાર દીવાલો એને રોકે છે, ભીંતમાં ઘડિયાળ એને રોકે છે. ઓઢણમાંથી બહાર દેખાતા શિશુચરણ અને પત્નીની મુલાયમ કેશલતાઓમાં મનુષ્ય અટવાઈ જાય છે અને એ સદીઓ પસાર થતા જંગલોનો સાદ ઝાંખો પડતો જાય છે. હવે કદાચ એ અવાજ શહેરના સીમાડેથી જ પાછો ફરી જાય છે. ક્યારેક એનો એકાદ પડઘો શયનખંડની ગુલાબી હવામાં આવીને બારી બહાર શ્વેત પાંખો ધરાવતા દેવદૂત શો પેલે પાર વહી જાય છે.

વરસાદનું સંગીત જંગલમાં સાંભળીને મનુષ્યનું હૃદય કલાસ્પર્શથી ભીંજાયેલું છે. વરસાદનો ધ્વનિ એકલો કોરો-મોરો ન હોય. વૃક્ષોના ઉપરના હરિતછત્ર તરીકે જે પર્ણવૈભવ પથરાયેલો છે તેના પર વર્ષાના બિંદુઓ અવતરે છે. એકસરખાં પાંદડાંઓમાંથી જાણે કે સમૂહગાન પ્રગટે છે. આભેથી અવતરેલા એ જળ અનેક પાંદડાંઓ પરથી સરી સરીને વૃક્ષતળે પહોંચે છે. ત્યાંથી ફરી ઢળતા ઢાળે એ આગળની નદીઓને જઈ મળે છે. નદીની દેહયષ્ટિનું નિર્માણ કરતા એ વરસાદી પ્રવાહોનો મેળો ધરતી પર જામેલો હોય છે. દરેક રીમઝીમ મંત્રોચ્ચારથી સરિતા સજીવન થવા લાગે છે ને જોતજોતામાં એનો ઘૂઘરિયાળો ઝાંઝરરવ સંભળાય છે. જેમ માત-પિતાની વાત્સલ્યધારામાં પુત્રીને એમ વરસાદી વહાલમાં નદીને યૌવનમાં પ્રવેશતા શી વાર લાગે? સદીઓ પછી આ નદીઓ એક નાનકડી નળની ચકલી બનીને નગરવાસીઓ સાથે રહી છે. નળની એ ચકલીમાં બે કાંઠાના ઘટાદાર વનવગડા વચ્ચે વહેતી નદી હવે સ્મૃતિશેષ છે. નળના પાણીમાં સરિતજળનો અણસાર છે, જેમ સંતાનોનાં સંતાનોમાં આપણી ઘટાઓ અને છટાઓનો અણસાર હોય તેમ! મનુષ્ય જંગલથી જુદો પડી ગયો છે, જંગલનો હાથ છોડાવીને નગર તરફ નાસી છૂટ્યો છે, પરંતુ જંગલ હજુ એની પાછળ હાથ લંબાવે છે.

આંગણાના તુલસી કે મોગરામાં ખિલખિલ હસીને એના પાંદડે-પાંદડે એ બોલે છે – ઘરમાં ન આવવા દો તો કાંઈ નહીં, અહીં ફળિયામાં હું રહું? જે જંગલે હજારો વર્ષો સુધી મનુષ્યને પોતાના ‘ઘર’માં રાખ્યો એ જંગલના પ્રેમને મનુષ્યે ઘરની બહાર ઊભો રાખ્યો છે ને હુકમ કર્યો છે કે, તારે અમારી સામે ખિલખિલ હસતા રહેવાનું, પરંતુ જંગલને તોય આનંદ છે. વિખૂટા પડેલા બાળકને શાળાના દરવાજે સંતાઈને ઊભા રહી મા જેમ જોયા કરે એમ મોગરાની પાંદડીઓ મનુષ્યને જોયા કરે છે, જાણે કે જંગલે મહાનગરમાં પોતાનાં સંતાનોને ‘ભણવા’ ન મૂક્યા હોય! એક માંગલિક વિષાદ વનશ્રીના હૈયે છે. વનશ્રી માને છે કે મનુષ્યમાં મોટપ આવશે ત્યારે એ એની પાસે પાછો ફરશે. ફરી વડલાની ડાળે હીંચકા ખાશે ને વડવાઈ ઝાલીને આમથી તેમ ઝૂલવા લાગશે. ફરી એ ખોબો ભરીને નદીના અમૃતનું આકંઠ પાન કરશે. પ્રાગૈતિહાસિક કાળે યુવાનીમાં મનુષ્યનું લાલનપાલન કરતી હતી તે વનશ્રીની હવે અવસ્થા આવી છે. જેમ પુત્રના મુખારવિંદનું દર્શન માતાની આંખમાં પુનઃ યૌવનનો ઝબકાર લાવે છે તેમ જર્જરકાયા એ વનશ્રી મનુષ્યની ચિરકાલીન પ્રતીક્ષા કરે છે.

આપણી સુખની પરિભાષા જંગલોએ આપી છે. સ-ફળ થવું એટલે કે ઉછેરના પરિણામરૃપ ફળફળાદીથી વૃક્ષવેલનું લચી પડવું. કેમ સૂકાયેલા લાગો છો? ના રે ના, અમે તો લીલ્લાછમ્મ્ છીએ. તેમણે તો વડલા જેવી વય ભોગવી ને એયને પાછળ લીલી વાડી મૂકીને ગયા! વિશ્વની દરેક ભાષામાં જંગલનો પડછાયો છે. બહુ મોટો ઘેરાવો છે, હોય જ ને, જંગલ કોને કહે! તું ભીમકસુતા દમયંતીની કે સિંહની કટિ-કમર જેવી પાતળી ‘ને ઊંચી લીમડી જેવી બહુ સ્થૂળ નહીં તેવી લીલ્લીછમ્મ્ થા અને હું તને વીંટળાઈ વળતો નમણો નાગરવેલનો છોડ થાઉં! લીલી લીમડી રે… લીલો નાગરવેલનો છોડ…!

તું સ્વયં પુલકિત જૂઈ હો કે ચમેલી હો, હું વિશુદ્ધ અંતઃકરણ ધરાવતો શુભ્ર મોગરો બનું! વનવાસી પાસે આવતીકાલ માટેનો સંગ્રહ નથી. જે જોઈએ તે બધું જ ચોતરફ અને ભરપૂર છે. એટલે વનવાસી દંપતી પૂર્ણ પ્રણયોન્માદક યુગલ જીવન વીતાવે છે. આ એ સમય હતો જે પૃથ્વી પર યુગો સુધી પથરાયેલો રહ્યો. ગાઢ અંધકારભરી રાત્રિઓમાં સુસવાટા મારતા પવનો અને પશુ, પક્ષી, મનુષ્યનો એક જ જંગલમાં સહિયારો વસવાટ. એમાંથી બુદ્ધિ અને બળથી માત્ર પોતાનું તારવવાની મનુષ્યે શરૃઆત કરી. છેવટે એ જુદો તરી ગયો. સંયુક્ત કુટુંબો ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી એમાં રહેલા મનુષ્યો પોતપોતાનું તારવવાની શરૃઆત ન કરે. ગળામાં મોતીઓની હાર વનવાસી કન્યાએ ધારણ કરી એ પહેલાં એણે આકાશમાં વારંવાર પંખીઓની હાર જોઈ. કંઠમાં રમતા મોતીડા એને મન તો હૈયે ઊડતાં પંખીઓ! જંગલ અને એની હરયાળા નભછત્ર સરીખી છાયા ક્યાંક – ક્યાંક ઊંડે મનુષ્યમાં છૂપાયેલી છે. એ હજુય ક્યારેક અભિવ્યક્ત થયા કરે છે. પ્રિયતમાની આંખમાં કે શિશુના પ્રશાંત નેત્રદ્વયમાંથી એ વન ફરી પ્રવેશવા મથે છે આપણી ભીતર…!

રિમાર્ક – Man has traveled from forest to unrest….
——————–

દિલીપ ભટ્ટવૃક્ષ
Comments (0)
Add Comment