પશ્ચિમ બંગાળમાં પંચાયતોની ચૂંટણી લોહિયાળ બની

સત્તા મેળવવા બોમ્બ અને બંદૂકનો ઉપયોગ એ પશ્ચિમ બંગાળની પંચાયતની સામાન્ય બાબત

ઘટનાચક્ર

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયતોની ચૂંટણીએ દેશનું ધ્યાન એટલા માટે ખેંચ્યું છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં સૌથી હિંસક ચૂંટણી આ હતી. સત્તા મેળવવા બોમ્બ અને બંદૂકનો ઉપયોગ એ પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં સામાન્ય બાબત રહી હતી. રાજ્યના રપમાંથી ૧પ જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. એટલું જ નહીં, ૧૩ લોકોનાં મોત અને ૪૭ લોકો ઘાયલ થયા હતાં. મત માટે લોહી રેડાયું હતું. સોમવાર તા. ૧૪ મી મેના રોજ પશ્ચિમ બંગાળમાં ત્રિસ્તરીય પંચાયતો માટે મતદાન થયું હતંુ. પંચાયતોમાં સત્તા પર કબજો જાળવી રાખવા માટે હિંસા પર શાસક પક્ષ તૃણમૃલ કોંગ્રેસના કાર્યકતાઓ બેફામ બનીને ઊતર્યા હતા અને મતદાન કેન્દ્રો પર ભયનો માહોલ ઊભો કર્યો હતો તેવો વિપક્ષી દળોએ આરોપ મૂક્યો છે. જે રીતે પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીમાં હિંસા વચ્ચે મતદાન થયું એ લોકશાહી મૂલ્યો માટેના અનેક સવાલો ઊભા કરે છે. શાંતિ, સદ્ભાવના, સુરક્ષા જેવા શબ્દો શું ચૂંટણીના પ્રચાર પૂરતા જ મર્યાદિત છે તેવા સવાલો આ પ્રકારની ચૂંટણી જોયા પછી થયા વગરના રહેતા નથી.

પશ્ચિમ બંગાળમાં જ્યારે ડાબેરીઓનું શાસન હતું ત્યારે ગ્રામીણ વિસ્તારો પર કબજો જમાવવા માટે પંચાયતોની ચૂંટણીઓમાં હિંસક તત્ત્વોને જાણે છૂટ અપાતી હોય તેવા દ્રશ્યો જોવા મળતાં હતાં. બંગાળમાં શાસન બદલાયું, પણ હિંસાની આ રીત ન બદલાઈ. મમતા બેનર્જીના શાસનમાં બંગાળમાં પરિવર્તન આવશે, લોકો અરાજકાતાના વાતાવરણમાંથી આઝાદ થશે, પણ આ અરમાનો અધૂરા જ રહ્યા છે. મમતાના શાસનમાં પણ પંચાયતોની ચૂંટણીમાં જે રીતે હિંસા થઈ છે તે જોતા એવું લાગે છે કે ગ્રામીણ વિસ્તારોની પંચાયતોમાં શાસન મેળવવા હિંસાનો માર્ગ જ અખત્યાર કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે અને કોઈ પણ શાસકો હોય તે આ જ પ્રકારનો શિરસ્તો અપનાવી રહ્યા છેે.

પશ્ચિમ બંગાળમાં ૩૧૭૩૬ ગ્રામ પંચાયત, ૬૧પ૮ પંચાયત સમિતિ  અને ૬રર જિલ્લા પરિષદ એમ ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી યોજાઈ હતી. હિંસા વચ્ચે ૭૩ ટકાથી વધુ મતદાન થયું હતંુ હવે ૧૭ મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. દક્ષિણ પરગના ર૪, પૂર્વ મિદનાપુર, બર્દવન, દક્ષિણ દિનાજપુર, મુર્શિદાબાદ,નદિન સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ હિંસા જોવા મળી હતી. મતદાન કેન્દ્રો પર દેશી બમ્બ ફેંકવામાં આવ્યા હતા. ફાયરિંગ કરી મતદારોને ભયભીત કરવામાં આવ્યા હતા. મતપેટીઓ સળગાવવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાઓ તો મોટા ભાગના જિલ્લાઓમાં નોંધાઈ હતી. પંચાયતની આ ચૂંટણીમાં ૧૩ લોકો હોમાઈ ગયા છે. દક્ષિણ પરગના ર૪ જિલ્લામાં તો એક કોમ્યુનિસ્ટ કાર્યકર્તા અને તેની પત્નીને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સહુ કોઈને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ બંગાળમાં થયેલી હિંસાનો રાજ્ય પાસેથી અહેવાલ મંગાવ્યો છે.  મમતા બેનરજીના પક્ષ દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે હિંસા આચરનારા અમારા પક્ષના કાર્યકરો નથી. ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે બંગાળમાં બેશર્મ થઈ છે સરકાર, આવી સરકાર પાસે બંધારણીય વર્તનની અપેક્ષા રાખી ન શકાય.

પ.બંગાળમાં ૯૦ ટકાથી વધુ પંચાયતો પર મમતાના તૃણમૃલ પક્ષનો કબજો છે. લોકસભાની ચૂંટણી પહેલાની આ સૌથી મોટી ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી ર૦૧૯માં યોજાય ત્યારે પંચાયતો પર પોતાનો કબજો હોય તેવું શાસક પક્ષ ઇચ્છી રહ્યો છે, પણ સવાલ એ છે કે શાસન લેવા માટે હિંસાનો સહારો જ લેવામાં આવે તે કેટલું યોગ્ય છે. સ્થાનિક લોકો હિંસામુક્ત પ.બંગાળ ઇચ્છી રહ્યા છે, પણ શાસકો કંઈક જુદું જ વિચારી રહ્યા છે?

-‘અભિયાન’ ડેસ્ક
——————.

પંચાયત ચૂંટણીપશ્ચિમ બંગાલલોહિયાળ
Comments (0)
Add Comment