નવલકથાઃ ‘રાઇટ એન્ગલ’ પ્રકરણ – ૧૨
– કામિની સંઘવી
કશિશના મનની વાત જાણવાની મથામણ કરી રહેલો ધ્યેય તેને કોર્ટની તારીખની યાદ અપાવવાના બહાને ફોન કરે છે, પરંતુ કશિશ એમ કહીને વાત ટાળી દે છે કે તે આનો જવાબ હમણાં નહીં આપે. કૌશલ સાથે સંબંધો સામાન્ય થયા બાદ કશિશ તેને કોર્ટની તારીખની વાત જણાવતી નથી. દરમિયાન રાહુલ કશિશને ફોન કરી કોર્ટ કાર્યવાહી વિશે બ્રિફ કરે છે. બીજા દિવસે કોર્ટમાં કશિશ અને મહેન્દ્રભાઈનો ભેટો થઈ જાય છે. બંને એકબીજાના ખબર-અંતર પૂછે છે. કોર્ટરૃમમાં ઉદય નકલ ન મળી હોવાની દલીલ કરે છે. આથી રાહુલ તરત જ કોપી મેળવીને ઉદયને આપે છે. પોતાનો ઇરાદો બર આવ્યો હોવાના વિજ્યીસ્મિત સાથે ઉદય કશિશ સામે જોઈને કોર્ટમાંથી નીકળી જાય છે. ફરી તારીખ પડતાં નિરાશ કશિશ રાહુલ સાથે પૃચ્છા કરે છે. સામાન્ય લોકો કેવી રીતે કોર્ટાેના ચક્કર કાપતાં હશે તેવો તેને વિચાર આવે છે. દરમિયાન કૌશલના આર્કિટેક્ટ અને કોન્ટ્રાક્ટર કોફી હાઉસની બ્લુ પ્રિન્ટ વિશે કશિશને વિગતવાર જણાવે છે. બીજી તરફ કોફી હાઉસની સાઇટ શરૃ થતાં કશિશ રોજ સવારે કૌશલ સાથે પહોંચી કામ પર નજર રાખે છે. ફરી કોર્ટની તારીખના દિવસે ઉદય તેના વકીલ નીતિન લાકડાવાળા સાથે હાજર થાય છે. જજ ડિસ્ચાર્જ અરજી વિશે જણાવે છે. રાહુલ કશિશને કાયદાકીય વાતો સમજાવે છે, પણ કશિશ એટલું જ સમજી શકે છે કે કેસને ડિલે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોર્ટરૃમમાં સમય થતાં બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરે છે. આ પછી જજ રાઇટર પાસે નોંધ કરાવે છે. જજ ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો લખાવાનું શરૃ કરે છે. જજ તેમનો ચુકાદો સંભળાવા તૈયાર થાય છે. આ તરફ બંને પક્ષોમાં ડિસ્ચાર્જ અરજી મંજૂર થાય છે કે નામંજૂર? કેવો ચુકાદો આવશે? તે જાણવાની ઇંતેજારી વધી જાય છે….
હવે આગળ વાંચો…
‘કોણ જીતશે હું કે ઉદય?’ કશિશ વિચારતી હતી. તો આ તરફ ઉદય પણ અસમંજસમાં હતો. એ વારંવાર એના વકીલ સાથે ગુસપુસ કરતો દેખાતો હતો.
જજ હુકમનામા સાથે તૈયાર થયા એટલે કશિશ અને ઉદય બંને આતુરતાથી જજ સામે જોઈ રહ્યાં. જજે બંનેની સામે જોઈને પોતાનું હુકમનામું સંભળાવ્યું,
‘ઉભયપક્ષની દલીલ સાંભળી,’ જજે બંને પક્ષ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી તે ટૂંકમાં કહી અને પછી આગળ બોલ્યા, ‘દલીલ તથા રેકોર્ડ જોતા આરોપી સામે પૂરતા પુરાવા પડે છે. આરોપી સામે આઈ.પી.એસ. ૪૦૬, ૧૨૦બી અને ૧૧૪ હેઠળ ગુનો બને છે તેથી ચાર્જફ્રેમ કરવા માટે તથા કેસ આગળ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. જેથી ડિસ્ચાર્જ અરજી રદ્દ કરવામાં આવે છે અને ચાર્જફ્રેમ કરવાનો હુકમ કરવામાં આવે છે.’
કશિશના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. એ પોતાની સીટ પરથી ઊભી થઈ ગઈ ‘ને જજ સામે સહેજ ઝૂકીને બોલી,
‘થેન્કયુ સર.’ રાહુલે એને ઇશારો કર્યો કે આવું ન કરાય, પણ કશિશ પોતે પહેલી લડાઈ જીતી ગઈ તેથી પોતાના ઇમોશન કન્ટ્રોલ ન કરી શકી. કેટલાંય લોકોએ એને વારી હતી કે આવી તે કાંઈ લડાઈ લડવાની હોય? આમાં કેસ કરવા જેવું મેટર શું છે? પણ એ તો જે વ્યક્તિને સહન કરવાનું આવ્યું હોય તે જ જાણે કે સપના છીનવાઈ જવા તે કેટલી મોટી ઘટના હોય છે. સપના તૂટી જાય ત્યારે માણસ શૂન્ય બની જતો હોય છે અને તો ય જિંદગી તો જીવવી જ પડતી હોય છે.
બીજી બાજુ અત્યાર સુધી બેફિકર દેખાતા ઉદયના ચહેરા પર સ્પષ્ટ રીતે ફિકર દેખાતી હતી જ્યારે મહેન્દ્રભાઈ આમ તો નિર્લેપ હોવાનો દેખાવ કરતા હતા, પણ એમની આંખોમાંથી દુઃખ ડોકાતું હતું. કદાચ આજે એમનો અંતરઆત્મા એમને ડંખતો હતો. માણસ આવેશમાં એવી કેટલીક ભૂલ કરી નાંખે છે કે ત્યારે એને ભાન નથી હોતું કે એ શું કરી રહ્યા છે. પછી એ હકીકત જગત સામે આવે ત્યારે એને અહેસાસ થાય છે કે પોતે જે કૃત્ય કર્યું તે કેટલું મોટું અને ગલત હતું. જગત માણસના કર્મનો આયનો છે. જેમાં પોતાના કૃત્યનું પ્રતિબિંબ દેખાય છે તે જીરવવું અઘરું હોય છે. થોડીવાર ઉદય અને એમના વકીલની વાતચીત અંદરોઅંદર ચાલી. થોડીવાર પછી ઉદયના વકીલ એક અરજી સાથે નામદાર કોર્ટ સામે હાજર થયા અને જજ સાહેબની પરમિશનથી પોતાની વાત રજૂ કરી.
‘અમારી ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટે આજે રિજેક્ટ કરી છે, અમારો કેસ ચાર્જ ફ્રેમ કરવા પર આવી ગયો છે, પણ અમે આ હુકમથી નારાજ છીએ અને અમે આના વિરોધમાં રિવિઝનમાં જવા ઇચ્છીએ છીએ એટલે અમને રિવિઝનમાં જવા પૂરતો સમય એટલે કે એક મુદત આપશો જી.’ જજ સાહેબે એમની અરજી કરવાની મંજૂરી આપી અને રિવિઝનમાં તેમની અરજી પર ચુકાદો આવે તે માટે દોઢ મહિના પછીની તારીખ આપી. તે પહેલાં કશિશના વકીલ તરીકે ફરજ બજાવતા રાહુલને પૂછી લીધું કે એને ૨૫ જૂન ફાવશે ને? રાહુલે તે માટે સહમતી આપી એટલે કોર્ટે બંને પક્ષને જણાવી દીધું કે પચીસ જૂને હાજર રહેવું.
કશિશ અને રાહુલ ઑફિસમાં આવ્યાં અને બેઠાં એટલે કશિશ કશું પૂછે તે પહેલાં રાહુલે એને કહ્યું,
‘એ લોકો આ કેસ આગળ ન ચાલે એટલે કે ટ્રાયલમાંથી બચી જાય તેવી કોશિશ કરી રહ્યા છે. એટલે હવે એમણે રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં કરવાની પરમિશન માગી અને જજે એમને આપી.’
‘ઓહ…આવું કેમ?’ કશિશે પૂછ્યું એટલે રાહુલે એને સમજાવ્યું.
‘એ એમનો હક્ક છે, આરોપીની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી નામંજૂર થાય તો તે સેશન્સમાં જઈ શકે. હવે ત્યાં શું ચુકાદો આવે છે તે પર આપણા કેસનો આધાર રહેશે. કોર્ટે આપણને પચીસ જૂન આપી છે. ત્યાં સુધીમાં રિવિઝનનો ચુકાદો આવી જશે.’ રાહુલે બધું વિગતવાર કશિશને સમજાવ્યું.
‘ઓહ..મતલબ હજુ ય કેસનું ભાવિ અદ્ધર જ છે કે કોર્ટમાં આગળ કેસ ચાલશે કે નહીં.’ કશિશે પૂછ્યું.
‘હમ..કાઇન્ડ ઓફ…’ રાહુલ એને જોઈ રહ્યો.
‘યાર બહુ અઘરું છે. આ બધું..’ કશિશ બોલી. ચાર-પાંચ વખતથી સતત તારીખ જ પડ્યા કરી, કારણ કે સામેવાળા દાવ પર દાવ ખેલી રહ્યા હતા. આજે કેસ આગળ ચાલશે તેવી આશા હતી તો રિવિઝન અરજી મુકાઈ. બે મહિના તો આમ જ નીક્ળી ગયા. હજુ કેટલો સમય જશે અને કોર્ટમાં કેસ આગળ ચાલશે કે નહીં, એ તો રામ જ જાણે, પણ એમ હિંમત હાર્યે હવે શું વળે? આટલાં વર્ષો કોઈ ઉદ્દેશ વિના નીકળી ગયાં. હવે કંઈક નક્કર કરવાનો સમય આવ્યો ત્યારે આમ નિરાશ થયા વિના લડવું તે જ આટલાં વર્ષોનું વળતર મળ્યું કહેવાશે. કશિશે પોતાના વિચારમાંથી બહાર આવીને રાહુલ સામે જોઈને પૂછ્યું,
‘જે થવાનું હોય તે થાય…બસ તું તૈયાર છે ને પછીની બધી પ્રોસેસ માટે?’
‘યસ મેમ. તમે એ વિશે ચિંતા ન કરતા. આપણી પૂરી તૈયારી છે.’ રાહુલે પૂરા વિશ્વાસથી જવાબ આપ્યો. એટલે કશિશને રાહત થઈ,
‘બસ તો પછી…હવે સેશન્સમાં કંઈ ડેટ પર મારે આવવાનું છે તે કહેજે.’ કશિશે કહ્યું.
‘યાહ..મેમ…હું તમને અપડેટ કરતો રહીશ.’
કશિશ કોર્ટમાંથી નીકળીને સીધી કૉફી હાઉસની સાઇટ પર ગઈ. ત્યાં પચીસ ટકા કામ થઈ ગયું હતું. એ જોઈને એ ખુશ થઈ ગઈ. ‘ચાલો, અહીં તો ભરોસો કરી શકાય છે કે ટાઇમ લિમિટમાં કામ પૂરું થશે.’ એણે આનંદથી બધું ફરી ફરીને જોયું. કોન્ટ્રાક્ટર એની સાથે હતો. એણે એક બે સૂચન કર્યા જે કોન્ટ્રાક્ટરે નોંધી લીધા. ત્યાંથી નીકળતા પહેલાં કશિશે પૂછ્યું,
‘ક્યારે કામ પૂરું થશે?’
‘મેમ, તમને જૂનના પહેલાં વીકમાં બધું પતાવીને આપી દઈશ. બસ, તે પછી ઇન્ટીરિયર ડિઝાઇનરના હાથમાં કામ જશે.’
‘ઓ.કે…શક્ય એટલી જલદી પતાવજો.’ કશિશે કહ્યું એટલે કોન્ટ્રાક્ટરે હકારમાં માથું હલાવ્યું. કશિશ ઘર તરફ નીકળી ત્યારે ડ્રાઇવિંગ મોનોટોનસ થતું રહ્યું, પણ ત્યારે એના મનમાં વિચાર ચાલતા હતા કે હવે રિવિઝન અરજીના ચુકાદા માટે એકવાર કોર્ટમાં જવાનું થશે. તો આ દોઢ મહિના માટે કોર્ટના ચક્કરમાંથી ફ્રી છે તો એ દરમિયાન શક્ય હોય તેટલું કૉફી હાઉસનું કામ પૂરું કરી દેવું જોઈએ. જેથી શક્ય હોય તેટલી ઝડપથી લોન્ચ થઈ શકે. સાંજે એણે કૌશલ સાથે આ વિશે વાત કરવાનું વિચાર્યું.
ત્યાં એને યાદ આવ્યું કે ધ્યેય સાથે ઘણા સમયથી કોઈ વાતચીત નથી થઈ. પોતે આ કેસ અને કૉફી હાઉસના ચક્કરમાં એની સાથે વાત કરવાનું જ ભૂલી ગઈ છે. રાહુલ જોકે એને કેસ વિશે બ્રીફ કરતો જ હશે તો ય એકવાર એની સાથે વાત તો કરવી જોઈએ. કૉફી હાઉસની સાઇટ પર પણ લઈ જવો જોઈએ. આફટરઓલ એના મેન્ટલ સપોર્ટના કારણે જ એ અહીં સુધી પહોંચી શકી છે. ઘરે પહોંચીને કશિશે પહેલું કામ ધ્યેયને ફોન કરવાનું કર્યું.
‘હેય, ક્યાં ગુમ થઈ ગયા છો વકીલ સાહેબ?’ કશિશે જરા ટોળમાં પૂછ્યું એટલે સામે ધ્યેય બોલ્યો,
‘મેડમ, વકીલ ધારે તો ય ગુમ નથી થઈ શકતા. અસીલ તરત શોધતા આવી જાય. આ જુઓને તમારો ફોન આવી ગયો ને?’
ધ્યેયની વાત સાંભળીને કશિશ તરત બોલી પડી.
‘બાય ધ વે, ધ્યેય સૂચક, મેં તમને તમારા અસીલ તરીકે ફોન નથી કર્યો, કારણ કે તમે મારા વકીલ છો જ નહીં.’ અને કશિશ ખડખડાટ હસી પડી.
‘હસો..હસો..વકીલની ભૂલ થાય ત્યારે કોર્ટમાં બીજા વકીલો આમ જ હસે છે.’ ધ્યેયે પોતાની જ મજાક ઉડાવી. એટલે બંને હસ્યાં.
‘આજે ડિનર પર આવ….તને કશુંક દેખાડવાનું છે. કૌશલ પણ ઘરે જ છે.’ કશિશે કહ્યું.
‘સ્યોર..આઠ વાગે?’
‘ડન.’ કશિશે ફોન મુક્યો અને પછી કૌશલને ફોન કરીને જણાવી દીધું કે એણે ધ્યેયને ડિનર માટે ઇન્વાઇટ કર્યો છે એટલે સમયસર ઘરે આવી જાય. કૌશલે સાડાસાતે ઘરે આવી જવાનું કહ્યું, પણ એ તે પહેલાં જ આવી ગયો. ફ્રેશ થઈને એ ફેમિલી રૃમમાં કશિશ સાથે બેઠો.
‘આપણે જમીને ધ્યેયને કૉફી હાઉસની સાઇટ પર લઈ જઈએ?’
‘હજુ તો કામ ચાલે છે ને! પૂરું થાય પછી જઈએ તો?’ કૌશલે એકદમ સ્વાભાવિક રીતે કહ્યું.
‘મારી ઇચ્છા છે કે ધ્યેયને આપણે દેખાડીએ. એણે મને ખૂબ હેલ્પ કરી છે. ઇનફેક્ટ, હું કશું કામ કરવા ઇચ્છતી હતી ત્યારે એણે જ મને સજેશન્સ આપ્યાં હતાં. …મેં ઓલરેડી આ પ્રોજેક્ટ વિશે કહેવાનું મોડું કર્યું છે, તો હવે ન દેખાડું તો હું સેલ્ફિશ કહેવાઉ!’ કશિશે કહ્યું એટલે કૌશલ આશ્ચર્યથી એને જોઈ રહ્યો. એને તો ખ્યાલ જ ન હતો કે કશિશ જે કૉફી હાઉસ બનાવી રહી છે તેમાં ધ્યેય કોઈ રીતે સંકળાયેલો છે.
‘ધ્યેયે તને આ બાબતમાં મદદ કરી છે! યુ ડીડન્ટ ટેલ મી ધેટ!’ એ માત્ર આટલું જ બોલ્યો.
‘ઓહ….મારા ધ્યાન બહાર રહ્યું.’ આખી ય વાતમાં કશું ખૂંચે તેવું કે ન ગમે તેવું ન હતું. છતાં કૌશલને એ વાત ન ગમી કે ધ્યેય કોઈક રીતે આ પ્રોજેક્ટમાં જોડાયેલો છે. બંને આ વિશે કોઈ વાતચીત કરે તે પહેલાં ધ્યેય આવી ગયો.
‘હાય…’ એણે કૌશલ અને કશિશ સાથે હાથ મિલાવ્યા. કૌશલે પહેલીવાર ધ્યેયનું અલગ રીતે નિરીક્ષણ કર્યું. ધ્યેય પોતાના કરતાં ખાસ્સો ઊંચો છે. ફૅર સ્કિન, સ્ટાઇલિશ હેરકટ અને આંખ પર કટફ્રેમના ગ્લાસિસ. ખાખી જિન્સ અને સ્કાય બ્લુ શર્ટમાં એ બહુ હેન્ડસમ લાગતો હતો.
‘ધ્યેય મારા કરતાં ક્યાંય વધુ સારો દેખાય છે.’ કૌશલના આ વિચારમાં ઈર્ષા હતી કે અફસોસ તેની એને ખુદને જ ખબર ન હતી, પણ ધ્યેય એના કરતાં વધુ હેન્ડસમ દેખાય છે તે વાત એને ન ગમી.
‘લે આ તારા માટે!’ ધ્યેયે કશિશને રજનીગંધા ફૂલનો બૂકે આપ્યો. એ જોઈને કશિશ ખુશ થઈ ગઈ.
‘વાઉ…થેન્ક્સ યાર. બહુ સમય પછી રજનીગંધાનાં ફૂલ જોયા.’ કશિશે ફૂલ નાક નજીક લઈને ઊંડા-ઊંડા શ્વાસ લીધા. એને મમ્મી યાદ આવી ગઈ. મમ્મીની સાથે આ સુવાસ કેટલી જોડાયેલી હતી. મમ્મીએ ઘરની આસપાસ અનેક ફૂલછોડ ઉગાડ્યા હતાં, પણ મમ્મીને બધાં ફૂલોમાં રજનીગંધા બહુ પ્રિય હતાં. સિઝન હોય ત્યારે અચૂક રોજ સાંજે રજનીગંધાનાં ફૂલ ડ્રોઇંગરૃમના ફ્લાવરવાઝમાં ગોઠવાતાં. એની મહેકથી રાત આખી ઘર મહેકતું. આહ! કશિશે બહુ લગાવથી ફૂલોને ડાઇનિંગ રૃમના ફ્લાવરવાઝમાં ગોઠવ્યાં. પછી ધ્યેયની નજીક આવીને એને સહેજ રીતે ભેટી અને બોલી,
‘વન્સ અગેઇન થેન્ક્સ ડિયર! આજકાલ મમ્મી બહુ યાદ આવે છે અને તેં મને આ ફૂલો આપીને એને મારી નજીક લાવી દીધી!’
કશિશ લાગણીશીલ બની ગઈ હતી, પણ એમાં મમ્મી ન હોવાનું દુઃખ ન હતું, પણ મમ્મી નજીક હોવાની અનુભૂતિનો આનંદ હતો. ધ્યેયે એનો ખભો વહાલથી થપથપાવ્યો. દરેક વખતે મિત્રનો આભાર માનવા માટે શબ્દો જરૃરી નથી હોતા. માત્ર આંખમાં છલકાતી લાગણીઓ અને સ્પર્શ દરેક ભાવને બયાં કરી દે છે જે શબ્દો કરવા સમર્થ નથી હોતા.
કૌશલ એ બંનેને જોઈ રહ્યો. બંને વચ્ચે કેવી અતૂટ મિત્રતા છે જેને જોઈને કોઈને પણ થાય કે કાશ પોતાને એક આવો મિત્ર હોય! બસ, આવું જ અત્યારે કૌશલને થતું હતું. હા, એને ઈર્ષા થતી હતી કે પોતાના જીવનમાં કોઈ આવો મિત્ર નથી.
‘ઓ હલો, મને ભૂખ લાગી છે અને મને લાગે છે કે આપણે ધ્યેયને જમવા જ ઇન્વાઈટ કર્યો છે.’ કૌશલ બોલ્યો એટલે કશિશ અને ધ્યેય એકબીજાની સામે જોઈને મુસ્કુરાયા.
‘યસ ડિયર, બધું તૈયાર છે, હું કિચનમાં સર્વ કરવાનું કહું છું.’
ત્રણેય જણાં વાતો કરતાં-કરતાં જમ્યાં. ધ્યેય જે રીતે મજાક-મસ્તી કરતો હતો તે કૌશલ જોઈ રહ્યો. એકાએક એને ઇન્ફિરિઓરિટી કોમ્પલેક્ષ થઈ આવ્યો. પોતે પતિ તરીકે બધું સુખ કશિશને આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ એનો મિત્ર નથી બની શક્યો. જ્યારે ધ્યેય એનો બેસ્ટ ફ્રેન્ડ બની રહ્યો છે. આખરે ધ્યેયમાં એવું શું છે? એ વિચાર એની જાણ બહાર કૌશલને પરેશાન કરવા લાગ્યો હતો.
જમીને બધાં થોડીવાર પછી કૉફી હાઉસની સાઇટ પર ગયાં. કશિશે ત્યાં બધી વસ્તુ ઝીણવટથી ધ્યેયને દેખાડી. ધ્યેયે એક-બે સજેશન આપ્યાં.
‘કિશુ, તું રેટ્રો યુરોપિયન થીમ પર કૉફી હાઉસ ડિઝાઇન કરી રહી છે તો તે સમયના ફેમસ કવિ-લેખક-ચિત્રકારના થોડા પોટ્રેટ કે ફોટો મુકાવે તો કૉફી હાઉસને વધુ સારો રેટ્રો લુક મળે હો!’
‘વાઉ…નાઇસ સજેશન. હું મારા ઇન્ટીરિયર ડિઝાઇનરને કહીશ.’
‘પણ એથી તો કૉફી હાઉસ મ્યુઝિયમ જેવું લાગશે…કિશુ..મને નથી લાગતું કે આવા ફોટા મૂકવા જોઈએ.’ ધ્યેયના સજેશન્સનો વિરોધ કરતાં કૌશલ બોલ્યો. એનો અવાજ જરા પણ સ્વાભાવિક ન હતો. એમાં ચોખ્ખું દેખાઈ આવતું હતું કે એને ધ્યેય કૉફી હાઉસમાં ચંચુપાત કરે છે તે ગમતું નથી. કશિશ અને ધ્યેયની આંખ મળી. જે શબ્દો ન કહી શકે તે આંખોએ કહી દીધું.
‘હમમ…વીલ સી..’ કશિશે માથાકૂટ કરવાનું ટાળ્યું. એને ખ્યાલ આવી ગયો કે કૌશલને કોઈક રીતે ધ્યેયનું સજેશન નથી ગમ્યું. એટલે અત્યારે ચર્ચા કરવા કરતાં પછી તે વિશે નિર્ણય કરવો વધુ યોગ્ય રહેશે.
‘કૌશલ, આપણે એવું કરી શકાય કે જે જગ્યા પર બાંધકામ થઈ ગયું છે ત્યાં ઇન્ટીરિયર કામ ચાલુ કરી દઈએ? જેથી ઝડપથી આ કામ પૂરું થાય?’
કશિશે પોતાને મહત્ત્વ આપ્યું તે કૌશલને ગમ્યું,
‘યસ સ્યોર…અમે મોટા ભાગે તેમ જ કરતાં હોઈએ છીએ. જેથી સમયસર કામ પૂરું થાય. મારી ઇન્ટીરિયર સાથે વાત થઈ ગઈ છે.’
‘ઓહ ગ્રેટ! થેન્ક્સ ડિયર!’ કશિશ બોલી તે કૌશલને ગમ્યું. આમ તો પતિ-પત્ની વચ્ચે બહુ ફોર્માલિટીની જરૃર નથી હોતી, પણ કશિશે એનો આભાર માન્યો તે કૌશલને કશિશના પતિ હોવાનો ઇગો પંપાળાયો તેથી એને ખૂબ ગમ્યું. એ કશિશની નજીક આવીને એના ખભે હાથ વીંટાળતા બોલ્યો,…….
નવલકથાની આગળની કડી વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો……