બાપુજીની સ્કૂટરયાત્રા

હવે મરનાર શબવાહિનીમાં અને ડાઘુઓ સ્કૂટર પર હોય છે

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

મંજિલનું કદ ખૂબ નાનું હોય, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ઘણો લાંબો હોય છે. એક જ ટેબ્લેટથી તાવ ભલે ઊતરી જાય, પરંતુ આખો કોર્સ પૂરો કરવો પડે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા ત્રણ જ કલાકમાં આપવાની હોય, પણ તૈયારીઓ ત્રણસો પાંસઠ દિવસ કરવી પડે તેમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે છતાં તકેદારી આખી જિંદગી રાખવી પડે છે.

હું અંબાલાલ અને ચુનીલાલ ચાની હોટલે બેઠા હતા અને એક નનામી નીકળી. માણસ ભલે ગમે તેટલો નામી હોય છતાં મરી જાય એટલે ન-નામી થઈ જાય છે. સિકંદર પણ જનાજાની બહાર પોતાના ખાલી હાથ દેખાડી જગતને એમ કહેતો ગયો કે હું પણ કશું લઈને જતો નથી.

નનામી જતી જોઈ એટલે અમે ત્રણે ઊભા થઈ ગયા. નનામીને નત મસ્તકે પગે લાગ્યા. નનામી કે જનાજો નીકળે ત્યારે સંત હોય કે શેતાન, અમીર હોય કે ગરીબ, પ્રખ્યાત હોય કે કુખ્યાત એને સૌ આદર આપે છે એનું કારણ મરનાર પ્રત્યેનો આદર નથી, પરંતુ પોતાના મૃત્યુનું સ્મરણ હોય છે. જે રીતે સ્મશાન-વૈરાગ જન્મે તેવી જ રીતે આ અર્થી-આદર પ્રગટતો હોય છે. નનામીનું એક નામ અર્થી છે. જીવનના તમામ અર્થ અર્થી સુધી પહોંચીને અટકી જાય છે. માણસ પાસે ગમે તેટલો અર્થ (રૃપિયો) હોય છતાં મૃત્યુને રોકી શકતો નથી એવો અર્થ અર્થી પાસેથી મળે છે.

‘કોણ ગુજરી ગયું હશે?’ મેં કુતૂહલથી પૂછ્યું.

‘મને તો નનામીમાં સૂતો એ લાગે છે.’ અંબાલાલ ઉવાચ.

‘તને અત્યારે પણ મઝાક સૂઝે છે?’ ચુની તાડુક્યો.

‘હું કોઈ મરી જાય એની મઝાક કરું એવો મૂરખ નથી.’ અંબાલાલે ખુલાસો કર્યો ત્યારે અમને ખબર પડી કે આ એની મઝાક નહોતી, પરંતુ ઓછી બુદ્ધિનો પરિચય હતો. અંબાલાલ અક્કલમઠ્ઠો હોવાથી ઘણીવાર અજાણતા જ હાસ્ય સર્જી બેસે છે. મારા ઘરની બહાર એક ગાય-વાછરડું ઊભાં હતાં. મેં અંબાલાલને પૂછ્યું ઃ ‘આ ગાય-વાછરડું કોનાં છે એ ખબર છે?’

અંબાલાલે બે-પાંચ ક્ષણ વિચારીને કહ્યુંઃ ‘આ ગાય કોની છે એ ખબર નથી, પરંતુ વાછરડું કોનું છે એની ખબર છે?’

‘કોનું?’ મેં પૂછ્યું.

‘ગાયનું.’ અંબાલાલ ઉવાચ.

આમ અંબાલાલની મૂર્ખામી પણ ઘણીવાર બુદ્ધિશાળી સાબિત કરે એવી હોય છે. આજે કોણ ગુજરી ગયું હશે એ જાણવા માટે મેં જિજ્ઞાસાપૂર્વક પૂછેલા સવાલનો જવાબ પણ એવો જ હતો.

જેવી નનામી અને ડાઘુઓ પસાર થઈ ગયા એટલે અમે ત્રણે બેઠા. ત્યાર બાદ ચાના કપ હાથમાં લઈ ‘ચાય પે ચર્ચા’ શરૃ થઈ.

‘ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં બપોરે બે વાગે સ્મશાનયાત્રા કાઢવી ખૂબ કષ્ટદાયક ગણાય’ ચુનીએ વાત ચાલુ કરી.

‘સુરેન્દ્રનગરમાં ઉનાળો તો આવો જ રહેવાનો. સુરેન્દ્રનગરનો એક પણ બાબતમાં નંબર આવે એવું નહોતું એટલે કુદરતે ગરમીમાં પહેલો નંબર અપાવ્યો.’ અંબાલાલ બોલ્યો.

‘જો અંબાલાલ… ચુનીલાલની વાત એવી છે કે સવારે કે સાંજે સ્મશાનયાત્રા રાખે તો ડાઘુઓને ખરા તડકે નીકળવું ન પડે. જે ગુજરી ગયો છે એને બે કલાક વહેલો બાળો કે મોડો બાળો તો ખાસ ફરક પડવાનો નથી.’ મેં વિગતવાર વાત સમજાવી.

‘આ રીતે ખરા તડકે ઉપાડો લે ત્યારે એક એકસ્ટ્રા નનામી સ્પેરમાં રાખવી પડે.’ ચુનીએ કહ્યું.

‘વધારાની નનામી?’ અંબાલાલને કવરેજ ન પકડાયું.

‘ચુમ્માલીસ ડિગ્રીમાં કોઈને લૂ લાગી જાય અને પડી જાય તો એને એકસ્ટ્રા નનામીમાં સૂવડાવીને યાત્રા આગળ વધારી શકાય.’ ચુનીએ ચોખવટ કરી.

‘એટલું સારું છે કે હવે મરનાર શબવાહિનીમાં અને ડાઘુઓ સ્કૂટર પર હોય છે.’ મેં કહ્યું.

‘હવે સ્મશાનયાત્રા નીકળતી નથી, પરંતુ સ્કૂટરયાત્રા નીકળે છે. થોડા સમયમાં લોકો એમ કહેશે કે અમારા બાપુજીનો ગોલોકવાસ થયો છે. તેમની સ્કૂટરયાત્રા અમારા નિવાસસ્થાનેથી સવારે નવ વાગ્યે નીકળશે.’ ચુનીલાલ વધુ ઊંડો ઊતર્યો.

‘એક મિનિટ… એક મિનિટ… જેટલા માણસો મરી જાય તેનાં સંતાનો એમ લખે છે કે અમારા પિતાજી કે માતાજીનો સ્વર્ગવાસ થયો છે અથવા જન્નતનશીન થયા છે અથવા અક્ષરધામમાં ગયા છે અથવા વૈકુંઠમાં ગયા છે વગેરે વગેરે…’ અંબાલાલે ફણગો ફોડ્યો.

‘હા બરાબર છે.’ મેં કહ્યું.

‘શું તારું કપાળ બરાબર છે? મરનારના સ્વજનોએ સ્વર્ગ, કે જન્નત કે વૈકુંઠ કે ગોલોક કે અક્ષરધામ જોયું છે? એ લોકોને ખાતરી છે કે બાપુજી સ્વર્ગમાં જ ગયા છે?’ અંબાલાલે અઘરો સવાલ કર્યો.

‘એવી કોઈને ખાતરી ન હોય, પરંતુ એમ જ લખાય…’ મેં કહ્યું.

‘ગુંડાનો સરદાર મરી જાય તો પણ જન્નતનશીન થયા છે એવું લખે એ શક્ય છે?’ અંબાલાલે દલીલની ધાર કાઢી.

‘જો ભાઈ, મેં મારા બાપુજી વખતે સાવ સાચું લખ્યું હતું.’ ચુનીલાલ બોલ્યો.

‘શું લખ્યું હતું?’ અંબાલાલે પૂછ્યું.

‘મેં લખ્યું હતું કે અમારા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો છે. એ ઘણુ માઠું થયું છે. એનો અર્થ એ હતો કે મારો બાપ કોઈ કાળે સ્વર્ગમાં જાય એવો હતો નહીં છતાં જો સ્વર્ગમાં ગયો હોય તો એ ઘણુ માઠું થયું છે.’

ચુનીલાલની નિખાલસતા લાજવાબ છે. અમે ખડખડાટ હસી પડ્યા. ત્યાં અમારી નજર સ્કૂટરયાત્રા તરફ ગઈ તો જરા જુદા પ્રકારનું દૃશ્ય જોયું. એક એટીએમમાં રોકડા રૃપિયા ભરવા માટે અથવા બેંકમાં રોકડ પહાંેચાડવા માટે રોકડા રૃપિયાની મોટી

બેગ ભરેલી એક વેન સ્કૂટરયાત્રા પાછળ જઈ રહી હતી. એ વેનમાં બે રખોપિયા ભરી બંધૂકે બેઠા હતા. રસ્તો સાંકડો અને સ્કૂટરયાત્રામાં થોડી ભીડ હોવાથી નનામીને ઓવરટેક કરી શકાય તેમ હતું નહીં એટલે રોકડગાડી શબવાહિની પાછળ ધીમે-ધીમે જતી હતી. આ જોઈને અંબાલાલે આદત પ્રમાણે બાફી માર્યું.

‘કમાલ છે… કમાલ છે…યાર…’ અંબાલાલ ચિલ્લાયો.

‘શું કમાલ છે?’ મેં પૂછ્યંુ.

‘પહેલો એવો માણસ જોયો જે મરી ગયા પછી પોતાની સંપત્તિ સાથે લઈને જાય છે.’ અંબાલાલે ધડાકો કર્યો.

‘અલ્યા ડફોળ… એ રોકડ મરનાર સાથે લઈ જતો નથી, પરંતુ બંને બાજુ રસ્તા ખોદેલા છે, રોડ સાંકડો થઈ જવાથી શબવાહિનીને ઓવરટેક કરી શકાય તેવું નથી એટલે બેંકની ગાડી પાછળ-પાછળ જાય છે.’ ચુનીલાલે ખુલાસો કર્યો.

‘બેંકની રોકડ વિજય માલ્યા અને નીરવ મોદી જેવા જીવતાં માણસો લઈ જાય તે સાંભળ્યું છે, બાકી મરેલો માણસ કશું લઈ જતો નથી એ સનાતન સત્ય છે જે ક્યારેય બદલાશે નહીં.’ મેં ટાપશી પુરી.

‘અંબાલાલ, આવા કોઈ ગંભીર પ્રસંગે તારે મૂંગા રહેવંુ.’ ચુની ગુસ્સે થયો.

‘કેમ?’ અંબાલાલે સામંુ વડકું ભર્યું.

‘તું બાફી નાખે છે. તે દિવસે અણદુભાબાપુ ગુજરી ગયા. એમની લોકચાહના ઘણી એટલે બાપુની સ્કૂટરયાત્રામાં ઘણા લોકો આવ્યા હતા. એ જોઈને અંબાલાલ બોલ્યો કે અત્યારે અણદુભા જીવતા હોત તો એમની સ્મશાનયાત્રામાં આટલું બધું માણસ જોઈને રાજી રાજી થઈ જાત.’

‘કોઈ સાંભળી જાય તો ઉપાધિ થાય.’ મેં કહ્યું.

‘અણદુભાનો વચેટ દીકરો સાંભળી પણ ગયો. એનો બાપ ગુજરી ગયો હતો એટલે અંબાલાલને માર્યો નહીં, પણ કાનમાં કહ્યું કે, ‘તારો બાપ ગુજરી જાય એટલે એમની સ્મશાનયાત્રામાં કેટલા ડાઘુ આવ્યા તે જોવા માટે એને જીવતો રાખજે.’ ચુનીલાલે માહિતી આપી.

‘આપણા ગામમાં શબવાહિનીની સગવડ થઈ ગઈ અને સ્મશાન ઇલેક્ટ્રિક થઈ ગયંુ તે સારું થયું.’ મેં વાત બદલી નાખી.

‘જોકે, શબવાહિની શરૃ થઈ ત્યારે થોડા દિવસ તકલીફ થઈ.’

‘એમાં શું તકલીફ?’ મેં પૂછ્યંુ.

‘એ ધીમી ચાલે અને રંગ સિટી બસ જેવો એટલે લોકો સિટી બસ સમજીને ચડી જતા હતા. લોકો ચડી જાય એનો વાંધો નહીં, પણ દોણીવાળાને કંડક્ટર સમજીને ટિકિટ માગે એ તો હદ કહેવાયને? પછી શબવાહિનીનો રંગ બદલી નાખ્યો અને સ્પીડ વધારી દીધી.’ ચુનીલાલે હકીકતથી વાકેફ કર્યા.

‘શબવાહિની એક એવું વાહન છે જેમાં કોઈ ભૂલથી ચડી જાય તો ભલે, બાકી કોઈ રાજીખુશીથી ચડતું નથી.’ મેં ફિલસૂફી ઝાડી.

‘ઇલેક્ટ્રિક સ્મશાનના ઉદ્ઘાટનમાં હું ગયો હતો.’ અંબાલાલે મૌન તોડ્યું.

‘અમે પણ હતા…’ મેં કહ્યું.

‘નેતાઓ ક્રિકેટ મેચનું ઉદ્ઘાટન કરે તો બેટ પકડતા પણ ન આવડતું હોય છતાં બેટિંગ કરે, લોકમેળાનું ઉદ્ઘાટન કરે તો ચગડોળમાં બેસે,’ અંબાલાલે કહ્યું.

‘તું શું કહેવા માગે છે?’

‘ઇલેક્ટ્રિક સ્મશાનના ઉદ્ઘાટનમાં પાંચ નેતા આવ્યા, પણ પાંચમાંથી એક પણ નેતા બળ્યો નહીં.’ અંબાલાલે પાછું બાફી નાખ્યંુ.

‘એ પ્રજાના દિલ બાળે છે એ ઓછંુ છે?’ મારા અંતિમ સવાલ સાથે અમારી ‘ચાય પે ચર્ચા’ પૂરી થઈ.

——————————.

જગદીશ ત્રિવેદીહસતાં રહેજો રાજ.
Comments (0)
Add Comment