ખબરદાર, જો પાન-ગુટખા ખાઈને ગમે ત્યાં પિચકારી મારી છે તો…!!!

લોકો પાન-ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકે છે

કવર સ્ટોરી – લતિકા સુમન

જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ છે, પરંતુ કમનસીબે આપણા દેશના નાગરિકો પોતાના આ કર્તવ્ય પ્રત્યે એટલા ગંભીર નથી જણાતા. વાત છે સ્વચ્છતાના આગ્રહી અને કર્તવ્યનિષ્ઠ એવી વ્યક્તિની કે જેમની પહેલના કારણે મુંબઈમાં પાન-ગુટખા ખાઈ ગમે ત્યાં થૂંકી ગંદકી ફેલાવતા લોકો પણ આમ કરતાં ખચકાઈ રહ્યા છે. સ્વચ્છતાનું આ અનોખું અભિયાન જાણવા જેવું છે.

તમે સજી-ધજીને શાનથી પાન ચાવતાં-ચાવતાં ક્યાંય જઈ રહ્યા છો. વચમાં જ ક્યાંક તમને પાનની પિચકારી મારવાની ઇચ્છા થઈ અને ત્યારે જ કોઈ તમારા મોઢા આગળ થેલી ધરી દે તો? તમે તેમાં પિચકારી મારશો કે પછી ગળી જશો? છે ને અઘરો સવાલ? એક વ્યક્તિ દાદરથી વિરાર જવા માટે મુંબઈની લોકલ ટ્રેનમાં ચઢી. દરવાજે ઊભા-ઊભા તેને ટ્રેનમાંથી નીચે પિચકારી મારવાની ઇચ્છા થઈ. કોઈએ પાછળથી તેના મોઢા આગળ થેલી ધરી દીધી, તે વ્યક્તિ મોઢામાં જ પાનની પિચકારી દબાવતો સડક થઈને જોતો જ રહી ગયો. પાછળ ઊભેલી વ્યક્તિએ આગળ આવીને કહ્યું, તમારી પાસે બે જ રસ્તા છે. કાં તો આ થેલીમાં થૂંકો અથવા ગળી જાઓ. હું તમને બહાર થૂંકવા નહીં દઉં. પાનવાળી વ્યક્તિથી કશું બોલી પણ શકાતું ન હતું. તે માણસ દાદરથી બોરીવલી સુધી એ જ બોલતી બંધ થઈ ગયેલી હાલતમાં જેમ તેમ કરીને બોરીવલી પહોંચ્યો. જેવી ટ્રેન રોકાઈ, ના જાણે ક્યાં ભાગી ગયો. કોણ જાણે પછી ક્યાં જઈને થૂંક્યો હશે? અને અહીંયાં અચંબિત થઈને લોકો પેલા થેલીવાળા માણસને જોતા જ રહી ગયા કે જેણે અત્યાર સુધી કોણ જાણે કેટલા લોકોનું થૂંક એમના જ ગળાની અંદર ઉતારી દીધું છે. એનું નામ છે જગદીશ પ્રભાવતી પરમાનંદ મકવાણા.

આ જગદીશભાઈ છેલ્લાં ૩૮ વર્ષાેથી મુંબઈ સર્વાેદય મંડળ સાથે જોડાયેલા છે. ગાંધી વિચારોનો ફેલાવો કરવો એ જ તેમનું ધ્યેય છે. તેમણે છેલ્લાં બે-ત્રણ વર્ષાેથી અનોખી સફાઈ ઝુંબેશ ચલાવી છે. તેમને આ ઝુંબેશની પ્રેરણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા તો સંજય દત્ત ફેમ ગાંધીગીરીમાંથી નથી મળી. તેઓ પોતે જ ગાંધી વિચારોથી પ્રેરિત થયેલા છે. જગદીશભાઈ ૧૯૭૯માં શેરીનાટકો કરતા હતા. સુજાતા મહેતા અને સ્વ.શફી ઇનામદાર જેવી હસ્તીઓ પણ તેમના શેરીનાટકો જોવા આવતી. જગદીશભાઈએ કરેલા ‘ચોર ચોર પકડો’ નામના એક શેરીનાટકના ૩૦૦ શૉ થયા હતા. શશિ ગઢિયા લિખિત અને રૃપેશ શાહ દિગ્દર્શિત આ શેરી નાટક બદલ ૧૫ ગોલ્ડ મેડલ મળ્યા હતા. આ દરમિયાન એક આંદોલનના ભાગરૃપે શેરીનાટકો કરતી વખતે જગદીશભાઈનો પરિચય સર્વાેદય મંડળના તુલસીદાસ સોમૈયા સાથે થયો હતો. આ પછી ગાંધીવિચારો તેમની જિંદગીનો ભાગ બની ગયા હતા.

બે-ત્રણ વર્ષ અગાઉ જગદીશભાઈને વિચાર આવ્યો કે લોકો પાન-ગુટખા ખાઈને ગમે ત્યાં થૂંકે છે અને જમીનો, દીવાલોને ગંદી કરે છે. આ અંગે કશું કરવું જોઈએ. તેમણે પ્લાસ્ટિકની કોથળીઓ ખિસ્સામાં મુકી અને રસ્તા પર નીકળી પડ્યા. થાણેના તળાવપાળી નજીક આવેલા જાંભલી નાકે આવી ગયા. એક માણસ ગુટખાની પિચકારી મારવા જતો હતો ત્યાં તેના મોઢા આગળ પ્લાસ્ટિકની થેલી ધરી દીધી. દિવસમાં ૧૫ ગુટખાની પડીકીઓ ખાવાવાળા પેલા માણસે શરમના માર્યા ગુટખા જ બંધ કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી. અહીં તેમને અમિત વર્મા મળી ગયો. તેનો કુર્લામાં બિઝનેસ છે. દિવસની પાંચસો રૃપિયાની ગુટખા ખાતો હતો. શરમનો માર્યાે હવે ૫૦ રૃપિયાની ગુટખા પર આવી ગયો છે, પરંતુ બધા જ માણસો આવા સીધા નથી હોતા. જગદીશભાઈ કહે છે, ૫૦માંથી ૪૦ લોકો વાત સમજે છે, પરંતુ બાકીના દસ જણા જરા અઘરા હોય છે. મોઢા આગળ આમ થેલી ધરવી તેમને અપમાન લાગે છે. ઘણા મારવાની ધમકી આપે છે. એક દિવસ ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં આવું જ થયું. ટ્રેનમાંથી ઉતરી એ વ્યક્તિએ થૂંકવાની કોશિશ કરી અને જગદીશભાઈએ મોં આગળ થેલી ધરી દીધી. પેલાએ જગદીશભાઈનો કોલર પકડી લીધો. બીજા લોકો વચ્ચે પડ્યા ત્યારે તે માણસ ચુપચાપ ત્યાંથી નીકળી ગયો નહિતર તે દિવસે આવી બન્યું હતું.

જગદીશભાઈ સૌરાષ્ટ્રના ભાવનગરના વતની છે. વતન જવા ઘરેથી નીકળે ત્યારે બે થેલા સાથે લઈ લે છે. ટ્રેનના કંપાર્ટમેન્ટમાં જેટલો પણ કૂડો-કચરો દેખાય તેને થેલામાં ભરીને જ પ્લેટફોર્મ પર ઊતરે છે. તેમણે પોતાના ગામમાં પણ દસ-પંદર જણાને થૂંકતા અટકાવવાની કોશિશ કરી જોઈ, પણ વ્યર્થ ગઈ. તેઓ કહે છે, અમારા ગામમાં પણ લોકોને ગુટખાની કુટેવ પડી ગઈ છે. ૯૦ ટકા લોકો ગુટખા ખાય છે. જગદીશભાઈ કોઈને અટકાવતા નથી. તેમનું કહેવું છે કે, ગમે-ત્યાં થૂંકી ગંદકી ન ફેલાવો. રોજના ૫૦ લોકોને પ્રયોગો દ્વારા સમજાવવાની કોશિશ જરૃર કરતા રહે છે. સરકારી તંત્ર ઠેર-ઠેર થૂંકદાની મુકે છે તેની સામે પણ તેમનો વિરોધ છે. તેઓ કહે છે, તમે ૨૪ કલાક પાન ખાઈને ફરતાં રહેશો તો શું સરકાર તમારી આજુબાજુ દરેક જગ્યાએ થૂંકદાની મૂકવા જશે?

હવે તો પ્લાસ્ટિકનાં ઝભલાં બંધ થઈ ગયાં છે. હવે તમે કેવી રીતે તમારું કામ કરશો? આના જવાબમાં તેમણે કહ્યું કે, હવે હું કાગળની મોટા આકારની થેલીઓ લઈને ફરીશ, પણ મારું કામ બંધ નહીં કરું. પાન ખાઈને થૂંકવાવાળા સ્વચ્છતાને સમજતા નથી તો એનો મતલબ એ નથી કે હું પણ મારું કર્તવ્ય ભૂલી જાઉં. સ્વચ્છતા એ દરેક નાગરિકનું કર્તવ્ય છે અને હું મારું એ કર્તવ્ય જ નિભાવી રહ્યો છું.
——————–

કવરસ્ટોરીલતિકા સુમન
Comments (0)
Add Comment