જિંદગી એટલે વાવણી, નહીં કે લણણી

ઘણા લોકોનો ખ્યાલ એવો છે કે જિંદગી આંસુની ખીણ છે
  • ભૂપત વડોદરિયા

મહાત્મા ટૉલ્સ્ટૉયે તેમના પુત્ર પરના એક પત્રમાં એવું લખ્યું હતું કે ‘ઘણા લોકોનો ખ્યાલ એવો છે કે જિંદગી આંસુની ખીણ છે. આ ખોટો ખ્યાલ છે. એથી ઊલટું યૌવન, આરોગ્ય’ને સંપત્તિને કારણે જ ઘણા લોકો વળી માને છે કે જિંદગી મનોરંજન માટેનો જ મુકામ છે. આ પણ એવો જ ખોટો ખ્યાલ છે. જિંદગી તો સેવા કરવા માટે છે. કોઈને માટે કાંઈક કરવું, કોઈકનું કાંઈક ભલું કરવું – આમાં ઘણી હાડમારી પડવાના પ્રસંગો જરૂર આવે છે, પણ આનંદના પ્રસંગો પણ જરાય ઓછા નથી હોતા.’

આપણને ઘણીવાર નવાઈ લાગે કે, માણસો ગમે તે ઉંમરે એવું જ કહેવા માંડે છે કે હવે શું! એક જુવાન કહે છે, વીસ વર્ષનો થયો, પણ કંઈ ઠેકાણું પડતું નથી. બીજો યુવાન કહે છે, હું ત્રીસ વર્ષનો થયો, હું તો ઠેરનો ઠેર રહ્યો હોઉં એવું લાગે છે. જેણે ચાલીસ વર્ષ પૂરાં કર્યાં છે તેની ફરિયાદ એવી છે કે ચાલીસ વર્ષ પાણીમાં પડી ગયાં. ખાસ ઝાઝું અંતર કાપી શકાયું નથી. ‘અંતર’ એટલે શું? આટલું-આટલું મેળવવું હતું, પણ મેળવી ન શકાયું, પણ નોકરીમાં અમુક બઢતી મેળવવી હતી તે હજુ નથી મળી કે ધંધામાં આટલું ટર્નઓવર કરવું હતું તે લક્ષ્યાંક સુધી પહોંચી નથી શકાયું. આટલું બેન્ક બેલેન્સ કરવું હતું તે ન થયું. આટલું દેવું કાપવું હતું તે કાપી ન શકાયું. આ વિસ્તારનો ફ્લેટ વેચીને બીજા સારા સુખી ચઢિયાતા વિસ્તારમાં ફ્લેટ લેવો હતો તે લઈ ન શકાયો. પચાસ વર્ષ થાય ત્યારે માણસ કહેશે કે મારી જિંદગી મને ધરમના ધક્કા જેવી લાગે છે.

કાંઈ જ મેળવ્યું નથી અગર જે મેળવ્યું છે તે મારી શક્તિના હિસાબે અને બીજાઓ સાથેની સરખામણીના હિસાબે ઘણુ જ ઓછું છે. માણસને ૬૦ વર્ષ થાય એટલે કહેશે કે કોઈની કંઈ કદર જ મળી નહીં. કંઈકેટલાય માણસો ષષ્ઠિપૂર્તિ ઊજવી ગયા, કંઈકેટલાય કેટલી બધી જાત્રાઓ કરી આવ્યા, કંઈકેટલાય પરદેશના પ્રવાસો કરી આવ્યા. સિત્તેર વર્ષે માણસને લાગે છે કે હવે શું કરવાનું? બસ, તબિયત જે લોહી પીવા માંડી છે તેને કઈ રીતે અંકુશમાં લેવી તે જ સવાલ છે! મૃત્યુ કઈ રીતે આવશે તેનો વિચાર ગભરાવી મૂકે છે. કોઈ કોઈ વાર અડધી રાતે આંખ ઊઘડી જાય છે અને મોત જ ક્યાંક આજુબાજુમાં સંતાઈને બેઠું હોવાનો વહેમ પડે છે, પણ જીવનની બહારની આ સંપત્તિ જેમને ન મળી તેમણે પોતાની અંદરની સંપત્તિથી પોતાની દુનિયાને આબાદ કરી છે તે હકીકત છે.

મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગે ત્રીસ વર્ષની ઉંમરે તેના ભાઈ થીઓ પરના પત્રમાં લખ્યું હતુંઃ ‘ત્રીસ વર્ષની ઉંમરે ઘણી વસ્તુઓ શરૂ થઈ શકે છે અને આ ઉંમરે બધું પતી ગયું એમ માનવું નહીં જોઈએ. જિંદગી પાસે ઝાઝી અપેક્ષા કરવી નહીં જોઈએ – ત્રીસ વર્ષની ઉંમરે ખ્યાલ આવી જાય કે આટલું આટલું તો મળી શકે તેમ નથી, પણ માણસ આ ઉંમરે સ્પષ્ટ જોઈ શકે છે કે જિંદગી એ તો એક પ્રકારનો વાવણીનો સમય છે – લણણીનો નહીં!’

આખી દુનિયાની દરિયાઈ સફર કરી આવેલા સર ફ્રાન્સિસ ચિચેસ્ટરે કહ્યું છેઃ ‘મને પૂછો તો હું કહી શકું. આખી જિંદગી આમ જુઓ તો આખરે નિષ્ફળતા જ છે, પણ એમાંથી હાંસલ કરવા જેવું કંઈ હોય તો તેમાં મળતી રમત-ગમ્મત જ છે.

૭૩ વર્ષની ઉંમરે અમેરિકાના હાસ્યલેખક માર્ક ટ્વેઈને કહ્યું હતુંઃ ‘છાપાંઓમાં એવું આવ્યું છે કે હું મરી ગયો છું. બિલકુલ ખોટી વાત છે. આ ઉંમરે હજુ હું એવું નહીં કરું. સૌને નાતાલ મુબારક.’

૭૫ વર્ષની ઉંમરે જર્મન મહાકવિ ગેટેએ નોંધ્યું છેઃ ‘મારી ૭૫ વર્ષની જિંદગીમાં ખરેખર મને સુખ અને શાંતિનો એક મહિનો પણ મળ્યો નથી. લોકો મને ખૂબ નસીબદાર અને કિસ્મતનો લાડકવાયો ગણે છે, પણ મને મારી જિંદગી વિશે ખરેખર કોઈ ફરિયાદ નથી.’ ૭૫ વર્ષની ઉંમરે બીમાર ડૉ. સેમ્યુઅલ જોન્સને કહ્યું છે ઃ ‘એકાદી નવી ઓળખાણ ન કરું તો મને મારો દિવસ ફોગટ ગયેલો લાગે.’

૭૫ વર્ષની ઉંમરે સર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતુંઃ  ‘હું હવે ભગવાનને મળવા તૈયાર છું, પણ એ મને મળવા તૈયાર છે કે નહીં તે વળી જુદી વાત છે.’

કોઈએ ૯૧ વર્ષ જીવેલા ચર્ચિલને પૂછ્યું હતું કે તમે આટલું લાંબું જીવ્યા કઈ રીતે? ચર્ચિલે કહ્યુંઃ ‘આટલાં લાંબા વર્ષોમાં મેં મારા હૃદયમાં કોઈની પ્રત્યેના ધિક્કારને મુદ્દલ સ્થાન નથી આપ્યું.’

૭૯ વર્ષની ઉંમરે બેન્જામિન ફ્રેંકલિને એક પત્રમાં લખ્યું હતું ઃ ‘હજુ હયાત છું અને જિંદગીની મજા પણ માણી રહ્યો છું. વૃદ્ધાવસ્થાની નબળાઈઓ ઝડપથી આવી રહી હોય એવું લાગે છે અને શરીર એટલું બધું સમારકામ માગી રહ્યું છે કે પરમાત્માને કદાચ એમ જ થતું હશે કે આ જર્જરિત ઇમારતનું સમારકામ મોંઘું પડે. તેને પાડી નાંખીને નવી જ ઇમારત બનાવું.’

————————–

પંચામૃતભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment