મળો સદીઓ જૂની સમસ્યા ઉકેલતા આ ઇનોવેટર્સને

૨૦થી ૨૫ સમસ્યાઓ એવી છે જે વિદ્યાર્થીઓએ નથી શોધી

કવર સ્ટોરી – હિંમત કાતરિયા

અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિએટિવ્સ ફોર સસ્ટેનેબલ ટૅક્નોલોજિસ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ (Srusti – સૃષ્ટિ) સંસ્થા દર વર્ષે સમર ઇનોવેશન સ્કૂલનું આયોજન કરે છે. ૨૧ દિવસના આ ઇનોવેશન સત્રમાં આઈઆઈટી, એનઆઈડી સહિતની દેશભરની ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓ ભાગ લે છે. સંશોધન માટે તેમને સમસ્યાઓ સોંપવામાં આવે છે. આ સંશોધનોમાં દેશ-દુનિયાનું ધ્યાન ખેંચાય એવા કોમર્શિયલ મોટા સંશોધનો નથી હોતાં, પરંતુ સદીઓથી જેનો ઉકેલ નથી આવ્યો અને જેમાં પુષ્કળ માનવ શ્રમ વેડફાય છે તેવા શ્રમિકોની સમસ્યાઓને ઇનોવેશનથી દૂર કરવાનો પ્રયત્ન હાથ ધરાય છે. આ સમસ્યાઓને શોધવા માટે પણ બીજો પ્રયત્ન હાથ ધરાય છે. જેમાં ચિલ્ડ્રન વર્કશોપમાં આવેલાં નાનાં બાળકોને સમસ્યાઓ શોધવા ફિલ્ડમાં મોકલવામાં આવે છે. આમ સંશોધનની આખી આ રસપ્રદ પ્રક્રિયાને સમજવા જેવી છે.

યુનિસેફ સાથે મળીને અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિએટિવ્સ ફોર સસ્ટેનેબલ ટૅક્નોલોજિસ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ(Srusti – સૃષ્ટિ) સંસ્થા બહુ ટાંચા સાધનો વડે આ પ્રોજેક્ટ ચલાવે છે. સમર ઇનોવેશન સ્કૂલમાં ભાગ લેવા માટે આઇઆઇટી, એનઆઇડી જેવી સંસ્થાઓથી લઈને નાનાં કેન્દ્રોની ઇજનેરી કૉલેજના વિદ્યાર્થીઓ ઓનલાઇન એપ્લિકેશન કરે છે. ૪૦૦-૫૦૦ અરજીમાંથી સંશોધક વૃત્તિના આધારે સમર ઇનોવેશન સ્કૂલ માટે ૪૫ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે. સમર ઇનોવેશન સ્કૂલ શરૃ થાય તે પહેલાં નાનાં બાળકોને બોલાવી તેમના બે દિવસ વર્કશોપમાં બાળકોનેે ખેતરોમાં, સ્લમમાં, શ્રમ પ્રભાવી વિસ્તારોમાં મોકલવામાં આવે છે અને તેમની સમસ્યાઓને શોધી લાવવાનું કહેવામાં આવે છે. આ બાળકો ફિલ્ડમાંથી આવીને પોતે જોયેલી સમસ્યાઓનું પ્રેઝન્ટેશન કરે છે. જેમાંથી કેટલીક સમસ્યાઓને પસંદ કરીને સમર કેમ્પમાં ભાગ લેવા આવેલા ઇજનેરીના વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડીને તેમને તેમના પર સંશોધન કરવાનું કામ સોંપવામાં આવે છે.

આઇઆઇએમએના નિવૃત્ત પ્રોફેસર અને સૃષ્ટિના પ્રેસિડેન્ટ પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે, ‘મોટાઓને નથી દેખાતી તેવી તકલીફો આ બાળકો જોઈ જાય છે. બાળકો વાસણ જેવા છે જેમાં વાલી, વડીલો બધી સલાહ ઠાલવી દે છે, આજ પર્યંત બાળકો સાથે આપણે આવો વ્યવહાર કર્યો છે. બાળકોને આપણે કદી નથી પૂછતા કે અમે તને સલાહ આપીએ એનું તને ખોટું લાગે છે કે નહીં. ક્યારેય આપણે એવી કોશિશ નથી કરી કે તે આપણને સલાહ આપે, નિર્દેશ આપે. એવી કોશિશ ભાગ્યે જ થઈ છે કે તે આપણને નવો રસ્તો દેખાડે. અંગ્રેજીમાં કહેવાય છે કે ફ્રોમ સિંક ટુ સોર્સ. બાળકો માત્ર રિસેપ્ટર નથી, માત્ર સિંક નથી કે તેમાં તમે જે કંઈ નાખો તે શોષી લે. તેમની અંદર પોતાના વિચારોનો પ્રવાહ વહે છે. અમે વર્કશોપમાં એ સાબિત કર્યું છે કે ઘણી સમસ્યાઓ આપણને નથી દેખાતી, પણ બાળકોને દેખાય છે.’

સમર ઇનોવેશન સ્કૂલમાં રજૂ થયેલી કેટલીક સમસ્યાઓ અને તેમનાં સંશોધનો જોઈએ તો, ખારાઘોડામાં મીઠું પકવતા અગરિયાઓ મીઠું પકવવા માટે ખારું પાણી મેળવવા માટે કૂવા ગાળે છે. તેમને વારંવાર આ કૂવામાં ઊતરવું પડે છે. ઘણીવાર આ કૂવામાં ઝેરી ગેસ નીકળે છે. ગેસની અસરથી બચવા માટે કૂવામાં ઊતરેલા અગરિયા માટે જીવિત બહાર નીકળવા માટે એક મિનિટ જેટલો જ સમય હોય છે. જો એથી વધુ સમય લાગે તો તેનું મૃત્યુ થાય છે. દર વર્ષે આવા ઝેરી ગેસને કારણે ૩-૪ અગરિયાઓના કૂવામાં મોત થાય છે. આ વાત બધા જાણતા હોવા છતાં, ટૅક્નોલોજીના આ યુગમાં, ખારાઘોડામાં કૂવાઓ ગાળતા નીકળતો ગેસ ઝેરી છે કે નહીં, તેની તપાસ કરતી સાદી યંત્રણા આજ લગી શોધાઈ નહોતી. બલ્કે તેમના તરફ કોઈનું ધ્યાન જ નહોતું. સમર સ્કૂલના વિદ્યાર્થીઓએ કૂવામાં ઝેરી ગેસ છે કે નહીં, તેની તપાસ કરતું ડિવાઇસ બનાવ્યું છે. એનઆઇટી ગોવાના નિલંજના પૌલ, આઇઆઇટી દિલ્હીના આયુષ્ય જૈન, સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશનના રતન દાસ અને આર.વી. કૉલેજ ઓફ એન્જિનિયરિંગના શ્રેયસ્વી નટરાજે ખારાઘોડાના કૂવામાં ઝેરી ગેસની હાજરી જાણતું મશીન વિકસાવ્યું છે.

રેલવે સ્ટેશને કુલીઓ માથે સામાન અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મહિલાઓ માથા ઉપર ઈંટો ઉઠાવીને લઈ જાય છે. આવા દૃશ્યો લગભગ બધાએ જોયા હશે અને આ મહિલાઓને આખો દિવસ માથે ઈંટો ઉપાડીને વહેવામાં કેટલો શ્રમ કરવો પડતો હશે, આ કુલીને માથે સામાન વહેવામાં કેટલો શ્રમ પડતો હશે તેનો આપણને બધાને અંદાજ છે. માથાનો ઉપયોગ વિચારવા માટે છે, ભાર ઉપાડવા માટે નથી એ પણ આપણે બધા જાણીએ છીએ. તેમ છતાં આવા લાખો શ્રમિકોની સમસ્યાનું સાદું સમાધાન આપવા તરફ કોઈનું ધ્યાન નથી ગયુંં. સમર ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓએ માથે ઈંટો ઉપાડીને શ્રમિકોની સમસ્યાનો અહેસાસ કર્યો અને હળવા સળિયાની મદદથી ઈંટોની ટ્રોલી બનાવી જેને ખભે પીઠ પર લાદીને સહેલાઈથી વહન કરી શકાય છે. આ ટ્રોલીની મદદથી એ શ્રમિકોનો થાક, તેમની તકલીફમાં ઘટાડો થશે.

પશુપાલક પોતાના પશુઓના આરોગ્યની સ્થળ પર જ તપાસ કરી શકે તેવું એકપણ પોઇન્ટ ઓફ કૅર ઉપકરણ આપણી પાસે નથી. મહારાષ્ટ્રની એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ આ પ્રકારનું પહેલું ડિવાઇસ બનાવ્યું. એનિમલ હેલ્થ મોનિટરિંગ મશીન બનાવ્યું હતું જે પશુના શરીરે અડકાડતા જ તેના ધબકારા અને તાપમાન જાણી શકાય છે. એ વિદ્યાર્થિનીઓએ એ જ પ્રોટોટાઇપને પોતાની કૉલેજમાં પ્રોજેક્ટ તરીકે લીધો અને વધુ સસ્તું ઉપકરણ બનાવ્યું. પહેલાં ઉપકરણ બનાવ્યું તે ૮૦૦-૧૦૦૦ રૃપિયા સુધીમાં તૈયાર થતું હતું. બાદમાં તેમણે દોઢ સો રૃપિયામાં તૈયાર થાય એવું ઉપકરણ બનાવ્યંુ છે. પશુનો ઇસીજી પણ લઈ શકે તે પ્રકારનો તેમાં સુધારો થઈ રહ્યો છે. આનાથી પશુ તણાવ અનુભવી રહેલું જણાય કે ડૉક્ટર બોલાવી શકાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે ગાયની પૂજા કરીએ છીએ ત્યારે અને કૃષિ પ્રધાન આ દેશમાં અનેક સંસ્થાઓ છે ત્યારે સવાલ એ થાય છે કે માનવીનાં બીપી, પલ્સરેટ, ઇસીજી માપી શકાય તેવું પશુઓ માટેનુંં ઉપકરણ બનાવવાનો કોઈને વિચાર કેમ ન આવ્યો. તાજેતરમાં અમૂલ સાથેની મિટિંગમાં તેમણે આ પ્રોડક્ટમાં રસ બતાવ્યો હતો.

ખેડૂતો વાવેતર કરે છે ત્યારે બીજ જમીનમાં કેટલું ઊંડું પડ્યું છે તેની ખબર પડતી નથી. કેમ ખબર નથી પડતી? અમુક પાક માટે વધુ ઊંડે બીજનું વાવેતર થાય તેનું અંકુરણ ઘટી જાય છે. અમુક પાક માટે ઓછી ઊંડાઈ પર બીજ પડે તો ઉત્પાદન ઘટે છે. જેમ કે બાજરીના વાવેતરમાં બી વધુ ઊંડે પડે તો તેનાથી બાજરીના અંકુરણ અને છોડના વિકાસ માટે નુકસાનકારક છે. યોગ્ય ઊંડાઈએ બીજનું વાવેતર થાય તો અંકુરણ સારું થાય અને છોડ પર પાક પણ સારો બેસે છે. સમર ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓએ સેન્સર આધારિત ટૅક્નોલોજીની મદદથી ઉપકરણ બનાવ્યું છે જે બીજનું વાવેતર કેટલી ઊંડાઈએ થઈ રહ્યું છે તેની ચોક્કસ માહિતી આપે છે. આ શોધ નાની પણ ઘણી મહત્ત્વની છે.

૨૦થી ૨૫ સમસ્યાઓ એવી છે જે વિદ્યાર્થીઓએ નથી શોધી, પણ શોધયાત્રા કે વિચારગોષ્ઠિમાંથી મળેલી હતી. નીલગાયને ભગાડવા માટેની સમસ્યા આવી જ એક સમસ્યા હતી. અમે દેશમાં અલગ-અલગ જગ્યાએ શોધયાત્રા કરીએ છીએ. જેમાંં કોઈ સમાધાન કરતું નથી એવી ઘણી સમસ્યાઓ દેખાય છે. એક તરફ લોકો સમસ્યાઓથી પરેશાન છે ત્યારે બીજી તરફ આ સમસ્યાઓ કોઈ સંસ્થાના એજન્ડામાં નથી, પોલિસી મેકર્સનું પણ તેમના તરફ ધ્યાન નથી. ઉદાહરણથી વાતને સમજીએ તો, નીલગાયની સમસ્યાથી ગુજરાતના ખેડૂતો ભારે પિડાઈ રહ્યા છે. નીલગાયની સમસ્યા બધા જ જાણે છે છતાં તેના સમાધાન માટે કોઈ સંશોધન થયું નહીં. માર્યા વગર નીલગાયને ખેડૂતોના ખેતરોથી દૂર રાખવા માટેની કોઈ ટૅક્નોલોજી બની હોય એવું ઉદાહરણ આપી શકાય તેમ નથી. અમે આ સમસ્યા વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓએ જાતતપાસ કરી. વિદ્યાર્થીઓ ખેડૂતોને મળ્યા અને નીલગાયના બિહેવિયરનો અભ્યાસ કર્યો. આખરે વિદ્યાર્થીઓએ ખેતરમાં લગાવવાનું એક સેન્સરવાળું ઉપકરણ બનાવ્યું જે રાત્રે આવતા કાળિયાર, નીલગાય જેવા પશુઓની ગતિવિધિ પકડી પાડે છે અને તે પ્રાણીઓ તરફ લાઇટ ફેંકે છે અને આ પ્રાણીઓ જેનાથી ડરીને ભાગી જાય એવો અવાજ કાઢે છે. આઇઆઇટી દિલ્હીના સતીશકુમાર ગૌરવ, અર્પિત બંકાવત અને અનમોલ ગુપ્તા, નિરમા યુનિ.ના હર્ષ અગ્રવાલે આ સેન્સર મશીન વિકસાવ્યું છે. આમ, સમર ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થી સંશોધકોએ દાયકાઓથી રાની પશુઓથી પીડિત ખેડૂતોની સમસ્યાનું સમાધાન આપવા પ્રયાસ કર્યો. પ્રોફેસર ગુપ્તા કહે છે, ‘મારો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી આવો પ્રયાસ કોઈએ કેમ ન કર્યો. વાસ્તવમાં આવા ઉકેલ શોધવામાં નથી બહુ નાણાની જરૃર પડતી કે નથી માનવ શ્રમની. મૂળ પ્રશ્ન વૃત્તિનો છે, માનવ સંવેદનાનો છે.’

સમર ઇનોવેશન સ્કૂલ સાથે બે કાર્યક્રમો જોડાયેલા છે. સમર ઇનોવેશન સ્કૂલ કાર્યક્રમ પહેલા ચોથા ધોરણથી ૧૨મા ધોરણ સુધીના શાળાએ જતાં કે નહીં જતાં દેશભરનાં બાળકોનો ચિલ્ડ્રન વર્કશોપ કરવામાં આવે છે. આ બાળકો સમસ્યાઓને શોધવા ફિલ્ડમાં જાય, પછી સમૂહમાં બેસીને સમસ્યાના ઉકેલની ચર્ચા કરે. બાળકોએ શોધી કાઢેલી આ સમસ્યાઓ ઉપર સમર ઇનોવેશન સ્કૂલ પ્રોગ્રામમાં આવેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ શોધ-કાર્ય કરે છે. ચિલ્ડ્રન વર્કશોપના કાર્યને ઉદાહરણથી સમજાવતા સૃષ્ટિ સંસ્થાના ટ્રસ્ટી ચેતન પટેલ કહે છે, ‘અમારી બાળકોની એક ટીમ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સમસ્યા શોધવા ગઈ. શાકભાજી વેચતા એક ભાઈ સાથે વાતો કરી. એ ફેરિયો સોસાયટીમાં ફરીને લારીમાં શાકભાજી વેચતો હતો. બાળકોએ તેમની સાંકડી ગલી જોઈને પ્રશ્ન કર્યો કે આ સાંકડી ગલીમાંથી લારી કેવી રીતે કાઢો છો? બાળકોને જવાબ મળ્યો કે હું લારી ઘરે નથી લાવતો, ઓવરબ્રિજ નીચે રાખું છું અને સાંજે શાકભાજી ઊંચકીને ઘરે લાવું છું. બાળકોએ લારી ચોરાઈ જવા અંગેનો સામો પ્રશ્ન કર્યો. ત્યારે ફેરિયાએ જવાબ આપ્યો કે લારીની ચોરી પણ થાય અને ઘણીવાર લોકો લારી તોડી પણ નાખે છે. આ સમસ્યા લઈને બાળકો સૃષ્ટિમાં આવ્યા. એ જ નાના બાળકોએ ઉકેલ શોધ્યો કે આપણે ફોલ્ડિંગ લારી બનાવીએ જે સાંકડી ગલીમાં બંધ કરીને બે પૈડાં ઉપર ચલાવી શકાય. ઘરે એ લારીને ખોલી દો તો સૂવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય અને ઘરે લારીની સુરક્ષા પણ થાય. સામાન્ય લારી કરતાં બેએક હજાર રૃપિયા વધારે કિંમતવાળી શાળાનાં બાળકોએ બનાવેલી આ પ્રોડક્ટ ઘણાએ ખરીદી અને આનંદીબહેન મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે આ લારી અમે ગરીબ કલ્યાણમેળામાં વહેંચીશું.’

સમર ઇનોવેશન સ્કૂલમાં થતાં ઇનોવેશનને અન્ય ઇનોવેશન્સથી અલગ પાડતાં સૃષ્ટિના ટ્રસ્ટી ચેતન પટેલ કહે છે, ‘અહીં હાઈ લેવલના વ્યાવસાયિક ઇનોવેશન આઇડિયાને સ્થાન નથી. અમે એવા આઇડિયા ઉપર જ કામ કરીએ છીએ કે જેનાથી છેવાડાના માણસને પડતો શ્રમ ઓછો થાય અને તેમના જીવનમાં આંશિક બદલાવ લાવી શકાય. આજે હું તમને પૂછંુ કે મોબાઇલની વેરાયટી કેટલી તો જવાબ મળશે કે હજારો. હું તમને ફરી પૂછંુ કે સાણસીની વેરાયટી કેટલી તો જવાબ મળશે, એક. કેમ? સાણસી પણ દરેક ઘરની જરૃરિયાત છે, તેના ઉપર સંશોધન કેમ ન થાય? કેમ કે આપણે તે તરફ કદી ફોકસ નથી કર્યું. આપણે બાળકોને આવી નાની-નાની વસ્તુઓ ઉપર ફોકસ કરવાનું શીખવીએ છીએ.’

અહીં આવેલાં બાળકોની સંશોધન વૃત્તિ આખી જિંદગી જળવાઈ રહેશે. તે કોઈ પણ સમસ્યા સાથે જીવી જવા ટેવાઈ નહીં જાય. મોટા ભાગે ચિલ્ડ્રન વર્કશોપમાંથી શોધાયેલી સમસ્યાઓ સમર ઇનોવેશન સ્કૂલના વિદ્યાર્થીઓને ઉકેલ માટે અપાય છે. સમસ્યા શોધવા માટે બાળકોની પસંદગી પાછળનો તર્ક સમજાવતા સૃષ્ટિના સેક્રેટરી રમેશભાઈ પટેલ કહે છે, ‘નાનાં બાળકોની સમસ્યાને જોવાની દૃષ્ટિ અલગ છે. મોટાઓ એક વર્તુળની અંદર જ સમસ્યાને લઈને વિચારે છે જ્યારે બાળકો વર્તુળની બહાર રહીને સમસ્યાના સમાધાન અંગે વિચારે છે.’ એટલે આપણે બાળકોના વિચારોને પ્રથમ સ્થાન આપીએ છીએ. અમરાપુરની ગ્રામ ભારતીમાં ચિલ્ડ્રન વર્કશોપની અઢી દિવસની તાલીમ હોય છે. એમાં ક્યારેક રમૂજ પમાડે તેવા આઇડિયા પણ રજૂ થાય છે. આવું એક હેરતઅંગેજ ઉદાહરણ આપતાં ચેતન પટેલ કહે છે, ‘એક ચિલ્ડ્રન વર્કશોપમાં એક બાળકે કુંભાર પાસે જઈને પૂછ્યું કે તમે દિવસના કેટલાં માટલાં બનાવો છો? જવાબ મળ્યો, દસ. બાળકે સામો સવાલ કર્યો, કેમ આટલાં ઓછાં? કુંભારે સમજાવ્યું કે મારે માટલાંને પકડીને ધીમે-ધીમે ટપલા મારીને મોટું કરવું પડે છે અને એમાં ઘણો સમય જાય છે. એ વિદ્યાર્થી બીજે દિવસે મારી પાસે આવીને કહે કે સાહેબ, મારા દિમાગમાં એક આઇડિયા છે કે જે માટીમાંથી માટલું બનતું હોય તે માટીનો ગોળ લાડુ બનાવી દેવાનો. પછી તેમાં વચ્ચે કાણુ પાડવાનું અને તેમાં ફુગ્ગો મુકીને ફિટ કરી દેવાનો અને પછી ઉપરથી ફૂંક મારવાની. ફૂક મારતા ફૂગ્ગો ફૂલશે અને માટલું બની જશે. આ આઇડિયા વ્યવહારુ છે કે નહીં તે બીજો મુદ્દો છે, પણ પહેલા ધોરણનું બાળક બલૂનથી માટલું બનાવવાનો વિચાર કરે તે જ મોટી ઘટના છે. બીજંુ એક ઉદાહરણ આપું. ગત વર્ષે એક ખુશી નામની બાળકી ચિલ્ડ્રન વર્કશોપમાં સમસ્યા શોધવા ગઈ. તેણે એક દુકાને એક કામદારને વેલ્ડિંગ કરતા જોયો. વેલ્ડિંગ દરમિયાન વેલ્ડરે આંખે ચશ્માં પહેર્યા હતા. બાળકીને વેલ્ડરને ચશ્માં પહેરવાનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે વેલ્ડિંગ દરમિયાન આગના તિખારા આંખમાં પડે, હાથે પડે. બાળકીએ પૂછ્યું કે હાથે પડે તો? જવાબ મળ્યો કે તો ફોલ્લો પડે. એ બાળકીએ ઉપાય બતાવ્યો કે કટરની આજુબાજુ મેગ્નેટ લગાવી દઈએ તો લોખંડની કણો ઉડીને સીધી જ મેગ્નેટને ચોંટી જાય, વેલ્ડરના શરીર સુધી ન આવે. કટર બની ગયા, હાઈફાઈ કટર બની ગયા, પણ વેલ્ડરના શરીર સુધી કરચો ન પહોંચે એ અંગે કોઈએ નહોતું વિચાર્યું. છઠ્ઠા ધોરણની બાળકી વિચારે છે કે મેગ્નેટ લગાવી દો, બધા પાર્ટિકલ ત્યાં ચોંટી જશે. હમણાં હું આંદામાન નિકોબાર ગયો. ત્યાં બાળકો વચ્ચે સ્પર્ધા દરમિયાન એક બાળકે મને એવો વિચાર આપ્યો કે સર, રિમોટવાળી ગાડી પાછળ પોતું લગાવી દઈએ તો મારી મમ્મીનો હાથ જ્યાં ન પહોંચે ત્યાં ગાડી જઈને સાફ કરી આવે. રિમોટવાળી ગાડીથી પોતું કરવાનું એક બાળક વિચારે છે.’

રમેશ પટેલ કહે છે, ‘કવિ બનાવી ન શકાય, તે જન્મજાત હોય છે, પણ ઇનોવેટર બનાવી શકાય છે. તેમાં મૂળ આંખને કેળવવાની વાત છે. બાળપણમાં જ સમસ્યાને જોવા માટેનું સોફ્ટવેર બાળકોના દિમાગમાં ફિટ કરી દેવામાં આવે તો આખી જિંદગી તેની સમસ્યાને જોવાની દૃષ્ટિ કેળવાય.’ ……

વધુ વિગતો વાંચવા ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો

કવરસ્ટોરીસમર ઇનોવેશન સ્કુલહિંમત કાતરિયા
Comments (0)
Add Comment