રાજકાજ મેઘાલય – શિલોંગનાં તોફાનો ખતરનાક સ્થિતિનો સંકેત

મીડિયા મૅનેજમૅન્ટ તો પચાસ વર્ષથી ચાલે છે

રાજકાજ

મેઘાલય – શિલોંગનાં તોફાનો ખતરનાક સ્થિતિનો સંકેત

મેઘાલયના પાટનગર શિલોંગમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી હિંસા અને તોફાનને કારણે કરફ્યુ લગાવાયો છે. ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અખબારો પર અઘોષિત સેન્સરશિપ છે તેને કારણે ત્યાંના વાસ્તવિક અહેવાલો મળતા નથી. તોફાનોની ગંભીરતા તો એ તથ્ય પરથી જ સમજી શકાય તેમ છે કે પાંચસો જેટલા પરિવારોએ જીવ બચાવવા માટે સૈન્ય છાવણીમાં આશ્રય મેળવ્યો છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળો પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ નિવડતાં સૈન્યની મદદ લેવામાં આવી છે.

આ તોફાનો દલિત શીખો અને ખાસી ઈસાઈ આદિવાસીઓ વચ્ચેના સંઘર્ષમાંથી વિસ્તર્યાં છે. તેની શરૃઆત તદ્દન મામૂલી કહેવાય એવી ઘટનામાંથી થઈ હતી. શહેરના પંજાબી લાઇન વિસ્તારમાં શીખ મહિલાઓ નળમાંથી પાણી ભરતી હતી એ દરમિયાન એક ખાસી યુવાને રસ્તામાં બસ ઊભી રાખી દીધી. મહિલાઓએ યુવકને બસ હટાવવા કહ્યું એટલે યુવકે મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી. મહિલાઓએ તેમના ઘરે જઈને એ યુવકની ધોલાઈ કરી. પોલીસે એ વખતે તો સમજદારી દર્શાવી સમાધાન કરાવ્યું, પરંતુ પાછળથી પંજાબી લાઇનમાં રહેતા શીખો પર હુમલા થયા. આ હુમલા ખાસી આદિવાસી દ્વારા કરવામાં આવ્યા. મેઘાલયના મુખ્યપ્રધાન કોનરોડ સંગમાનો આક્ષેપ છે કે કેટલાક બહારના તત્ત્વોએ પૂર્વયોજિત ષડ્યંત્ર અંતર્ગત ખાસીઓના એક સમૂહને પેટ્રોલ બોમ્બ વગેરે આપી પંજાબી લાઇન પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા. તેને કારણે તોફાનો વધ્યા. અફવાને કારણે તેમાં વધારો થયો. મુખ્યપ્રધાન ખુદ આવી વાત કહેતા હોય ત્યારે તેની ગંભીરતા સમજવી પડે. મહત્ત્વનો સવાલ એ છે કે આ બહારના તત્ત્વો કોણ છે? તોફાની તત્ત્વોએ પોલીસ પર પણ હુમલા કર્યા છે અને સૈન્યને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. તોફાનીઓની આવી હિંમત વિચારતા કરે તેવી છે.

૧૮૩૦ની સાલમાં અંગ્રેજોએ સફાઈ કર્મચારી તરીકે અહીં દલિત શીખોને વસાવ્યા હતા. આ વિસ્તાર એ સમયે શિલોંગથી બહુ દૂર હતો, પણ આજે એ શહેરનો મધ્ય વિસ્તાર થઈ ગયો છે. બિલ્ડરોની તેના પર નજર છે. તેઓ પંજાબી લાઇન ખાલી કરાવવા પ્રયાસ કરતા રહે છે. આ જમીનના ભાવ આજે  બહુ ઊંચા છે. બિલ્ડરો ત્યાં મૉલ અને શોપિંગ સેન્ટર નિર્માણ કરવા ઇચ્છે છે. રાજ્ય સરકારનો એક વર્ગ તેના સમર્થનમાં છે. મામલો દલિત શીખોનો હોવાને કારણે આ તોફાનની પ્રતિક્રિયા છેક પંજાબ સુધી થઈ છે. પંજાબ સરટ્ઠકાર અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના રાષ્ટ્રીય શીખ સંગત વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ શિલોંગ પહોંચ્યા છે અને પંજાબી લાઇનના રહેવાસીઓ વિસ્થાપિત ન કરતાં તેમને રક્ષણ આપવાની માગણી કરાઈ છે.

શિલોંગની વસતી બે લાખની છે. તેમાં ૭૮ ટકા આદિવાસી છે અને એ ખ્રિસ્તી છે. એ સંજોગોમાં અહીંનાં તોફાનોને ચર્ચ દ્વારા ઇરાદાપૂર્વક ઉગ્ર બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. કેન્દ્રની મોદી સરકાર પ્રત્યે ચર્ચની નારાજગી જગજાહેર છે. ભાજપના કહેવા પ્રમાણે આ નારાજગીને કારણે ચર્ચ સરકાર સામે મેદાનમાં આવી ગયું છે. ચર્ચ સાથે સંકળાયેલ એનજીઓને મળતી વિદેશી મદદ મોદી રાજમાં બંધ થઈ ગઈ છે. તેનો રોષ આવા સમયે બહાર આવે છે અને સરકાર સામેના વિરોધને ઉગ્ર સ્વરૃપ મળી જાય છે. જાતિગત તોફાનોમાં પ્રત્યક્ષ રીતે કોઈ સામે આવતું નથી, પણ નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. શિલોંગનાં તોફાનોમાં પાછળથી બહારના તત્ત્વોની સામેલગીરીએ પરિસ્થિતિને વધુ વણસાવી છે. અન્યથા સૈન્યની મદદ મેળવવા છતાં હજુ સ્થિતિ થાળે ન પડે એ વાત વિચિત્ર જણાય છે. સ્થાપિત હિત ધરાવનારાઓ સામાન્ય ઘટનાને કેવું ઉગ્ર હિંસક રૃપ આપી શકે છે એ શિલોંગમાં જોવા મળ્યું છે.
——————————–.

મીડિયા મૅનેજમૅન્ટ તો પચાસ વર્ષથી ચાલે છે
વર્તમાન સમયમાં મીડિયા મૅનેજમૅન્ટ વિશે વાચકો અને દર્શકો ઘણુ બધું જાણતા થઈ ગયા છે. તેઓ એ પણ જાણે છે કે પત્રકારોને અને મીડિયા હાઉસને મેનેજ કરી શકાય છે. આ બાબતમાં રસ ધરાવતા લોકો માટે એક સમાચાર એવા છે કે વરિષ્ઠ પત્રકાર પી. રમણનું એક પુસ્તક ‘ધ પોસ્ટ ટ્રુથ’ નામે પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. આ પુસ્તકમાં એવી ઘણી વિગતો આપવામાં આવી છે જે એવો નિર્દેશ કરે છે કે મીડિયાને મેનેજ કરવાનું વલણ આજકાલનું નહીં, પચાસ વર્ષ જૂનું છે. શાસકો અને મીડિયા વચ્ચેનું ગઠબંધન ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારના સમયથી અસ્તિત્વ ધરાવે છે. ત્યારના અખબાર માલિકો તેમના વરિષ્ઠ પત્રકારોનો આયાત લાઇસન્સ અને ન્યૂઝ પ્રિન્ટ ક્વોટા મેળવવા માટે પોતાના દૂત તરીકે ઉપયોગ કરતા હતા. એક્રેડિટેડ સંવાદદાતાઓને રાજધાની દિલ્હીમાં સંયુક્ત સચિવ કક્ષાના સરકારી બંગલા એકદમ સસ્તા ભાડામાં અપાતા હતા. મુખ્યધારાના મોટા ભાગના પત્રકારો સરકારી બાબતોનું રિપોર્ટિંગ આંખ-કાન બંધ રાખીને યથાતથ સરકારી રાહે કરતા હતા અને જે લોકો ચીલો ચાતરીને બ્રેકિંગ સ્ટોરી કરતા હતા તેમના પર ટેબ્લોઇડ પત્રકારનું લેબલ લગાવી દેવામાં આવતું હતું. રમણના આ પુસ્તકમાં એક રસપ્રદ વાત એ જણાવાઈ છે કે ૧૯૭૪માં યુએનઆઇના તત્કાલીન વડા આર. રંગરાજનને પોખરણ ટેસ્ટ અંગે અગાઉથી સંકેત મળી ગયા હતા અને તેમણે તેમના સ્ટાફને ન્યૂઝ માટે એલર્ટ રહેવાનું કહી દીધું હતું.
——————————–.

ભાજપ હવે વરિષ્ઠ નેતાઓ  પ્રત્યે વ્યાવહારિક બનશે
ભાજપમાં પંચોત્તેર વર્ષથી ઉપરના અગ્રણીઓને રાજકારણમાંથી નિવૃત્ત કહેતાં નિષ્ક્રિય બનાવી દેવાની યોજનાને હવે નરેન્દ્ર મોદી- અમિત શાહ પાછી ખેંચી લેવા વિચારે છે. ભાજપ મોવડી મંડળ નારાજ વરિષ્ઠ નેતાઓના અસંતોષને ખાળવા ઇચ્છે છે. ભાજપના લોકસભા અને રાજ્યસભાના મળીને અંદાજે પંદર સાંસદો ૭૫ વર્ષની વયમર્યાદા પસાર કરી ચૂક્યા છે અથવા એ વયમર્યાદાના આરે આવીને ઊભા છે. આવા અગ્રણીઓમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન અને કરિયા મુંડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી અને લાલજી ટંડન જેવા નેતાઓ તો એંસીથી ઉપરના વયના છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં યેદિયુરપ્પાને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે જ સૌ પ્રથમ આ ૭૫ વર્ષની વય મર્યાદામાં બાંધછોડ કરવાનો આરંભ થયો હતો, પરંતુ વરિષ્ઠ નેતાઓ પ્રત્યેના પક્ષના વલણમાં સત્તાવાર રીતે કોઈ ફેરફાર થયો નથી. જો પક્ષમાં ફરી વરિષ્ઠોનું પુનરાગમન થશે તો તેને કારણે પક્ષના યુવા દેખાવને હાનિ પહોંચવાની દહેશત રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬૮ વર્ષના છે. સંભાવના એવી છે કે ભાજપ મોવડીમંડળ હવે પંચોત્તેર વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નેતાઓ પ્રત્યે જડ સૈદ્ધાંતિક વલણ અપનાવવાને બદલે વ્યાવહારિક અભિગમ અપનાવવાની દિશામાં આગળ વધશે.
——————————–.

રાજકાજ
Comments (0)
Add Comment