ઑપિનિયન – તરુણ દત્તાણી
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારે શાસનનાં ચાર વર્ષ પુરાં કરી લીધાં છે. તેમણે સત્તાના સૂત્રો સંભાળ્યા અને સોળથી અઢાર કલાક સુધી કાર્યરત રહેવાની શરૃઆત કરવાની સાથોસાથ અધિકારીઓને પણ વહેલી સવારમાં ફરજ માટે સજ્જ રહેવાની ટેવ પાડવાના સંકેત આપ્યા ત્યારે તેમના કોઈ પણ રાજકીય ઇરાદા વિનાના વિશુદ્ધ દેશહિતના સિલસિલાબંધ નિર્ણયો અંગે તે સમયે કોઈએ મોદીને ટકોર કરી હતી કે સર, પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી જીતવાની હશે ત્યારે આ રીતે… અને કહે છે કે મોદીએ તેમને કહ્યું હતું કે ચાર વર્ષ કોઈ રાજનીતિ નહીં, માત્ર રાષ્ટ્રનીતિ. એ પછી એક વર્ષ રાજનીતિ. જો આ વાતમાં તથ્ય હોય તો મોદીની રાજનીતિનું વર્ષ શરૃ થઈ ગયું છે. હવે તેમના રાજનીતિ પ્રેરિત પગલાંઓ અને કાર્યક્રમોનો ઇંતેજાર છે. બની શકે કે રાષ્ટ્રનીતિના જ અનેક નિર્ણયો રાજનીતિના આધાર બને. વિશુદ્ધ રાષ્ટ્રહિતને લક્ષમાં રાખીને તેમણે લીધેલા નિર્ણયોનાં પરિણામો કદાચ અપેક્ષા પ્રમાણેના સંતોષકારક ન હોય, પરંતુ એ નિર્ણયોમાં તેમની દેશહિત અને વ્યાપક જનહિત પ્રત્યેની નિષ્ઠા સામે અંગુલિનિર્દેશ થઈ શકે તેમ નથી અને દેશના લોકો આ વાતને સમજતા નહીં હોય અને વિપક્ષો તેમને ગોબેલ્સશાહી પ્રચારથી ભ્રમિત કરી શકશે એવું માનનારા ધોળે દિવસે સ્વપ્નલોકમાં વિહાર કરે છે. આ દેશની અજ્ઞાની કે અર્ધશિક્ષિત પ્રજાને એટલી સમજવિહોણી માનવાની ભૂલ કરવા જેવી નથી. આજની તારીખમાં મોદીની અક્ષુણ્ણ રહેલી લોકપ્રિયતામાં લોકોની આ સમજ કહેતાં કોઠાસૂઝ કારણરૃપ છે. મોદી શાસનનાં ચાર વર્ષને નિમિત્તે થયેલા જનમત સર્વેમાં લોકપ્રિયતામાં મોદી સર્વોપરી બની રહ્યા છે. એ પછી પણ રાજકીય પંડિતો તટસ્થતાના આડંબર માટે અથવા સંતુલન જાળવવાના હેતુથી, ખાસ તો મોદી-ભક્ત ગણાઈ ન જવાય તેની કાળજી રાખવા ઉપરાંત ૨૦૧૯ની ચૂંટણીના સંભવિત પરિણામો વિશે એક તરફી અનુમાનના આરોપથી બચવા મોદીના માર્ગમાં અવરોધો અને વિપક્ષી એકતાના અતિશયોક્તિપૂર્ણ દાવાઓની પ્રસ્તુતિ કરતા જોવા મળે છે, પરંતુ મોદીના ઉગ્ર ટીકાકાર એવા અંગ્રેજી મીડિયાને પણ મંદસ્વરે મોદી-મેજિકનો સ્વીકાર કરવો પડે છે. કર્ણાટકમાં રાજકીય સમીકરણ દ્વારા ખંંંડિત જનાદેશના મનઘડંત અર્થઘટનથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. ૧૦૪ બેઠકો સાથે ભાજપનો કર્ણાટક દ્વારા દક્ષિણમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે. કર્ણાટકમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન તો કોઈ લગ્ન સમારોહમાં આવેલા હાઈપ્રોફાઇલ મહેમાનો જેવું હતું. એ શક્તિ પ્રદર્શન કુમારસ્વામીને કર્ણાટકની સરકાર ચલાવવામાં કોઈ કામ નહીં આવે. એક તરફ નરેન્દ્ર મોદી અને સામે પક્ષે તમામ વિપક્ષોનો જમાવડો – એવું ચિત્ર દેખાય તો છે, પણ એક ટીવી ચેનલે માયાવતીને પૂછ્યું કે તેઓ આગામી વડાપ્રધાનપદના દાવેદાર છે. માયાવતીએ એ વાતનો ઇનકાર કર્યો નહીં. મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે બંગાળનો વારો છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ ત્રીજા ચોરચાના હિમાયતી જ નહીં, પ્રેરક પણ છે. તેઓ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથગ્રહણમાં આવ્યા ન હતા. ગત દિવસોમાં તેમણે તમામ રાષ્ટ્રીય અખબારોમાં અને ચેનલો પર મોટી જાહેરખબરો આપી પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે. શરદ પવાર તો લાઇનમાં ક્યારના ઊભા જ છે, પણ કોઈ માને નહીં તેવી વાત એ છે કે કુમારસ્વામીના પિતા અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને એક જ્યોતિષીએ એવું કહ્યું છે કે તેઓ ફરી એક વાર વડાપ્રધાન બનશે! ત્યારથી તેઓ પણ કતારમાં ઊભા રહેવા તત્પર છે. ૨૦૧૯માં મોદીની ખુરશી આંચકી લેવા સૌ તૈયાર છે, પણ પછીની સ્થિતિ વિશે અત્યારનું મૌન સમય નજીક આવશે તેમ તૂટવા લાગશે, જેમ માયાવતી મૌન રહીને પણ બોલે છે તેમ. મોદીનાં ચાર વર્ષના શાસનની ટીકા કરવાનું અઘરું નથી, પરંતુ ચાર વર્ષમાં મોદીએ સમગ્ર શાસન-શૈલી જ બદલી નાંખી છે એ વાત તો વિપક્ષની છાવણી માટે હજમ થવી મુશ્કેલ બની છે. લોકો જાણે છે કે મોદી દેશ બદલવા ઇચ્છે છે. તેમના કાર્યક્રમો, નીતિ અને નિર્ણયો એ દિશાના છે. સામે વિપક્ષ પાસે કોઈ એજન્ડા નથી.
હજુ મોદીની એક વર્ષની રાજનીતિ જોવાની છે. વિપક્ષી છાવણી માત્ર સંગઠિત તાકાત દ્વારા મોદીની ક્ષમતાને ઓછી આંકવા પ્રયાસ કરે છે. ચાર વર્ષમાં તેમને મોદી પૂરા સમજાઈ ગયા હોવાનો ભ્રમ થયો છે. વિપક્ષો તો ૨૦૧૯ પહેલાં જ તેમના ઘણા પત્તાં ઊતરી ચૂક્યા છે. મોદીએ ૨૦૧૯ની રમત હજુ શરૃ જ કરી નથી અને એ રમત જોયા પહેલાં નિર્ણય નહીં થઈ શકે એટલું તો નિશ્ચિત છે.
——————————.