- દેશ દર્પણ
મહિલા ખેડૂતે વર્ષાે જૂની રૃઢિઓ બદલી નાંખી
પંજાબના ફાજિલ્કા જિલ્લાનાં ૬૦ વર્ષીય મહિલા ખેડૂત કર્મજીત કૌર આખા પંજાબમાં ‘કિન્નૂ ક્વિન’ના નામથી જાણીતા છે. તેમને આ ઉપાધિ કોઈ બીજાએ નહીં, પણ ખુદ પંજાબ સરકારે આપી છે. તેઓ પોતાની મહેનતથી આ ઊંચાઈએ પહોંચ્યાં છે અને આજે પણ પોતાની ૪૫ એકર જમીનમાં પૂરી ખંત અને લગન સાથે ખેતી કરી રહ્યાં છે. ફાજિલ્કા જિલ્લાના અબોહર તાલુકાના દાનેયાલા ગામના રહીશ કર્મજીત કૌરને ‘કિન્નૂ’ – સંતરાની પ્રજાતિના ફળના શ્રેષ્ઠ ઉત્પાદન બદલ પંજાબ સરકારે ‘કિન્નૂ ક્વિન’ના ખિતાબથી સન્માનિત કર્યાં હતાં. કર્મજીત મૂળ રાજસ્થાનનાં છે. તેઓ સંપન્ન પરિવારમાંથી આવતાં હતાં, પરંતુ વર્ષાેથી ચાલી આવતી સામાજિક રૃઢિઓના કારણે તેઓ આઠમા ધોરણ સુધી જ ભણી શક્યાં હતાં. તેઓ સમાજમાં પોતાનું બહેતર સ્થાન બનાવવા માગતા હતાં, પરંતુ ઓછું ભણતર હોવાના કારણે તે શક્ય ન હતું. આથી તેમણે કૃષિ ક્ષેત્રે હાથ અજમાવવાનો નિર્ણય કર્યાે. ૧૯૭૭માં પંજાબના સરદાર જસબીરસિંહ દાનેયાલા સાથે તેમનાં લગ્ન થયાં. જસબીરસિંહના પરિવાર પાસે ૪૫ એકર જમીન હતી. ખેતીની એ જમીનનો કોઈ ખાસ ઉપયોગ થતો નહોતો. કર્મજીત કૌર કહે છે, ‘એ જમીન પર મેં પોતે ખેતી કરવાનું વિચાર્યું. ૧૯૭૯માં સૌપ્રથમ ચાર એકરમાં કિન્નૂ ફળનો બગીચો બનાવ્યો. હવે આજે ૨૩ એકર જમીનમાં આખો બગીચો પથરાયેલો છે. સાત એકર જમીનમાં નાસપાતી, જાંબુ, ખજૂર, ઘઉં, મકાઈ, સરસવ, શાકભાજી વગેરેની પણ ખેતી કરું છું.’ વર્ષ ૨૦૦૧માં તેમના કિન્નૂના બગીચા આખી દુનિયામાં જાણીતા થઈ ગયા. આજે તેઓ પ્રતિ એકર ૨૦૦ ક્વિન્ટલ કિન્નૂની ઉપજ લઈ રહ્યાં છે. આ ઉપલબ્ધિ બદલ તેમને કેનેડા, અમેરિકા સહિતના દેશોમાંથી પણ એવોર્ડ મળી ચૂક્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ તેમને સન્માનિત કરી ચૂકી છે. તેઓ ખેતીની સાથે પોતાના બગીચાનાં ફળોનું માર્કેટિંગ પણ જાતે જ કરે છે. હવે તો પંજાબ ઉપરાંત હરિયાણા અને રાજસ્થાનના વેપારીઓ પણ તેમના બગીચાનાં ફળો ખરીદવા આવે છે. સમાજમાં પ્રચલિત રૃઢિઓથી વિપરીત તેમણે ખેતી કરવાની શરૃ કરતાં શરૃઆતમાં તો ગામના લોકોએ તેમનો બહુ વિરોધ કર્યાે હતો. એક મહિલા ખેતી કરી શકે તે વાત જ તેઓ સ્વીકારવા તૈયાર ન હતા. આજે સ્થિતિ એવી છે કે સફળતા મળ્યા બાદ વિરોધ કરનારા એ જ ગ્રામજનો ફળોની ખેતી માટે તેમની સલાહ લેવા આવે છે. એક મહિલા ધારે તો શું ન કરી શકે તે કર્મજીત કૌરે સાબિત કરી બતાવ્યું છે.
————–.
સ્ટાઇલિશ હાથણી બોબ કટ સેંગામલમ
તામિલનાડુના તિરુવરુર જિલ્લામાં એક હાથણી લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ હાથણીને બોબ કટ હેર સ્ટાઇલ કરવામાં આવી છે. માત્ર હેર સ્ટાઇલ જ યુનિક નથી, પણ તેના વાળમાં ગ્રે કલરથી હાઈલાઈટ્સ કરવામાં આવ્યા છે. સ્ટાઇલિશ હાથણીને કારણે સૌ કોઈમાં હાલ તે ચર્ચાનો વિષય બની છે. તેનું નામ સેંગામલમ છે. શ્રદ્ધાળુઓમાં આ હાથણી બોબ કટ સેંગામલમ તરીકે ઓળખાય છે. હાથણીના મહાવતે માત્ર હેર સ્ટાઇલ જ યુનિક નથી કરી, પણ હાથણીને ગરમી ન લાગે તે માટે મોંઘામાંની શાવર પેનલ પણ લગાવડાવી છે. મહાવતનું કહેવું છે કે તેમણે આ હાથણીને તેના બાળકની જેમ રાખી છે અને એટલે જ તેને હેર સ્ટાઇલ, હેર કલર કર્યા છે અને તેને તકલીફ ન પડે તે માટે શાવર પેનલ પણ લગાવી છે. ઇન્ટરનેટ પર એક વીડિયો જોઈને હાથણીના મહાવતને આ હેર સ્ટાઇલ કરવાનો આઇડિયા આવ્યો હતો. સેંગામલમને હેર સ્ટાઇલ કરવા માટે છ વર્ષ સુધી તેના વાળ વધાર્યા. સેંગામલમના વાળને સાફ-સુથરા રાખવા માટે એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. સેંગામલમ તેના વાળ ઝાડ કે પિલર સાથે ન રગડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. સેંગામલમની હેર સ્ટાઇલને કારણે સેંગામલમ તો પ્રસિદ્ધ બની જ ગઈ છે, સાથે-સાથે તેનો મહાવત પણ લાઇમલાઇટમાં આવી ગયો છે અને અન્ય લોકો પણ હવે તેમના હાથીને સ્ટાઇલિશ બનાવવા માટે મહાવત પાસે ટિપ્સ લેવા આવી રહ્યા છે.
————-.