મુકામ મુંબઈ – લતિકા સુમન
મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કામદાર સુનિલ યાદવ હાલમાં પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જુદી-જુદી ડિગ્રીઓ મેળવી છે. એક સમયે જેમના માટે અંગ્રેજી ભાષા દુશ્મન સમાન હતી, એ જ ભાષામાં તેમણે વિદેશી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યું. જે કોઈને પણ અભ્યાસ કરવા માટે રજાઓ જોઈતી હોય તો તેમને રજા આપવામાં આવે એવી જોગવાઈ માટે તેઓ હાઈકોર્ટના શરણે છે. સુનિલના જીવનના અને અભ્યાસ માટેના સંઘર્ષ અને ધગશની રસપ્રદ અને પ્રેરણાદાયી વાત…
May I come in sir.- મેં ઘણી વાર આ વાક્ય રટ્યું હતું અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યો. ડીનની કેબિનમાં આ વારંવાર રટેલા વાક્યને ડરતાં-ડરતાં બોલતાં મેં પ્રોફેસર શરદ ભૂમિ પાસે અંદર આવવાની મંજૂરી માગી. આ રટેલા વાક્ય સિવાય મને અંગ્રેજીમાં કશું જ બોલતાં આવડતું નહોતું, કારણકે અંગ્રેજી શાળાકીય સમયથી જ મારું દુશ્મન રહ્યું હતું. પણ મારે કોઈ પણ રીતે તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવો હતો. તેથી સફાઈ કામ કરતાં કરતાં મેં પહેલાં દિવસે આ વાક્ય રટી નાંખ્યું અને યાદ કરીને પ્રોફેસર ભૂમિના કેબિનમાં પ્રવેશ્યો.- સફાઈ કામદાર સુનિલ યાદવના આ શબ્દો છે. તેમણે ‘અભિયાન’ સાથે વાતચીત કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો.
હું જેવો પ્રોફેસરની કેબિનમાં પ્રવેશ્યો કે તેમણે અંગ્રેજીમાં બોલવાનું શરૃ કર્યું. મેં મારી જાતને સંભાળી. તેમણે અંગ્રેજીમાં શું કહ્યું તે અંગે મને કશી સમજ ન પડી. તેથી મેં તેમને કહ્યું કે મને અંગ્રેજી નથી આવડતી, પણ મારે તાતા ઇન્સ્ટિટ્યૂટમાં જ અભ્યાસ કરવો છે. હું તેમની સામે બેઠો અને હિન્દીમાં વાતચીત શરૃ કરી મારું બૅકગ્રાઉન્ડ સમજાવ્યું.
હું સુનિલ લક્ષ્મણ યાદવ. સાત રસ્તા જેલ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહું છું. સફાઈકામ કરું છું, પણ મારી વર્ષોની ઇચ્છા છે કે હું તાતા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરીને સામાજિક કામ કરું. હું જ્યારે આ વાત કરી રહ્યો હતો ત્યારે પ્રોફેસર ભૂમિ મારી સામે આશ્ચર્યસહ ભાવો સાથે જોઈ રહ્યા હતા. તેમણે મારા શિક્ષણ અંગેનો પ્રશ્ન કર્યો. મેં તેમને મેં હાંસલ કરેલી ત્રણ ડિગ્રીઓ અંગે માહિતી આપી.
હું દસમા ધોરણમાં નાપાસ થયો હતો અને તે પણ અંગ્રેજી અને ગણિતના વિષયમાં. મારા પિતાજી સફાઈ-કામદાર હતા. શરાબ પીતા હતા. હું બૌદ્ધ ધર્મ અનુસરતી પછાત જ્ઞાતિમાં જન્મ્યો છું. તેથી કોઈ પણ સારા પરિવારના બાળકો મારી સાથે નહોતાં રમતાં. શાળામાં છેલ્લી પાટલીએ બેસતો. દસમા ધોરણમાં નાપાસ થયો એટલે મારું શિક્ષણ રોકાઈ ગયું. પછી મારા પિતાજીને પક્ષાઘાતનો હુમલો આવ્યો.
મારા પર કામની જવાબદારી આવી ગઈ. આ વાત વર્ષ ૧૯૯૯ની છે. એ સમયે શરદ રાવના યુનિયનની હડતાળ પડી હતી અને એ સમયે મુંબઈના મ્યુનિસિપલ કમિશનરે સફાઈ-કામદારોનું પાણી અને પિટિકેશ બંને બંધ કરી દીધા હતા. પિતાજીની જગ્યાએ મને સફાઈ-કામદારની નોકરી મળતી, પણ યુનિયનની હડતાળે મુશ્કેલી ઊભી કરી દીધી. જ્યારે હડતાળ સમેટાઈ ત્યારે મેં કામ માટે મહાનગરપાલિકાના ચક્કર કાપવાની શરૃઆત કરી. મારી પાસે બે હજાર રૃપિયાની માગણી કરવામાં આવી. એ સમયે ઘર ચલાવવા માટે હું એક વાઇનની દુકાનમાં કામ કરતો હતો. મેં વાઇન શોપના માલિક પાસેથી બે હજાર રૃપિયા લોન પેટે લીધા અને શરાબની એક મોટી બોટલ મનપાના અધિકારીને ભેટ આપી.
મને મારા પિતાજીની જગ્યાએ સફાઈ-કામદાર તરીકે નોકરી મળી ગઈ. એ દિવસ મારા કામનો પહેલો દિવસ હતો. તાડદેવ ચોકી પર સવારે પાંચ વાગ્યે હું હાજર હતો. મને હાઉસગલ્લીમાં મોકલવામાં આવ્યો. કારણ મારા ઘરના લોકોને કે મારે કોઈ મોટા કે ઉપરી અધિકારી સાથે ઓળખાણ નહોતી. હાઉસગલ્લી એટલે બે ઇમારત વચ્ચે જે નાની ગલી હોય છે એ. ત્યાં જઈને સફાઈ કરવાની. મને ઊલટી આવી રહી હતી. મેં સફાઈ કરી અને ઘરે જઈને મેં ખાવાનું પણ ન ખાધું. આખી રાત ઊંઘી પણ ન શક્યો. હું બસ એ જ વિચારતો રહ્યો કે શું મારી આખી જિંદગી આ જ કામ કરતાં-કરતાં વિતી જશે. ..મારે આખી જિંદગી આ જ કામ કરવું છે. ..ધીરે ધીરે મને આદત પડી ગઈ. એક દિવસ મારા મિત્રએ મને શરદ પવારનું પુસ્તક વાંચવા માટે આપ્યું. એ વાંચ્યા બાદ મારા દિમાગમાં દેશની અર્થવ્યવસ્થાને લગતા વિચારો ઘૂમરાવા લાગ્યા.
જ્યારે શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી હતી ત્યારે હું એમાં કાર્યકર્તા તરીકે જોડાયો. એ સમયે ઠેરઠેર ન્યૂઝપેપર વાંચવા માટે વાંચનાલય શરૃ કરવામાં આવ્યા હતા. હું કામ પતાવીને એક વાંચનાલયમાં પહોંચી જતો અને છાપું વાંચતો. શરદ પવારનું પુસ્તક વાંચ્યા બાદ મારા મનમાં દેશની અર્થવ્યવસ્થા સમજવાની ઇચ્છા જાગી અને કોઈકના માર્ગદર્શનના આધારે મેં વાણિજ્ય પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજના છેલ્લાં વર્ષમાં મને એમએસડબલ્યુ કરવાની ઇચ્છા થઈ. હું નિર્મલા નિકેતન પહોંચ્યો, પણ અંગ્રેજી નહોતું આવડતું તેથી પ્રવેશ ન મળ્યો. એ સમય દરમિયાન મેં યશવંતરાવ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને ડિગ્રી મેળવી. પછી હું ફરી નિર્મલા નિકેતનમાં પ્રવેશ મેળવવા ગયો.. ત્યારે પણ મને અંગ્રેજી ભાષા નડી અને મને પ્રવેશ ન મળ્યો.
અભ્યાસ તરફની મારી ઇચ્છા જોઈને એક પ્રોફેસરે મને ડીએસડબલ્યુ કરવાની સલાહ આપી. ડિપ્લોમા ઇન સોશિયલ વર્કર એક વર્ષનો કોર્સ હતો. મેં તેનો અભ્યાસ કર્યો અને એ જ ગાળામાં મને માહિતી મળી કે પૂણેની મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમએસડબલ્યુનો અભ્યાસ કરી શકાય છે. મેં પ્રવેશ પરીક્ષા પાસ કરી અને બેલાપુર શાખામાં પ્રવેશ મેળવ્યો. પછી સવારે છથી બપોરના એક વાગ્યા સુધી હું સફાઈ-કામદાર તરીકે કામ કરતો અને સાંજે પાંચથી સાત દરમિયાન બેલાપુર કૉલેજમાં લેક્ચર અટેન્ડ કરતો. ત્યાં મને ટાટા ઇન્સ્ટિટ્યૂટ વિશે માહિતી મળી. ત્યાં મેં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં એમ એ ઇન ગ્લોબલાઇઝેશનનો અભ્યાસ કરનારા વિક્રાંત લોખંડેનો પરિચય કેળવ્યો અને તેમની મદદથી હું તમારા સુધી પહોંચ્યો. શું મને અહીં અભ્યાસ કરવાનો મોકો મળશે…
પ્રોફેસર ભૂમિએ સુનિલને પૂછ્યું કે અહીં અભ્યાસ કરવા માટે તમને સ્ટડી લીવ મળશે… સાથે જ મહાનગરપાલિકાની મંજૂરીનો પત્ર પણ લાવવો પડશે, પણ આ વર્ષના પ્રવેશની પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે. હવે આવતા વર્ષે જ પ્રવેશ મળશે. સુનિલે તેમને કહ્યું કે આવતા વર્ષે પ્રવેશ મળે એ માટે જ તે અત્યારથી પ્રયાસ કરી રહ્યો છે. સુનિલે અત્યાર સુધી જેટલી પણ ડિગ્રી મેળવી હતી, એમાં મુંબઈ બધી બીએમસીમાં સબમિટ કરાવી હતી. એ સમયે અધિકારી તેને કહેતાં કે આ રીતે અભ્યાસ કરવાની શું જરૃર છે… બીએમસીની કાયમી નોકરી તો છે. આગળ અભ્યાસ કરવાની શું જરૃર છે? હવે આગળ અભ્યાસ કરવા માટે સ્ટડી લીવ લેવી એ સુનિલ માટે મહાસંકટ સમાન હતું. સુનિલનો આગળનો સંઘર્ષ આ મહાસંકટ માટે જ શરૃ થયો. સુનિલે પોતાના અભ્યાસની વાત પોતાના મિત્રને કરી. એ સમયે તેના મિત્રએ તેને વર્ષ ૧૯૮૯ની મુંબઈ મહાનગરપાલિકા રૃલ એન્ડ રેગ્યુલેશનનું પુસ્તક વાંચવા કહ્યું. આ પુસ્તકમાં ૧૭૯ એક્ટ અનુસાર પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર વ્યક્તિને બે વર્ષની રજાની જોગવાઈનો ઉલ્લેખ હતો, પણ સુનિલને સ્ટડી લીવ ન મળી, કારણકે સફાઈ-કામદાર માટે આ લીવની જોગવાઈ નથી કરવામાં આવી એવો પાલિકાનો જવાબ હતો. તેથી સુનિલે રાતપાલીમાં કામ કરવાનું શરૃ કર્યું.
સવારે કૉલેજમાં અભ્યાસ. આ વાત તેણે તાતા ઇન્સ્ટિટ્યૂટથી છુપાવી રાખી. જ્યારે લેક્ચર ચાલતા હોય ત્યારે સુનિલની આંખમાં ઊંઘ હોય. આ વાતની ચર્ચા સુનિલના ગ્રુપમાં થવા લાગી. ત્યારે સુનિલે તેના એક મિત્રને હકીકત જણાવી. એ સમયે તેના બે મિત્રો પેઇડ લીવ પર અભ્યાસ કરી રહ્યા હતા અને સુનિલને અભ્યાસ માટે રજા નહોતી આપવામાં આવી. આ અન્યાય હતો. સુનિલ એમ.એ. ઇન ગ્લોબલાઇઝેશન એન્ડ લેબર વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. તેના બધા મિત્રોએ પહેલાં સુનિલને પોતાના હક માટે લડવા કહ્યું અને સુનિલનો સંઘર્ષ છાપાના સમાચાર બનીને લોકો સુધી પહોંચ્યો. વર્ષ ૨૦૧૩માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંઘે આ સમાચાર વાંચ્યા અને એ સમયના મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માગ્યો. ત્યાર બાદ સુનિલને બીએમસીના અધિકારીઓની હેરાનગતિનો સામનો કરવો પડ્યો. સુનિલને કહેવામાં આવ્યું કે, જો તમે લોકો અભ્યાસ કરશો તો સફાઈનું કામ કરશે કોણ…
સુનિલે પોતાની જિદ ન છોડી. તે આજે પણ અભ્યાસ કરી જ રહ્યા છે. તેમણે યશવંત ચવ્હાણ યુનિવર્સિટીમાંથી બી.કોમ. અને બી.એ. ઇન જર્નાલિઝમનો અભ્યાસ કર્યો. નિર્મલા નિકેતનમાંથી ડીએસડબલ્યુનો અભ્યાસ કર્યો. બેલાપુર મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમએસડબલ્યુનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ અંગ્રેજી ન આવડતી હોવા છતાં તાતા ઇન્સ્ટિટ્યૂટમાંથી વર્ષ ૨૦૧૨થી ૧૪ સુધી સફાઈ-કામદાર તરીકે રાતપાલી કામ કરતાં કરતાં એમ.એ. ઇન ગ્લોબલાઇઝેશન લેબરનો અભ્યાસ કર્યો. વર્ષ ૨૦૧૪થી ૧૬ દરમિયાન સફાઈ મહિલા કામદાર વિષયમાં એમ.ફિલ.નો અભ્યાસ કર્યો અને સ્ટેટ, લેબર પ્રોસેસ એન્ડ કાસ્ટ આઇડેન્ટિટી ઇન ઇન્ડિયા – એ કેસ સ્ટડી ઓફ સ્કેવેન્જર બીએમસી વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ અભ્યાસના અનુસંધાનમાં ત્રણ મહિના માટે દ. આફ્રિકા પણ રહી આવ્યા. તાજેતરમાં જ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં જઈને ત્યાંની લાઇબ્રેરીને ડૉ. બાબા સાહેબ આંબેડકરનું શિલ્પ ભેટમાં આપ્યું.
૨ મેથી ૧૨ મે, ૨૦૧૮ દરમિયાન માસાચ્યુસાટ્સ યુનિવર્સિટીમાં અનફિનિશ્ડ લેગસી ઓફ ડૉ. બાબા સાહેબ આંબેડકર( રેસ એન્ડ કાસ્ટ) વિષય પર પેપર રજૂ કર્યું અને વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં એમ.એ.ના વિદ્યાર્થીઓને સફાઈકામદારોને સતાવતા પ્રશ્નો પર અંગ્રેજીમાં લેક્ચર આપ્યું. આજે તેઓ પોતાની સફાઈ કામદાર તરીકેની નોકરી નથી છોડવા ઇચ્છતા. તેઓ કામદારોને તેમના અધિકારો માટે જાગૃત કરવા માગે છે. સુનિલની પત્ની સંજનાએ બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને હવે તે વકીલાતનો અભ્યાસ કરી રહી છે, જેથી લેબર મહિલાઓના અધિકારો માટે તે અવાજ ઉઠાવી શકે અને મહિલાઓને
જાગૃત કરી તેમની મદદ કરી શકે. અભ્યાસ માટે રજાઓ માટેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે. આ માટે તેમણે હ્યુમન રાઇટ્સના માધ્યમથી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ સંઘર્ષ સાથે પણ તેઓ અભ્યાસ ચાલુ રાખવા ઇચ્છે છે કારણકે ડૉ. બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે, – ભણો, એક થાઓ અને સંઘર્ષ કરો. સુનિલ પણ એ જ માર્ગ પર ચાલી રહ્યા છે.
———————————–.