શું ‘લખે ગુજરાત, વાંચે વિશ્વ’  જેવું કશું  ક્યારેક થશે?

લખેલી/બોલેલી ભાષાને પામવા માટે પૂર્વ જ્ઞાન એ મુખ્ય ચાલકબળ છે.

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

તૈયાર સાર આપે એ સુભાષિત ‘ને જાતે કાઢવાનો હોય એ કથા
સક્ષમ લખાણ ‘ને વંચાણ વચ્ચે સંતાયેલો શબ્દ હી બ્રહ્મ છે ખફા

એક વાક્ય હોય કે વાત હોય કે કવિતા, વાર્તા યા કોઈ પણ શબ્દમંડળ, શ્રોતા કે વાચક પોતાની રીતે સાંભળે કે વાંચે છે. અર્થનો અનર્થ થાય. અર્થ ના નીકળે. કોઈ નવો જ અર્થ નીકળે. ઘણી શક્યતા હોય. વિશ્વમાં સફળ લેખકોનું એક તારણ છે કે મહદ્ વાચક પોતે જે વાંચી ચૂક્યા છે યા જાણે કે માને છે, તે બધું પુષ્ટ કરે તેવું જ વાંચવાનું પસંદ કરે છે. વાંચવાની કળા તેમ જ જવાબદારી વિષે આપણે ઉદાસીન છીએ અને લખવાની કળા તેમ જ જવાબદારી વિષે? આપણે ગંભીરતાથી વધુ હોશિયાર ‘ને ચોક્કસ થવાની જરૃર છે. અધૂરા સત્ય, કલ્પના કે માન્યતાની વાસ્તવિકતા ‘ને તકનીકી ભૂલો પકડવાની વાચક ફરજ નિભાવે ‘ને લેખક કળા એવમ કારીગરી સિવાય જે ડેટા આપે એમાં ક્ષતિ ના રાખે, યથાર્થ રહે એ આજના સમયમાં ફરજિયાત છે.

બાળભોગ્ય કે ચવાઈ ગયેલા જોકને સાંભળવાનો કંટાળો આવે, પણ વાંચીએ તો અમુક વિચાર આવી શકે. પત્ની કોઈને કહે છે કે તમારા ભાઈ પથારીમાં પડ્યા છે. કેમ? તો કહે કાલે છેક ઉપલા માળેથી નીચે સુધી સીડીમાં લેંઘો ગબડ્યો એટલે. સાંભળનાર દિગ્મૂઢ થાય છે કે લેંઘો પડ્યો એમાં મારો ભાઈ પથારી ભેગો કેવી રીતે થાય? અંતમાં બહેન ખુલાસો કરે છે કે લેંઘામાં તમારા ભાઈ પણ હતા. બીજો એક ટુચકો એથીય ‘ગૂઢ’ છે! સસરાને મળવા કોઈ આવે છે. વહુબહેન રડી પડે છે. કેમ? તો કહે, કાલે સવારે એ પાછળ વાડામાં કોબીનો દડો તોડવા ગયાં હતાં. એમને કોબીજ બહુ ભાવે, પણ કોબીજ તોડે એ પહેલાં એ પોતે ત્યાં જ દડો થઈને પડી ગયાં. મુલાકાતી પૂછે છે- પછી? વહુબહેન કહે છે કે, પછી શું? પછી એકલા બટાકાનું શાક કર્યું. વક્તા કહે છે શું અને શ્રોતા સમજે છે શું! વાચકને કહેવું શું જોઈએ અને લેખક કહે છે શું! ના, અહીં વાંચવાની રીત કે રજૂઆતની રીતની વાત નથી. વાત સીધી અને સ્પષ્ટ છે. શું લખાય છે અને શું વંચાય છે.

એક વાર કોઈ ભાઈ કોઈના ઘરે ગયા. ભાઈ દેખાવમાં સામાન્ય નજરથી જોનારને થોડા ઘણા વિલન લાગે તેવા. એ યુવાન ‘ને યજમાન વૃદ્ધ. એ ભાઈ કોઈ ચિઠ્ઠી આપીને તરત નીકળતા હતા ‘ને યજમાન બોલ્યા કે દૂરથી આવ્યા છો, પાણી તો પીવો. પેલો ખુલ્લા બટન, દાઢી ‘ને કાળા હાથમાં લાંબી ચેઇનવાળી ચાવીનું ઝૂમખું રમાડતો યુવાન સસ્મિત બોલ્યો, ‘ના, પીને આયો છું!’ અને વૃદ્ધ યજમાન એકદમ સિરિયસ- અત્યારે? ચિઠ્ઠીના ચાકર એવા મહેમાનજીએ હસીને કહેવું પડ્યું કે તમેય શું સમજ્યા? હું નથી પીતો. પાણી પીને આયો છું એમ કીધું. જાણીતા અનુભવમાંથી બીજું એક ઉદાહરણ એથી મજાનું છે. એક મિત્ર અમિતાભ બચ્ચનના એન્ગ્રી યંગમેન પ્રકારના પિક્ચર જોઈને ઘર છોડી જાય છે અને બીજે જ દિવસે સવારે વહેલા ઘરે પાછો ફરે છે. બળાપા સાથે ફરિયાદ કરતા એણે કારણ જણાવેલું કે સાલુ આ બચ્ચન ઘર છોડીને જાય છે એવું પિક્ચરમાં બતાવે છે, પણ એ ટોઇલેટ ક્યાં જાય છે એ કદી નથી બતાવતા!

મુદ્દામાં વધુ ઊંડે કે ઊંચે જઈએ. એક કવિ અમદાવાદમાં વર્ષોથી કવિતાની સરસ સેવા કરતી અઠવાડિક બેઠકમાં ત્રીજી વાર ગયા હશે. વારાફરતી કાવ્યનું પઠન ચાલતું હતું, પાછળ વિવેચન પૃથક્કરણ આસ્વાદ વગેરે દોડતા હતા. કોઈ કવિએ કૃષ્ણ વિષયક ગીત રજૂ કર્યું. કાવ્યમાં કૃષ્ણ ‘ને ગોપીઓ મથુરામાં રાસ રમતાં હતાં. ગોકુલ ગામમાં ગોવર્ધન પર્વત ઊંચકવાની વાત હતી. હાજર મહાનુભાવોએ પેલા સભાના લઘુઅનુભવી કવિને એમનો મત પૂછ્યો. એ કવિ બોલ્યા કે રાસ વૃંદાવનમાં રમાયેલો, મથુરા કંસની નગરી. ગોવર્ધન પર્વત જ્યાં હતો એ જગ્યા ગોવર્ધન પોતે છે. આ ચારે જગ્યા ભૂગોળ તથા આધ્યાત્મ/યોગ મુજબ અલગ-અલગ ‘ને એકબીજાથી દૂર છે અને જૂના સભાદારો તૂટી પડ્યા. ના, ગીત સુંદર છે. લયમાં છે. એ બધી વાતો એટલી મહત્ત્વની નથી.

અમારે એક બાને એવું છે કે દરેક કમ્પ્યૂટરમાં બધાં અખબાર હોય જ! એ ઇન્ટરનેટ વિષે અજાણ છે. માહિતી અત્યંત મહત્ત્વની વાત છે. અવલોકન, અનુભવ, અભ્યાસ બધું જ કાચી માહિતી હોય તો તકલીફ કરે. કથાકાર ચંદ્રગુપ્ત મૌર્યને પપૈયું ખાતો બતાવો તો પૂછવું પડે- પાટલીપુત્ર ‘ને સાઉથ અમેરિકા વચ્ચે વેપાર કે સંબંધ હતા? કોઈ પ્રવાસી ત્યાંથી આવેલો? રૃમીની ‘નાશવંત શીશી’ જેવી આધ્યાત્મિક કવિતામાં ‘મારો હાથી તેના હિન્દુસ્તાનના સ્વપ્નમાં ફરીથી વિહર્યા કરે છે.’ લખે ત્યારે વાચકને માહિતી મળે છે કે રૃમીને હિન્દુસ્તાન વિષે ખબર હતી. ત્યાં હાથી હોય તે પણ. કદાચ ઉપનિષદમાં પરમ/બ્રહ્મને હાથીનું પ્રતીક આપ્યું છે તે પણ. રાવણ પર નાટક લખો ‘ને એ ક્રોધી હતો એ વાતને ટેકો આપવા એને નાનપણથી લીલા મરચાં અતિપ્રિય હતા એવું જાહેર કરતા પહેલાં ભારત કે શ્રીલંકામાં મરચાં ઊગતાં હતાં કે નહીં એ ચેક કરવું પડે. મુઘલકાળમાં મરચાં ખાવાનું શરૃ થયું એ સાચું છે કે નહીં તે તપાસ કરવી પડે. રાજસ્થાનના મરુપ્રદેશની વાત હોય તો નાયકને ઘુમ્મર નૃત્ય કરતી પ્રેમિકા મેથી-પાલખના ઢેબરા બનાવીને ખવડાવે છે તેવું બતાવાય? ભાજીને ઊગવા કેટલું પાણી જોઈએ ‘ને કમ પાણીમાં કયું શાક ઊગે એ ભાન હોવું જોઈએ. પંજાબમાં સબ્જી ‘ને સાગ જુદા છે. ગુજરાતીના અહમ્માં મોહિન્દર અમરનાથ પાયજામામાં લાલ રૃમાલ રાખતો એવું લખો તો આજનો તરુણ એવું સમજે કે એ સમયમાં ભારતીય ટીમ પાયજામો પહેરીને ક્રિકેટ રમતી હશે. પેન્ટ એટલે પેન્ટ જ.

બેસ્ટ સેલર ‘કલ્ચરલ લિટરસી એવ્રી અમેરિકન નીડ્ઝ’ના લેખક ‘ને યુનિ. ઓફ વર્જિનીઆના મનોવિજ્ઞાની ડેનિઅલ ૯૮ વર્ષના શિક્ષણવિદ્ ઈ. ડી. હર્ષને યાદ કરીને કહે છે કે લખેલી/બોલેલી ભાષાને પામવા માટે પૂર્વ જ્ઞાન એ મુખ્ય ચાલકબળ છે. તેમનું કહેવું એમ છે કે શાળા સિવાય ઘરે કે બીજે ઇન્ફર્મેશનથી અપડેટ ના રહે તેવા વિદ્યાર્થીઓ ખોટ ભોગવે છે. કોઈ પણ લખાણ સમજવા જે-તે વિષયનું શબ્દભંડોળ પણ હોવું જ જોઈએ અને લેખકોને ઉઘાડા પાડતા એ કહે છે કે લેખકો ઘણી ઘણી માહિતીથી વાચકને વંચિત રાખે છે, કારણ કે એ એમનું લખાણ નીરસ ‘ને લાંબું ના થાય એનું ધ્યાન રાખે છે. ખેર, ગત બે દાયકામાં અમેરિકન વિદ્યાર્થીઓની વાંચનશક્તિમાં સુધારો નથી એટલે આ વાતો એમણે અમેરિકાના દર બે વર્ષે બહાર પડતાં ‘નેશનલ અસેસ્મન્ટ રિપોર્ટ’ માટેની છેલ્લી મિટિંગમાં કહેલી.

આપણે તો વિચારવાનું ‘ને સ્વીકારવાનું છે કે આપણા લખનારાને લખાણ લોકભોગ્ય બનાવવા કરતાં પોતાને માહિતી ભેગી કરવામાં ટૂંકો રસ છે. ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ જેવા ક્વોટ વાગોળવાની મજા આવે. જે પોતાના કામમાં કુશળ હોય એ યોગી? તો તો કૃષ્ણ ભોળો કહેવાય કે ગદાયુદ્ધમાં નંબર વન દુર્યોધનને યોગી ના માને. જૂગટુંમાં નિષ્ણાત શકુનિ યોગી નહોતો. કુશ નામના અત્યંત ધારદાર ઘાસને ચૂંટવામાં કે હેન્ડલ કરવામાં જે આવડત જોઈએ એ કુશળતા. કુશને કોમળતાથી, એકાગ્રતાથી પકડવું પડે. કૃષ્ણ કહે છે કર્મ તમને ઘા ના આપી શકે તેવી રીતે હેન્ડલ કરો. કુશાગ્રતાનો અર્થ પણ એ જ. બેશક, કુશના ફક્ત અગ્ર ભાગને એમણે કર્મના સંદર્ભમાં યુઝ નથી કર્યો. ક્યારેક ગલત યુઝ કરેલો શબ્દ સાંપ્રત વ્યવહારમાં ઘૂસી જાય પછી પીઓકે જેવું થાય છે. ઝેરોક્સ ‘ને સનમાઇકા કંપનીના નામ છે. ફોટોકોપી. લેમિનેટ.

વ્યાકરણ અતિગંભીર મામલો છે, પણ માર્ક કાપી કાઢવા જેવું વ્યાકરણ પુખ્ત વાચકનું માનસ, બુદ્ધિ કે દ્રષ્ટિ બગાડે એ ચાન્સ ઓછા. ફોલ્સ, રોંગ, ઇનકરેક્ટ શબ્દો એમ જ ભિન્ન નથી. ખજૂર ‘ને ખારેક નોખાં. ગોગલ્સ નહીં, ગોગલનું ગુજરાતી ચશ્માં લખો તો ઇનએક્યુરેટ તારણ નીકળી શકે. ઉચ્ચાર અંગેની ગફલત પણ ગંભીર. ઇ-મેલ આઇડી કેપિટલ સ્મોલ મિક્સ લેટરમાં લખો તો કોઈ જ ઇસ્યૂ ના થાય. લખાણમાં માહિતી એ પાસવર્ડ જેટલી નાજુક બાબત. વચ્ચે એક મોટ્ટા અખબારમાં આઇનસ્ટાઇને કોઈને લવલેટર લખેલો એ વાત કશેથી વાંચીને છાપી. એ પાત્રની અટક પિચ્ચિની/પિચીની અને ‘રિપોર્ટ’માં ૩-૪ વાર ગાળ માટે વપરાતો શબ્દ છાપેલો. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ.

કૃષ્ણને તો ગમે તેમ વાપરો કૃષ્ણ જ રહે. આય કૃષ્ણ છે, તેય કૃષ્ણ છે કેમ કે કૃષ્ણમાંથી કૃષ્ણ કાઢો તો જે બચે તે કૃષ્ણ છે, પરંતુ યારાઝ વેચાણ, તાળીઓ ‘ને પુરસ્કારની લ્હાયમાં પોતાનું આગવું ચિંતન મનન સંશોધન કરીએ તો કૃષ્ણ ક્યાંક ‘લેખનસ્ય ગુજરાતી યતાસ્મિ’ બોલ્યા એવું લાગે. ભક્તની વાત છોડો, લેખક/વક્તાએ પાવો, વાંસળી, બંસી એમ ગમે તેમ શબ્દો વાપર્યા પહેલાં જાણવું પડે કે કૃષ્ણ ખરેખર શું વગાડતા? કૃષ્ણ જે બજાવતા એ વંશી પ્રકારની ફ્લૂટ હતી. નવ છિદ્ર. સામાન્યતઃ પંદરેક ઇંચ લાંબી હોય, પણ કૃષ્ણ પાસે એથી લાંબી ‘મહાનંદા’ ઉર્ફે ‘સંમોહિની’ વંશી હતી. એથી લાંબી આકર્ષિણી ‘ને એથી લાંબી આનંદિની. કૃષ્ણ એ સિવાય ચાર વત્તા એક કાણાવાળી અઢારેક ઇંચની મુરલી રાખતા. એ ગોપ હતા ત્યારે ૬ ઇંચથી નાની ૬ વેધવાળી વેણુ કામમાં લેતા. ગોપાલને બે ફૂટિયો વાંસડો વગાડાવતાં પહેલાં ૧૮ વાર વિચારવું જોઈએ.

નેપાળના જંગલમાં સિંહ બતાવવો એ ફેક્ચ્યુઅલ એરર. ગોપાલ ‘ને ગોવિંદ એક કહો યા વસુદેવ ‘ને વાસુદેવ એક સમજો એ ખોટું. શૂઝ ‘ને બૂટ એક ગણવા એ અનઇન્ટેન્શનલ એરર. ગૂફ. બાયોડેટા, રિઝ્યૂમ ‘ને સીવી એક ગણવા જેવી. લાઇ અને ટ્રુથલેસનેસ વચ્ચે ભેદ. ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝની વેબસાઇટ જો જો. કોઈ ફિલ્મમાં લોચા લાપસી હોય તો નોંધ કરી હશે. ‘નિરજા’ ફિલ્મ હોય કે ‘ડનકર્ક’, ક્યાંક ગરબડ થઈ જાય છે તો ક્યાંક કરવામાં આવી હોય છે. આજે વાચક ‘ને શ્રોતા પાસે સમય ઓછો છે. સૌનો ફોકસ નબળો પડ્યો છે. બહુમતને મજા ‘ને પોતાના કામ પૂરતો રસ છે. એવામાં લેખક/વક્તા વધુ મહેનત કરે એ વધુ જરૃરી.

બિંદુ/અનુસ્વારની ભૂલ વગરનું ‘ને મધ્યમવર્ગીય લાગણીને તત્ક્ષણ સારેગામા કરાવી નાખે તેવું ચટપટા અલંકારયુક્ત લોકભોગ્ય લખાણ હોય કે અનન્ય વર્ગની ઉચ્ચઅક્કલનો અહંકાર ‘ને આદર્શકારની કુર્નિશ બજાવ્યા કરતું લખાણ, જો વાચકના મોઢામાં કોળિયા મૂકશે તો આપણે ઠેરના ઠેર જ રહીશું. એવામાં પાછા અમુક તો ચાવીને કોળિયા મોંમાં મૂકે, આઇ મીન સાદી, સીધી, સાત્ત્વિક વગેરે ભાષા વાપરીને એટલે ટૂંકું લખે. વાચકને એવી માહિતીમાં રસ નથી કહો તો બધાં હા પાડે, પણ વાચકને લાભ શેમાં એ જોવું જોઈએ. લખાણ સારું પછી સાચું પહેલાં. ટૂંકું પછી પૂરું પહેલાં. સહેલું પછી કામનું પહેલાં. વાચકને મૂર્ખ બનાવનારા અપવાદરૃપે હશે, પણ વાચકોને બુદ્ધિ, સમજશક્તિ ‘ને જ્ઞાનની દૃષ્ટિએ ઠોઠ ગણનારા ઘણા છે. ઇસરોમાં ‘એવું’ વાંચનારા નથી બેઠા.

ભર્તૃહરિ, શેક્સપિયર ‘ને જિબ્રાન જેવાએ ‘ધીસ પીપલ’ સાધારણ કે મિડિઓકર જ છે ‘ને એમ જ રહેશે એવું માન્યું હોત તો? વંદનીય મેઘાણીના સર્જન ‘ને તે સમયના શિક્ષણ પરથી ત્યારના સરેરાશ ગુજરાતી વાચકની સમજ/આકલન શક્તિનો અંદાજ લગાવી શકશો? ગાયકવાડે લાઇબ્રેરીમાં ગુજરાતીઓની પ્રગતિ માટે બનાવેલી. હંસા મહેતા લાઇબ્રેરી, વડોદરામાં શોર્ટ એન્ડ સિમ્પલ પ્રકારનાં જ પુસ્તકો ભર્યાં છે? આપણે ‘લખે ગુજરાત, વાંચે વિશ્વ’ જેવું કોઈ પરિણામ આવે તે માટે કમર કસવાની છે. આપણે આજે કશું કરીશું તો આવતી પેઢી ફળ પામશે. ગુજરાતીમાંથી ભાષાંતર થાય ‘ને ગોરા દેશોમાં ધૂમ મચાવે ત્યારે ખરી મજ્જા પડે. બાકી અંદરોઅંદરની તાલી તો ક્યાંય નથી જવાની, કોઈ બીજાની નથી થવાની.

બુઝારો
જેમ સર્જનાત્મક લખાણ હોય છે તેમ સર્જનાત્મક વાંચન પણ હોય છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન
——————————-.

ગૌતમ અમીનચર્નિંગ ઘાટ
Comments (0)
Add Comment