સૂર્યને નહીં ઊગવાનું ફરમાન ! સ્મૃતિ એક ભીંતપત્રની

ખંભાલિયા (જિ.જામનગર)ના રામ મંદિરની દીવાલ પર એક સવારે તાનાશાહીનો વિરોધ કરતું ભીંતપત્ર જોવા મળ્યું.

ઝરૂખો – -તરુણ દત્તાણી

સ્મૃતિ-પટ પર અંકિત ‘કટોકટી’ નામના કાલખંડના પદ-ચિહ્ન હજુ તાજા જ છે. એ દિવસોની ભયંકરતાને કેટલાએ ધીરજથી જીરવી જાણી તો કેટલાએ અસ્વીકૃતિનો હાથ ઊંચો કરીને એ ભયંકરતાને માણી હતી. પરમ સ્નેહી ગણાતા સ્વજન-મિત્રના મુખેથી ‘મળવા આવવું નહીં’ એવું સુવાક્ય સાંભળવાની લિજ્જત પણ માણી હતી.

સત્તાના નશામાં ચૂર બનેલી દેવીએ ‘મુક્તિ’ની હવાને મુઠ્ઠીમાં કેદ કરી દીધી છે એની સમજણ તો કટોકટીની જાહેરાતના પહેલે દિવસે જ વર્તમાનપત્રોમાં કાળા અક્ષર જોવા ટેવાયેલી નજરે જ્યારે સફેદ ખાલી જગ્યા જોઈ ત્યારે આવી ગઈ હતી.

અનેકોની લડાયક ચેતના જાગૃત થઈ ગઈ હતી. કટોકટીની જાહેરાતના પહેલા દિવસ-ર૬ જૂન, ‘૭પથી જ બીજા સ્વાતંત્ર્યનું યુદ્ધ આરંભાઈ ચૂક્યું હતું. વિરોધના સ્વરને વ્યક્ત કરતી ઠેર-ઠેર વિખેરાઈને પડેલી ચિનગારીઓને રાષ્ટ્રીય ધોરણે સંગઠિત કરવાનું શક્ય નહોતંુ બન્યું એ શરૃઆતના દિવસોમાં નિબિડ અંધકારમાં સ્વયં પ્રજ્વલિત દીવડાઓ પોતાના વર્તુળમાં પ્રકાશનાં કિરણો વિખેરતાં હતાં.

એ દિવસોમાં વિચાર અભિવ્યક્તિના પ્રચલિત માધ્યમો નિરુપયોગી બન્યાં ત્યારે હેન્ડબિલ, ભીંતપત્રો જેવાં માધ્યમોનો ઉપયોગ થવા માંડ્યો હતો. એવા જ એક ભીંતપત્રની સ્મૃતિ–

ખંભાલિયા (જિ.જામનગર)ના રામ મંદિરની દીવાલ પર એક સવારે તાનાશાહીનો વિરોધ કરતું ભીંતપત્ર જોવા મળ્યું. લોકોની નજર જ્યાં હંમેશ સિનેમાનાં પોસ્ટર જોવા ટેવાયેલી હતી ત્યાં એક નવા પોસ્ટરના મથાળે મોટા અક્ષરોમાં લખ્યા હતા તરત ન સમજાય તેવા ચોંકાવનારા શબ્દો ‘સૂર્યને નહીં ઊગવાનું ફરમાન’ !

એ ભીંતપત્રની ભાષાનું આલેખન અંત સુધી વાંચવાને મજબૂર કરે તેવું હતું. એના શબ્દોમાં કોઈ કવિની અછાંદસ રચના જેવું લાલિત્ય હતું, તો વાંચનારના મનમાં પ્રતિકારની ચિનગારી પ્રગટાવવાનું સામર્થ્ય પણ હતું. એમાં કવિ હૃદયનો ચિત્કાર હતો તો જનમાનસની લાગણીનો પ્રતિઘોષ પણ વ્યક્ત થતો હતો.

ઉઘાડે છોગ જે કહી શકાતું ન હતું તે ત્યારે મંદિરની દીવાલે કહી દીધું હતું.

પરિસ્થિતિ પલટાઈ ગઈ હોવા છતાં આજે પણ નજીકના ભૂતકાળની યાદ અપાવતા એ ભીંતપત્રની ભાષા માણવા જેવી તો છે જ. એમાં લખ્યું હતું – સૂર્યને નહીં ઊગવાનું ફરમાન.

‘કટોકટીના ઢાલકાચબાને આશ્લેષમાં લઈ ઊડી નીકળેલી જળકૂકડીએ વહેલી સવારે સૂરજને નહીં ઊગવાનું ફરમાન કાઢ્યું છે! કણ કણમાં, અણુ અણુમાં, વ્યાપ્ત કિરણોને ખેંચી કાઢી કટારની અણીએ કેદમાં ધકેલી દેવાની ઘેલછાએ મેઘાચ્છાદિત દિવસોને દીન બનાવી મૂક્યા છે!

‘વ્યક્તિગત ગેરલાયકાતના અદાલતી નિર્ણયના તલ જેવડા ડાઘને ભૂંસી કાઢવા હજારો માઈલના આકાશને પીળી શાહીથી પોછી નાખવાનું મુનાસિબ ગણવામાં આવ્યંુ છે.

‘પંડના ગરીબી, બેહાલી, દુઃખ, દર્દ, સમસ્યાઓ અને વિટંબણાઓ સામે શાંતિપૂર્વક ઝઝૂમ્યે જતા કરોડો બેકસૂર માનવીઓના માનવી અધિકારોની ફૂટતી પાંખોને સંગીનની ધારે ઉતરડી નાખવી અને તેય ખુરશીના પાયા બની ચૂકેલા માટીપગોને પાતાળમાંથી ઉખડી જતા રોકવા માટે જ! ક્ષમાવીરો ય સાખી ન શકે તેવો આ અન્યાય છે.

‘રુસના ભયાનક અણુશસ્ત્રોની પરેડો ય ઝેકોસ્લોવાકિયાના સફેદ કબૂતરોના શાંત ઘૂઘવાટને ખાળી શકી નથી! અમેરિકાની અનરાધર અગનવર્ષા ઉત્તર વિયેતનામની મુઠ્ઠીભર પ્રજાના હાડચામ પ્રજાળી શકી નહીં! અને ધગધગતા રણપ્રદેશોના ગર્ભમાંથી ય પાણિયા નાળિયેર ફૂટતાં રહ્યાં છે!

‘દૈનિકનાં પાનાં પર ગોઠવેલાં બીબાં ઉખેડીને વેરી નાખવાથી કે એકાદ જ્યોતિર્મય બસુ, એકાદ જયપ્રકાશ, અટલબિહારી કે એકાદ મોહન ધારિયાને સળિયા જડેલી બારી પાછળ હડસેલી મૂકવાથી કદી કૂકડાને ગળે લટકતી ઝાકળભીની સવારને મીસાના જડોયામાં જકડી શકાશે નહીં! બંધારણમાંથી ‘બહુજન હિતાય’ છાપ જોગવાઈઓનાં પાનાં ગાયના મોઢે નીરી દેવાથી કાંઈ કરોડો માનસપટ પર પેટેલી મીણબત્તીઓને ઓલવી શકાશે નહીં! ‘એક ચોક્કસ વિચારશ્રેણીને ફાંસો દઈ તાનાશાહી કદી પણ ઠોકી બેસાડી શકાય નહીં! આવા બાલિશ પ્રયાસોમાંથી જ હંમેશાં ક્રાંતિએ જન્મવાનું પસંદ કર્યું છે!

‘કોઈ એક જૂથ જીવતું રહે અને તેની સામા છેડાના સર્વ જૂથો સમૂળું અસ્તિત્વ મીટાવી દે એવો વિચાર એ પૃથ્વીનો નાશ કરવાના આકાશને આવેલા વિચાર જેવો છે.

‘પેરેલિસીસથી પીડાગ્રસ્ત ચહેરાઓને આજે ભલે વટહુકમના વાંસના પોલાણમાં પૂરી દેવામાં આવે, પરંતુ આવતીકાલે ઉદિત થનારા અરુણના બે લાલ હોઠ અંધકારના અત્યાચારોને સૂરીલા શ્વાસ વડે ફૂંકી મારશે.’

આટલંુ વાંચ્યા પછી જેનાં હૈયાં સબૂત છે એવા કોઈ પણ માનવીના મનમાં વિદ્રોહની લાગણી જન્મીને જ રહે. એ ભીંતપત્રમાં ભાવિમાં આવી પડનાર ક્રાંતિનો અણસાર પણ વ્યક્ત થયો હતો. આવી ભવિષ્યવાણી માટે કોઈ ભવિષ્યવેતાની જરૃર નથી હોતી.

ભીંતપત્રનું એ લખાણ હતું જામનગરના એક વકીલ અને કવિશ્રી હરકિશન જોષીનું.

વહેલી પરોઢ પહેલાંના અંધકારને ઓઢીને આ લખનારે મંદિરની દીવાલ પર એ પોસ્ટર લગાવ્યું હતું. તેને એક આર્ટિસ્ટ સ્વયંસેવક પાસે તૈયાર કરાવ્યું હતું અને અન્ય સ્વયંસેવકના ઘરે રાખ્યું હતું.

એની ધારી અસર પણ થઈ. શહેરમાં આવી પ્રવૃત્તિ પર એલ.આઈ.બી.ની સતત નજર છતાં થોડા કલાક લોકોનાં ટોળાં એ ભીંતપત્ર વાંચતા રહ્યા. એ કૃત્યના કરનારની હિંમતને દાદ દેતા રહ્યા. તો એ પરાક્રમ કોણે કર્યું હશે તેની અટકળ કરતા રહ્યા. આખરે તો હિંમતભેર આવી પ્રવૃત્તિ કરનાર શહેરમાં જૂજ લોકો જ હતા. તો પણ લોકોની કલ્પનાને ખોટી પાડનાર એક વિવાદાસ્પદ મુદ્દો હતો પત્રની ભાષા. ચીલાચાલુ રાજકારણની કલ્પનાની પહોંચ બહારની એ વાત હતી. એ કોઈ બુદ્ધિજીવીનું જ માનસ-કૃત્ય હોઈ શકે એ સ્વયં સ્પષ્ટ હતું. આજ સુધી આ બધા પ્રશ્નાર્થો અનુત્તર જ રહ્યા છે. બપોર પહેલાં તેને ઉખેડીને કોઈ (અમિચંદ) લઈ ગયું હતું. એ ક્રાંતિ પણ ૭૭ના માર્ચ મહિનામાં થઈને રહી. -પરંતુ એ પહેલાંના સમયગાળામાં ભીંતપત્રો, ભૂગર્ભ પત્રિકાઓ, સત્યાગ્રહ અને બીજા અનેક પ્રયાસોએ જ ક્રાંતિને અનુકૂળ ભૂમિ તૈયાર કરી આપી હતી. એમાં વ્યક્ત થયેલી વિચારધારાએ જનમાનસમાં ક્રાંતિનું બીજારોપણ કર્યું હતું.

કટોકટીની શરૃઆતના અંધકારમય મૌન અને ઉપહાસના એ દિવસોમાં એ ભીંતપત્ર ‘ક્રાંતિનું ખતપત્ર’ બની રહ્યું ને મૂક, દિગ્મૂઢ, ભ્રાંત મનોદશામાં જીવતી પ્રજાના આત્માને ઢંઢોળનાર મંદિરની દીવાલ ક્રાંતિની મશાલ બની રહી.

———————–

કટોકટીતરૂણ દત્તાણીભીંતપત્ર
Comments (0)
Add Comment