ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન
ઉષ્મા વહાલ આસક્તિ વગેરેમાં રસ આયન પામી સર ઉપર ચઢે
‘ને લીલા એ એક્ટ છે જેમાં મસ્ત કલંદરનો રાસ સાર સ્વરૃપે ઝરે
ઉનાળો મૂડમાં હોય ત્યારે મનુષ્યને મૂળ બનીને ધરતીમાં છૂપાઈ જવાનું મન થાય. એવામાં કોઈ હોલિવૂડિયા ફિલ્મનો હીરો અંગ્રેજીમાં કહેતો સાંભળીયે કે તું મારા જીવનમાં સમર બનીને આવી છું ત્યારે એ.સી. બરાબર કામ કરતું હોય તોય ક્ષણભર આપણુ મગજ દાઝી ગયું હોય એમ ચિડાઈ જાય. પશ્ચિમી ગોરા દેશોમાં ઉનાળો એટલે ઉત્સવ. ઉનાળાની એનર્જીથી લથપથ આઉટડોર એક્ટિવિટીમાં પસાર થયેલા દિવસના અંતે આવતી રાત્રી ત્યાં વિશેષ પ્રણયરમ્ય ગણાય છે. સમર એટલે કુદરતના રંગીન ઉજાસ વચ્ચે હૃદયની હૂંફની આપ-લે કરવાનો સમય. પ્રેમનાં ફળ ગ્રહણ કરવાની અવધિ. દુન્વયી બાબતોનો ભાર ઉતારી ફેંકીને સ્નેહના કાવ્યમય વિશ્વમાં વિહરવાની મોસમ. એ લોકો માટે પ્રકૃતિને ઓળખવી, માણવી કે ચાહવી એ પૂરા અર્થમાં ફક્ત સમરમાં શક્ય બનતું હોય છે. ફિક્શનમાં રિઆલિઝમના પ્રણેતા એવા અમેરિકન ઓથર હેન્રી જેમ્સ તો લખી ગયા છે કે સમર આફ્ટરનૂન- સમર આફ્ટરનૂન; આ બે શબ્દો મારા માટે અંગ્રેજી ભાષાના સૌથી સુંદર શબ્દો છે.
ઓફ કોર્સ, આપણે ત્યાં એવું નથી. ભલે કહેનારા, માનનારા કે અનુભવનારા કહે કે લવ અને લાઇફ વચ્ચે કોઈ ઋતુ નથી આવતી, અહીં ઉનાળામાં રોમ રોમ તાપ તડકાથી ત્રસ્ત હોય ત્યાં રોમાન્સ એક કલ્પના બનીને રહી જાય એમાં કોઈ અસાહજિકતા નથી. અતિશયોક્તિ કરતાં કહેનારા કહેતા હોય છે કે ત્યાં સમરમાં સૌ કોઈ પ્રેમમાં છે તેવું અનુભવે છે. સામે વાસ્તવિકતાની કડવી નકારાત્મક બાજુ સ્વીકારીને ઓવર રિએક્ટ કરીએ તો કહી શકાય કે અહીં અમે બધાં ઉનાળામાં સંસારત્યાગની ભાવના અનુભવી શકીએ છીએ! અરે, જ્યાં સવાર પડે કે સીધી બપોર શરૃ થાય ‘ને છેક રાતે સાંજ પડે ત્યાં રોમાન્સ અંગે થિયરેટિકલી વિચારવા માટે થોડું ઘણુ શરીર તૈયાર થાય તો પણ ક્યારે? ખેર, રોમાન્સ એટલે શું તેની આપણે ઉનાળામાં તજવીજ કરી લઈએ તો શું કે ચોમાસામાં કામ લાગે! પહેલો વરસાદ આવશે ત્યારે શીખવા નહીં બેસાય. એ તો એવું માનીને જ આવશે કે સૌએ ઉનાળામાં લેશન કર્યું હશે!
રોમ પરથી રોમન યાને નોવલ/નવલ આવ્યું અને એ રોમન પરથી રોમેન્સ એ.કે.એ. રોમાન્સ. મૂળે સાહિત્ય સાથે જ એ શબ્દને સંબંધ. સાહિત્ય રચનાર કાવ્યાત્મક કે જરા હટકે કલાત્મક થયા ત્યારે એ શબ્દનો જન્મ થયો. રોમન લોકો કરે એ કે રોમ રોમ ખડા કરી દે તેવું, એવો કોઈ અર્થ રોમાન્સમાં ન્હોતો, હકીકતમાં હજુ પણ નથી. ગુજરાતી શબ્દકોશ શું કહે છે? રોમાન્સ = રોજિંદા જીવનથી દૂરનાં દૃશ્યો અને ઘટનાઓવાળી વાર્તા, મધ્યયુગીન સ્ત્રીદાક્ષિણ્ય અને શૂરાતનની કથા, મધ્યયુગની પ્રેમશૌર્યની કથા કે આખ્યાન, સામાન્ય જીવનથી વેગળા એવા અદ્ભુત પ્રસંગો સભર નવલકથા, અદ્ભુત પ્રેમનો કિસ્સો, કલ્પિત પ્રેમનો કિસ્સો, રોમાંચક (કલ્પિત) ઘટનાઓ, લેટિન ભાષામાંથી ઊતરી આવેલું કે ઉદ્દભવેલું, સત્યની અતિશયતા કે
વિકૃતિ કરવી. હા, ગુજરાતી ભાષાએ એક અર્થ ‘રોમાંચક’ પણ કાઢ્યો છે. જેનું અંગ્રેજી થાય થ્રિલિંગ. ના પુર્લિંગ કે ના સ્ત્રીલિંગ! અદ્ભુત, નવાઈ ઉપજાવનારું. શું રોમાંચ આપવો એ રોમાન્સનું પ્રમુખ કે ફરજિયાત લક્ષણ છે? હા, તેમજ ના. રૃંવાડાં ઊભાં કરે એવી કથાને રોમાંચકથા કહેવાય છે. થ્રિલર. ખરું, રોમેન્ટિક-સ્ટોરી એ આખો મામલો અલગ છે. એમાં બે લિંગ હોય, હોય અને હોય જ. સમલિંગી વાત હોય તો એમએમ રોમાન્સ કે એફએફ રોમાન્સ કહેવાય. વિષમલિંગી હોય તો એમએફ કે એફએમ નથી કહેવાતી.
રોમાન્સના અંગ્રેજી ભાષામાં ચલણી અર્થ આ મુજબ છે.a feeling of excitement and mystery associated with love, love, especially when sentimental or idealized, a love affair, especially one that is not very serious or long-lasting, a book or film dealing with love in a sentimental or idealized way. ઓકે, ગુડ ઇનફ. પર્યાયવાચી છેઃ love, passion, ardour, adoration, devotion, affair, affair of the heart, relationship, liaison, courtship, amorous/romantic entanglement, intrigue, attachment. તથા મુખ્ય વિરુદ્ધાર્થી છેઃ dislike, haterd. ‘રોમેન્ટિક’ માટે હિન્દીમાં પ્રથમ અંગ્રેજી પછી ઉર્દૂની અસર નીચે રુમાની શબ્દ છે. જેનો એક અર્થ રોમનો ‘ને બીજો રુમાનિયાનો એવો પણ નીકળી શકે છે! રુમાની ગુજરાતીમાં પણ લઈ જ શકાય. જોકે રોમાન્સમાં ક્યારેક માણસ રૃમમાં આમથી તેમ ગાંડાની જેમ આંટા મારે. એને ગુજરાતીમાં રૃમલાવું કે રૃમવું કહે છે. વાસણના ખખડાટને રૃમકો. એમ ‘રૃમઝૂમ’ લટકા આગળ વધારી શકાય. મજાની વાત એ છે રોમિયો સાથે રોમાન્સને સીધો સંબંધ છે જ્યારે મહાકવિ રૃમી સાથે પરોક્ષ સંબંધ જોડવો પડે છે! રૃમી એટલે ગુજરાતીમાં રોમનું કે રૃમનું એવું થાય છે!
ખેર, સંસ્કૃત શું કહે છે? પ્રણય. જે શબ્દને આપણે ગુજરાતીઓ કે ભારતીયોએ ફક્ત પ્રેમ પૂરતો બાંધી દીધો છે. કેમ એવું? ગુજરાતી-ભારતીય કેવા એ બધું જવા દો, ભારતીયોમાં તો આપણા સિવાય આતંકવાદી, નક્સલવાદી જેવા ઘણા આવી જાય. પ્રણય શબ્દમાં પ્રાણ મુખ્ય છે. જેનામાં પ્રાણ હોય એ પ્રાણી જ્યારે પ્રણામ કરે ત્યારે સમજવું કે પ્રણય છે. સહજ સ્વીકાર ‘ને સક્રિય સમર્પણની જોઇન્ટ પ્રોસેસ છે, પણ એ શબ્દ જવા દો. એમાં પ્રાણ ‘ને પ્રણામ એવું છે એટલે પાછું હિન્દુ હિન્દુ થાય! અને આમ પણ કોને નમસ્કાર, વંદન અને પ્રણામમાં કોઈ ફર્ક દેખાય છે?!
આવો, રોમાન્સની ક્રિયા વિષે થોડું વિચારીએ. એ પ્રેમમાં એટલે કે પ્રેમનો એક ભાગ હોઈ શકે અને પ્રેમ વગર પણ હોઈ શકે. અતઃ પ્રેમ સાથે કોઈ અભિવ્યક્તિ ચીટકાડીને એના માટે કોઈ સમાસ બનાવી કાઢવો એ વેઠ કહી શકાય. રોમાન્સ એ પ્રેમ પહેલાંની ક્રિયા છે એવં પ્રેમ પછીની પણ. રોમાન્સ એ પ્રેમથી ઘણી રીતે સ્વતંત્ર ક્રિયા પણ કહી શકાય. પલભર કે લિયે… લલકારતો અન્જાન મુસાફિર હોય કે ફક્ત એકાદ સપ્તાહ માટે કોઈ કાર્યમાં જોડે થઈ જતી મંજરી હોય, રોમાન્સનો અવકાશ રહે છે. મુનશીની મંજરી જેટલી ‘આ’ મંજરી કલ્ચર્ડ-રોમેન્ટિક ના પણ હોય. એબીની શચી જેટલી ભૂતપૂર્વ આનંદને લઈને વ્યગ્રતામાં ના પણ ખૂંપેલી હોય. કોકટેલની ડાયના યાદ આવે કે ‘દુસરા આદમી’નું ‘ચલ કહીં દૂર…’, રોમાન્સ વાસ્તવિકતાને સ્વપ્નની કક્ષામાં સ્થાપિત કરી શકે છે. એનિવેઝ, મૂળ વાત પરનું આ ગાર્નિશિંગ એટલે રોમેન્ટિઝમ્!……….
આગળની મેટર વાંચવા માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો…