પહેલો પ્રેમ ને પહેલા વરસાદની ભીની ભીની મોસમ

વરસાદ આપણી આંખોને આકાશમાં તાણી જાય છે.

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પહેલો વિશુદ્ધ પ્રેમનો અનુભવ માના ખોળામાં અને છેલ્લો પરિવારની ઘટાટોપ ઘેરી વળેલી હૂંફમાં… બંને વખતે આપણને પૂરા હોશ હોય કે ન હોય ?

આકાશમાં હાથીઓના વિરાટ સૈન્ય જેવાં વાદળોનાં દળ દેખાય છે. આભમાં જોવાનો મોકો જ્યારે પણ મળે એ જિંદગીની ધન્ય પળ હોય છે. માણસ જેટલું ઊંચે આકાશે જોવાનું ચૂકે એટલી એની ડોક ઝૂકે. બહુ ઝૂકેલી ડોકથી જિંદગી બોઝિલ બની જાય છે. અરે, ડોકની રચના જ જુઓને! એમાં જ કુદરતનો આદેશ આવી જાય છે. ડોકને પૂછો તો ડોક કહેશે કે બહુ પાછળ જોવાની સગવડ નથી. આજુબાજુ થોડું જુઓ તો ઠીક છે. બાકી અનુકૂળ તો સીધી રેખામાં આગળ જોવાનું જ છે. એટલે કે પાછળ જોવાની ડોકમાં વ્યવસ્થા નથી, પણ ઊંચે જોવાની સગવડ છે. જિબ્રાને એટલે જ કહ્યું કે આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે. ખરેખર તો હૃદયની વિશાળતાનું એ ક્રમિક પરિપોષણ છે. સાધુ તો ચલતા ભલા એમ કહેવાયું, પણ અત્યારે સાધુઓ જેવી સ્થિરતા સંસારીઓમાં ક્યાં છે? સાધુઓ અને સંતોને એમની સંપત્તિઓએ સ્થિર કરી દીધા છે એટલે એના પરથી તેઓ ન હલે કે ચલે. ચલે હી નહીં તો ફિર ચલતા ભલા ક્યા ઔર બૂરા ક્યા? સૌથી વધુ અસ્થિર ગૃહસ્થ છે જેણે ખરેખર તો એના પદ પ્રમાણે ઞૃહમાં સ્થિર રહેવાનું છે.

વરસાદ આપણી આંખોને આકાશમાં તાણી જાય છે. પાણી છે એટલે તાણ તો હોય જ. એક સાથે કેટલા બધા લોકોની નેત્રરેખાઓ આકાશ તરફ દોરાતી જાય છે! દૂર-દૂર સુધી વાદળને અડીને આંખો ફરી પાછી આવે છે. વરસાદ જોઈને હૈયું ભીંજાઈ જાય એ મનુષ્ય છે. હૈયું ભીંજાવું એટલે જેઓ વહાલા લાગવા જોઈએ તે વહાલા લાગે. વરસાદને મન શું નગર, શું ગ્રામ કે શું વન ને વગડો! વરસાદ તો સ્વયં કંકુ ને સ્વયં ચોખા છે. એનાં પગલાં પડે તે સર્વ માંગલિક. ઑફિસમાં હોઈએ ને વરસાદ આવે ત્યારે એ વર્ષાધાર સાથે ઘર જ જાણે કે ઑફિસમાં આવી જાય.

મહદ્અંશે જીવમાત્રનો પ્રથમ પ્રેમનો અનુભવ જન્મ પછીની તરતની ક્ષણનો હોય છે અને તે માતાનો પ્રેમ હોય છે. ભાગ્યે જ કોઈને એ ક્ષણ યાદ હોય. માતાનો પ્રેમ તો જન્મપૂર્વેથી શરૃ થઈ જાય છે. કેવી નવાઈની વાત છે કે આપણા અસ્તિત્વના આરંભબિંદુથી આપણને ચાહે છે તે માતા છે. એક માન્યતા એ પણ છે કે પોતાનાં સર્વ સંતાનો કે એમાંથી એક પણ હયાત હોય ત્યાં સુધી માતા અથવા એનો આત્મા આપણી ઉપરના આકાશમાં વાત્સલ્યનું શિરછત્ર બની અનુક્રમે સ્થૂળ અથવા સૂક્ષ્મરૃપે વિદ્યમાન હોય છે. માતૃત્વને સ્થળ અને કાળની સીમાઓ નડતી નથી. મનુષ્યની અંત્યક્ષણોમાં પણ પ્રેમનો અનુભવ એ કદાચ પામી શકતો હશે કે કેમ? ખબર તો હોય છે. પણ એ પ્રેમમાં ઝબકોળાઈને ફરી બેઠા થવાનું બધા કિસ્સાઓમાં બનતું નથી.

આરંભ અને અંત વચ્ચેનો જે સમય છે તે પૂર્ણ પ્રેમાનુભવનો સમય છે. એનો પરમ આનંદ લેતા જેને આવડે એની તો વાત જ અનોખી હોય છે. ઉપરવાસની ગંગાના વહેણને કિનારે ફરનારા કોઈ અલગારી સાધુઓ કે એનાથીય ઉપર હિમાલયની અડોઅડની તળેટીમાં વસતા જિંદગીના ખરા જોગીઓને જુઓ ત્યારે કંઈક અણસાર આવે કે અખંડ પ્રેમાનુભવ શું હોઈ શકે ને કેવો હોઈ શકે! કોઈ પણ વ્યક્તિનું પ્રેમથી ભીંજાયેલું હૃદય એનું એકલાનું નથી હોતું, એ આ

પૃથ્વીની મહામૂલી સંપદા છે. પ્રેમાનુભવનું સાતત્ય એ તો ઉપાસનાનો વિષય છે. જો એ લાધે તોય એને બ્રહ્મજ્ઞાનની જરૃર નહીં. આ ધરા પર ચોતરફ ઉત્તમ હૃદય વેરાયેલા છે. એનો મહિમા એ છે કે જેમ એક દીવાથી બીજો ને વધુ દીવા પ્રગટે એમ એક પૂર્ણ મનુષ્યત્વથી ધબકતા એક હૃદયથી એવા જ બીજા હજારો કે લાખો દીવા પ્રગટે. એવું જે ઉજ્જ્વળ અસ્તિત્વ હોય ત્યાં જ અઢેલીને જિંદગી પસાર કરવાની હોય. એ સદ્ગુરુ હોય કે પ્રિયતમા કે યુવાવયે – મધ્યવયે પત્ની પણ હોય. પહેલો વરસાદ આપોઆપ જ પહેલા પ્રેમનો સમાનાર્થી બની રહે છે.

જે સાધુ તપશ્ચર્યા કરીને પરમતત્ત્વને શોધે છે. એને મન તો આ વરસાદ એનો જ સાક્ષાત્કાર છે. ધૂળની ઢગલીઓમાં કાચના ‘કૂકા’ છુપાવીને પછી એને શોધતી શિશુઓની ટોળકીને મન તો શેરીના આ પહેલા વરસાદે રમત જીતી જઈને ઉછળવું એ જ જીવનતત્ત્વ છે. પંખીઓને ખબર નથી અને ગત વર્ષાનાં સ્મરણાવરણો પણ હવામાં ઊડી ગયા છે એટલે એને મન તો આહાહા જેટલા છાંટા એટલા કૌતુક…! વરસાદ પાસે એના આવવાની અનિશ્ચિતતાનું જે અભિજાત લક્ષણ છે એ એના દર્શનસુખને અધિક કરી આપે છે. પ્રેમ અનિશ્ચિત હોય છે. લગ્ન એ પત્નીના પ્રેમમાં પડવાની મોસમ નથી. પરિચયારંભનું સૌજન્યપર્વ છે. એ કદાચ આગળ જતા પછીના વરસોમાં પ્રેમમાં પરિણમે કે ન પણ પરિણમે તો સૌજન્યમય દામ્પત્ય ધબકતું ધબકતું આગળ વધે છે. એમ કરતાં કરતાં જ એ સૌજન્યને પાંખો આવે છે ને એ સહિયારા આભમાં ઊડે તો એ પ્રેમ પદારથ પામે છે.

માલિક બપોરે ઘરેથી આવેલું અને શ્રીમંત રાજવંતી શેઠાણીએ બનાવેલું ટિફિન આરોગે ત્યારે એને પોતાના નોકરચાકરના આહારની ગુણવત્તા ને આસ્વાદની ચિંતા થાય તો એ ચિંતા જ પ્રેમ છે. એનો અર્થ છે કે ટિફિન આરોગનારાનું માત્ર પેટ જ નહીં, હૃદય પણ હજુ ધબકે છે અને એ વધુ લાંબો સમય ધબકતા રહેવાનો સંકેત છે. જેમની સાથે તમે છો એમના સુખનો વિચાર, પોતાના સુખ પડતા મૂકીને જે કરે છે તે ગૃહસ્થ કે ગૃહિણી હોવા છતાં સાધુતાની ઊંચાઈને સ્પર્શે છે.

પ્રેમ બહુ વ્યાપક અને એથીય વધુ ઘેરી અને ગહેરી વિભાવના છે. બાળકના માતા માટે આક્રંદ કરતા અવાજમાં પ્રેમનું શ્રાવ્ય સંગીત છે. મા તરફ દોડતા એના પગલામાં પ્રેમનું કુદરતદત્ત ભાથું છે. એને સમજ નથી પણ પ્રેમ છે. મનુષ્ય સમજ વિના પણ પ્રેમ સહિત જન્મે છે. આગળ જતા અહંકારથી કેળવેલી સમજને એ વળગે છે ને જન્મ સાથે એ જે લાવ્યો હતો એ મહામૂલી સંપદાને વીસરી જાય છે. ક્યારેક ભાન થાય તો વિશુદ્ધ અને પરમ પ્રેમના પંથે એ પાછો ફરે છે ને ફરી જિંદગીના ઊંચા શિખરે પ્રેમમત્ત આસન જમાવે છે. પ્રેમ સદાયની હૈયું ભીંજવતી મોસમ છે.

રિમાર્ક ઃ
Aimer, ce n’est pas se regarder l’un l’autre, c’est regarder ensemble dans la même direction….ખરો પ્રેમ આપણને એકબીજા સામે નહીં, સાથે મળીને એક જ દિશામાં જોતા કરી મૂકે છે અને એ જ પ્રેમ છે…
– પ્રાચીન ફ્રેન્ચ ઉક્તિ
———————

દિલીપ ભટ્ટવરસાદહૃદયકુંજ
Comments (0)
Add Comment