‘અભિયાન’ના ૩૪મા વર્ષમાં પ્રવેશ વેળાએ…

'અભિયાન'ના માધ્યમથી પત્રકારત્વના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ

સંપાદકીય

‘અભિયાન’ તેના આ અંકથી ૩૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. સામયિક પત્રકારત્વમાં તેત્રીસ વર્ષ પૂર્ણ કરવાની ઉપલબ્ધિની નોંધ લેતી વખતે આઈઆરએસમાં ‘અભિયાન’ની ‘નંબર વન’ની પ્રાપ્તિની ઘટનાનું ગૌરવ ‘અભિયાન’ના અવતારની સાર્થકતાની અનુભૂતિ કરાવે છે. કોઈ પણ અખબાર કે સામયિક તેના પ્રારંભકાળથી પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા અને ઝંખના સાથે આગળની કેડીને કંડારતું હોય છે. પત્રકારત્વમાં નંબર-વનની પ્રાપ્તિ એ જ એકમાત્ર આખરી ઉદ્દેશ કે લક્ષ્ય હોઈ ન શકે. પત્રકારત્વના આદર્શો અને મૂલ્યોની જાળવણી અને તેના સંવર્ધન સાથે આગળ વધતા રહીને પત્રકારત્વમાં નવા આયામો પ્રગટાવવાનું કાર્ય પણ કરવાના ઓરતા હોય ત્યારે કોઈ સિદ્ધિ સાંપડતી હોય છે. નંબર-વનની પ્રાપ્તિ એ તેનો એક હિસ્સો હોય છે અને એટલે જ નંબર-વન નહોતું ત્યારે પણ ‘અભિયાન’ સર્વોચ્ચ સ્થાનને સમાંતર યાત્રા કરી રહ્યું હતું. નંબર-વન એ તો ‘અભિયાન’એ સામયિક પત્રકારત્વ (મૅગેઝિન જર્નાલિઝમ)માં પ્રગટાવેલા નવા આયામોની સાર્વત્રિક સ્વીકૃતિ છે. અન્યથા સામયિકોનું પત્રકારત્વ એ આસાન કાર્ય નથી. આજના સમયમાં પ્રિન્ટ મીડિયાને સમાંતર ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાની બોલબાલા હોય એવા સંજોગોમાં પત્રકારત્વનું સામર્થ્ય પ્રગટાવવાનું માધ્યમ એક સામયિક બને એ અનોખી ઘટના ગણાય. ‘અભિયાન’ આવા સામર્થ્યના પ્રાગટ્ય માટેના અવસરનું સરનામું બની રહ્યું છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં જ્યારે માહિતીનો ખજાનો સૌની આંગળીના ટેરવાં પર ઉપલબ્ધ હોય ત્યારે પણ સામયિક અવિરત તેના અસ્તિત્વની સાર્થકતાને પ્રત્યેક સપ્તાહે ઉજાગર કરતું રહે અને વાચકને તેની સંગતની અનિવાર્યતાનો અનુભવ કરાવતું રહે એ તેની ચેતના, તેના જીવંત હોવાનું લક્ષણ છે. ‘અભિયાન’ સતત એ માટે પુરુષાર્થ કરતું રહે છે.

સ્પર્ધાના આ સમયમાં પ્રિન્ટ મીડિયાના અન્ય અંગોની માફક એક સામયિકને વર્ષો સુધી અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બની રહે છે. એક સામયિકની ત્રણ દાયકાથી વધુ સમયની આ અવિરત યાત્રાના સંકટકાળ દરમિયાન પણ તેની પ્રકાશન સંસ્થાના શ્રેષ્ઠીઓ પત્રકારત્વની પ્રતિબદ્ધતા અને પવિત્રતાને વળગી રહીને સામયિકની સફરને આગળ ધપાવતા રહેવાના દૃઢ નિર્ધાર સાથે માર્ગ પ્રશસ્ત કરતા રહે એવી આદર્શ આવકાર્ય સ્થિતિનો ‘અભિયાન’માં સદા અનુભવ થતો રહ્યો છે. અમારા પથદર્શક દિવંગત ભૂપતભાઈ વડોદરિયાનું સમગ્ર જીવન પત્રકારત્વની દીવાદાંડી સમાન રહ્યું. ‘અભિયાન’ના માધ્યમથી અમે પત્રકારત્વના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છીએ, પત્રકારત્વ વિશેની તેમની તમામ અવધારણાઓ સાથે અમારે માટે સૌથી મોટી ગૌરવની એ બાબત છે. ગુજરાતી પત્રકારત્વમાં તેઓ આદ્યોમાં અર્વાચીન અને અર્વાચીનોમાં આદ્ય બની રહ્યા છે. ૩૪મા વર્ષની સફરનો આરંભ પત્રકારત્વની ઉજ્જવળ પરંપરાને જાળવી રાખી તેને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરીએ છીએ. ‘અભિયાન’નો વાર્ષિક અંક તૈયાર થઈ રહ્યો છે. આગામી એકાદ સપ્તાહ પછી એ વાચકોના હાથમાં હશે.
———————————-.

34મા વર્ષમાં પ્રવેશઅભિયાનઆઇઆરએસભૂપત વડોદરિયા
Comments (0)
Add Comment