શિક્ષકો વરસાદ માપશે તો બાળકોને ભણાવશે કોણ?

શિક્ષકોનો સરકાર કોઈ પણ કામગીરીમાં કોઈ પણનો ઉપયોગ કરી શકે છે

વિવાદ – હેતલ રાવ

આજની શિક્ષણ પ્રણાલીમાં અને શિક્ષકોની માનસિકતામાં ભલે મોટો બદલાવ આવ્યો હોય, પરંતુ એ કહેવાની જરૃર નથી કે ગુરુનું સ્થાન હંમેશાં સન્માનનીય અને પૂજનીય રહ્યું છે. તાજેતરમાં સરકારે લીધેલા એક નિર્ણયના કારણે શિક્ષકોના પદની ગરિમાને ઠેસ પહોંચી છે. દેશના ઘડતર માટે સારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જગ્યાએ શિક્ષકોએ ઉનાળામાં તળાવો ઊંડા કરવાની અને ચોમાસામાં આબોહવાની માહિતી આપવાની કામગીરી માટે સજ્જ થવાના આદેશ છૂટતાં વિવાદ સર્જાયો છે.

હું તો ભણીગણીને શિક્ષક બનીશ એમ કહેતા અમર તેના મિત્ર જયને કહે છે કે, તું પણ શિક્ષક જ બનજે. જય થોડો અણગમો વ્યક્ત કરીને કહે છે યાર, શિક્ષક બનીને બાળકોને ભણાવવાની તો મારી પણ બહુ ઇચ્છા હતી, પણ આજકાલ શિક્ષકોની દશા જોઈને થાય છે કે શિક્ષક બની સરકારી શાળાઓમાં નોકરી કરવા કરતાં મફતમાં શિક્ષણ આપી બીજા કોઈ વ્યવસાયમાં જોતરાવું સારું. જયની આ વાત સાંભળીને આપણને કદાચ નવાઈ લાગે. કેમ કે આજે પૈસા ખર્ચીને પણ લોકો સરકારી નોકરી મેળવે છે. તેમાં પણ જ્યારે શિક્ષકની નોકરી હોય તો સમજો નસીબ જ ખૂલી ગયા. સોમથી શુક્રની નોકરી, શનિવારે વહેલા છૂટવાનું, દરેક તહેવારની રજા, વર્ષમાં બે વૅકેશન અને જરૃર પડે ત્યારે રજાઓ મળે તે બોનસમાં. દરેકના માનસપટ પર શિક્ષકની નોકરીની આવી જ વાતો અંકિત થયેલી હોય છે, પણ આ વાત એટલી પણ સાચી નથી જેટલી આપણે સમજીએ છીએ. સરકારે શિક્ષકોના ખભે બાળકોના સારા ભવિષ્યની જવાબદારી તો નાંખી જ છે. સાથે જ અન્ય એવાં કામો પણ સોંપ્યા છે જેમાં પોલીસની જેમ શિક્ષકગણને પણ સરકારની સેવામાં ખડેપગે હાજર રહેવંુ પડે છે.

વાત છે ખંભાત શહેરની અને ત્યાંના શિક્ષકોની. સરકારે ઉનાળાના વૅકેશનના સમયગાળામાં કાળઝાળ ગરમી વચ્ચે તળાવો ઊંડા કરવાના કામમાં શ્રમદાન માટેે ખંભાતના શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યા કે દરેક શિક્ષકે તમામ કામની બાદબાકી કરીને આ કામગીરીમાં જોતરાઈ જવું, પરંતુ શિક્ષકોએ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો. અંતે હોબાળો થતાં સરકારે પરિપત્ર રદ્દ કર્યો, પણ આ પરિપત્ર રદ્દ થવાથી શિક્ષકોની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. કારણ કે ફરી એકવાર ગુજરાત સરકારે ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો છે તેની માપણી કરવાનો શિક્ષકો માટે નવો આદેશ બહાર પાડ્યો છે. ખંભાતના શિક્ષકોને મામલતદાર કચેરીમાં શરૃ કરવામાં આવેલા કન્ટ્રોલ રૃમમાં પૂર, વાવાઝોડાં અને વરસાદની માહિતી માટે ટેલિફોન રિસીવ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ખંભાતના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ કચેરી દ્વારા ખંભાતની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને આ હુકમ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે શિક્ષણગણમાં ભારે નિરાશા જોવા મળે છે.

પ્રશ્ન એ થાય કે શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવે કે પછી મામલતદાર કચેરીમાં બેસીને કેટલો વરસાદ આવ્યો તેની માપણીના જવાબો આપે. ખરેખર શિક્ષકોની આ કામગીરી છે..? અને જો આ કામગીરીમાં શિક્ષકો જોતરાઈ જાય તો વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યનું શું..? જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે.

આ અંગે ખંભાતની મેતપુર પ્રાથમિક શાળાના શિક્ષક મલેક મૈયુદ્દીને કહ્યું કે, ‘આ સંદર્ભે થયેલી મિટિંગમાં અમે લેખિતમાં આપ્યંુ છે કે અમે આ ફરજ માટે હાજર નહીં થઈએ. અમારી એસએમસીએ (સ્કૂલ મૅનેજમૅન્ટ કમિટી) અમને હાજર થવાની ના પાડી છે માટે અમે હાજર થવાના નથી. અમારું કામ વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. આ કામ અમારું નથી.’

જ્યારે ખંભાતની માધવલાલ શાહ શાળાના શિક્ષક અલ્પેશ પરમારે ‘અભિયાન’ સાથે વાતચીતમાં કહ્યું કે, ‘જો અમે ફરજ માટે ત્યાં હાજર રહીએ તો આખી રાત ત્યાં રહેવું પડે. તો બીજા દિવસે વિદ્યાર્થીઓને ભણાવાનું શક્ય ન બને. માટે આ બિલકુલ યોગ્ય નથી.’ નિવૃત્ત શિક્ષક ઘનશ્યામ પટેલે જણાવ્યું કે, ‘હું તો મે મહિનાની પ્રથમ તારીખે જ નિવૃત્ત થઈ ગયો છું. છતાં પણ મારું નામ આ લિસ્ટમાં છે. કચેરીમાં આ વિશે મેં જાણકારી પણ આપી દીધી છે. મામલતદાર કચેરીમાંથી મનમાની પ્રમાણે જ લિસ્ટ બનાવી દેવામાં આવે છે. એ પણ જોવામાં નથી આવતું કે જે શિક્ષકનું નામ લિસ્ટમાં લખવામાં આવ્યંુ છે તે હાલ સેવામાં છે કે કેમ. શિક્ષક છે તો કામગીરી સોંપો એટલે પત્યું.’

ખંભાત શિક્ષણ મંડળના ઉપપ્રમુખ બાબુભાઈએ જણાવ્યું કે, ‘પ્રાથમિક શિક્ષણ મંડળે આ સંદર્ભે વિરોધ દર્શાવ્યો છે, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ વિશે કોઈ જ વિરોધ નોંધાવ્યો નથી. પ્રશ્ન એ થાય છે કે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટમાં જો કામગીરી સોંપવામાં આવે તો રાત્રે શિક્ષક ડ્યુટી પર જાય અને બીજા દિવસે શાળાએ જાય તો તે સાચા અર્થમાં બાળકને ન્યાય આપી શકતો નથી તે દેખીતું સત્ય છે. આપણે તો સમજદારી દાખવીએ છીએ તેવી રીતે અધિકારીઓ પણ સમજે તો ઘણુ સારું છે. મારું અંગતપણે માનવું છે કે આ કામગીરી અન્યને સોંપી શકાય. પ્રાઇવેટ એજન્સીને પણ આ કામ સોંપી શકાય છે. નોકરી કરીએ છીએ માટે ચોવીસ કલાક સરકાર માટે બંધાયેલા છે, પણ આવી બધી કામગીરીમાંથી મુક્તિ મળે તેવી અમે સરકારને દિલથી પ્રાર્થના કરીએ છીએ.’

સરકાર કોઈ પણ કામગીરીમાં કોઈ પણનો ઉપયોગ કરી શકે છે, પરંતુ બાળકોના ભાવીને નજરઅંદાજ કરીને શિક્ષકોને સોંપાતી આવી કામગીરી કેટલે અંશે યોગ્ય કહેવાય. શિક્ષકો આવી બધી કામગીરીમાં બંધાઈ જશે તો બાળકોને અભ્યાસ ક્યારે કરાવશે? ખાનગી શાળાની તુલનામાં સરકારી શાળાને બેસ્ટ બનાવવા માટે સરકાર ગમે તેટલી કમર કસે, પરંતુ જો શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસ અને સારું શિક્ષણ ન આપી શકે તો સરકારી શાળાની જે છબી છે તે ક્યારેય ભૂંસાય નહીં શકે. ટંૂકમાં દરેક પ્રશ્નનો હલ હોય છે. બસ, તેને શોધવાની જરૃર છે. શિક્ષકોનું કામ બાળકોને અભ્યાસ કરાવવાનું છે તો તેમને એ જ કામ કરવા દો. તેમને અન્ય કામમાં જોતરીને તેમની આવડત અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવી યોગ્ય નથી. દેશના ઉજળા ભવિષ્યને સાર્થક કરવાની ક્ષમતા શિક્ષકોની જ છે અને તે કામ માટે તેમને સહયોગ આપવાની જગ્યાએ નકામા કામમાં ધકેલી દેવા તે અયોગ્ય છે.
——————–

શિક્ષકોની કામગીરીહેતલ રાવ.
Comments (0)
Add Comment