સૈફુદ્દીન સોઝનું વિવાદની ખાણ સમાન પુસ્તક

રાજા હરિસિંહે સ્પષ્ટપણે ભારત સાથે જોડાવાની સમજૂતી કરેલી છે
  • અલકેશ પટેલ

કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝે જમ્મુ-કાશ્મીર અંગે એક પુસ્તક લખ્યું છે, અને પુસ્તક વધુ વેચાય તે માટે વર્ષોથી સફળ નીવડેલી રેસિપી અનુસાર વિમોચનના થોડા દિવસ પહેલાં વિવાદી અંશો લીક કરી દીધા અને અપેક્ષા મુજબ વિવાદને તેડું મળ્યું…

કોંગ્રેસનો પાકિસ્તાન-પ્રેમ વધુ એક વખત શ્રીનગરના લાલચોકમાંથી આઝાદી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યો છે. આ વખતે આ સૂત્રોચ્ચાર કરનાર છે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સૈફુદ્દીન સોઝ. મૂળે વરિષ્ઠ નેતા સૈફુદ્દીને એક પુસ્તક લખ્યું છે અને તેમાં તેમણે શ્રીનગર તથા દક્ષિણ કાશ્મીરના એવા બીજા પાંચ-સાત જિલ્લામાં આતંકવાદી

પ્રવૃત્તિને કાશ્મીરીઓની આઝાદીની માગણી સાથે જોડી દીધી છે. સોઝે તેમની વાત કહેવા માટે પોતાની દલીલો અને તર્ક આપ્યા ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અહીં પણ તેમનો પાકિસ્તાન-પ્રેમ પુસ્તકનાં પાનાંઓમાં તો છલકાયો, પણ તેથી આગળ વધીને છેક કવર ઉપર ચઢીને બોલ્યો..!

Kashmir: Glimpses of History and the Story of Struggle – નામના આ પુસ્તકમાં સૈફુદ્દીન સોઝે સમગ્ર જમ્મુ-કાશ્મીર વિવાદ, તેમાં રાજકારણીઓની ભૂમિકા, સ્થાનિક અલગતાવાદીઓની ભૂમિકા, હિંસા, ત્રાસવાદ, પાકિસ્તાન – બધી બાબતો આવરી લીધી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ તમામ બાબતો એવી છે જે અંગે કોંગ્રેસનું અને તેમાંય ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતાઓનું વલણ હંમેશાં પાકિસ્તાન તરફી રહ્યું છે. સાત દાયકા પછી પણ તેઓ માનસિક રીતે ભારતને અપનાવી શક્યા નથી.

આ પુસ્તકની સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત બે છે ઃ એક તો સોઝે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના બદલામાં જમ્મુ-કાશ્મીરનું સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. અર્થાત્ સરદાર પટેલ જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા તૈયાર હતા અને બીજું સોઝે કાશ્મીરીઓની કહેવાતી આઝાદીની લડાઈના સમર્થનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ તેમજ પાકિસ્તાનના જ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહમુદ કસુરીને ટાંક્યા છે. તેમણે તો કસુરીના નિવેદનને પુસ્તકના કવર ઉપર પણ છાપી દીધું છે.

સૈફુદ્દીન સોઝનું આ વલણ આપણા સૌ માટે ચિંતાજનક હોવું જોઈએ. કોંગ્રેસ શા માટે હજુ આટલાં વર્ષે પણ ભારતની અખંડિતતાને સ્વીકારી નથી શકતો અને શા માટે હજુ આટલાં વર્ષે પણ તે પાકિસ્તાનને આટલું મહત્ત્વ આપવા માગે છે? દેખાડો કરવા પૂરતું કોંગ્રેસે એવું જાહેર કર્યું છે કે સૈફુદ્દીન સોઝે માત્ર પુસ્તક વેચાણ માટે આવું જીમિક કર્યું છે, પરંતુ પક્ષ તો કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. કોંગ્રેસ જો વાસ્તવમાં આ બાબતે ગંભીર હોય તો સવાલ એ થાય છે કે સોઝ સામે પગલાં શા માટે નથી લેવાતાં? શા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ અંગે કોઈ નિવેદન નથી કરતા?

હકીકતે આ વિવાદને હળવાશથી લેવા જેવો નથી. સૈફુદ્દીન સોઝનું પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે અને રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. હવે આજે નહીં તો ચાર-છ મહિનામાં ત્યાં ચૂંટણી તો થશે અને એ સમય સુધીમાં સોઝે આ પુસ્તક દ્વારા જે આગ લગાડી છે તે દાવાનળ બની ચૂકી હશે.

હજુ થોડા સમય પહેલાં જ યુએનની દક્ષિણ એશિયા માટેની સમિતિએ એક અહેવાલ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને આરોપીના પિંજરામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આખી દુનિયા જાણે છે કે આ અહેવાલ એક પ્રકારે પાકિસ્તાન-સ્પોન્સર્ડ છે, તેમ છતાં સત્તાવાર રીતે તો એક તરફી અહેવાલ તેના સ્થાને રહેવાનો છે અને તેનો દુરુપયોગ જમ્મુ-કાશ્મીરના અલગતાવાદીઓ, પીડીપી-એનસીપી અને કોંગ્રેસ જેવા પક્ષો ઉપરાંત પાકિસ્તાન પણ કરશે. સામાન્ય પ્રજાને આવા અહેવાલ પાછળના રાજકીય કાવાદાવાની ખબર નથી હોતી તેથી એ તો સાચું જ માની લેશે.

સૈફુદ્દીન સોઝે જે મુદ્દો છંછેડ્યો છે તેની વાસ્તવિકતા અંગે કાં તો દેશના મોટા ભાગના રાજકારણીઓને ખબર નથી અથવા સાચું બોલવાની હિંમત કરતા નથી. સૌથી પહેલાં તો જમ્મુ-કાશ્મીરને સ્વતંત્રતાની વાત જ ઉપસ્થિત નથી થતી. કેમ કે રાજા હરિસિંહે સ્પષ્ટપણે ભારત સાથે જોડાવાની સમજૂતી કરેલી છે. ત્યાર પછી નવેમ્બર-ડિસેમ્બર ૧૯૪૭માં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય દળો તેમને પાછા હાંકી કાઢવામાં લગભગ સફળ થઈ ગયા હતા, પરંતુ નહેરુએ અચાનક યુદ્ધ વિરામની જાહેરાત કરીને મામલો યુએનમાં લઈ ગયા. હવે મૂળ વાત એ છે કે, તેના આધારે યુએનમાં જે ઠરાવ થયો છે તે તદ્દન સ્પષ્ટ છે. એક ક્ષણ માટે ધારી લેવામાં આવે કે જમ્મુ-કાશ્મીરને તેનો નિર્ણય જાતે લેવાની છૂટ આપવામાં આવે તો પણ એ માટેની જે શરતો છે તેનું સૌથી પહેલું પાલન પાકિસ્તાને કરવાનું છે. યુએનના ઠરાવ (ઠરાવ નં. ૪૭) અનુસાર સૌથી પહેલાં તો પાકિસ્તાને પોતે કબજે કરેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી પાછા જવાનું છે. આ ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને તેણે કબજે કરેલો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરવો જરૃરી છે અને ત્યાર બાદ ભારતીય વહીવટી તંત્ર તેમજ ભારતીય સલામતી દળોની દેખરેખ હેઠળ જો જમ્મુ-કાશ્મીરના લોકો ઇચ્છે તો લોકમત લેવાય, પરંતુ આ બધી હકીકત કોંગ્રેસે, નેશનલ કૉન્ફરન્સે, પીડીપીએ કે પછી કોઈ જવાબદાર-સંતુલિત મીડિયાએ જાહેર કરી નથી. જેને કારણે જમ્મુ-કાશ્મીર વિવાદિત સ્થળ છે એવું ખોટેખોટું બધા ચગાવ્યા કરે છે.

અગાઉ કહ્યું તેમ આ સમગ્ર ઘટનાક્રમમાં માત્ર સૈફુદ્દીન સોઝ જવાબદાર છે એવું નથી. કોંગ્રેસ પક્ષની આ માનસિકતા રહી છે. એ સંદર્ભમાં અહીં એ યાદ કરાવવું જરૃરી છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મે મહિનામાં ચાર વર્ષ પૂરા કર્યા તે નિમિત્તે કોંગ્રેસે એક આરોપનામું અથવા કહો કે મોદી સરકારની નિષ્ફળતાઓની એક યાદી જાહેર કરી હતી. એ યાદીમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો પણ હતો. અહીં વાત એ છે કે જમ્મુ-કાશ્મીર વિવાદ અંગેની કોંગ્રેસની જે પુસ્તિકા હતી તેમાં પક્ષે જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો પ્રકાશિત કર્યો હતો. તેમાં કોંગ્રેસે પ્રકાશિત કરેલા નકશામાં અડધા જમ્મુ-કાશ્મીરમાં ‘પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર’ એવું લખાયેલું હતું અને ત્યારે બધી બાજુથી કોંગ્રેસની સખત ટીકા અને વિરોધ થતાં પક્ષે માફી માગવી પડી હતી. હવે વિચારવાનો મુદ્દો એ છે કે કોંગ્રેસ જો સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનતો હોય તો પક્ષની પુસ્તિકામાં આવો નકશો છાપવાની ભૂલ થઈ જ કેવી રીતે શકે? શું પ્રકાશન પહેલાં કોઈ અનુભવી વરિષ્ઠ નેતાએ એ જોયું જ નહીં હોય? સ્વાભાવિક છે કે જોયું જ હોય અને ખબર પણ હોય, પરંતુ કાશ્મીર મામલાને ઇરાદાપૂર્વક સળગતો રાખવો એવી કોંગ્રેસની ઇચ્છા હશે એટલે જ પ્રકાશન પહેલાં એ નકશામાં સુધારો કરાયો નહોતો.

આ સિવાય પણ મણિશંકર ઐયર જેવા કોંગ્રેસી નેતાઓ વારંવાર પાકિસ્તાન પહોંચીને ભારત વિરોધી બફાટ કરવામાં કશું બાકી રાખતા નથી અને છતાં માત્ર દેખાવ પૂરતા સસ્પેન્ડ કરવા સિવાય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી એ આપણે ભૂલવું ન જોઈએ.

——————————–

અલકેશ પટેલકવરસ્ટોરીકાશ્મીરસૈફુદ્દીન સોઝ
Comments (0)
Add Comment