મોસમનો મિજાજ
મે મહિનાના પ્રથમ દસ દિવસ દરમિયાન દેશના લગભગ એક ડઝન જેટલાં રાજ્યોમાં ભારે પવન, આંધી-તોફાન સાથે વરસાદ પણ ત્રાટક્યો અને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી. હવામાન ખાતાએ આવા તોફાનની આગાહી ર૪ કલાક પહેલાં કરી હતી. હવામાન ખાતું હવે આવા પૂર્વાનુમાન આપવાની બાબતમાં પહેલાં કરતાં થોડું વધારે ચોક્કસ થયું છે. તેના પૂર્વાનુમાનની ચોકસાઈમાં સુધારો થયો છે. હવામાન ખાતું પાંચ પ્રકારના પૂર્વાનુમાન આપે છે. તેમાં ચોવીસ કલાક પહેલાં ત્વરિત અને ત્રણ દિવસના સમયગાળાના શોર્ટ રેન્જના પૂર્વાનુમાન સાચા ઠરે છે. એ જ રીતે મધ્યમ રેન્જના અનુમાન પણ ચોકસાઈપૂર્ણ હોય છે. જળવાયુ પરિવર્તનને કારણે ઋતુચક્રમાં અનિશ્ચિતતા વધી છે. હવામાન શાસ્ત્રીઓ કહે છે કે આવી ઘટનાઓ હવે વધતી રહેવાની. પર્યાવરણ સાથેની માનવીની છેડછાડને કારણે મોસમ અચાનક મિજાજ બદલે છે. મોસમ વિજ્ઞાનના અભ્યાસીઓ અને પર્યાવરણ તજજ્ઞો એવું કહે છે કે ધરતીનું હિટ એન્જિન પહેલાં કરતાં વધુ સક્રિય બન્યું છે. વરસાદની પેટર્ન બદલાઈ રહી હોવાનું હવે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે. રાજસ્થાનમાં હવે પહેલાં કરતાં વધુ વરસાદ પડે છે તો ઓરિસા, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે. નર્મદા ક્ષેત્રમાં ઓછા વરસાદને કારણે ગુજરાતમાં આ વર્ષે પીવાના પાણીની અછત સર્જાઈ. વરસાદની પેટર્ન બદલાઈ છે તેમાં બીજું પરિવર્તન એવું છે કે બે ચોમાસા વચ્ચેનો સમયગાળો વધી રહ્યો છે. બીજી બાજુ ચોમાસા સિવાય કમોસમી વરસાદની ઘટનાઓ પણ વધી રહી છે. મોસમના આ બદલાતા મિજાજ સામે તેના પૂર્વાનુમાન માટેની ચોકસાઈમાં હજુ વધુ વધારો થવો જોઈએ અને એ માટે હવામાન વિભાગે પગલાં લેવા જોઈએ એવો અભિપ્રાય પર્યાવરણ નિષ્ણાતોનો છે. ત્યારે હવામાન ખાતાની કામગીરીને બિરદાવવા એ વાત પણ કહેવી જોઈએ કે એકી સાથે એક ડઝન જેટલાં રાજ્યોમાં આંધી, તોફાન, વરસાદની ચેતવણી આપીને હવામાન વિભાગે પહેલીવાર આટલા વ્યાપક સ્તરે પૂર્વાનુમાન આપ્યું હતું. મે મહિનાના આરંભે જે આંધી-તોફાન આવ્યાં એ માટે હવામાન ખાતાના વડા ડૉ. કે.જે. રમેશ એવું કહે છે કે, અનેક મોસમી તંત્ર પરસ્પર મિશ્રિત થયા એટલે આંધી-તોફાન જે સીમિત ક્ષેત્રમાં મર્યાદિત રહેવું જોઈતું હતું તેનો વ્યાપ વધી ગયો અને દૂર સુધી ફેલાયાં. આટલા વ્યાપક સ્વરૃપમાં અગાઉ ક્યારેય આવી આંધી-તોફાનની ઘટના સર્જાઈ નથી.
હવામાન અને ઋતુ વિજ્ઞાનમાં સર્જાઈ રહેલી આ અનિશ્ચિતતા માટે ગ્લોબલ વૉર્મિંગ તો સૌથી મહત્ત્વનું કારણ છે જ. તેની અસરમાંથી માત્ર ભારત જ નહીં તો વિશ્વનો કોઈ દેશ બચી શકે તેમ નથી. ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેને કારણે ભારત સહિત દુનિયાભરમાં આંધી-તોફાનની ઘટનાઓ વધશે. મધ્ય-પૂર્વ અમેરિકા, ખાડી પ્રદેશ અને સહારાના રણમાં કરાયેલા અભ્યાસ પછી આ ચેતવણી આપવામાં આવી છે. સંશોધનકારોના જણાવવા પ્રમાણે મોસમ ગરમ થતાં ટેમ્પરેચર ગ્રેડિએન્ટમાં (એટલે કે ઊંચાઈ તરફની દિશામાં ગરમીમાં થતો વધારો) તીવ્ર વધ-ઘટ થવાની શક્યતા છે. ધૂળ સાથેની આંધી, લૂ અને તોફાન સાથે આ પ્રક્રિયાને સાંકળવામાં આવે છે. હવામાનશાસ્ત્રીઓ એવું પણ કહે છે કે ગરમીનો પારો વધવાથી માટીનો ભેજ ખતમ થઈ જશે, જે આંધી-તોફાનમાં ધૂળના પ્રવાહને વધારશે.
મોસમના બદલાતા મિજાજને ભારતે વધુ ગંભીરતાથી લેવાની જરૃર છે. કેમ કે ભારતનું અર્થતંત્ર આજે પણ વરસાદ પર આધારિત છે. જીડીપીમાં ભલે કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઓછો હોય તો પણ કૃષિ ક્ષેત્ર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે, એ મુદ્દાને પણ લક્ષમાં લેવો જોઈએ. મે માસના પહેલા દસ દિવસમાં જ આંધી-તોફાનની ઘટનાઓએ જાનમાલને જે નુકસાન કર્યું એ કદાચ નજીવું હશે, પણ હવામાનશાસ્ત્રીઓને દહેશત એવી છે કે આને કારણે હવે વરસાદના અનુમાન ખોટાં પડવાની સંભાવના છે. અગાઉ હવામાન ખાતાએ દેશમાં સારા ચોમાસાની આગાહી કરતા ૯પ ટકા વરસાદ પડશે એવું કહ્યું હતું. હવે જો આ અનુમાન સાચું ન પડે અને વરસાદમાં વધઘટ થાય તો તેની અસર ભારતના અર્થતંત્ર પર પડ્યા વિના રહે નહીં. એ અર્થમાં તાજેતરનાં આંધી-તોફાન કદાચ વધુ નુકસાનકારક પુરવાર થઈ શકે છે.
-અભિયાન ડેસ્ક
——————-.