મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, વેકેશનની વ્યાખ્યા બદલાઇ…

મહિનાઓ અગાઉ તો કાગળ લખાતો કે વૅકેશનમાં વહેલી આવજે બહેન

– હેતલ રાવ

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, દીવો તો મેં દીઠા, મામા લાગે મીઠા. નાના હતા ત્યારે આ ગીત ગાવાની કેટલી મજા આવતી અને સૌથી વધુ મજા તો વૅકેશન પડે એટલે મામાના ઘરે જવાની આવતી, પણ હવે.. એ મજા નથી રહી, મામાનું ઘર પણ નથી રહ્યંુ, એ વૅકેશન નથી રહ્યું. સમાજમાં આવેલા નવા બદલાવે લાગણીઓને પણ બદલી નાંખી છે.

શ્રુતિ આ વખતે વૅકેશનમાં ક્યાં ફરવા જવાની છું. એવું પૂછતાં જ કલકી સોફા પર બેઠી. શ્રુતિ કહે, જોઉં છું યાર. રજાઓનું ગોઠવાય તે પ્રમાણે જવાનો પ્લાન કરીશું. આયુષ તો વૅકેશન પડ્યું ત્યારનો જીવ ખાય છે બહાર જવાનો, પણ શું કરીએ, સમય નથી અને પિયરમાં પણ હવે વધારે રોકાવાય એવું નથી. ભાઈ તો ઠીક, પણ ભાભીને કેવું લાગે વધારે રહીએ તો. શ્રુતિની વાતમાં સૂર પુરાવતા કલકી બોલી. હા યાર, મારે પણ જવું તો છે, પણ બે દિવસમાં જ પરત આવી જઈશ. આપણા વખતે તો કેવું મામાના ઘરે મહિનો-મહિનો રહેતા હતા. આપણા બાળકોને એવું વૅકેશન ન મળ્યું. ખરેખર મામાનું ઘર હવે એટલું દૂર થઈ ગયું છે કે બાળકોએ વૅકેશનની મજા માણવાના સ્થળ શોધવા પડે છે.

વૅકેશનની શરૃઆત થઈ ત્યારથી જ વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી અનેક સોશિયલ સાઇટ્સ પર મેસેજ ફરતા થયા છે કે, ‘મામાના ઘેર હવે ગાડું નહીં, ગાડીઓ છે, ભાઈની ઝૂંપડી નહીં, મહેલ છે, રાંધવાવાળી મામી નહીં, મહારાજ છે, સૂવા માટે ભોંયપથારી નહીં, એ.સી. રૃમ છે, બધી જ સુખ સાહ્યબી છે… બસ, નથી તો મામાનો કાગળ કે.. બહેન ભાણિયાઓને લઈને વૅકેશન કરવા ક્યારે આવીશ..?’ તો સાથે એવા પણ મેસેજ વાંચવા મળે છે કે બહેન દીકરી તમારી પાસે કોઈ જ અપેક્ષા નથી રાખતી. બસ, તેને પ્રેમથી રહેવા બોલાવો, તે જ તેના માટે ઘણું છે. એક સમય એવો હતો કે પરીક્ષાનું છેલ્લું પેપર આપીને બાળક ઘરે આવે ત્યારે તો મામા, માસી કે ફોઈ તેને લેવા આવી જ ગયા હોય. મહિનાઓ અગાઉ તો કાગળ લખાતો કે વૅકેશનમાં વહેલી આવજે બહેન અને હા, આ વખતે આખું વૅકેશન રહેવાનું છે, વચ્ચે જવા નહીં દઉં. હવે એ ઉમળકા અને ખુશી જોવા નથી મળતી. મામાનું ઘર તો આજે પણ છે, પરંતુ માત્ર બે દિવસની મહેમાનગતિ માણવા માટે, કારણ કે હવે બધા વ્યસ્ત બની ગયા છે. મામા-મામી બંને નોકરી કરતાં થયાં છે.

આજનાં બાળકો માટે વૅકેશન એટલે વૉટરપાર્ક, સમર કેમ્પ અને બહાર ફરવા જવાનું, એમ કહેતા વડોદરાના તેજલ બ્રહ્મભટ્ટ કહે છે, ‘અમારા સમયમાં તો દાદા,દાદી, મામા-મામી બધાના સમાચાર આવી જતા અને મામા તો જાતે લેવા પણ આવતા. અમે મામાના ઘરે જઈએ. પંદરેક દિવસ થાય એટલે નાની મામીને પિયર મોકલતા. આમ અમે મામાના ઘરે અને મામી પણ પોતાના પિયર જવાની મજા લેતા. મારો ભાઈ મારાથી નાનો છે તે પણ વૅકેશનમાં ફોન કરે છે, પરંતુ ભાઈ-ભાભી નોકરી કરે છે, પપ્પા નથી. મમ્મી છે, પણ ભાઈનાં બાળકો સમર કેમ્પમાં હોય છે માટે મારા બાળકોને એકલા ગમતંુ નથી. માટે હું તો બે ત્રણ દિવસ ભાભીને રજા હોય અને તેમને અનુકૂળ હોય તેવી રીતે પિયર જઈ આવું છું. બાકીનું વૅકેશન બાળકો માટે કંઈક એરેન્જ કરવું પડે છે.’

આ અંગે ગીતા પટેલ કહે છે, ‘ભાઈ તો નથી, પરંતુ કાકાના દીકરા સાથે બાળપણથી જ સગા ભાઈની જેમ રહ્યા છીએ. માટે મારી ખ્યાતિને તો તે જ મામા છે. અમે એક જ શહેરમાં રહીએ છીએ. માટે વારંવાર મળવાનું થતું રહે છે, પણ હા, વૅકેશનમાં ભાભી ખાસ આગ્રહ કરીનેે રહેવા માટે બોલાવે છે. ભાભી હાઉસ વાઇફ છે. માટે અમે પણ દસેક દિવસ રજાની મજા લઈએ છીએ. પરત ફરતા ભત્રીજાઓને સાથે લેતી આવું છું. જેથી તેમને પણ વૅકેશનમાં મજા આવે. સમય જરૃર બદલાયો છે. લાઇફ ઘણી જ ફાસ્ટ થઈ છે. છતાં હજુ પણ વૅકેશનની મજા તો છે જ.’

હું સુરત રહંુ છું અને મારું પિયર કલોલની પાસે આવેલું કાકાનું તારાપુર છે જે નાનું ગામડું છે તેમ કહેતાં રુદ્રી ભટ્ટ કહે છે, ‘ઘરમાં અમે બધા નોકરી કરીએ છીએ માટે પિયર જવાનું ઘણુ ઓછું થાય છે. રક્ષા બંધન પર પણ હું રાખડી પોસ્ટ જ કરું છું. બે ભાઈની એકની એક બહેન છું અને પપ્પાની પરી. માટે મને મળવા બધા આતુર હોય છે. શિવમ અને ગાર્ગી બે સંતાનોને લઈને વર્ષમાં એક વાર એટલે કે વૅકેશનમાં હું મારા ગામડે જાઉ છું. પંદર દિવસની રજા મુકીને અમે ચારે જણા વૅકેશન માણીએ છીએ. મારા બાળકોને ગામડામાં રહેવું ઍડવેન્ચર જેવું લાગે છે. ભાઈઓ- ભાભીઓ, મમ્મી- પપ્પા બધા આગળ પાછળ ફરે છે. ઉનાળાના વૅકેશનની મજા જ કંઈક અલગ છે.’

વૅકેશનમાં કોઈકને રજાની મજા મળે છે તો કોઈકને રજાની સજા. દરેક બાળક મામાના ઘરે જઈને મજા નથી કરી શકતાં. હકીકતમાં તો આજનાં બાળકો વીડિયો ગેમ અને ટીવી કાર્ટૂનોમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છે કે રિયલ વૅકેશન શું હોય તેની જાણ જ નથી. નથી કોઈ ગિલ્લીદંડા રમતંુ કે નથી રમાતી લંગડી, સાતોડિયું, ફેરફુંદરડી કે પછી થપ્પો ભુલાઈ ગયા છે. નદી કે પર્વત, આઇસ-પાઇસ, લખોટી, ચચૂકા, ફોટા, છાપો આ બધંુ માત્ર નામનું જ રહ્યું છે.

વૅકેશનમાં ટોળે વળીને રમાતો નવો વેપાર આજે ટાઇમ પાસ જેવો છે. માતા-પિતાને પણ એટલો સમય નથી કે બાળકોને વીસરાયેલી રમતોે રમાડી શકે કે પછી મામાના ઘરે લઈ જઈને પોતાની યાદો વાગોળી શકે. મામા પણ પોતાના કામમાં વ્યસ્ત બન્યા છે અને મામી માટે ભાણિયાઓ માથાનો દુખાવો. રહ્યાં દીકરીનાં માતા-પિતા તો તે નિવૃત્ત બનીને કઈ બોલી શકતાં નથી. માટે આજનું વૅકેશન ઇન્ડોર કરતાં આઉટડોર વધુ બની ગયું છે.

વૅકેશન પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હજુ પણ સમય છે જૂની યાદો તાજી કરવાનો, અમે ચાર ચકલીઓ..અમે દાદાની દીકરીઓ..દાદા ચપટી ચોખા આપે..અમે કાલ ઊડી જઈશું.., જેવી કવિતાઓ ગાવાનો. સંતાનોને મામાના ઘરે લઈ જવાનો અને બહેન ભાણેજને પોતાના ઘરે બોલાવવાનો હજુ પણ સમય છે. આ સમય જતો રહેશે તો માત્ર એટલું જ કહી શકશો કે યે દોલત ભી લે લો..યે શોહરત ભી લે લો, છીનલો મુઝસે મેરી જવાની..મગર મુજકો લોટા દો બચપન કા સાવન… વો કાગઝ કી કસ્તી વો બારીસ કા પાની..!

———————————-.

હેતલ રાવ.
Comments (0)
Add Comment