અનેક આગની એક જ જ્વાળા – ઈર્ષ્યા

પાછળ રહી ગયેલાઓ તરફથી ઈર્ષ્યા કરવાનું લક્ષ્ય બનાવે છે

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

આ જગતમાં કોઈનેય જો તમારી ઈર્ષ્યા થતી ન હોય તો ચોક્કસ તમે ખોટા રસ્તે છો…

વાક્ય તો સાવ સામાન્ય લાગતું હતું અને વર્ષો સુધી અનેક ટ્રક પાછળ લખેલું વંચાતું હતું – ઈર્ષ્યાળુને આશીર્વાદ. બે જ શબ્દનું વિધાન. જેઓ સતત બીજાઓની ઈર્ષ્યા કરવાનો અભિશાપ ભોગવી રહ્યા છે તેમને માટેનું શીતળ આશીર્વચન છે આ દ્વિશબ્દ વિધાન! આ બે જ શબ્દમાં એના ઉદગાતાની કેટલી કમાલ છે!

ઈર્ષ્યા આવે છે ક્યાંથી? મુખ્યત્વે એ તુલનામાંથી પ્રગટે છે. જ્યાં સુધી મનુષ્યની પોતાની પાસે પોતાની લઘુતાને ઓળંગીને જાતે જ વિભુતા સુધી પહોંચવાનો કીમિયો ન હોય ત્યાં સુધી એને પોતાના જેવા અન્યોની દરેક ઉપલબ્ધિ એક ચમત્કાર લાગશે, એક એવો ચમત્કાર કે જે તેની માન્યતા પ્રમાણે થવો જોઈતો હતો તેની પોતાની જિંદગીમાં, ને થયો ક્યાંક અન્યે! આમ તો જે આપણાથી થઈ જ શકે એમ ન હોય એ બધું ચમત્કાર લાગવાની શક્યતા વધી જાય છે. ઈર્ષ્યાના અન્ય એક પ્રમુખ કારણ તરીકે પોતાની વ્યક્તિગત જિંદગીનો અસંતોષ પણ જવાબદાર છે.

જે લોકો પોતાની પાસે ‘છે’ એની યાદી ટૂંકી રાખે છે અથવા રાખતા જ નથી અને ‘નથી’ની યાદી આ જગતને જોતાં-જોતાં લાંબી જ કરતા જાય છે તેઓ આગળ જતા ઈર્ષ્યાળુ બને છે. આમ તો તે સર્વ સામાન્ય નિયમ છે કે જેઓની પણ પાસે જે કંઈ છે તે કોઈ એક યોગ્યતાને કારણે હોય છે. એ યોગ્યતા જાણ્યા વિના જ દૂરથી એમની ઈર્ષ્યા કરવામાં આવે છે. બીજાઓની ઉપલબ્ધિની ઈર્ષ્યા કરતાં પહેલાં તેઓ ત્યાં સુધી કેવા સંઘર્ષ, ખંત અને પરિશ્રમથી પહોંચ્યા છે એ હકીકતોમાં ડૂબકી મારવાની ભાગ્યે જ તકલીફ લેવામાં આવે છે.

કેવી નવાઈની વાત છે કે એક ટેલિવિઝન કંપનીએ પ્રારંભે તેની જાહેરાતોમાં સ્પષ્ટ લખ્યું કે અમારું ટેલિવિઝન વસાવશો તો પાડોશીઓ તમારી ઈર્ષ્યા કરશે. એ કંપની બહુ ઝડપથી બજારમાં નંબર વન બ્રાન્ડ બની ગઈ, કારણ કે લોકો ચાહતા જ હતા કે અમારે એવો ટેલિવિઝન સેટ લાવવો છે જેનાથી પાડોશીઓને અમારા પ્રત્યે ઈર્ષ્યા જન્મે! પાડોશીઓને ઈર્ષ્યા થઈ કે નહીં એનાં સર્વેક્ષણો તો પછી કોઈના જોવામાં આવ્યાં નથી, પરંતુ એ ઉત્પાદક કંપનીની બજારમાં સફળતાથી અન્ય હરીફ કંપનીઓ ચોક્કસ ઈર્ષ્યા કરવા લાગી હતી.

જો ઈશ્વર કે જેની આપણે અનેક રંગી કલ્પના અને ઉપાસના કરીએ છીએ તે પ્રગટ થઈને આપણને પૂછે છે કે, બોલો, તમને ઈર્ષ્યાપાત્ર બનાવું કે દયાપાત્ર? તો દયાપાત્ર થવાનું કોઈ પસંદ ન કરે. એટલે કે મનુષ્યો કે જેઓ આજે ઈર્ષ્યાપાત્ર છે એ તેમની પોતાની જ પસંદગી છે. બધાથી સહેજ આગળ રહેવાની શુભ-કામનાઓ જ એને પાછળ રહી ગયેલાઓ તરફથી ઈર્ષ્યા કરવાનું લક્ષ્ય બનાવી મૂકે છે. એટલે જો આ સંસારમાં કોઈ તમારી ઈર્ષ્યા ન કરે તો એ વાત ચોક્કસ છે કે તમે ખોટા રસ્તે છો. ખાડામાં પડવા જઈ રહેલા લોકો દયાપાત્ર હોય છે. આ દુનિયામાં એવા લોકો પણ છે કે જેમણે દયાપાત્રતા સ્વીકારી લીધી છે, તેમને માટે સહાનુભૂતિ બની જાય છે. તેઓને એ ખ્યાલ આવતો જ નથી કે પ્રેમની વ્યાખ્યા અને જિંદગીની વ્યાખ્યા સમાનાર્થી છે. સંજોગો તેમને એક સહાનુભૂત મૂર્તિ બનાવી મૂકે છે.

જેમને ઈર્ષ્યા થાય અને જેમના તરફ થાય એ એક પ્રકારનું આકર્ષણ છે. પોતાના પર પડતો પ્રભાવ છે. એથી ઈર્ષ્યા થાય છે કે તેમની પાસે અમારાથી અને એય અકારણ કંઈ ઉપલબ્ધિ છે. આ સંસારમાં અકારણ તો કંઈ નથી, બધું જ સકારણ છે, ભલે આપણે જાણતા ન હોઈએ કે જાણવા ચાહતા ન હોઈએ. એટલે જ ઈર્ષ્યા ખરેખર પરોક્ષ પ્રશંસા છે. દ.ભારતના બ્રાહ્મણો જ્યારે નવા મકાનના વાસ્તુનું મુહૂર્ત શોધવા બેસે છે ત્યારે ચોરી થાય એવું મુહૂર્ત પ્રથમ પસંદ કરે છે ને યજમાનને કહે છે કે આ મુહૂર્ત શ્રેષ્ઠ છે, પરંતુ તમારા ઘરમાં ચોરી થશે અને સમયાંતરે થતી રહેશે. એટલે સચિંત નેત્રે યજમાન કહે છે કે ના-ના મહારાજ, ચોરી ન થવી જોઈએ. ત્યારે પંડિત કહે છે કે આ મુહૂર્ત આપના ઘરને ચોરી કરવા યોગ્ય બનાવે છે. ચોરને દૂરથી જ આપનો વૈભવ દેખાશે.

આ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અહીં પંડિતે કહેલી ચોરી કરવાની મકાનની જે યોગ્યતા કે પાત્રતા છે તે જ હકીકતમાં ઈર્ષ્યાની પણ પાત્રતા છે. આ જગતમાં વિદ્યાધરો એટલે જ કહે છે કે વિદ્યાની નકલ ન થઈ શકે, ઉઠાંતરી ન થાય, એની મેળે સ્વાધ્યાય અને તપથી સચવાય, કોઈ જોઈ ન શકે અને વહેંચતા વધતી જ રહે. વિદ્યા અને સદ્ગુણોનો સંપુટ પણ ઈર્ષ્યાપાત્ર જ હોય છે. ઈર્ષ્યા કરનારાઓને મળતી પ્રથમ સજા એ છે કે તેઓ જે છે એનો આનંદ કદી લઈ શકતા નથી, કારણ કે તેઓને પોતાનાથી કુદરતે જેમને કંઈક ઓછું આપ્યું છે એમના તરફ જોવાની ટેવ હોતી નથી. મારાથી કોણ આગળ છે એ જોવામાં તેમની જિંદગી પાછળ રહી જાય છે.

વિદ્વાન એ છે જે આજની રળિયામણી ઘડીનો આનંદ લઈ શકે, આવતીકાલ પર જેઓ પોતાના સુખને નિર્ભર રાખે છે, તેઓની મુખ્ય તકલીફ એ છે કે, એ સુખ મળી ગયા પછી તેઓ નવા ઘટતા સુખ શોધી કાઢે છે અને એ માટે વળી ફરી નવી આવતીકાલની રાહ જોવાની શરૃઆત કરે છે ને એમ એ ઘટમાળ આગળ ચાલે છે. થોડીક ખટાશ ધરાવતી કેરીનો ટોપલો ચાર-પાંચ ઝૂંપડાઓ વચ્ચે રમતાં છોકરાઓ વચ્ચે મુકી જુઓ – એમાં ચહેરા પર અમૃતરસના આસ્વાદનો કિલ્લોલ અજવાળવા લાગશે! જેઓ સદાય બીજાઓની ઈર્ષ્યા કરતા હોય એમનો કેસ જો કુદરતની અદાલતના ટેબલ પર આવે તો કદાચ એવો જ હુકમ થાય કે આમની પાસેથી જે છે તે પણ જપ્ત કરી લો, જેથી તેઓેને ખ્યાલ આવે કે તેઓ પોતે પણ ઈર્ષ્યાપાત્રતાની એક કેટેગરીમાં તો હતા જ અને બધું ગુમાવ્યા પછી હવે દયાપાત્રતાની ઊંડી ખીણમાં આવી પહોંચ્યા છે. બીજાઓની ઈર્ષ્યા તરફ જેમના ચિત્તના કેમેરા એકવાર ગોઠવાઈ જાય છે એ પછીથી વર્તમાનના આનંદ તરફ નજર નાંખી શકતા નથી.

બીજાઓને સુખી જોઈને જેઓ રાજી નથી થતા તેમના પોતાના સુખી થવાના ચાન્સ સાવ ઓછા થઈ જાય છે. નજીકના સંબંધોમાં કે કઝિન્સની સમગ્ર શ્રેણીમાં કે પછી પાડોશીઓમાં સમવયસ્ક એવાં એકબીજાનાં સંતાનો વિશે પરિવારો જે વાતો કરતાં હોય છે તે ન સાંભળવા જેવી જ હોય છે, કારણ કે એમાં ‘સારી’ ભાષામાં બીજાઓનાં સંતાનોની ઈર્ષ્યા અને પોતાનાઓની નિંદા ભરેલી હોય છે. માત્ર સંતાનોની બાબતમાં આવું નથી. પાડોશીઓ વાતો કરતા હોય છે કે આ સારસ બેલડી સવાર-સાંજ રોજ ક્યાં રખડવા જાય છે? શું કંઈ ઘરકામ-નોકરી કંઈ છે કે નહીં? હાલતા ને ચાલતા – આ ઉપડ્યા!

તેઓ એટલી ખિન્નતાથી આ ખુશનુમા દંપતીને જોતાં હોય છે જાણે કે તેઓ એકલવાયી જિંદગીમાં ઘેરાયેલા ન હોય! અને નવાઈની વાત એ છે કે એકલવાયા હોય એને કદી યુગલ સ્વરૃપોની ઈર્ષ્યા થતી નથી. કોઈની શોપિંગ બેગ પર નજર નાંખવી એ તો આંખો દ્વારા થઈ જતી પ્રવૃત્તિ છે, એનો વાંધો નથી, પરંતુ બીજાઓના ચિક્કાર શોપિંગ જોઈને જેમના હૈયામાં ફાળ પડે છે, તેમને માટે તો એવી ખાલી શોપિંગ બેગ સુધી પહોંચવાનું પણ મુશ્કેલ છે. સ્વયંમાં રાજી રહેવું અને આસપાસનું જે જગત છે એની સર્વ ઉપલબ્ધિઓ પરત્વે પણ રાજીપો રાખવો એ જ તો જીવનકલા છે. સર્વે સુખિનઃ સન્તુ એમાં મુખ્ય વાક્ય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ છે, એટલે કે મારા સહિત બધાને બધાના કલ્યાણને જોવાની સુમતિ અને સુદૃષ્ટિ પ્રાપ્ત થાઓ! સહુના કલ્યાણ વિના પોતાનું કલ્યાણ અસંભવ છે – આ વિચાર જ દુનિયાને ભારતે કરેલું સૌથી મોટું પ્રદાન છે. સર્વે ભદ્રાણિ પશ્યન્તુની વિચારધારામાં એક ઈર્ષ્યાશૂન્ય જગતની ઋષિએ કલ્પના કરેલી છે.

રિમાર્ક – Jealously is not a sign of love – Pooja Bedi
———————

દિલીપ ભટ્ટહૃદય
Comments (0)
Add Comment