શરીર તમારું મિત્ર જ છે

માંદગીને અને મૃત્યુને કોઈ સીધો સંબંધ નથી
  • ભૂપત વડોદરિયા

‘એક મિત્ર લખે છે, ‘મને તો સમજ પડતી નથી કે મારું આ શરીર મારું મિત્ર છે કે દુશ્મન છે? મિત્ર હોય તો પણ મને તે એક દગાખોર દુશ્મન લાગે છે. મારા શરીરના કિલ્લાની અંદરથી એ ઓચિંતો હુમલો કરે છે અને જાણે મને છિન્નભિન્ન કરી નાખે છે. મને ખબર નથી પડતી કે મારા આ શરીર સાથે મારે શી રીતે કામ પાડવું. મારે તો એની પાસેથી ઘણુબધું કામ લેવાનું છે, પણ શરીર તો જાણે મારા ગોઠવેલા કાર્યક્રમોની કોઈ પરવા જ કરતું નથી. મને સમજ નથી પડતી કે મારે કઈ રીતે જીવવું!’

આ મિત્ર આમ તો સમજદાર માણસ છે, પણ સમજુ કે બિનસમજુ – સૌ કોઈને પોતાના શરીર બાબત આવી મૂંઝવણો પેદા થાય છે. ભગવાન રમણ મહર્ષિ જેવા તો આપણને કહી ગયા કે તમે એક શરીર નથી, તમે એક આત્મા છો. શરીરની પીડા તમારી પીડા નથી. તમે માત્ર શરીર જ છો એમ સમજીને શરીરનાં દુઃખો ન ભોગવો. તમારી જાતને પ્રશ્ન પૂછો ઃ હું કોણ છું? આ શરીર? મારું નામ? મારાં વસ્ત્રો? ભગવાન રમણ મહર્ષિએ તો પોતાના શરીરની પીડાને કદી દાદ આપી નહોતી. કીડીનો ચટકો કે પછી વીંછીના ડંખથી એ અલિપ્ત જ રહ્યા હતા. એ રીતે રામકૃષ્ણ પરમહંસે પણ અસહ્ય પીડાને દાદ આપી નહોતી. રમણ મહર્ષિ કોઈક વાર અસહ્ય પીડાથી ચીસ પાડી ઊઠતા અને રામકૃષ્ણ પરમહંસ પણ અસહ્ય પીડાથી રડી પડતા અને છતાં તેમણે તેમનું મન પોતાના શરીરની પીડામાં મુદ્દલ પરોવ્યું નહોતું. અસહ્ય પીડાની વચ્ચે પણ આ આત્માઓ ઈશ્વરમાં જ પરોવાયેલા રહ્યા હતા.

પણ એ તો મહાન સંતો હતા. સામાન્ય માનવીનું શું? આપણા જેવા સામાન્ય માનવીઓ પણ શરીરના પ્રશ્નોનો મુકાબલો કરી શકે છે. પહેલું તો એ કે આ શરીર તમારું દુશ્મન નથી. તે ખરેખર તમારું મિત્ર છે. તમને તમારું શરીર દુશ્મન જેવું કાર્ય કરતું લાગે ત્યારે પણ તમે જરા ઊંડા ઊતરીને જોશો તો ખાતરી થશે કે ‘દુશ્મન’ જેવા વેશમાં પણ એ એક મિત્રકાર્ય અદા કરી રહ્યું છે. ડૉક્ટરોને પૂછશો તો કહેશે કે તમારું શરીર તમારું મિત્ર ન હોત તો તમે આ દુનિયાના સૂરજનું અજવાળું જોયું જ ન હોત. માતાના ઉદરમાંથી બહાર આ સંસારમાં આવવા માટેની એક શિશુ તરીકેની કઠિનમાં કઠિન યાત્રા જ તેનો બુલંદ પુરાવો છે. આ શરીર તમારું મિત્ર ન હોત તો તમે જન્મ જ લઈ શક્યા ન હોત.

શરીરની નાની-મોટી ગરબડોથી માણસ ગભરાઈ જઈને શરીરને શત્રુ માનવા લાગે છે તેનું કારણ શું? તેનું કારણ એક જ છે કે માણસ કબૂલ કરે કે ન કરે, તેને તેની નાની કે મોટી માંદગીની પાછળ મોત ઊભેલું દેખાય છે. હકીકતે માંદગી અને મોતને કોઈ જ સંબંધ નથી. મોત તો તદ્દન સારા-સાજા માણસને આવી શકે છે. આયુષ્યનું આ અંતિમ રહસ્ય કોઈ જાણતું નથી. એક માણસ તદ્દન સારો-સાજો હોય, એના નખમાંય રોગ ન હોય અને એક દિવસ વહેલી સવારે તેનું મૃત્યુ થઈ જાય – જાણે કશું જ બન્યું નથી – માત્ર હૃદય બંધ પડી ગયું! ડૉક્ટર કહે છે કે આવંુ બને છે. કોઈ કોઈ કિસ્સામાં જ આવું બને છે – કાર્ડીએક એરેસ્ટ! હૃદય ઓચિંતું હંમેશ માટે ઊંઘી ગયું.

એટલે પહેલી વાત એ છે કે માંદગીને અને મૃત્યુને કોઈ સીધો સંબંધ નથી. બીજી વાત એ કે તમારું શરીર તમારું મિત્ર જ છે અને તેનો વહેવાર તમને દુશ્મન જેવો લાગતો હોય તો તેનું કારણ એ છે કે તેની સાથે દુશ્મનાવટની શરૃઆત તમે જ કરી છે. તમે વિના કારણ તમારા શરીર પર અત્યાચારો કરો તો શરીર બળવો ન પોકારે?

તમે તમારા મગજ ઉપર અકારણ ભાર ઊભો કરો છો. તમને કશી નિસબત નથી એવી વ્યક્તિઓ અને બાબતોનો બોજો તમારા મગજ ઉપર લાદો છો. પેલા માણસને ખોટું પ્રમોશન મળી ગયું. પેલો માણસ ઘાલમેલ કરીને ખૂબ કમાઈ ગયો! પેલો માણસ – લુખ્ખો માણસ – જે ગઈ કાલે ચાર પૈસાના ચણા લેવાની ત્રેવડ ધરાવતો નહોતો તે સાલો મોટરમાં ફરતો થઈ ગયો. માણસ આવા બધા બિલકુલ ખોટા બોજા પોતાના મગજ ઉપર લાદે છે. એ જ રીતે માણસો પોતાના હૃદય ઉપર ખોટો સામાન ખડકે છે. નાની-નાની વાતમાં માણસ મોટો આઘાત હૃદયને પહોંચાડે છે. સગો દીકરો પરીક્ષા આપવાનો હોય તો તમે તેને અભ્યાસમાં મદદ કરો, શાળા કે કૉલેજમાં પહોંચાડી દો. નાસ્તાપાણી લઈ જાઓ, પણ તેને બદલે પરીક્ષા તમે જ આપી રહ્યા હો એવી તંગદિલી અનુભવો તો તેની અસર તમારા આરોગ્ય પર કેવી પડે?

સાચો અભિગમ એ છે કે શરીરને આત્માનું મંદિર માનીને તેની શોભા અને શાંતિ સાચવવાની કોશિશ કરવી જોઈએ. તેને આત્માનું સ્થાનક માનીને તેની આવશ્યક મરમ્મત કરવી જોઈએ. આત્માને ઓળખવાનું કામ તો સામાન્ય મનુષ્યો માટે મુશ્કેલ કે અશક્ય હશે, પણ શરીરને પણ આપણે ખરેખર ઓળખવાની પ્રામાણિક કોશિશ કરીએ છીએ ખરા? માણસ શરીરને પણ બરાબર જાણે તો તે શરીરસંબંધે ઘણાબધા ગભરાટથી બચી શકે.
————————-

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment