કેવા સંઘર્ષમય દિવસો અને તેમાં અસીમિત પ્રેમની અભિવ્યક્તિ?

અપાર સંઘર્ષોમાં ઊગેલી સાવરકરની પ્રીતિ

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ… – વિષ્ણુ પંડ્યા

ભારત દેશ… યમુનાભાભી. સમુદ્ર. જીવન-શક્તિ.

આ તો હતા તેમના કાવ્યવિષય, પણ એકાદ શબ્દ આરામખુરશી પર બેસીને નહીં. ચંદન મહેલની સુવિધામાં ફૂટતા પરપોટા જેવા શબ્દો સાવરકરે ક્યારેય પ્રયોજ્યા જ નહીં!

એ વર્ષ ૧૯૦૯નું હતું. નવેમ્બર-ડિસેમ્બર મહિના અત્યંત જોખમી નિવડ્યા. ‘ઇન્ડિયા હાઉસ’ હવે બ્રિટિશ ગુપ્તચર પોલીસતંત્રથી ઘેરાયેલું જ રહેતું. સરકારની આંખમાં ધૂળ નાખીને શ્યામજી કૃષ્ણવર્મા પેરિસ ચાલ્યા ગયા હતા. ત્યાં પરમ મિત્ર બેરિસ્ટર સરદાર સિંહ રાણા સજ્જ હતા. મેડમ કામા અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સક્રિય હતા. બધાએ શ્યામજીને આવકાર્યા અને તેમનું જગ-જાણીતું બની ગયેલું ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ પ્રકાશિત કર્યું! અરે, લંડનની રાખમાં આ છાપું ભસ્મીભૂત થઈ જશે એવું માનનારા આશ્ચર્યસ્તબ્ધ થઈ ગયા! શ્યામજી હસીને કહેતા, ‘અમારો દેશ અને સમાજ તો પુનર્જન્મમાં માને છે. આ ફિનિક્સ પંખી રાખમાં ભળી ગયા પછી ગીત ગાતું આકાશમાં ઊડે છે, તેના ‘દેવહુમા’ પંખીના અમે અવતાર!’

વાત તો તેમની સાચી હતી. લંડનમાં રોયલ એશિયાટિક ઇમ્પિરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રી-ભોજ દરમિયાન કર્ઝન વાયલીને પિસ્તોલથી ગોળીએ દેનાર મદનલાલ ધીંગરાએ અદાલતમાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ‘તમે મને ફાંસીએ જ ચડાવજો. નાની-મોટી સજા કરશો નહીં. ફાંસીએ ચઢી ગયા પછી હું ભારતમાં કોઈ માતાના ખોળે ફરી જન્મ લઈશ, ને ફરી અંગ્રેજ માલિકોની સામે લડીશ. વારંવાર ફાંસીએ ચડીશ અને ભારત મુક્ત બનીને સમગ્ર વિશ્વના કલ્યાણ કાજે પ્રવૃત્ત થાય ત્યાં સુધી આવી શહીદી પ્રાપ્ત કરતો રહીશ!’

આ નિવેદન તૈયાર કર્યું હતું વીર સાવરકરે. બ્રિટિશ પોલીસ તેને શોધી રહી હતી. ધીંગરાને ફાંસી મળ્યા પછી લંડનના દરેક ભારતીય યુવાન પર ચાંપતી નજર રાખવામાં આવી, પરંતુ ધીંગરાના છેલ્લા વક્તવ્યને લોકો સુધી પહોંચતું રોકવામાં બ્રિટિશ શાસન તદ્દન નિષ્ફળ ગયું. નિવેદનની નકલો દરેક અખબાર સુધી પહોંચી ગઈ અને લંડનની દીવાલો પર તેનાં પોસ્ટર્સ પણ લાગ્યાં! આ વિગતો જાણ્યા પછી તત્કાલીન વિપક્ષી નેતા વિન્સ્ટન ચર્ચિલે (જે પછીથી બ્રિટિશ વડાપ્રધાન બન્યો) ધીંગરાને મહાન દેશભક્ત તરીકે બિરદાવ્યો, પણ ગાંધીજીએ જણાવ્યું કે, ‘ધીંગરાનું કૃત્ય વખોડવાને લાયક છે, તેમની પાછળ કોઈ પરિબળો છે.’ આ ‘પરિબળો’ એટલે ઇન્ડિયા હાઉસ, શ્યામજી કૃષ્ણવર્મા અને સાવરકર.’ ગાંધીજીએ ઇન્ડિયા હાઉસની મુલાકાત લીધા પછી મિત્ર પ્રાણજીવનદાસ મહેતાને પત્ર લખીને જણાવ્યું કે ઇન્ડિયા હાઉસની ફિલસૂફી સાથે હું સંમત નથી.

તે ઝેરીલું વાતાવરણ ફેલાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ધીંગરા-પ્રકરણથી વ્યથિત થઈને, પ્રતિક્રિયા રૃપે જ ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તિકા પણ લખી હતી! ર૪ ઑક્ટોબર, ૧૯૦૯ના દિવસે નિઝામુદ્દીન રેસ્ટોરન્ટમાં એક સભા થઈ. તે દિવસ ભારતીયોનો વિજ્યાદશમીનો ઉત્સવ હતો. એ સમારોહના બે મુખ્ય વક્તા હતા, સાવરકર અને ગાંધી! શ્રોતાઓમાં એમ.પી. તિરુમલાચારી, એસ.એસ. રાજન, વી.એસ. અય્યર વગેરે ક્રાંતિકારો પણ હતા. ગાંધીજીએ શરત મૂકી હતી કે સમારોહ પછી ભોજન પીરસવામાં આવે તે સંપૂર્ણ શાકાહારી હોવું જોઈએ. (આ પૂર્વેની ઇન્ડિયા હાઉસની ૧૯૦૬ની પ્રથમ મુલાકાત દરમિયાન સાવરકરે ગાંધીજીને ભોજન માટે આમંત્રિત કર્યા, પણ જમવામાં માછલીની બનાવેલી સામગ્રી હતી. ગાંધીજીએ ના પાડી તો સાવરકરે કહ્યું ઃ મિસ્ટર ગાંધી, એક માછલીથી ડરશો તો આ મગરમચ્છ જેવા બ્રિટિશ સામ્રાજ્યની વિરુદ્ધ કઈ રીતે લડશો?) પરંતુ ઇન્ડિયા હાઉસના આયોજકોએ આ વાત માન્ય રાખી.

આ બીજી મુલાકાતમાં ગાંધી વિલાયતી સૂટમાં શોભતા હતા. રસોઈઘરમાં જઈને બાફેલા બટાટાની છાલ ઉતારવા બેસી ગયા. સમારંભમાં ૭૦ લોકોની હાજરી હતી. ગાંધીજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હિન્દુ-મુસલમાન-પારસી, બધાને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે તેઓ આ દેશના વાસી છે જ્યાં રામ જન્મ્યા હતા. રામ, સીતા, લક્ષ્મણ, ભરત જેવા આજે જન્મે તો ભારત સમૃદ્ધ થઈ શકે. ભારતીયો પણ શ્રીરામની જેમ ૧ર વર્ષ બ્રહ્મચર્ય, વનવાસ જીવવાની શક્તિ, સીતાની પતિપરાયણ સેવા, ભરતનો બંધુભાવ, લક્ષ્મણની સેવાવૃત્તિ જેવા ગુણોનું આચરણ કરે તો ભારત જલદીથી સ્વતંત્ર થશે.

ગાંધીજી પછી સાવરકર બોલ્યા, ‘દરેક ભારતવાસી જાણે છે કે, વિજ્યાદશમીની પૂર્વે દેવી દુર્ગાની સ્તુતિમાં નવરાત્રી ઊજવાય છે. તેની સ્તુતિ શક્તિ પ્રાપ્ત કરવા માટે છે. સ્વયં શ્રી રામે રાવણ-વધની પૂર્વે શક્તિની આરાધના કરી ત્યારે જ રામરાજ્યની સ્થાપનામાં સફળ થયા હતા. એ તો તથ્ય છે કે હિન્દુસ્તાન હિન્દુઓનું છે, પણ જે રીતે ઇન્દ્રધનુષનું સૌંદર્ય બહુરંગી હોવાથી ગુણવાન બને છે તે જ રીતે ભારતના ભવિષ્યનું આકાશ પણ એટલું સોનેરી થઈ શકે. જો મુસ્લિમ, પારસી, યહૂદી અને અન્ય

સંસ્કૃતિઓના સર્વોત્તમ ગુણોને અપનાવે.’ લંડન આ સમારોહને એ રીતે જોઈ રહ્યું હતું કે ભારતીય સમાજનો અજંપો વધતો હતો.

પરંતુ આ દિવસો ક્યાં આસાન હતા? ધીંગરાને ફાંસી પછી તો પરિસ્થિતિ ભારે વિકટ બનવા માંડી હતી. શ્યામજી તો હાથ ન આવ્યા, પણ તેના મિત્ર ગાય-દ-આલ્ડ્રેડને ઝડપી લીધા. આ આઇરિશ દેશભક્તે ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અખબાર છાપવાનું દુઃસાહસ કર્યું હતું! તેની ધરપકડ થઈ.

‘ઇન્ડિયા હાઉસ’ની ભાવના સાથે સંકળાયેલા તમામને વીણી-વીણીને પકડવાની યોજના અમલમાં આવી, પછી તે લંડનમાં હોય કે ભારતમાં. તેનું મૂળ કારણ સાવરકરને ચારે તરફથી ધોંસમાં લેવાનું હતું. ભારતમાં તેમના ભાઈ બાબારાવ સાવરકરને તો પહેલેથી આંદામાનની કાળકોટડીમાં ધકેલી દેવાયા. અમદાવાદમાં ૧૩ નવેમ્બરે લૉર્ડ મિંટોની સવારી પર ખુલ્લા બજારમાં બોમ્બ ફેંકાયો. આ જગ્યા કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા આસ્ટોડિયા રોડ પર, મહિપતરામ રૃપરાય આશ્રમની સામે આવી છે. મોહનલાલ પંડ્યા અને સાવરકરના નાના ભાઈ બાબારાવ સાવરકરે સાથે મળીને આ યોજના બનાવી હતી. એવું બ્રિટિશ તંત્રે સાબિત કરવાના ખેલ શરૃ કરી દીધા અને ૧૯ વર્ષના બાબારાવની પણ ધરપકડ કરવામાં આવી, પછી લાંબા સમયે તેને છોડી મૂકવો પડ્યો.

આ દિવસોમાં સાવરકરની હૃદયભૂમિ પર કેવી આગ પ્રજ્વલી રહી હતી?

(ક્રમશઃ)

———————————–.

ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ.વિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment