પ્રણવદાનું હૃદયપરિવર્તન અને મોહનજીનો નાગપુરી સંવાદ

કોંગ્રેસની નેતાગીરીએ પ્રણવદાને નાગપુર જતાં વારવા ઘણા ધમપછાડા કર્યા

કવર સ્ટોરી – ડૉ. હરિ દેસાઈ

આરએસએસ થકી સહજ ગણાવાતી નિવૃત્ત રાષ્ટ્રપતિ ડૉ.મુખરજીની
નાગપુર-મુખ્યાલયની મુલાકાત આખરે ભાજપનું તરભાણું ભરશે

મે ૨૦૧૪થી કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના નેતા નરેન્દ્ર મોદીના વડપણવાળી સરકાર આવી છે ત્યારથી ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દુનિયાભરમાં ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ રહેલા ડૉ.પ્રણવ મુખરજી કોંગ્રેસના ડૉ.મનમોહનસિંહના નેતૃત્વવાળી સરકારમાં નાણામંત્રી હતા ત્યારે ડિસેમ્બર ૨૦૧૦માં દિલ્હી પાસેના બુરારીમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં તેમણે રાજકીય ઠરાવ રજૂ કર્યો હતો. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના  ‘આતંકવાદીઓ સાથેના સંબંધો’ અને ‘વર્ષ ૨૦૦૬ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ તથા ૨૦૦૭ના હૈદરાબાદની મક્કા મસ્જિદ બોમ્બવિસ્ફોટમાં સંડોવણીની તપાસનો આગ્રહ’ રાખવા સુધી એ ગયા હતા. એ જ ડૉ.મુખરજી શુક્રવાર ૮ જૂન, ૨૦૧૮ના રોજ આરએસએસના નાગપુર મુખ્યાલયમાં  માનવંતા મહેમાન બન્યા. શક્ય છે કે એમનું હૃદયપરિવર્તન થયું હોય. સંઘના સરસંઘચાલક ડૉ.મોહનજી ભાગવત સાથે પ્રણવદાના રાષ્ટ્રપતિભવનનાં વર્ષોમાં કેળવાયેલા ઘરોબાનો તેમણે વિશ્વને પરિચય કરાવ્યો. કોંગ્રેસની નેતાગીરીએ પ્રણવદાને નાગપુર જતાં વારવા ઘણા ધમપછાડા કર્યા, પણ વચને બંધાયેલા ૮૨ વર્ષીય નિવૃત્ત રાષ્ટ્રપતિએ પોતાની સગ્ગી દીકરી અને દિલ્હી મહિલા કોંગ્રેસની અધ્યક્ષા શર્મિષ્ઠા મુખરજીની વાત પણ ના માની તે ના જ માની. સામાન્ય રીતે ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ માટે જાણીતા પ્રણવદા થોડા કલાકો માટે સંઘના કાર્યક્રમમાં સામેલ થયા, પણ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી લગી એમના નાગપુર પ્રવાસની ચર્ચા માત્ર મીડિયામાં જ નહીં, ચૂંટણી સભાઓમાં પણ થવાના સંકેતો મળે એવો માહોલ રચતા ગયા. હજુ કોંગ્રેસમાંથી ભાજપ ભણી હિજરત કરવા ઇચ્છુકોને દોડવા માટે ઢાળ પણ મળશે.

સંઘની સ્થાપના કોંગ્રેસી અગ્રણી ડૉ.હેડગેવારે કરી હતી
વર્ષ ૧૯૨૫ની વિજયાદશમીએ કોંગ્રેસી નેતા ડૉ.કેશવ બલિરામ હેડગેવારે પોતાના ૨૫ સાથીઓને ઘરે તેડાવીને હિન્દુહિત અને સંગઠન માટે રા.સ્વ. સંઘ નામક સાંસ્કૃતિક સંગઠનની સ્થાપના કરી હતી. સંસ્થાપકોમાં બાળાજી હુદ્દાર પણ હતા. ડૉ.હેડગેવાર સંસ્થાપક સરસંઘચાલક (પ્રમુખ) અને બાળાજી સંસ્થાપક સરકાર્યવાહ (મહામંત્રી) બન્યા હતા. હુદ્દારને અત્યારે સંઘમાં ભાગ્યે જ કોઈ યાદ કરે છે, કારણ એ વાડ ઠેકીને ભારતની કમ્યૂનિસ્ટ પાર્ટીના નેતા બન્યા હતા. હમણાં ડૉ.મુખરજીએ ડૉ.હેડગેવારના સ્મારક સમા ઘરની મુલાકાત લીધી અને ડૉક્ટરજીને ‘ભારતના મહાન સપૂત’ લેખાવી અંજલિ અર્પતી નોંધ પણ મુલાકાતી નોંધવહીમાં કરી. કેટલાક વિઘ્નસંતોષી આત્માઓ આ નોંધથી દુઃખી થઈ ગયા. પ્રત્યેક બાબતને રાજકીય માપદંડથી જ માપવા ટેવાયેલાઓને ભાગ્યે જ એ ખ્યાલ હોય કે નેવું વર્ષની ઉંમર વટાવી ગયેલો સંઘ આજે દુનિયામાં સૌથી મોટા કદની સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) છે. એના સંસ્થાપક સરસંઘચાલક કોંગ્રેસના  જહાલ જૂથના અગ્રણી હતા, એટલું જ નહીં, સંઘ સામે લગભગ ઘૃણાનો ભાવ ધરાવતા રહેલા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ રાષ્ટ્રીય સંકટના સમયે સંઘની મદદ લેવામાં સંકોચ કર્યો નહોતો. તેમના અનુગામી લાલબહાદુર શાસ્ત્રીએ પણ સંઘને રાષ્ટ્રીય સંકટના દિવસોમાં સરકારની મદદે તેડાવ્યો હતો. પોતાનું રાજકારણ સંઘવિરોધી ભૂમિકા પર ચલાવતાં રહેલાં વડાંપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના સંઘની નેતાગીરી અને વરિષ્ઠ પ્રચારકો સાથે ગાઢ સંબંધ હતા, એટલું જ નહીં, એમની સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન વસંત સાઠે પણ સંઘના સ્વયંસેવક હતા એ વાત અજાણી નહોતી. શ્રીમતી ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં ગૃહ, સંરક્ષણ તથા વિદેશી બાબતોના પ્રધાન રહેલા તથા કોંગ્રેસના જ નેતા તરીકે વડાપ્રધાન બનેલા પી.વી.નરસિંહરાવ પણ મહારાષ્ટ્રના પરભણીના સ્વયંસેવક હતા. એ નાગપુર યુનિવર્સિટી હેઠળની હિસ્લોપ કૉલેજમાં ભણ્યા હતા.

સામાન્ય રીતે સાંસ્કૃતિક સંગઠન તરીકે ઓળખાવવાનું પસંદ કરનાર સંઘ ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા વખતે વિવાદમાં આવ્યો હતો. એ વેળા તેના પર બંધી આવી હતી. એટલું જ નહીં, એ વેળાના સંઘના સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી) સહિતનાની ધરપકડ પણ થઈ હતી. જોકે ગાંધી હત્યા સાથે સંઘનો સંબંધ અદાલતમાં સાબિત થયો નહોતો અને એ વેળાના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે બંધી ઉઠાવી લેવા ઉપરાંત ગુરુજીને છોડી મૂકવાનું પગલું ભર્યું હતું. ગાંધીહત્યા પ્રકરણના અનુભવે સંઘને સંસદમાં પોતાનો અવાજ રજૂ કરવા માટે રાજકીય પાંખની આવશ્યકતા વર્તાઈ હતી. નહેરુ સરકારમાંથી ફારગ થયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સાથે ગુરુજીની ચર્ચાને પગલે ૧૯૫૧માં અખિલ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. ૧૯૮૦માં સ્થપાયેલા ભાજપનો પૂર્વ અવતાર જનસંઘ લેખાય છે. જનસંઘ અને ભાજપ સહિતના સંઘના સમવિચારી સંગઠનોમાં નાગપુર સાથે સંકલન રાખવા માટે સંઘના પૂર્ણકાલીન  પ્રચારકોને સંગઠન મંત્રી તરીકે નિયુક્ત કરવાની આગવી પરંપરા છે.

ગુસ્સા, હિંસા અને ટકરાવને સ્થાને શાંતિ, એખલાસ અને સુખાકારી
દુનિયાભરની નજર સંઘના વર્તમાન વડા અને નિવૃત્ત રાષ્ટ્રપતિની તાજેતરની નાગપુર ખાતેની મુલાકાત પર હતી.સંઘના વર્ષ ૨૦૧૮ના તૃતીય વર્ષ શિક્ષા વર્ગમાં સહભાગી દેશભરના ૭૦૦ ઉપરાંત તાલીમાર્થીઓના સમાપન સમારંભમાં ડૉ.મુખરજી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને એમણે મનનીય વ્યાખ્યાન પણ આપ્યું. પાંચ હજાર વર્ષની ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત બહુધર્મીય અને બહુઆયામી પરંપરા થકી અસ્તિત્વમાં આવેલા ‘રાષ્ટ્રવાદ’ની વ્યાખ્યા અને ‘રાષ્ટ્ર’ તથા ‘દેશભક્તિ’ના વિચારને પ્રસ્તુત કરતું તેમનું વ્યાખ્યાન અદ્ભુત હતું. સંઘના ‘હિન્દુરાષ્ટ્ર’ના વિચારથી વિપરીત પ્રણવદાએ બહુધર્મીય, વસુધૈવ કુટુંબકમ્ની વિભાવનાને રજૂ કરતું વ્યાખ્યાન અંગ્રેજીમાં કર્યું. દેશમાં હિંસા અને અવિશ્વાસના વધી રહેલા વાતાવરણને ખાળવાની તરફેણ કરતાં ‘ગુસ્સા, હિંસા અને ટકરાવને સ્થાને શાંતિ, એખલાસ અને સુખાકારી’ના વાતાવરણને સ્થાપવાની તેમણે ભારપૂર્વક તરફેણ કરીને સંઘને આ શીખ પણ ગૂંજે બંધાવી. ભારતીય પ્રાચીન ઇતિહાસની ભવ્યતા રજૂ કરતાં કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’થી લઈને સુરેન્દ્રનાથ બેનરજી, લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુના ‘મારું હિન્દનું દર્શન’ને ટાંકતાં ભારતના ‘બંધારણીય રાષ્ટ્રવાદ’ની વિભાવના રજૂ કરી. નવાઈ એ વાતની લાગી કે પ્રણવદાએ પોતાના સમગ્ર વ્યાખ્યાનમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરનું નામ લીધું નથી. ભારતમાં અનેકતામાં એકતાને એમણે પાયાની વાત લેખાવી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નાગપુર જાય એમાં  જાણે કે તેઓ કોઈ મહાપાપ કરી રહ્યા હોય એવું આક્રમક રીતે રજૂ કરનારા એમના કોંગ્રેસ ગોત્રના અગ્રણીઓ સહિતનાઓનાં સૂર વ્યાખ્યાન પછી બદલાયાં. કોંગ્રેસના નેતાઓની અપરિપક્વતા આ ઘટનાક્રમમાં ઊડીને આંખે વળગે એ રીતે છતી થઈ…..
————– વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો….————–

કવરસ્ટોરીપ્રણવ મુખરજીમોહન ભાગવતહરિ દેસાઇ
Comments (0)
Add Comment