બોલો, ભજન ગાવા છે કે સરકારી  નોકરી કરવી છે? નક્કી કરો…!

નાનપણમાં દાદા પાસેથી છંદ શીખ્યા

સંવાદ – દેવેન્દ્ર જાની

પંખીડાં હો પંખીડાં..માવાની મોરલીએ..તું રંગાઈ જાને રંગમાં..ઊંચી મેડી રે મારા સંતની રે..આવા અનેક ગીતો-ભજનો જેમના કંઠે ગવાઈને લોકપ્રિયતાની ટોચ પર પહોંચ્યા છે એવા ભજનિક હેમંત ચોૈહાણની સંગીતની સફરને ચાર દાયકા કરતાં વધુ સમય થયો છે. ૮૦૦૦ જેટલાં ભક્તિગીતો ગાવાનો તેમણે હમણાં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. સફળતાની ટોચ પર પહોંચવા છતાં સરળ રહેવું એ જેમના સ્વભાવમાં છે તેવા આ કલાકારે ‘અભિયાન’ સાથેની ખાસ મુલાકાતમાં તેમની સંઘર્ષભરી સફરની અનેક અજાણી વાતો કરી હતી આવો જોઈએ.

રામસાગર..આ એક પ્રાચીન વાદ્યનું નામ છે, પણ રાજકોટના રાજનગર ચોકમાં જઈને કોઈ કહે કે હેમંતભાઈનું ઘર ક્યાં આવ્યું એટલે કોઈ પણ આંગળી ચીંધીને બતાવે છે કે પેટ્રોલ પંપની આગળની શેરીમાં જતા રહો, રામસાગર લખેલું આવે ત્યાં ઊભા રહી જજો. બસ, એ જ તેમનું ઘર..ઘરમાં પ્રવેશતાની સાથે જ કોઈ કલાકારનું ઘર હોય તેવું લાગ્યા વિના ન રહે, કારણ કે ડ્રોઇંગ રૃમમાં જ ટેબલ પર જ હાર્મોનિયમ પડ્યું હતું. ગુજરાતના ટોચના કલાકાર હોવા છતાં તેમનો સહજ સ્વભાવ અને વાણી – વર્તનમાં સાદગી સહુ કોઈને સ્પર્શી જાય તેવી હતી. હેમંત ચૌહાણ વિશે આજે તો ગૂગલ પર સર્ચ કરો તો તેમનાં ભજનો અને પરિચયની અનેક લિંક ખૂલે છે, પણ આજે અમારે હેમંત ચૌહાણના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી હતી. રસ એ હતો કે એવું તો શું બન્યું કે જસદણ તાલુકાના નાનકડા એવા કુંદણી ગામનો એક છોકરો આજે લોકસંગીતની દુનિયામાં ગુજરાતના સીમાડા વટાવીને સફળતાના શિખર સુધી પહોંચ્યો છે. સવારનો સમય હતો. હેમંતભાઈ તેમના સન્માનના કાર્યક્રમના આમંત્રણ મહાનુભાવોને આપવા જવાના કામનું પ્લાનિંગ કરતા હતા. છતાં લગભગ સવા કલાક સુધી તેઓ અમારી સાથે ચર્ચા કરતા રહ્યા. કોઈ આડંબર નહીં, નિખાલસતાથી તેમણે જીવન અને સંગીતની સફરનાં અનેક પાસાંઓની ચર્ચા કરી હતી.

નાનપણમાં દાદા પાસેથી છંદ શીખ્યા
કુંદણી ગામમાં નાનપણ પસાર થયું હતું. તેમના દાદા રામજીભાઈ છંદ સારા ગાતા હતા. હેમંતભાઈ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડતા કહે છે, ‘ગામમાં દાદા જ્યારે ખૂમચો ખભે નાખીને નદીએ નહાવા જતા હતા ત્યારે હું તેમના ખભે બેસી જતો હતો. દાદા છંદ બોલે અને ખભા પર બેઠો-બેઠો સામે બોલંુ. આમ છંદ નાનપણથી દાદા પાસેથી શીખ્યા હતા. મતલબ કે વારસામાં જ ગાયકી મળી છે. ટૂંકમાં એમ કહી શકાય કે એકડો આવડતો ન હતો ત્યારથી ભજન અને છંદ ગાવાનું શરૃ કર્યું છે. ગામડામાં એક સામાન્ય પરિવારમાં રહેતા હતા. કોઈ સુખ સગવડો ન હતી. માંડ-માંડ ગુજરાન ચાલતું હતું, પણ નાનપણથી ભજન પ્રત્યેની ભાવના હતી. કુંદણી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. નવાઈ લાગશે, પણ પાંચમા ધોરણ સુધી મને કાંઈ આવડતું જ ન હતું. માસ્તર એમ કહેતા તારે નિશાળમાં માત્ર ભજન જ ગાવાના છે, પરીક્ષાની આજના જેવી એ વખતે કોઈ ચિંતા ન હતી. શાળામાં ભજન ગાવ એટલે માસ્તર પાસ કરી દેતા હતા. હું ભજન ગાઈને પાંચ ધોરણ સુધી પાસ થતો આવ્યો હતો. સાતમા ધોરણમાં ત્રંબા છાત્રાલયમાં રહીને ભણવા આવ્યો હતો. એક વર્ષ ભણ્યો ફરી જસદણ આવ્યો, આઠમું ધોરણ ભણ્યો. બન્યું એવું કે ત્રંબાની શાળામાં પ્રાર્થનામાં કોઈ છોકરો ભજન ગાવાવાળો મળતો ન હતો એટલે શિક્ષક રમણિકલાલ મને ગોતતા જસદણ ઘરે આવ્યા અને મને કહે તને તેડવા આવ્યો છું. ત્રંબાની નિશાળમાં કોઈ ગાવાવાળું નથી. હું તૈયાર થઈ ગયો અને ફરી બે વર્ષ ૧૧- ૧ર ત્રંબામાં કર્યા.’

ઈકોનોમિક્સ સાથે મેળ ન પડ્યો
‘રાજકોટની વિરાણી કૉલેજમાં આટ્ર્સ રાખીને કૉલેજ શરૃ કરી. વિષય ઇકોનોમિક્સ રાખ્યો. હવે હું ભજન – કીર્તનનો માણસ, ઇકોનોમિક્સ સાથે મેળ બેસે નહીં, પણ શું કરવું, કંઈ છૂટકો ન હતો. સંગીત શીખવા ચૌધરી હાઈસ્કૂલ પાસે એક કૉલેજમાં જવાનું વિચાર્યું. કૉલેજમાં ગયો, સંગીતના ક્લાસ માટે વાત કરી તો મહિનાના સાત રૃપિયા ફી હતી.’ હેમંતભાઈ કહે છે, ‘એ વખતે મારી સ્થિતિ એવી ન હતી કે હું સાત રૃપિયા ફી ભરી શકું. સંગીતના શિક્ષક બાબુભાઈ અંધારિયાને મેં વાત કરી તેઓ કહે, કંઈ વાંધો નહીં, મારો પગાર થઈ ગયો છે હું તારી ફી ભરી આપીશ. આજના સમયમાં આવા શિક્ષક મળવા એ મુશ્કેલ છે. તેમણે મારી અંદર છુપાયેલી કળા અને લગનને પારખી અને મારી ફી ભરી આપી હતી. પછી બે – ચાર રૃપિયા ભેગા થતા તો હું તેમને પરત આપતો હતો. મને સંગીતનું પાયાનું જ્ઞાન તેમની પાસેથી મળ્યું છે. જીવનમાં તેમને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી.’

સંગીતની સાધનાને પૈસાથી નથી તોલી
‘આજે કલાકાર તરીકેની કરિયરમાં સફળતાની ચાંદી જોવા મળે છે, પણ તેની પાછળ ખૂબ પરિશ્રમનો પરસેવો પડ્યો છે, પણ દરેકના એકસરખા દિવસ રહેતા નથી. નિયત સારી હોય તો અવશ્ય તેનું પરિણામ સારું જ મળે છે. આજે મને કાર્યક્રમના ભલે હજારો – લાખો મળતા હોય, પણ મેં એવા પણ દિવસો જોયા છે કે શરૃઆતના દિવસોમાં ભજન ગાવા જતો હતો તો પાંચ રૃપિયા મળતા હતા છતાં પણ ખુશ હતો. પછી પ૧ થયા પછી પાંચસો એમ વધતા ગયા, પણ ક્યારેય નિરાશ થયો નથી. આખી રાત કાર્યક્રમમાં કાઢી હોય અને સવારે મોટરસાઇકલ પર પાછલી સીટમાં બેસીને નીંદર કરી હોય તેવા દિવસો પણ જોયા છે. ક્યારેક તો એસ.ટી.માં ઊભા-ઊભા ઝોલા ખાઈ લેતા હતા. મેં ક્યારેય પણ સંંગીતની સાધનાને પૈસાથી તોલી નથી. કાર્યક્રમ રાજમહેલમાં હોય કે ઝૂંપડપટ્ટીમાં હોય એ જ લગનથી ગાવાનું તેમાં કોઈ ફરક ન પડે.’

મંચ પરથી ઝભ્ભા ખેંચનારા પણ જોયા છે
હેમંતભાઈ કહે છે, ‘કલાકારની જિંદગી એટલે લોકો તાળિયો પાડે..વાહ વાહ કરે એવી ઉજળી જ નથી. કલાકારની દુનિયામાં પણ અન્ય ક્ષેત્રોની જેમ હરીફાઈ અનેક જોખમો છે. કલાકાર તરીકેની મારી લાંબી સફરમાં મેં એવા પણ લોકો જોયા છે જે પાછળથી ઝભ્ભા ખેંચવાનું કામ કરે છે. મુંબઈમાં એક કાર્યક્રમ હતો મને ચાર વખત ભજન ગવરાવ્યું હતું. એક વાર મને સ્ટેજ પરથી ઉઠાડવા માટે તાળિયું પડાવવામાં આવી હતી. હું કોઈનંુ નામ લેવા માગતો નથી, પણ એક વાર એવું પણ બન્યું કે મંચ પરથી ગાતા હોઈએ ત્યારે પાછળથી ઝભ્ભો ખેંચાયો. મેં પાછું વળીને જોયું તો કેેસેટ રિવાન્ડ કરીએ તેમ આંગળી ફેરવી એટલે હું સમજી ગયો કે મારે હવે પૂરું કરવાનું છે.’

રાજકોેટ આરટીઓમાં નોકરી કરી
બહુ ઓછા લોકોને ખબર હશે કે હેમંત ચૌહાણ એક સમયે આરટીઓ રાજકોટમાં નોકરી કરતા હતા. બી.એ. પાસ થયા પછી ક્લાર્કની પરીક્ષામાં પાસ થયા અને જસદણ મામલતદાર કચેરીમાં કારકુનની નોકરી મળી હતી. બાદમાં તેમને રાજકોટ આરટીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મૂળ ભજનિક જીવ એટલે સરકારી નોકરીમાં ફાવે નહીં, પણ ગુજરાન ચલાવવા નોકરી કર્યા સિવાય છૂટકો ન હતો. હેમંતભાઈ નોકરીના દિવસો યાદ કરતા કહે છે, ‘૧૯૭૬થી ૧૯૮૭ સુધી સરકારી નોકરી કરી હતી. જોગાનુજોગ લગ્નના દિવસે જ સરકારી નોકરીનો ઓર્ડર મળ્યો હતો. એક વખત રાજકોટ આરટીઓ ઑફિસમાં કામ કરતો હતો. મારા ટેબલમાં ભજનની ચોપડીઓ હતી તે હું વાંચતો હતો. એવામાં આરટીઓ સાહેબ આવ્યા. મને કહે, ‘આ શું છે?’ મેં કહ્યું,  સાહેબ હું તો ભજનનો ચાહક છું. એટલે..સાહેબ કહે, ‘નોકરી કરવી છે કે ભજન નક્કી કરો.’ બસ, પછી નક્કી કર્યું કે નોકરી નથી કરવી. ઘરે આવ્યો. બાને વાત કરી કે નોકરી છોડી દીધી. બા કહે કે, ‘નોકરી વગર ખાશું શું?’ બાને જવાબ આપી દીધો કે હવે કાર્યક્રમો ઠીક-ઠીક ચાલે છે. નહીં વાંધો આવે. અંતે ભજન માટે નોકરી છોડી દીધી.’

લતાજી સાથેની મુલાકાત યાદગાર રહી
‘અત્યાર સુધીમાં અનેક નામી – અનામી કલાકારોને મળવાનું થયું, પણ મુંબઈમાં લતાજીને મળ્યો હતો તે યાદગાર ઘડી હતી. તબિયત સારી ન હોવાથી પાંચેક મિનિટ મળવા રાજી થયેલા લતા મંગેશકર સાથે દોઢેક કલાક સુધી મુલાકાત થઈ તે યાદગાર રહી હતી. પ્રાણભાઈ વ્યાસ સાથે પણ મારો મિત્રતાનો નાતો રહ્યો હતો. પ્રાણભાઈએ દુનિયા છોડી તેના એકાદ વર્ષ પહેલાં બોલાવ્યો હતો અને તેમની પાસે ભજનનાં ખૂબ અલભ્ય એવાં પુસ્તકો હતાં. તે મને આપીને કહે, આ તમારે સાચવવાના છે. આજે પણ મારા ઘરે આ પુસ્તકોને કબાટમાં મેં એક મૂડીની જેમ સાચવ્યા છે.’ (હેમંતભાઈએ આ પર્સનલ લાઇબ્રેરીમાં સાચવેલાં આ પુસ્તકો અમને બતાવ્યા હતા)

પૈસા ન હતા, લોકગીતો-છંદો લખતો
‘એક સમય હતો કે મારી પાસે પૈસા ન હતા એટલે ભજનો લખવા માટે ગુજરી બજારમાં જતો હતો. ગુજરી બજારમાં નામાના મોટા ચોપડા જેનાં પાનાં પીળા પડી ગયાં હોય તેવા સસ્તામાં મળતા હતા. આ ચોપડાઓ લાવીને હું ભજનો – લોકગીતો અને છંદો લખતો હતો. આ ચોપડા હજુ પણ મારી પાસે મોજૂદ છે.’

———————————-.

દેવેન્દ્ર જાનીહેમંત ચૌહાણ
Comments (0)
Add Comment