કચ્છનાં શહેરોમાં ગંદકીની ભરમાર

પાલિકાના શાસકોની બેદરકારી રહીશોમાં સિવિક સેન્સના અભાવે દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંદું થતું જાય છે.

કવર સ્ટોરી – સુચિતા બોઘાણી કનર

તાજેતરમાં જ થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભુજ ક્યાંય પાછળ રહ્યું છે. ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ પણ ભુજથી વધુ સ્વચ્છ છે. ભુજ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પાલિકાના શાસકોની બેદરકારી રહીશોમાં સિવિક સેન્સના અભાવે દિન-પ્રતિદિન વધુ ને વધુ ગંદું થતું જાય છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલાનાં દ્રશ્ય સામાન્ય થઈ ગયા છે.

એક લાખથી વધુ વસતીવાળા ગુજરાતનાં ૩૦ શહેરોમાં ભુજનો નંબર ૨૯મો આવ્યો છે, તે જ શહેરની અસ્વચ્છતાનો સૌથી મોટો પુરાવો છે. ગત વર્ષે નેશનલ રેન્કિંગમાં ભુજનો નંબર ૯૮મો હતો, પરંતુ આ વર્ષે આ નંબર ૩૫૦મો થયો છે. આમ ભુજની અસ્વચ્છતા માત્ર એક જ વર્ષમાં કેટલી વધી હશે તે સ્પષ્ટ થાય છે. લાંબા સમયથી ભુજ નગરપાલિકામાં પૂર્ણકાલીન મુખ્ય અધિકારીની જગ્યા પર ઇન્ચાર્જ અધિકારી શાસન કરે છે. તેઓ માત્ર સહીઓ કરવા પૂરતા જ કચેરીમાં આવતા હોવાથી પાયાની સમસ્યાના નિકાલ માટે સમય ફાળવી શકતા નથી. તો નગરપાલિકા દ્વારા વોર્ડર સિસ્ટમનો પણ અમલ કરાતો નથી. તેમ જ ભૂકંપ પછી ભુજનો ચહુદિશ વિકાસ થયો છે, પરંતુ તેના પ્રમાણમાં સફાઈ કામદારોની સંખ્યા વધી નથી. સફાઈનું કામ ઠેકેદારને અપાય છે. જેનો મોટા ભાગના કામદારો વિરોધ કરે છે. વારંવાર હડતાળ પાડવામાં આવે છે. તેથી પણ શહેરમાં ગંદકી વધે છે. ઘરે-ઘરે કચરાના એકત્રીકરણની કામગીરી પણ અવારનવાર ખોરંભે ચડે છે.

આ બધાં કારણો ઉપરાંત સૌથી મહત્ત્વનું કારણ તો લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનો અભાવ છે. લોકો પોતાના ઘર, દુકાન, ઑફિસની ખૂબ સાફસફાઈ કરે છે, પરંતુ જાહેર જગ્યાની સફાઈ રાખવા પ્રત્યે બેદરકારી સેવે છે. ડોર ટુ ડોર કચરો લેવા માટે નિયમિત રીતે સફાઈ કર્મચારીઓ આવતા ન હોવાથી પોતાની પાસે એકઠો થયેલો કચરો લોકો નજીકના ચોકમાં ઠાલવીને ત્યાં ઉકરડો સર્જે છે. લોકોમાં પણ સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ આવશ્યક છે.

તાજેતરમાં જ વરાયેલા ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબહેન સોલંકી સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે સત્તા પર આવતાની સાથે જ શહેરમાં સ્વચ્છતા રહે તે માટે વોર્ડરોને કડક સૂચના આપી છે. ભુજમાં સફાઈ કર્મચારીઓની સંખ્યા પૂરતી છે, પરંતુ કર્મચારીઓ કચરો વાળીને તે ત્યાં જ ઢગલો કરી દેતા હોવાથી ગંદકી હટતી ન હતી. આથી જ જ્યારે કચરો વળાય ત્યારે જ સાથે સાથે તે ઉપડાઈ જાય તે માટે પણ સૂચના આપી છે. ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ પણ ચાલુ જ છે. આથી નજીકના સમયમાં જ ભુજની ગંદકી દૂર થઈ જશે. આગામી વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભુજ અગ્રક્રમે રહે તેવા તમામ પ્રયત્ન અમે કરીશું.’

ગાંધીધામ અને આદિપુર જોડિયાં શહેર છે. કોસ્મોપોલિટન કલ્ચર ધરાવતાં આ શહેરો કચ્છમાં સૌથી સ્વચ્છ ગણાયા હોવા છતાં રાજ્યમાં તેનો નંબર ૧૭મો આવ્યો છે. અહીં પણ જરૃરિયાત કરતાં સફાઈ કામદારો ઓછા હોવાથી શહેરની સફાઈ પૂરતાં પ્રમાણમાં થઈ શકતી નથી.

નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ કાનજીભાઈ ભર્યાએ સફાઈ કામદારોની સંખ્યા વધે તે માટે પ્રયત્ન ચાલુ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘અમે શહેર સ્વચ્છ રહે તે માટે પ્રયત્ન કરીએ છીએ. આ માટે વેપારીઓ, રેંકડીઓવાળા કે નાની મોટી વસ્તુ વેચવાવાળાઓ સાથે મિટિંગ કરી છે. તેઓ જો પ્લાસ્ટિકના ઝબલાનો વેપાર ન કરે તો શહેરની ગંદકીની સમસ્યા પર કાબૂ મેળવી શકાય. તેવી જ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ જો કપડાંની થેલીઓનું વિતરણ કરે તો પ્લાસ્ટિકનો વપરાશ ઘટી શકે. આ માટે પણ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે વાતચીત કરી છે. ખાસ તો શહેરમાં સફાઈ કામદારોની ઘટ નિવારવા માટે વધુ કામદારોની ભરતી કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જો વધુ ૩૦-૪૦ કામદારોની ભરતી કરી શકાય તો શહેરમાં સફાઈની કોઈ સમસ્યા ન ઉદ્ભવે.’

એક લાખથી વધુ વસતીવાળાં શહેરોમાં કચ્છના ભુજ અને ગાંધીધામ ઉપરાંત ભચાઉ, રાપર, અંજાર, માંડવીને સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્થાન મળ્યું હતું. ભચાઉ ૧૮૨૦ સ્કોર સાથે ૨૫મા નંબરે, માંડવી ૧૭૫૦ સ્કોર સાથે ૩૩મા નંબરે, અંજાર ૧૬૭૦ સ્કોર સાથે ૪૫મા નંબરે, ૧૪૩૬ સ્કોર સાથે રાપર ૮૪મા નંબરે રહ્યું હતું.
—————–

કવરસ્ટોરીસુચિતા બોઘાણી કનર
Comments (0)
Add Comment