પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ ન રહે…

સરકારી ચોપડે કરોડો રૂપિયાના પ્રિ-મોન્સૂન પ્લાન બનતા હોય છે

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

આ વર્ષે ચોમાસું વહેલું દસ્તક દેશે તેવા નિર્દેશો હવામાન ખાતાએ આપ્યા હતા, પણ ગુજરાતમાં વરસાદ લંબાયો છે. દર વર્ષે ચોમાસા પહેલાં મહાનગરપાલિકાઓ, વીજ કંપનીઓ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ, સિંચાઈ, પાણી પુરવઠા સહિતના સરકારી વિભાગોમાં પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ કામગીરી કરવામાં આવતી હોય છે, પણ પહેલો વરસાદ જ આ પ્લાનની પોલ ખોલી નાખતો હોય છે. સરકારી વિભાગોના આ પ્લાન માત્ર કાગળ પર જ ન રહેતા તેનો વાસ્તવિક અમલ પણ થવો જોઈએ.

ચોમાસાને દોઢ – બે મહિનાની વાર હોય ત્યારે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ સહિતનાં મેટ્રો સિટીનાં કોર્પોરેશન, વીજ કંપનીઓ, સરકારના ચોમાસાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગોમાં પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી શરૃ થઈ જાય છે. એ.સી. ઑફિસમાં બેઠેલા અધિકારીઓ સંબંધિત વિભાગોની બેઠકો બોલાવીને પ્રિ-મોન્સૂન પ્લાનની સૂચનાઓ આપતાં હોય છે. એક-દોઢ મહિનાનું કામગીરીનું શિડ્યુલ હોય છે તેની કામગીરીને લગતી સૂચનાઓ આવી મિટિંગોમાં અપાતી હોય છે.

ખાસ કરીને ડ્રેનેજ વિભાગોનો વોંકળા સફાઈ કરવાની, વૉટર લેવલ જળવાય, પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, વીજ કંપનીઓને જૂની લાઇન રિપેરિંગ કરવા, જમ્પરો બદલવા, વાયરો સરખા કરવા સહિતની કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ડિઝાસ્ટર મૅનેજમૅન્ટને જરૃરી સાધનો ખરીદવા, નવાં વાહનો લેવા, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં કોમ્યુનિકેશન થઈ શકે તે માટે જરૃરી વ્યવસ્થા ઊભી કરવા સહિતની કામગીરી પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ કરવાની સૂચનાઓ અપાતી હોય છે.

સરકારી ચોપડે કરોડો રૃપિયાના પ્રિ-મોન્સૂન પ્લાન બનતા હોય છે. સરકારી સ્તર પરનો પ્રિ-મોન્સૂન પ્લાન જે બન્યો હોય છે તેના પર નજર કરવામાં આવે તો રૃડો રૃપાળો હોય છે. એની દરખાસ્તો અને કામગીરીનું આયોજન જોઈએ તો એવું લાગે કે આ વર્ષે ચોમાસામાં લોકોને કોઈ તકલીફ નહીં પડે એવો ફુલ-પ્રૂફ પ્લાન હોય છે, પણ અનુભવો હંમેશાં એવા રહ્યા છે કે પહેલો સારો વરસાદ આવે એટલે કરોડોના પ્રિ-મોન્સૂન પ્લાન કાગળની જેમ ધોવાઈ જાય છે. લોકોને તો પાણી ભરાવાની, વીજળી ગુલ થવાની કે કીચડ જેવી હાલાકી ભોગવવાનો જ વારો આવે છે. જેમ સરકારમાં પ્રિ-મોન્સૂન પ્લાન એક રૃટિન કામગીરીના રૃપમાં જોવામાં આવે છે તેમ ચોમાસાના પહેલા વરસાદમાં જ આ પ્લાન ચોપટ થતો જોવા મળે એવાં દ્રશ્યો પણ સહજ થઈ ગયા છે.

નિવૃત્ત અધિકારીઓનું માનીએ તો આમ થવાનું મુખ્ય કારણ એ છે કે પ્રિ-મોન્સૂન પ્લાનને સત્તાધીશો રૃટિન કામગીરી માને છે અને તે મોટા ભાગે ફિલ્ડ વર્કના આધારે નહીં, પણ અગાઉના વર્ષના આધારે એ.સી. કચેરીમાં બેસીને તૈયાર થતા હોય છે એટલે તેમાં વાસ્તવિકતા આવતી નથી. રોડ-રસ્તામાં ફેરફારો થયા હોય ક્યાંક નવી વસાહતો કે શાક માર્કેટ, બજારો ઊભી થઈ ગઈ હોય તો ક્યાંક ગટરોમાં કચરો ભરાતો હોય તો પાણી ભરાવાના બનાવો બને છે, પણ છેલ્લા એક વર્ષમાં આવા જે ફેરફાર થયો હોય તેની ફિલ્ડ સ્ટાફે નોંધ લઈને પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવો જોઈએ તો જ્યારે ચોમાસું બેસે તો હાલાકીનો સામનો કરવો ન પડે.

આજે ગુજરાતનાં અનેક શહેરોમાં ચોમાસા પૂર્વે રોડ-રસ્તાના કામ માટે ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે. ખરેખર આ કામગીરી ચોમાસા પહેલાં તંત્રએ પૂરી કરી દેવી જોઈએ. વાત કરીએ ગ્રામ્ય વિસ્તારોની તો જેવા વરસાદના બે છાંટા પડે એટલે વીજળી ગુલ થઈ જાય છે. જેને ટૅક્નિકલી લાઇન ટ્રિપ થઈ તેમ કહેવામાં આવે છે અને તે લાઇન રિપેરિંગ કરવામાં કલાકો નીકળી જતા હોય છે. ખરેખર ચોમાસા પહેલાં વીજ લાઇનોને યોગ્ય મેન્ટેઇન્સ કરીને ચોમાસામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તૈયાર કરીને રાખવી જોઈએ. વીજ કંપનીઓમાં પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી વહેલી લગભગ બે મહિના પહેલાં શરૃ થઈ જાય છે.

———————————

ગુજરાતકારણદેવેન્દ્ર જાની
Comments (0)
Add Comment