ખેડૂત આંદોલનની ઉપેક્ષા નહીં, સમાધાન જરૃરી

વિન્સેન્ટ જ્યોર્જની ગાંધી પરિવારમાં વાપસી

રાજકાજ

દેશનાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓનો ઇનકાર થઈ શકે તેમ નથી. ખેડૂતોને તેમની માગણીઓ માટે રસ્તા પર ઊતરી આવવું પડે એ સ્થિતિને સારી ગણી શકાય નહીં. ખેડૂતોની માગણીઓને પ્રાથમિક તબક્કે જ રાજ્ય સરકારોએ હાથ ધરીને તેના નિરાકરણ માટેના પ્રયાસો કરવા જોઈએ જેથી ખેડૂતોને આંદોલન કરવાની ફરજ ન પડે. ગત વર્ષે મધ્યપ્રદેશના ખેડૂતો આંદોલને ચઢ્યા હતા. મહારાષ્ટ્રમાં ગત દિવસોમાં ખેડૂતોએ સચિવાલય સુધી વિરાટ કૂચ યોજી હતી અને રાજ્ય સરકારે તેમની તમામ માગણીઓ સ્વીકારી આંદોલન શાંત પાડ્યું હતું. તેને બહુ સમય થયો નથી. આ રીતે છુટાછવાયા ખેડૂત આંદોલનો થયાં. તેનાં સમાધાનો થયાં છે.

ખેડૂતો આ રીતે વારંવાર આંદોલિત થતા નથી. ખેતીનું કામ એટલું વ્યસ્તતાવાળું હોય છે કે ખેડૂતોને લાંબા આંદોલન કરવા પરવડે નહીં. આમ છતાં તેમની વાત સાંભળવામાં ન આવે ત્યારે તેમને આંદોલિત થવું પડે છે. અત્યારે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે એવે વખતે ખેડૂતો ખેતરમાં હોવા જોઈએ તેને બદલે રસ્તા પર છે, એ સૌને માટે ચિંતાનો વિષય બનવો જોઈએ. ખેડૂતોના આ આંદોલનમાં રાજકારણની ભેળસેળ હોય તો પણ તેની ઉપેક્ષા કરવાનું યોગ્ય નથી. કોઈ પણ પ્રકારના આંદોલનમાં રાજનીતિ પ્રવેશી જ જતી હોય છે. વર્તમાન ખેડૂત આંદોલન મહ્દઅંશે ભાજપ શાસિત રાજ્યોમાં ચાલે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ માહોલ તૈયાર કરવાના ઉદ્દેશથી પ્રેરિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તેમાં તથ્ય હોય તો પણ સરકાર કે શાસક પક્ષનો દૃષ્ટિકોણ આંદોલન પ્રત્યે એકાંગી હોવો ન જોઈએ. આ આંદોલન સરકાર કે શાસક પક્ષ વિરુદ્ધનું હોય તો પણ તેને એક તક સમજીને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા પોતની તરફેણમાં માહોલને પલટાવવાનો અવસર પણ તેમાં હોય છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને આવો દૃષ્ટિકોણ અપનાવ્યો હતો.

મહત્ત્વની વાત એ છે કે ખેડૂતોની સમસ્યા અને માગણીઓની લાંબો સમય ઉપેક્ષા યોગ્ય નથી. સરકાર ઉદ્યોગ-વ્યવસાયના ક્ષેત્રની સમસ્યા પ્રત્યે જેટલી સતર્ક રહે છે એટલી કૃષિની સમસ્યા માટે રહેતી નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવની સમસ્યાથી માંડીને ખેડૂતોના માલના સંગ્રહણ માટેની વ્યવસ્થા કરવામાં આપણે સક્ષમ બન્યા નથી. દેશભરમાં ગોદામો અને કૉલ્ડ સ્ટોરેજની શૃંખલા ઊભી કરવા તરફ ધ્યાન અપાયું નથી. વિપક્ષો પણ ખેડૂતો માટે માત્ર દેવા માફી જેવા લોકપ્રિય મુદ્દાને જ આગળ કરીને ખેડૂતોની બાકીની સમસ્યા પ્રત્યે ઉપેક્ષા સેવે છે. આ વખતે ખેડૂત આંદોલનના કેન્દ્રવર્તી મુદ્દામાં સ્વામીનાથન સમિતિની ભલામણોના અમલની માગણી છે.

૨૦૦૪ની સાલમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા વિચારણા કરવા માટે જાણીતા અર્થશાસ્ત્રી એમ. એસ. સ્વામીનાથનના અધ્યક્ષપદે રાષ્ટ્રીય પંચ નિયુક્ત થયું હતું. આ પંચે ૨૦૦૬માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારથી ૨૦૧૪ સુધી યુપીએની સરકાર હતી. પણ આ પંચના અહેવાલને તેણે ક્યારેય ગંભીરતાથી લીધો નહીં. હવે ભાજપને ભીંસમાં લેવા માટે આ રિપોર્ટના અમલના બહાને ખેડૂતોને આગળ કરીને કોંગ્રેસ સહિતના વિપક્ષો રાજકીય હેતુ સિદ્ધ કરવા ઇચ્છતા હોય તો પણ આ સમિતિની ભલામણોના અમલની માગણી અનુચિત બની જતી નથી.

સરકારે આ ભલામણો ફરી તપાસી જઈ તેને વિશે સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ. સ્વામીનાથન પંચની ઘણી ભલામણો વ્યાવહારિક અને ખેડૂતોના વ્યાપક હિતમાં છે. તેનો સરકારે સ્વીકાર કરવો જોઈએ. આ રિપોર્ટમાં ખેડૂતોને તેના કૃષિ પાકની પડતર કરતાં પચાસ ટકા વધુ ભાવ આપવા ઉપરાંત ખેડૂતોને ઓછા ભાવે બિયારણ આપવા તેમજ વિલેજ નોલેજ સેન્ટર નિર્માણ કરવા, મહિલા ખેડૂત માટે અલગ ક્રેડિટ કાર્ડ, પ્રાકૃતિક આપત્તિ વખતે રક્ષણ માટે અલાયદા ફંડની રચના જેવી ભલામણો છે, જેના સ્વીકાર અને અમલમાં સરકારને કોઈ મોટી મુશ્કેલી પડે તેવી નથી. આખરે તો એ તમામ પગલાં કૃષિ ક્ષેત્રના વિકાસને ગતિ આપનારા પુરવાર થાય તેમ છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો આ બાબતે ખેડૂતોને આશ્વસ્ત કરે તો તેનાથી ખેડૂતોને પણ એવો અનુભવ થશે કે તેમની જરૃરિયાત અને અપેક્ષાને સરકાર સમજે છે.
———————————–.

વિન્સેન્ટ જ્યોર્જની ગાંધી પરિવારમાં વાપસી
વિન્સેન્ટ જ્યોર્જનું નામ ઘણાને ભૂલાઈ ગયું હશે. એક સમયે રાજીવ અને સોનિયા ગાંધીના અંગત સચિવ તરીકે રહી ચૂકેલા વિન્સેન્ટ જ્યોર્જની ૨૦૦૧ના વર્ષ સુધી કોંગ્રેસમાં બોલબાલા હતી, પરંતુ તેમના પર સીબીઆઇ દ્વારા કેટલાક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા પછી તેઓ પડદા પાછળ ધકેલાઈ ગયા હતા. હવે એવા વાવડ છે કે ગાંધી પરિવારમાં જ્યોર્જની વાપસી થઈ રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી બદલાઈ રહેલા ચિત્રમાં હવે જ્યોર્જ રાહુલ ગાંધીના કામકાજને સંભાળશે.

આવો જ એક મહત્ત્વનો નિર્ણય એ થયો છે કે હવે રાહુલ ગાંધી અને તેમના યુવા સલાહકારોની ટીમ તુઘલક લેન પર નહીં બલકે ૧૦, જનપથ પર બેસીને કામ કરશે.  રાહુલની ટીમમાં કૌશલ કે. વિદ્યાર્થી, કનિષ્ક સિંહ, પૂર્વ એસપીજી ઓફિસર કેવીબીવાય, તેમજ રાહુલ ગાંધી માટે રિસર્ચ અને ડોક્યુમેન્ટેશનનું કામ સંભાળતા અલંકાર સવાઈનો સમાવેશ થાય છે. એ જ રીતે સોનિયા ગાંધીની કોર ટીમના લોકો વિન્સેન્ટ જ્યોર્જ, પી.પી. માધવન, એસ.વી. પિલ્લાઇ, પુલક ચેટરજી, કિશોરીલાલ શર્મા, ધીરજ શ્રીવાસ્તવ પણ રાહુલ માટે કામ કરવા લાગ્યા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષનું કામ વધી જાય એ સ્વાભાવિક છે. આ ટીમ દસ જનપથ પર કામ કરશે તેનો અર્થ એ પણ થાય કે સોનિયા ગાંધીની પણ તેમના પર નજર રહેશે.
———————————–.

વડાપ્રધાન સાથે નીતિન ગડકરીનો પણ દબદબો
માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરી એક એવા કેન્દ્રીય પ્રધાન છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓછાયાથી દૂર રહ્યા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વૅ અને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વૅના તાજેતરના ઉદ્દઘાટન દરમિયાન વડાપ્રધાનની ખુલ્લી કારમાં તેમની સાથે ગડકરી પણ હતા. મોદીની સાથે ગડકરી પણ હસતા મુખે લોકોનું અભિવાદન ઝીલતા હતા. વડાપ્રધાનના પક્ષે આ એક અસાધારણ ઘટના હતી કેમ કે સામાન્ય રીતે આવા રોડ-શૉમાં વડાપ્રધાન એકલા જ કારમાં રહેતા હોય છે. આ ઇવેન્ટની જાહેરાતમાં પણ ગડકરીના ચહેરાને પ્રમુખતાથી દર્શાવવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસ-વૅ સમયસર પૂર્ણ કરવાની ક્રેડિટ ગડકરીને જાય છે.

આ કામગીરી દરમિયાન નેશનલ હાઈવૅ ઑથોરિટીના બે અધ્યક્ષોને તેમના પદ પરથી વિદાય થવું પડ્યું. ૨૦૧૬ની સાલમાં આ સેક્ટરના એક્સપ્રેસ-વૅની ડેડલાઇન ૫૦૦ દિવસની હતી, પરંતુ છ મહિના સુધી તો આ પ્રોજેક્ટમાં કોઈ હિલચાલ જ થઈ ન હતી. એથી ચૅરમેન રાઘવ ચંદ્રાની બદલી કરી નાંખવામાં આવી હતી. થોડા મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતે સરકારી વકીલને પૂછ્યું હતું કે હજુ સુધી કેમ એક્સપ્રેસ વૅ ખુલ્લો મુકાયો નથી. ત્યારે એવો જવાબ અપાયો હતો કે રોડનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને તેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાનની તારીખની રાહ જોવાય છે. વડાપ્રધાનને મૂંઝવણમાં મૂકનારી આ વિગત ખોટી હતી. કેમ કે રસ્તા પરના રેલવે ઓવરબ્રિજનું કામ પૂરું થયું ન હતું.
———————————–.

રાજકાજ
Comments (0)
Add Comment