ફ્રાન્સમાં વિચિત્ર ‘એલિયન વૉર્મ્સ’ની દહેશત

ઇટાલીમાં ૨૦૦૦ વર્ષ પ્રાચીન માનવકંકાલ મળી આવ્યું

વિશ્વવૃત્ત

ફ્રાન્સમાં વિચિત્ર ‘એલિયન વૉર્મ્સ’ની દહેશત
ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ દેશવાસીઓને એલિયન જેવા દેખાતાં પરભક્ષી વોર્મ્સથી (જમીન પર સાપની જેમ સરકતો વિશિષ્ટ પ્રજાતિનો કીડો) સાવચેત રહેવા ચેતવણી જારી કરવી પડી છે. ૧૯૯૦માં ‘ટ્રેમર્સ’ નામની હોરર ફિલ્મ આવી હતી. જેમાં જમીનની નીચે સરકતા મહાકાય અને વિચિત્ર દેખાવ ધરાવતા કીડાઓની વાત રજૂ કરવામાં આવી હતી. આ કીડા જમીનમાંથી અચાનક બહાર આવી આખા માણસને ગળી જતા હોવાના દિલધડક દ્રશ્યોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. હાલ ફ્રાન્સમાં જે એલિયન વૉર્મ્સનો ભય ફેલાયો છે તેણે લોકોને હોરર ફિલ્મ ટ્રેમર્સની યાદ અપાવી દીધી છે. એલિયન જેવા લાગતા આ વિચિત્ર કીડા ‘હેમરહેડ ફ્લેટવોર્મ્સ’ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે તે ફ્રાન્સમાં મળી આવતા નથી. આ કીડા મુખ્યત્વે એશિયાના દેશોમાં વધારે જોવા મળે છે. બગીચામાં માળીનું કામ કરતા પિઅરે ગ્રોસ નામના વ્યક્તિની નજર આ વિચિત્ર જીવ પર પડી હતી. જ્યારે તે બગીચામાં ખોદકામ કરી રહ્યો હતો ત્યારે જમીનમાંથી અચાનક જ આવો એક કીડો બહાર આવ્યો હતો. તેણે તરત જ પેરિસમાં સ્થિત નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના પ્રોફેસર જીન લોઉ જસ્ટિનનો સંપર્ક કર્યાે હતો. તેણે આ વિચિત્ર જીવના ફોટા મોકલ્યા ત્યારે પ્રોફેસર જીન પણ ચોંકી ઊઠ્યા હતા. અગાઉ ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો વિશિષ્ટ પ્રજાતિનો આ કીડો હોવાનું તેમને માલૂમ પડ્યું હતું. આ પછી તો ફ્રાન્સ પર ‘એલિયન વોર્મ્સ’ના આક્રમણની ચર્ચાઓ થઈ રહી છે.
———————————–.

ઇટાલીમાં ૨૦૦૦ વર્ષ પ્રાચીન માનવકંકાલ મળી આવ્યું
ઇટાલીના પ્રાચીન શહેર પોમ્પેઈમાં પથ્થરોની નીચે દબાયેલા માનવકંકાલના અવશેષો મળી આવ્યા છે, જે ૨૦૦૦ વર્ષ પૂર્વેના હોવાનું જાણવા મળ્યું છે. આ માનવકંકાલ કોઈ પુરુષનું હોવાનું ખૂલ્યું છે. પોમ્પેઈ ઇટાલીનું ઐતિહાસિક શહેર હતું. માઉન્ટ વિસુવિયસ પર્વત પર જ્વાળામુખી પ્રસ્ફોટન બાદ નીકળેલા લાવાની નીચે દટાઈને આખું શહેર નાશ પામ્યું હતું. અંદાજે ૨૦૦૦ વર્ષ પૂર્વે જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો ત્યારે પોમ્પેઈના લોકો બચવા અહીંથી ભાગ્યા હતા. આવી સ્થિતિમાં શારીરિક રીતે અસમર્થ આ પુરુષ ભાગવા જતાં મોટા પથ્થર નીચે દબાઈને મોતને ભેટ્યો હશે તેવું આ માનવકંકાલનો અભ્યાસ કરનારા પુરાતત્ત્વવિદોનું માનવું છે. માનવકંકાલનું માથું ગાયબ છે. જ્યાંથી અવશેષો મળી આવ્યા તે પુરાતત્ત્વીય ઉત્ખનન સાઇટ એટલી બધી જાણીતી પણ નથી. આ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામી હશે ત્યારે તેની વય ૩૫ વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે. આ માનવકંકાલ ૩૦૦ કિલો વજનના મોટા પથ્થર નીચે દબાયેલું હતું. જ્વાળામુખીના પ્રચંડ વિસ્ફોટના કારણે ભોગ બનેલી વ્યક્તિ ઉપર આ પથ્થર પડ્યો હોવો જોઈએ તેવું પુરાતત્ત્વવિદોનું માનવું છે. ધડનો ભાગ લગભગ કચડાઈ ગયેલો છે, જ્યારે માથું ગાયબ છે. નિષ્ણાતોના મતે આ વ્યક્તિ ટિબિયા નામની પગના ઇન્ફેક્શનથી પીડાતી હોઈ ચાલી શકતી નહીં હોય, પરિણામે તે ભાગીને બચી શકી ન હોય તેવું શક્ય છે. આર્કિયોલોજિકલ સાઇટના ડિરેક્ટર જનરલ માસિમો ઓસન્નાએ આને અભૂતપૂર્વ શોધ ગણાવી છે.
———————————–.

ઓસ્ટ્રેલિયામાં આપમેળે અદૃશ્ય થતાં સરોવરનું રહસ્ય
ઓસ્ટ્રેલિયાની દક્ષિણ તાસ્માનિયન પર્વતમાળામાં ખૂબ જ ગાઢ જંગલોમાં આવેલું એક સરોવર કેટલાક સાહસિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ સરોવરની ખાસિયત એ છે કે તે અદૃશ્ય થઈ જાય છે. આપમેળે અદૃશ્ય થઈ જતાં સરોવર પાછળનું રહસ્ય શોધવા સાહસવીરો કામે લાગેલા છે. તાસ્માનિયાના ગાઢ જંગલોમાં આવેલા આ સરોવરમાં પાણીનો આવરો ક્યાંથી આવે છે તેને લઈને રહસ્ય જોવા મળે છે. તાજેતરમાં વરસાદ બાદ આ વિસ્તારમાં નવું પાણી આવતાં અહીંની જીવસૃષ્ટિને નવું જીવન મળ્યું હતું. આ સરોવરના સ્થળે પહોંચનારા ફોટોગ્રાફર જેમ્સ સ્પેન્સરે જણાવ્યું કે, ‘તાસ્માનિયાનું જંગલ વટાવ્યા બાદ પર્વત ઉપર જતા સીધા ચઢાણના રસ્તે ચાલીને જ જવું પડે છે. લગભગ ૬.૫ કિ.મી.નું અંતર કાપ્યા બાદ અહીં પહોંચી શકાય છે. અહીં પહોંચવું એટલું સરળ નથી.’ જેમ્સ સ્પેન્સરે વધુમાં જણાવ્યું કે, પર્વત ઉપર આટલી ઊંચાઈએ સરોવરનું નિર્માણ થવું આશ્ચર્યજનક છે. સરોવરનું કાચ જેવું શુદ્ધ અને શાંત જણાતું પાણી ક્યાંથી આવે છે તે શોધી શકાયું નથી.’ ઘણીવાર આ સરોવરનું પાણી અચાનક અદૃશ્ય થઈ જાય છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારી મેથ્યુ થોમસના જણાવ્યા પ્રમાણે તેમણે સરોવર વિશે સાંભળ્યું છે. સરોવરમાં પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે વિશે પણ તેમણે જાતજાતની વાતો સાંભળેલી છે, પરંતુ હકીકત શું છે તે કોઈને ખબર નથી. કેમ કે આ સ્થળ ગાઢ જંગલમાં પર્વતની ટોચ પર આવેલું છે. અચાનક અદૃશ્ય થઈ જતાં સરોવરને જોવું હોય તો ઓસ્ટ્રેલિયા પહોંચી જાઓ.
———————————–.

દુર્લભ પક્ષીની પ્રજાતિને બચાવનારી અરુણાચલ પ્રદેશની આદિવાસી જનજાતિને ઍવૉર્ડ
અરુણાચલ પ્રદેશમાં વસતી આદિવાસી જનજાતિને દુર્લભ પક્ષીની પ્રજાતિને નામશેષ થતી અટકાવવા બદલ ઇન્ડિયા બાયોડાયવર્સિટી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ભારતમાં ૧૯૪૭ની સાલમાં ‘બુગુન લિઓસીછલા’ પક્ષીની પ્રજાતિ મળી આવી હતી. આ પક્ષી દુનિયામાં ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેન્ગ જિલ્લાના સિંગચુંગ ગામની બુગુન જનજાતિના સભ્યો અને અહીંના સ્થાનિક વનવિભાગે એક ઉમદા કાર્ય માટે પરસ્પર હાથ મિલાવ્યા હતા. બંને પક્ષે ભાગીદારીમાં સિંગચુંગ બુગુન વિલેજ કોમ્યુનિટી રિઝર્વ મૅનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૭માં બંને પક્ષો વચ્ચે આ મૈત્રી કરાર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં આ જનજાતિને નામશેષ થવાના આરે આવીને ઊભેલી ‘બુગુન લિઓસીછલા’ નામની દુર્લભ પક્ષી પ્રજાતિને બચાવવાના શ્રેષ્ઠ પ્રયાસો કરવા બદલ ‘કન્ઝર્વેશન ઓફ વાઇલ્ડલાઇફ સ્પીસીઝ’ કેટેગરીનો ભારતનો પ્રતિષ્ઠિત ઇન્ડિયા બાયોડાયવર્સિટી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઍવૉર્ડ નેશનલ બાયોડાયવર્સિટી ઍસોસિયેશન તરફથી આપવામાં આવતો હોય છે.

આ જનજાતિ દ્વારા ૧૭ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા બાયોડાયવર્સિટી હોટસ્પોટનું જતન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર વિખ્યાત ઇગલનેસ્ટ વન્યજીવ અભયારણ્યની તદ્દન નજીક આવેલો છે. અહીંના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર મિલો ટેસરના જણાવ્યા પ્રમાણે ‘બુગુન લિઓસીછલા’ પક્ષીના કુદરતી નિવાસસ્થાન એવા આ બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં કમિટીના દસ સભ્યો ચોવીસ કલાક પેટ્રોલિંગ કરતા રહે છે. આ ટુકડી ગેરકાયદે રોડ બનાવતા તત્ત્વો અને ઘૂસણખોરો સામે ઝીંક ઝીલે છે. પેટ્રોલિંગ કરતી ટુકડીના સભ્યોને તામિલનાડુ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તાલીમ આપેલી છે. આના થકી સ્થાનિક યુવાઓનો રોજગારીનો પ્રશ્ન પણ અમુક અંશે ઉકેલાયો છે. ‘સ્થાનિક લોકો પર્યાવરણ સંરક્ષણ માટે તૈયારી બતાવે તો વન્યજીવ (સંરક્ષણ) ધારો ૧૯૭૨માં કરેલી જોગવાઈઓ મુજબ કોઈ પણ રાજ્ય સરકાર સામુદાયિક માલિકીના વનવિસ્તારને ‘કોમ્યુનિટી રિઝર્વ’ તરીકે જાહેર કરી શકે છે’ તેમ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર ટેસરે વધુમાં ઉમેર્યું હતું. જાણીતા પક્ષિવિદ્ અને ખગોળશાસ્ત્રી ડો.રામના અથ્રેયએ સર્વપ્રથમ ૧૯૯૬માં આ પક્ષીને ઓળખી કાઢ્યું હતું.
———————————–.

દૃષ્ટિકોણવિશ્વવૃત્ત
Comments (0)
Add Comment