દેશનું એક એવું ગામ જ્યાં દેશના જ કાયદા નથી ચાલતા

હવે શરણાઈના સૂર વાગશે રેલવે સ્ટેશન પર

દેશ દર્પણ – પ્રદેશ વિશેષ

દેશનું એક એવું ગામ જ્યાં દેશના જ કાયદા નથી ચાલતા
ભારત એક એવો દેશ છે જે અનેક રહસ્યોથી ભરેલો છે. ઘણા એવા રહસ્ય છે જેની પાછળનાં કારણ લોકો આજે પણ જાણી નથી શક્યા. એ વાત અલગ છે કે ઋષિ-મુનિઓ અને અવતારોની આ ભૂમિમાં લોકો ધર્મથી અધર્મ તરફ જઈ રહ્યા છે. છતાં પણ અનેક એવી વાતો છે, ગામ છે જેને જાણવા આજે પણ લોકો આતુર છે. ભારતનું એક એવું ગામ જેના વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. મલાણા ગામ જે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનું એક નાનકડંુ ગામ છે. આમ તો આ ગામ ભારતનો જ એક હિસ્સો કહેવાય, પણ આ ગામમાં ભારતના કોઈ પણ કાયદા ચાલતા નથી. ગામની પોતાની અલગ સંસદ છે અને પોતાના જ નીતિ-નિયમ છે. મલાણા ગામનો કોઈ પણ ફેંસલો ગામની સંસદ જ લે છે. એટલું જ નહીં, સજા પણ ગામના લોકો જ નક્કી કરે છે. ભારતના કોઈ પણ કાનૂન આ ગામમાં ચાલતા નથી. એટલું જ નહીં, ગામની એક વિશેષ વાત એ પણ છે કે ગામની દીવાલને કોઈ પણ વ્યક્તિ અડી શકતું નથી. જો કોઈ અડે તો તેને રૃપિયા એક હજારનો દંડ થાય છે. ગામમાં કોઈ પણ બહારનું વ્યક્તિ આવીને રહી નથી શકતી. એટલે કે કોઈ ટૂરિસ્ટે ગામની મુલાકાત લેવી હોય તો બિસ્તરા પોટલાં લઈ ગામની બહાર જ ધામા નાખવા પડે. પર્યટક કોઈ વસ્તુ ખરીદવા માંગતા હોય તો પણ તેમને દુકાનની અંદર જવાનો હક નથી. બહાર ઊભા રહીને જ ખરીદી કરવી પડે. માન્યામાં ન આવે, પણ આ હકીકત છે.
———————————–.

હવે શરણાઈના સૂર વાગશે રેલવે સ્ટેશન પર
આપણે લગ્નની શરણાઈના સૂર ઘરઆંગણે કે પછી પાર્ટી પ્લોટમાં સાંભળ્યા હશે, પરંતુ હવે રેલવે સ્ટેશન પર જાનૈયા જાન જોડી બેન્ડવાજાં સાથે આવશે અને આ શરૃઆત વડોદરા રેલવે ડિવિઝન દ્વારા કરવામાં આવશે. રેલ મંત્રાલયે લગ્ન, રિસેપ્શન, બર્થ-ડે પાર્ટી ઉપરાંત એેક્ઝિબિશન માટે પણ રેલવે પ્લેટફોર્મ ભાડા પર આપવાનો નિર્ણય લીધો હતો. ગત વર્ષે આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે તેને અમલમાં મૂકવામાં આવશે. શરૃઆતના તબક્કે વડોદરાનું મકરપુરા, વિશ્વામિત્રી, પ્રતાપનગર, બાજવા, અંકલેશ્વર, ડાકોર, ખંભાત અને ગોધરા રેલવે સ્ટેશનો ભાડા પર આપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા રેલવે સ્ટેશનનું ૬ નંબરનું પ્લેટફોર્મ ભાડે આપવાની પણ વિચારણા ચાલી રહી છે. રેલવે નિયમો અનુસાર જે પ્લેટફોર્મ પર ત્રણ કલાક સુધી કોઈ ટ્રેન આવવાની ન હોય તે ભાડે આપી શકાય. રેલવેની વધારાની આવક ઊભી કરવા માટે આ યોજના શરૃ કરવામાં આવનારી છે. જેને પણ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ભાડા પર જોઈતંુ હોય તે પ્રતાપનગરના કોમર્શિયલ વિભાગમાં અરજી કરી શકે છે. બે દિવસથી લઈને વીસ દિવસ સુધી પ્લેટફોર્મ ભાડા પર લઈ શકાશે. પાર્ટી પ્લોટમાં તો લગ્નની ઘણી મજા માણી છે, પરંતુ આ રીતનો અનુભવ વરઘોડિયા માટે અને લગ્નમાં આવનારા મહેમાનો માટે પણ નવો રહેશે. આજના યુવાનો પણ લગ્ન કરવા માટે હટકે જગ્યા શોધે છે ત્યારે તેમને નવો વિકલ્પ મળી રહેશે.
———————————–.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક બાલટી પાણીથી જ સ્નાન કરે છે
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગુંદાળા ગામમાં એક કાર્યક્રમમાં ભર બપોરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા હતા. તેમણે જળ સંચયની મહત્ત્વતા તો સમજાવી, પણ તેઓએ પાણીનો કેવો અભાવ જોયો છે અને તેને કારણે તેમના સ્વભાવમાં કેવું પરિવર્તન આવ્યું તેની વાત કરી હતી. વતનનું મૂળ ગામ ધોળકા છે. સમાજમાં પ્રતિષ્ઠિત ખોરડું એટલે મહેમાનનો આવરો-જાવરો વધારે રહેતો હતો, એટલે સ્વાભાવિક છે કે પાણીનો આવરો-જાવરો પણ વધારે રહેતો હતો. ધોળકામાં બે તળાવ હતાં. વર્ષો પહેલાંની વાત છે. આ તળાવમાં શિયાળાના મધ્ય સુધી માંડ પાણી રહેતંુ હતું. ભૂપેન્દ્રસિંહ કહે છે, ‘પાણીની જરૃરિયાત પૂરી કરવા માટે હું પોતે ગાડે બળદ જોતરીને પીપ રાખીને પાણી લેવા નીકળી પડતો હતો. પીપ જાતે ભરતો હતો એટલે પાણીની કિંમત સમજાઈ છે. આજે પણ કોઈ હોટલમાં ઊતર્યો હોઉં કે ગાંધીનગરના નિવાસે, સ્નાન કરવામાં કયારેય શાવરનો ઉપયોગ કરતો નથી. એક ડોલ પાણીનો જ ઉપયોગ કરું છું. ગાંધીનગરમાં પાણીની કોઈ કમી નથી. છતાં પણ સ્વભાવનું ઘડતર એવું થયું છે કે પાણીનો કરકસરભર્યો ઉપયોગ હંમેશાં કરવો. કપડાં ધોવાના પાણીનો વાસણ ધોવામાં ઉપયોગ કરાય છે. સરકારી કાર્યક્રમમાં પાણીની બોટલની સાથે ગ્લાસનો આગ્રહ રાખું છું જેથી એક બોટલમાંથી બીજાને પણ પાણી આપી શકાય.’
———————————–.

હ્યુસ્ટન ખાતે ‘સાહિત્ય સરિતા’માં કામિની સંઘવીનું વક્તવ્ય
અમેરિકાના હ્યુસ્ટન ખાતે સુગરલેન્ડના રિક્રિએશન સેન્ટરમાં તાજેતરમાં ‘સાહિત્ય સરિતા’ અંતર્ગત મળેલી બેઠકમાં લેખિકા કામિની સંઘવીનું વક્તવ્ય યોજાયું હતું. કામિનીબહેન સંઘવીના લેખો-નવલકથાઓનાં લખાણોમાં વૈવિધ્ય જોવા મળે છે. સામાજિક કુરિવાજો, સ્ત્રી-પુરુષ સંબંધો, સ્ત્રીઓને થતા અન્યાયો અને અસમાનતા પરના તેમના લેખ પ્રશંસાને પાત્ર બન્યા છે. અમરેલીમાં જન્મેલા અને એમ.એ. (ઇંગ્લિશ લિટરેચર)  થયેલા કામિનીબહેને ગુજરાત મિત્રથી કારકિર્દીની શરૃઆત કરી હતી. ૨૦૧૨થી તેઓ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરી રહ્યાં છે. ‘અભિયાન’માં કોર્ટ ડ્રામા પર આધારિત તેમની નવલકથા ‘રાઈટ એંગલ’ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. ‘મારી સર્જનયાત્રા’ વિષય પર વક્તવ્ય આપતાં કામિનીબહેને ‘દિલ કે ઝરોખો સે’ના કેટલાક યાદગાર લેખોની વાતો કરી શ્રોતાઓને રસતરબોળ કરી મુક્યા હતા. ‘દિયર આધા ઘરવાલા’, ‘દહેજપ્રથા-જૂની બોટલમાં નવો દારૃ’, ‘સ્ત્રી અંધશ્રદ્ધાની વાહક અને ચાહક છે,’ ‘નિવૃત્તિ હીરો નથી, ઝીરો છે’ વગેરે લેખોની છણાવટ કરી હતી. ‘કોકાકોલા’ની જૂની અને નવી જાહેરખબરોમાં સ્ત્રીઓના ચિત્રીકરણ અંગે પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ઉત્તરાખંડની સ્ત્રીશક્તિની સત્ય ઘટનાએ શ્રોતાઓને ભાવવિભોર કરી મુક્યા હતા. ૨૦૧૪માં લતા કારે નામની ૬૦ વર્ષની મહિલાને મેરેથોન દોડમાં મળેલા રૃપિયા પાંચ હજારના ઇનામની વાત સાથે આપણો સમાજ સ્ત્રીઓને અમુક બાબતોમાં કેટલો અન્યાય કરે છે અને આપણે સામાજિક ક્ષેત્રે આજે પણ કેટલા પછાત છીએ એની રજૂઆત કરી હતી.
———————————–.

દેવેન્દ્ર જાનીપ્રદેશ વિશેષવિશ્વવૃત્તહેતલ રાવ.
Comments (0)
Add Comment