કલમ ૩૭૦ હટાવવા માટે સંસદ કે બહુમતની જરૂર નથી

ડૉ. ભીમરાવ આંબેડકરે શેખ અબ્દુલ્લાની માગને ફગાવી દીધી હતી...

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

કલમ ૩૭૦ વિશે લોકોને અને વિદ્વાનોને પણ પૂરતી જાણકારી નથી. જાણીતા કાશ્મીર એક્ટિવિસ્ટ સુશિલ પંડિત બંધારણની કલમ ૩૭૦ અને તેની આસપાસના પૂરા પરિવેશથી આપણને વાકેફ કરાવે છે.

૨૬ ઑક્ટોબર, ૧૯૪૭ના દિવસે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારતના ૫૬૨ રજવાડાંઓએ જે વિલીનીકરણના દસ્તાવેજ પર કરેલી તે જ દસ્તાવેજ પર સહી કરી હતી. તેમાં મુખ્ય ચાર બાબતો ભારત સરકાર હસ્તક રાખવાની દરખાસ્ત હતી, વિદેશ નીતિ, સંરક્ષણ, સંદેશાવ્યવહાર અને ચલણ. ત્યાર બાદ ભારત દેશનું બંધારણ ઘડવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ. બંધારણનો મુસદ્દો ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયો. વિલીનીકરણ વખતે નહીં, પણ છેક બંધારણનો મુસદ્દો ઘડાયો તેના ૧૦ દિવસ પહેલાં કલમ ૩૭૦ના વિચારની સ્ફૂરણા થઈ. તે વખતે બંધારણીય સમિતિના સભ્ય શેખ અબ્દુલ્લા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પાસે ગયા અને કાશ્મીર મુસ્લિમ બહુમત રાજ્ય હોવાથી વિશેષ દરજ્જાની માગ મુકી.

નહેરુએ તેમને આ મુદ્દાની રજૂઆત કરવા બંધારણની મુસદ્દા સમિતિના પ્રમુખ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પાસે મોકલ્યા. આંબેડરકરે શેખ અબ્દુલ્લાની દરખાસ્ત વાંચીને જે જવાબ આપ્યો તે આમ હતો, ‘તમે મનેે નવા સ્વતંત્ર ગણરાજ્યમાં ભારતના નાગરિકો સામે ભેદભાવો આચરીને માત્ર જમ્મુ અને કાશ્મીરના લોકો માટે વિશેષાધિકારની જોગવાઈ કરી આપવાનું કહો કહો છો? કાશ્મીરના લોકો દેશના બાકીના ભાગમાં ગમે ત્યાં ગમે તે કરી શકે, પણ દેશના અન્ય રાજ્યના લોકો કાશ્મીરમાં કંઈ ન કરી શકે? હું હરગિજ આવી કલમને સમાવી ન શકું.’ આમ કહીને ડૉ. આંબેડકરે શેખ અબ્દુલ્લાની માગને ફગાવી દીધી.

તે વખતે સંસદની બંધારણીય સભામાં કોંગ્રેસની બહુમતી હતી. કોંગ્રેસની વર્કિંગ કમિટી આ પ્રસ્તાવને સ્વીકારી લે તો બંધારણીય સભાએ પ્રસ્તાવ સ્વીકારવો જ પડે, પરંતુ આખી કોંગ્રેસની વર્કિંગ કમિટીએ કલમ ૩૭૦ને બંધારણમાં સમાવવાનો વિરોધ કર્યો. વિદેશ પ્રવાસે (લંડન) જઈ રહેલા નહેરુએ કલમ ૩૭૦ને બંધારણમાં સમાવવાનું કામ સરદાર પટેલને સોંપ્યું. સરદાર પટેલે વચ્ચે બે શબ્દો ઉમેરીને અગમચેતી વાપરી. તેમણે બંધારણમાં કલમ ૩૭૦ને વ્યાખ્યાયિત કરતા બે શબ્દો લખ્યા, ટેમ્પરરી(કામચલાઉ) અને ટ્રાન્ઝિયન્ટ(અસ્થાઈ).  હા, એ વાત અલગ છે કે તે છેલ્લાં ૭૦ વર્ષથી કામચલાઉ છે અને બંધારણમાંથી નીકળી નથી.

બંધારણીય સભાએ કલમ ૩૭૦નો સ્વીકાર કર્યો ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર તે સત્રનો બહિષ્કાર કરીને ચાલ્યા ગયા હતા. આ બન્યંુ નવેમ્બર ૧૯૪૯માં અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું. એ પછી સાત વર્ષે ૧૯૫૭માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ અમલમાં આવ્યું. જમ્મુ-કાશ્મીરના બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ જ નથી કરાયો. ભારતના બંધારણમાં કલમ ૨૫થી કલમ ૩૦ લઘુમતીના અધિકારો આપે છે. બહુમતી પ્રજાને પણ ઉપલબ્ધ નથી તેવી સગવડતાઓ લઘુમતીને આ કલમોમાં આપવામાં આવી છે. કાશ્મીરના બંધારણમાં એકવાર પણ લઘુમતી શબ્દનો ઉલ્લેખ નથી કરાયો. આ ચાલાકીને કારણે જ કાશ્મીર ખીણની ૩ ટકા હિન્દુ વસ્તી બહુમતી ગણાય છે જ્યારે ૯૭ ટકા મુસ્લિમ વસ્તીને લઘુમતીનો દરજ્જો મળી જાય છે.

અંતમાં વાસ્તવિક મુદ્દાઓ અલગ તારવીએ. પહેલો મુદ્દો, બંધારણની કલમ ૩૭૦ને આટલી હોહા થઈ રહી છે તે હકીકતે કામચલાઉ અને અસ્થાઈ છે, તે જવી જોઈએ. બીજો મુદ્દો, કલમ ૩૭૦ ભારતના બંધારણનો હિસ્સો છે, જમ્મુ અને કાશ્મીરના બંધારણનો નહીં. આમ તેનું ન્યાય ક્ષેત્ર ભારતની સંસદ છે, જમ્મુ-કાશ્મીરની સંસદ નહીં. ત્રીજો મુદ્દો, કલમ ૩૭૦ કામચલાઉ અને અસ્થાઈ હોવાથી તેને દૂર કરવા સંસદની પણ જરૃર નથી, બંધારણીય સભાનો વિલય થાય તે પછી કામચલાઉ અને અસ્થાઈ કલમોને દૂર કરવાની સત્તા રાષ્ટ્રપતિને હસ્તક હોય છે. એટલે આ કલમ દૂર કરવા માટે માત્ર રાષ્ટ્રપતિની તેને રદ્દ કરતી એક જાહેરાતની જ જરૃર છે.

નાણામંત્રી અરુણ જેટલીએ જાન્યુઆરી ૨૦૧૪માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં આપેલી સ્પિચમાં પણ કહ્યું હતું કે માત્ર રાષ્ટ્રપતિની જાહેરાતથી જ કલમ ૩૭૦ દૂર થઈ શકે તેમ છે. આ જાહેરાત માટે જરૃર છે તો માત્ર રાજકીય ઇચ્છાશક્તિની.
————————–

કલમ-370કાશ્મીર વિવાદબહુમતસંસદની મંજૂરીહિંમત કાતરિયા
Comments (0)
Add Comment