નિવૃત્તિમાં પણ નોકરીની ભૂખ કેમ?

એક લાંબો વિસામો છે નિવૃત્તિવય...

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

ધન કમાઈ લેવાની અને પછી એને જાળવીને અભિવૃદ્ધ કરતા 
રહેવાની કળા એક પિતા ઇચ્છે તો પણ પુત્રને ભાગ્યે જ શીખવી શકે છે

કોઈને કહીએ તો ન ગમે, પણ આપણા સમાજમાં એવા બહુ લોકો જોવા મળે છે કે નિવૃત્તિ પછી પણ તેઓ અકારણ નોકરી કરતા હોય છે. સકારણ એટલે કે આર્થિક કારણોસર જેઓ નોકરી ફરી શોધતા હોય તેમને તેમના અપેક્ષિત સંયોગો બદલ ક્ષમા કરવા ઘટે. પણ બાકીના? એનો સીધો અર્થ એવો છે કે તેમના મનમાં નિવૃત્તિનું કોઈ વિઝન તેમની અગાઉની ઉંમરમાં ન હતું અને હજુ આજે પણ નથી. પ્રવૃત્તિમાં જિંદગી પસાર કર્યા પછી તેમને ખ્યાલ જ નથી કે આપણે ‘નિષ્કામ’ ભાવે પણ આ પૃથ્વી પર સ્વૈરવિહાર કરવાનો છે. કેમ? નાના હતા ત્યારે એમ જ હતાને? શું આપણે જન્મ ધારણ કર્યા પછી તરત નોકરીએ લાગ્યા છીએ? તો પછી અગાઉ જેમ વરસો વીત્યા તેમ જ આ પણ વીતી શકે છે. આજકાલ સંસારીઓને સાધુ થઈ જવાના વિચારો આવે છે. ખરેખર તો તેમણે સાધુ થતા પહેલાં સાદું થવાની જરૃર છે. આપણા કંઈ ઠાઠભપકા ઓછા છે? કાયમ શ્રીમતીજી ભોજનવેળાએ પીરસતાં હોય તો પછી જ્યારે ડાઇનિંગ ટેબલ પર હાથે લઈને જમવાનો પ્રસંગ આવે ત્યારે બહુ આકરું લાગે છે. કેમ? આજીવન પીરસેલું વહાલસોયું ભોજન તો કર્યું છે તો હજુ ધરાયા નથી?

પરિતૃપ્તિ વિના નિવૃત્તિની મઝા નથી. ખરી નિવૃત્તિ એ છે જે અઠ્ઠાવને પહોંચે એ પહેલાં પોતાના મનને મહેલે નિરાંતના હીંચકે પહોંચે. એને આઠેય પહોર આનંદ હોય. આ લખવું જેટલું સહેલું છે એટલું આચારમાં લાવવું અઘરું છે, પણ એ શીખવું તો પડશે જ ને! સંસારની યાત્રામાંથી પસાર થતી વેળાએ નાના-નાના તો અનેક વિસામાઓ આવ્યા અને ગયા, પરંતુ આ એક લાંબો વિસામો છે અને એ છેલ્લો વિસામો છે. આ વિસામાની મધુરતા માણવા જેવી છે. દુનિયાની ઓછામાં ઓછી આવક ધરાવતાઓથી શરૃ કરીને ધનાઢ્ય લોકો સુધીના સહુ જો આયોજનથી ચાલે તો તેમની નિવૃત્તિ કમ સે કમ ભૌતિક સુખાકારીઓથી તો છલકતી હોય. અસલી નિવૃત્તિ એ છે જેમાં નિવૃત્ત થનારાની આવક ડબલ થઈ જાય અને એવા લોકો આ જગતમાં પારાવાર છે. ધન તો ગમે ત્યાંથી મળે, પણ ધન કમાઈ લેવાની અને પછી એને જાળવીને અભિવૃદ્ધ કરતા રહેવાની કળા એક પિતા ઇચ્છે તો પણ પુત્રને ભાગ્યે જ શીખવી શકે છે અને બીજાઓને તો એ રહસ્ય જ રાખવું હોય છે. આ કળા આત્મસૂઝ અને આત્મ-આવડતની છે એ મળે તો રમતાં-રમતાં ભીતરથી મળે, નહિતર ભવ આખો એની ઝલક પણ ન મળે. ખરેખર તો આ જ કળા એવી છે જે નિવૃત્તિમાં આવક બમણી કરી આપે.

આવક બમણી ન થાય તેવું મહત્ કિસ્સાઓમાં બને છે. અરધી અથવા એનાથી પણ ઓછી થઈ જાય. ભલે થઈ જાય, પણ તો એની તૈયારી બહુ એડવાન્સ રાખવી જોઈએ. પોતાના નિવૃત્તિના આયોજનમાં સંતાનોની સંભવિત આવક કે એમના દ્વારા આપણુ લાલનપાલન થવાની ગણતરી ન રાખવાની સલાહ નિષ્ણાતો આપતા રહે છે. કેટલાક કિસ્સામાં તો નિવૃત્ત થયા પછી જો પેન્શન વગેરે પૂરતાં કે અધિક હોય તો સંતાનો અને એનાં સંતાનોને વડીલો શીતળ છાંયો આપી સંભાળ લેવાનો ઉપક્રમ ચાલુ રાખી શકે છે.

જેને આજકાલ દુનિયા રિટાયરમેન્ટ પ્લાન કહે છે તે મુખ્યત્વે ફાઇનાન્સ આધારિત હોય છે. જિંદગીનો આ એક એવો વળાંક હોય છે જ્યાં પારિવારિક સંબંધોની વ્યાખ્યા એક અણધાર્યો વળાંક લે છે. જો આ સંધ્યાટાણે માન્યતાઓ – એ માન્યતાઓ કે જેના પર આપણે આજ સુધીની આખી જિંદગી નિભાવી તે – બદલાય નહીં ને એની એ જ રહે તો એ લોકો સદ્ભાગી ઉપરાંત જીવનને કંઈક ખરા અર્થમાં આત્મસાત કરી શકેલા લોકો કહેવા પડે, કારણ કે નોકરી છોડ્યા પછી પણ જો પરિવાર સહિતના બધા લોકો વિશે આપણો જેવો હોય એવો પણ એનો એ જ અભિપ્રાય રહે તો એનો અર્થ છે કે પહેલેથી જ આપણે સાચા હતા અને હજુ સાચા છીએ.
———————-.

‘હૃદયકુંજ’ની આગળની કડી વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો..

 

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment