એલા ભગવાનને તું શોપિંગ મૉલ માને છે?

સર્વ પ્રાર્થનાઓ તો નરી યાચના ના બની જાય!

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

પ્રભુને મળવા મંદિરે જવું ને કંઈક બીજું જ મેળવવાની ઇચ્છા રાખવાનું
કમઠાણઃ સુદામા એક અયાચક ભક્ત છે, મિત્ર છે, તપસ્વી છે

શું મંદિરમાં આપણે કંઈ શોપિંગ કરવા જઈએ છીએ? આમ તો ના, પરંતુ સ્હેજ ઊંડા પાણીમાં ઊતરશો તો ખ્યાલ આવશે કે પ્રભુ દર્શનના સરવરિયાને તળિયે તો અનેક ઇચ્છાઓ તબકતી હોય છે. પ્રાર્થનાનો ખરો અર્થ જ એ છે કે જેનો પ્રથમ સાર એ હોય કે જે છે એનો આનંદ છે, પરંતુ એના બદલે કરિયાણાની યાદી જેવું એક લાંબંુ લિસ્ટ આપણે દેવોના શ્રીચરણે પધરાવીએ છીએ. એકસાથે નહીં તોય ટુકડે-ટુકડે આપણે કરેલી પ્રાર્થનાઓનું સંયુક્ત રૃપ જોઈએ તો ખ્યાલ આવે કે ખરેખર જ આપણી રજૂઆતો એટલી બધી હોય છે કે ભગવાન પણ એની પરિપૂર્તિ ન કરી શકે!

મંદિરે જવું અને મૂર્તિની સન્મુખ થયા પછી હૃદયની ભોમકા પર ઇચ્છાનું એક તણખલું ય ઊગવા ન દેવું એ ભક્તિ છે અને એ સિવાયની સર્વ પ્રાર્થનાઓ તો નરી યાચના છે. અયાચક હોય એ જ ભક્ત હોય છે અને ભક્તિ સિવાય લબ્ધિ નથી. સુદામાને પ્રેમાનંદે પોતાની રીતે આલેખ્યા છે. સુદામાનું પ્રમુખ ચરિત્ર એ છે કે તેઓ નિર્ધન છે, પણ યાચક નથી. દ્વારિકાના રાજમહેલમાં સર્વ ઐશ્વર્ય અને ઈશ્વરનો સંયુક્ત સાક્ષાત્કાર કર્યો હોવા છતાં તેમના મનમાં એક નાની સરખી ઇચ્છાનો પણ ઉદય થતો નથી.

પતિ સુદામા અયાચક છે તે પત્ની સુશીલા સારી રીતે જાણે છે. સુદામાએ બહુ ના કહી છતાં સુશીલા એમને મોકલે છે. સુદામાથી ય અધિક ભક્તિના આસન પર સુશીલા છે. એને એક જ વિશ્વાસ છે કે ભૂખ્યા બાળકોની વચ્ચે અથડાતા આ ઘરનો મોભી એવો મારો પતિ જો કૃષ્ણની સન્મુખ થશે તો મારા પરિવારનો ઉદ્ધાર થશે. ચપટીક તાંદુલ સુશીલાએ ઘરના ‘અન્નભંડાર’ના પ્રતિનિધિરૃપ પસંદ કર્યા છે. છપ્પનભોગના સ્વામી માટે એ તાંદુલનો જ મહિમા છે એની સુશીલાને ખબર છે. સુદામા એક રીતે ઇચ્છાશૂન્ય છે, એની ઇચ્છાશૂન્યતા જ એને કૃષ્ણના સાક્ષાત્કારનો અધિકારી બનાવે છે. પ્રેમાનંદે એના અદ્ભુત આખ્યાનમાં તપસ્વી સુદામામાં અનેક માનવીય ગુણાવગુણનું આરોપણ કરેલું છે, પરંતુ હકીકતમાં સુદામા સસંતાન, સપત્ની અને સસંસાર, એક અલિપ્ત ગૃહસ્થ છે. પાંડિત્ય છે ને સાથે નિરાભિમાન છે જે બંને ભાગ્યે જ એક હૃદયમાં વસવાટ કરે છે.

સુદામાની સર્વોત્કૃષ્ટ ક્ષમતા એની ઇચ્છાશૂન્યતા છે. વચનામૃતમાં ગઢડા પ્રથમ પ્રકરણના નવમા વચનમાં શ્રીજી મહારાજ કહે છે કે, ભગવાનના દર્શન કરીને જ જે પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઇચ્છતો તે જ ખરો ભક્ત છે. મહારાજે અહીં સ્પષ્ટ કહ્યું છે કે પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહીં. આવો ઉચ્ચાર કરતી વેળાએ શ્રીજી મહારાજને મન સુદામા ચરિત્ર નજરમાં હશે કે નહીં તે આપણે જાણતા નથી, પરંતુ કૃષ્ણ તો પ્રત્યક્ષ છે જ ‘ને એનો ઉલ્લેખ પણ કર્યો છે. શંકરાચાર્યે પણ પોતે સંપૂર્ણ ઇચ્છાશૂન્યતાનો વૈભવ માણતા હોવાની વાત પોતાની આગવી રીતે કહી જ છે.

દર્શનાર્થીઓનો બહુ મોટો વર્ગ એવો છે જે ભગવાનને અકારણ જ ઇચ્છાપૂર્તિનું માધ્યમ બનાવીને બેઠો છે. તેઓ ભગવાનનું નામ લે છે, પરંતુ તેમનો અગ્રતાક્રમ ભગવાન નથી. ટાગોરના એક કાવ્યમાં પણ આ વાત છે જ કે બહુ જ ભીતર ગયા પછી છેલ્લે એક જ પરદો ખસેડવાથી પરમ તત્ત્વનો સાક્ષાત્કાર થવાનો હતો, પણ મનુષ્ય ત્યાંથી પાછો ફરી જાય છે અને એ પરદો ખસેડતો નથી. શ્રીજી મહારાજે જે ટકોર કરી છે તે પ્રભુ દર્શન વેળાએ સાથોસાથ આત્મદર્શન કરી લેવાની વાત છે. સુદામાને એવી જરૃર ન હતી, એ તો સ્વભાવે, પ્રવૃત્તિએ પણ અયાચક જ છે. કૃષ્ણને મળ્યા પહેલાં જ એ યોગ્યતા એણે નિજાનંદ માટે કેળવેલી છે. સાંદીપનિના આશ્રમ જીવનની એની ટેક જ એની, દરિદ્રતા ભર્યા દિવસોની લાંબી વણઝારમાં, ટેકણ લાકડી છે. એક અને માત્ર એક જ ગુણવિશેષ સુદામાને કૃષ્ણની આંખોના કૌતુક સુધી પહોંચાડે છે. સુદામાનું કૌતુક તો ત્યારે પ્રગટે છે જ્યારે વતન આવીને એક વિશાળ મહેલના દરવાજે એ એક અજાણી લાગતી લાજવંતી સ્ત્રીને પૂછે છે કે અહીં તો સુદામા નામના ગૃહસ્થનું ઝૂંપડું હતું ને? સુશીલા જવાબ આપે છે અને સ્વઓળખ ઉચ્ચારે છે, ત્યાંથી સુદામાના કૌતુકનો પ્રારંભ થાય છે. દ્વારિકાના મહેલ અને સુદામાના ઘર-બંને સમાનાર્થી થઈ જાય છે. બહુ ગમતો હતો એ રત્નજડિત હિંડોળો આંગણામાં જોઈને સુદામા સમજી ગયા કે આ ખેલ શું છે! ખેલ જ ને! આ કૃષ્ણનો ખેલ છે. એ સંસારના હારજીત કે સ્પર્ધા વિનાનો ખેલ છે. આપણે તો આંશિક સુદામાને આપણામાં અવતારવાનો છે. આજ સુધી જે પ્રાર્થનાના બહાને અરજીઓ કરી તે કરી, ભલે કરી, પરંતુ નવી કોઈ અરજી ન કરીએ તે ભગવાનને એની મૂર્તિમાંથી બહાર નીકળી આપણી સેવામાં રોકવાને બદલે મૂર્તિમાં જ રહેવા દઈએ તોય બસ છે અને તો એ ત્યાં મળશે જ. તમે પોતે જ કામ સોંપ્યા હોય તો તેઓ તેમની મૂર્તિમાં સ્થાયી ભાવે કઈ રીતે હોઈ શકે? તમે જ તો એને દોડાવો છો. મને આ લાવી દે ‘ને પેલું લાવી દે. ઇચ્છાઓ કંઈ ઓછી છે? મંદિરમાં દેવોને વાચા પ્રગટે તો તેઓ તુરત કહે કે એલા, અમને ભગવાનને તું બિગ બાઝાર માને છે કે જે ઘટે એ લેવા અહીં દોડી આવે છે?……………….
——————————.

‘હૃદયકુંજ’ની ‘એલા ભગવાનને તું શોપિંગ મૉલ માને છે?’ – ચિંતનિકાની આગળની મેટર વાંચવા માટે ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો.

દિલીપ ભટ્ટહૃદયકુંજ
Comments (0)
Add Comment