છલોછલ દેશ-માતા પ્રેમની કહાણી કહેતી વિરલ આત્મકથા

ઉસ પથ પર તુમ દેના ફેંક માતૃભૂમિ કી બલિવેદી પર
  • વિષ્ણુ પંડ્યા

 છલોછલ દેશ-માતા પ્રેમની કહાણી કહેતી વિરલ આત્મકથા

આજે પણ વાત તો કરવી છે રામપ્રસાદ બિસ્મિલની, પણ જરાક અલગ નજરે. દુનિયામાં એવા વિરલા કોઈક જ હોય છે જે મૃત્યુને પણ ઉત્સવ ગણે અને તેમાં પણ નક્કી સમય હોય કે અમુક દિવસે, અમુક સમયે ફાંસી અપાશે અથવા ગોળીએ દેવામાં આવશે કે પછી તોપના ગોળે ઉડાવી દેવાશે, ત્યારે-
ત્યારે હાથવેંત છેટા મોતને આવકારનારાઓનાં દિલોદિમાગ કેવાં હશે? શું વિચારતા હશે તે ક્ષણે?
તાત્યા ટોપે. બહાદુર શાહ ઝફર.

મંગલ પાંડે. ખુદીરામ બોઝ. પ્રફુલ્લ ચાકી. સોહનલાલ પાઠક. અશફાકઉલ્લા ખાન. રાજેન્દ્રનાથ લાહિડી. રોશનસિંહ ઠાકર. સરદાર ઉધમસિંહ. મદનલાલ ધીંગરા. કરતારસિંહ સરાબા. જતીન દાસ. ચન્દ્રશેખર આઝાદ. ભગવતીચરણ બોહરા. શચીન્દ્રનાથ સાન્યાલ. યોગેશચંદ્ર ચેટરજી. ગોવિંદચરણ કર. શચીન્દ્રનાથ બક્ષી. મુકન્દીલાલ ગુપ્ત. પ્રીતિલતા વદેદાર. માસ્ટરદા સૂર્યસેન. સરદાર ભગતસિંહ. શિવરામ રાજગુરુ. સુખદેવ થાપર…

આ થોડાંક જ નામો, બધાં જ બધાં મૃત્યુનું શ્રેષ્ઠ વરણ કરનારાં પાત્રો. તેમની અંતિમ અભિલાષા પણ કેવી?

ચાહ નહીં મૈં સુરબાલા કે ગહનોંમેં ગૂંથા જાઉ
ચાહ નહીં… મુઝે તોડ દેના વનમાલી

ઉસ પથ પર તુમ દેના ફેંક માતૃભૂમિ કી બલિવેદી પર
જિસ પથ જાયે વીર અનેક!

રામપ્રસાદ બિસ્મિલની આત્મકથામાં દરેક શબ્દે માતૃશક્તિનો વિરાટ પ્રેમ વ્યક્ત થાય છે,
માતા. દેશમાતા. જગન્માતા.

આ વિવિધ સંવેદનાને સમર્પિત પુષ્પો હતાં. એ વ્યક્ત કરવા માટે રામપ્રસાદે લખી આત્મકથા અને તે પણ ફાંસીએ ચડવાના થોડાક કલાક પહેલાં! કેટલા કલાક? માત્ર અડતાળીસ!

પંડિત બનારસીદાસ ચતુર્વેદી નામ ભારતીય ક્રાંતિકથાને સમાજ સમક્ષ લાવનારા વિદ્વાન સાહિત્યકાર તરીકે ખ્યાત છે, તેમણે બિસ્મિલની આત્મકથા (જે હિન્દીમાં લખાઈ હતી) પ્રકાશિત કરી. ૧૯૬૬માં જ્યારે આત્મારામ એંડ સન્સ (જુઓ, કેટલાક પ્રકાશકો પણ આવી વિરલ ભાવના સાથે પ્રકાશન કરતા હતા) દ્વારા પ્રકાશિત થઈ ત્યારે તેનું મૂલ્ય ત્રણ રૃપિયા હતું. તે પણ ત્રીજી આવૃત્તિ હતી. બનારસીદાસની કાકોરી કે શહીદપુસ્તકમાં આ આત્મકથા વાંચવા મળે છે.

બનારસીદાસે લખ્યું છેઃ હિન્દી અને અંગ્રેજીનાં ઘણા જીવનચરિત્રો વાંચવાનો મને મોકો મળ્યો છે અને આપણે વિના સંકોચ કહી શકીએ કે રામપ્રસાદ બિસ્મિલનું આત્મચરિત હિન્દીની સર્વશ્રેષ્ઠ આત્મકથા છે.

કેવી પરિસ્થિતિ હતી તે? જેલની અંધારકોટડી. આસપાસ બીજી બેરેક. જેલ સત્તાવાળાઓનો ભરી બંદૂકે પહેરો. વારંવાર પૂછપરછ, બંધ લોખંડી દરવાજો સવારે ખૂલે અને સાંજે ગિનતીકરવામાં આવે. કપડાં પણ કેદીનાં જ. ઘૂંટણ સુધીની ચડ્ડી, ખમીસ અને માથે જેલ-ટોપી.

રામપ્રસાદ આ સંજોગોમાં પોતાની આત્મકથાનો આરંભ કરે છે, આ શબ્દોમાં ઃ
આજે ૧૬ ડિસેમ્બર, ૧૯ર૭. નીચેની પંક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યો છું, એવી પળે- જ્યારે ૧૯ ડિસેમ્બર, સોમવાર (પોષ કૃષ્ણ અગિયારસ, સંવત ૧૯૮૪) સવારે સાડા છ વાગે આ દેહને ફાંસીએ લટકાવી દેવાનો દિવસ નક્કી છે. એટલે નિયત સમય પર ઇહલીલા સંકેલવાની આવશે.

અને લેખકે એ ઘટના પણ નોંધી કે બિસ્મિલની છેલ્લી કવિતા કઈ હતી?
માલિક તેરી રજા રહે ઔર તૂ હી તૂ રહે
બાકી ન મૈં રહું ન મેરી આરઝૂ રહે.

જબ તક કિ તન મેં જાન રગો મેં લહુ રહે
તેરા હી જિક્ર થાતેરી હી જુસ્તજૂ રહે!

અને પછી અંગ્રેજી ભાષામાં- આઈ વિશ ધ ડાઉન ફોલ ઓફ ધ બ્રિટિશ એમ્પાયર.

અને છેલ્લો શ્લોક-

વિશ્વાનિદેવાનિ સવિતુર્દુરિતાનિ…

૧ર૬ પાનાંની આ કહાણી. બિસ્મિલની ભાષામાં ફનાગીરીનો રણકાર છે, પ્રવૃત્તિમાં પડેલી કુરબાનીનો અંદાજ છે, સંગઠનના મૂળ હેતુ- સ્વદેશીપ્રીતિનો- પાને-પાને અહેસાસ છે. તત્કાલીન પરિસ્થિતિની વિગતો છે, આઝાદી આંદોલનની વેગવંતી ધારાને શબ્દોમાં વ્યક્ત કરવાની ખેવના છે. કેવા કઠિન રસ્તે ચાલવાનું હતું તેની વિગતો છે, ક્રાંતિ માટેના સંગઠનને આગળ લઈ જવું અને તે પણ સગવડોના અભાવમાં, નાણાકીય અગવડમાં, જાસૂસો-પોલીસોથી રોજેરોજ સાવધાન રહીને, આ કંઈ આસાન કામ નહોતું. તેનું પરિણામ પણ નિશ્ચિત હતું- મોત. ફાંસી, આંદામાન, તોપ, સામસામે યુદ્ધ- ગમે તે રીતે મહામૃત્યુનું વરણ!

બિસ્મિલઆ આત્મકથામાં લખે છે ઃ
આ કાળકોટડીમાં મને સુયોગ પ્રાપ્ત થયો કે મારી કેટલીક વાતો લખીને દેશવાસીઓને અર્પણ કરું. શક્ય છે કે મારી જિંદગીના અધ્યયનથી કોઈ આત્માનું ભલું થઈ જાય. ભારે કઠિનતાથી આ શુભ અવસર મળ્યો છે.
ને પછી કવિ મિજાજમાં;

મહસૂસ હો રહે હંૈ વાદે ફના કે ઝોંકે
ખૂલને લગે હૈં મુઝ પર અસરાર જિંદગી કે!

અસરારએટલે રહસ્ય. કયું રહસ્ય?

યદિ દેશહિત મરના પડે મુઝ કો સહસ્ત્રો બાર ભી.
તો ભી ન મૈં ઈસ કષ્ટ કો નિજ ધ્યાન મેં લાઉં કભી 

દે ઈશ! ભારતવર્ષ મેં શત બાર મેરા જન્મ હો,
કારણ સદા હી મૃત્યુકા દેશોપકારક કર્મ હો!

બનારસીદાસ આ આત્મકથા વિશે પૂછે છે કે હિન્દી સાહિત્ય જગતમાં કાળકોઠરીમાં મોતના પડછાયે લખાયેલી બીજી કોઈ સાહિત્યિક રચના છે?

નાઝી જર્મનીના ગેસ્ટાપો જુલમમાં શહીદ થયો હતો જુલીયસ ફૂચિક. તેનું પુસ્તક નોટ્સ ફ્રોમ ધ ગૅલોઝછે. તેમાં જેલના મૃત્યુ પૂર્વેના દિવસોની દાસ્તાન છે. દુનિયાની વિવિધ ભાષાઓમાં તે આત્મકથ્ય પ્રકાશિત થયું છે. ભારતના બૌદ્ધિક અધ્યાપકો પણ અભ્યાસક્રમમાં ફૂચિકનું નામ વારંવાર બોલે છે. ફૂચિક તો ૧૯૪૩માં શહીદ થયો અને પછી તેનું પુસ્તક બધે પહોંચ્યું. બિસ્મિલે તો તેના સોળ વર્ષ પહેલાં આ આત્મકથા લખી હતી! રજિસ્ટર આકારના કાગળોની થપ્પી મેળવીને તેમાં પેન્સિલથી લખતા ગયા. એક જેલ વૉર્ડર દેશપ્રેમી હતો તેણે આ કાગળની થપ્પી સ્વદેશઅખબારના તંત્રી દશરથ પ્રસાદ દ્વિવેદીને પહોંચાડી. બધું એકસાથે નહીં, ત્રણેક પ્રયત્નોથી. એમાંની એક થપ્પી શિવ વર્મા મેળવી લાવ્યા. બિસ્મિલનાં માતાના સગા તરીકે છૂપા વેશે બિસ્મિલને મળવા ગયા ત્યારે અંતિમ પાનાં તેમને આપ્યાં, એ પછીનો દિવસ ફાંસીનો હતો! પછી સમગ્ર પ્રત ગણેશશંકર વિદ્યાર્થી પાસે પહોંચાડવામાં આવી. તમામ દેશભક્તોનો એ વિશ્રામ-વડલો હતા. પત્રકાર હતા. પ્રકાશક હતા.

આ આત્મકથામાં સુસંગઠિત પ્રયાસોમાં કેવા અવરોધ આવ્યા તે પણ વાત કરી હતી. બહાર કામ કરનારા ક્રાંતિકારોને લાગ્યું કે એ બધું આપણા નૈતિક બળને નુકસાન કરશે. એટલે બિસ્મિલની આત્મકથાને સંપાદિત કરવામાં આવી છે. ગણેશ શંકરે મોટું જોખમ ઉઠાવીને કાનપુરના પોતાના પ્રતાપમુદ્રણાલયમાં તે છાપી. નામ આપ્યું કાકોરી કે શહીદ.

તોમરધારમાં ચંબલ નદીના કિનારે ગામડે જન્મેલા નારાયણલાલ બિસ્મિલના દાદા થાય. શાહજહાંપુરમાં ત્રણ રૃપિયાના વેતનથી કામ કરનારા દાદાજીથી શરૃઆત કરીને તેમણે પિતાનું શબ્દચિત્ર દોર્યું છે. જયેષ્ઠ શુક્લ અગિયારસ, વિ.સં. ૧૯પ૪ના મારો જન્મ થયો હતો.એમ કહીને તેમણે જીવનકથાને આગળ લંબાવી છે. રામપ્રસાદને પાંચ બહેનો અને ત્રણ ભાઈ હતા, પરંતુ તેમાંથી એક ભાઈ અને ત્રણ બહેનો જ રહી..

બિસ્મિલની કહાણી સામાન્યમાં છૂપાયેલા અસામાન્યઇન્સાનની છે, તેમાં દેશ પ્રત્યેનો અનહદ પ્રેમ સર્વત્ર છે.                   

(ક્રમશઃ)
—————.

પ્રેમકથાવિષ્ણુ પંડ્યા
Comments (0)
Add Comment