ભગો સુખી કે જગો?

ભગો ભણેલો નથી, પરંતુ ગણેલો છે.

હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

નામ ભગો. ઉંમર વર્ષ આશરે એકાવન. ભગો માલધારી છે. એના પચાસ પૂરાં થયાં એટલે મેં કહ્યું કે, ‘ભગા, હવે તું વનમાં પ્રવેશ્યો.’ એ સાંભળીને અભણ ભગો બોલ્યો કે, ‘હું નાનપણથી જ વનમાં પ્રવેશી ગયો છું.’ ભગો નાનો હતો ત્યારથી જ જંગલમાં ઢોર ચરાવવા માટે જાય છે એટલે એની વાત જરા પણ ખોટી નથી.

ભગો ભણેલો નથી, પરંતુ ગણેલો છે. એકવાર બે-ચાર ઇજનેર ઓશિયાળા મોેઢે બેઠા હતા, કારણ ખૂબ લાંબા અને વાંકાચૂકા પાઇપમાંથી સોંસરવો વાયર કાઢવાની કડાકૂટ કરતા હતા, જેમાં સફળતા મળતી નહોતી. એમાં ત્યાંથી ભગો જેવો જ કોઈ અભણ માણસ પસાર થયો. એણે કુતૂહલ ખાતર ઊભા રહીને આ ભણેલા લોકોની સમસ્યા જાણી. ત્યાર બાદ એ ક્યાંકથી ઉંદર પકડી લાવ્યો. ઉંદરની પૂછડી સાથે દોરી બાંધી ઉંદરને પાઇપમાં રવાના કર્યો. થોડીવારમાં ઉંદર બીજા છેડે નીકળી ગયો. પેલા અભણ માણસે ઉંદરને દોરીથી મુક્ત કરી છોડી મૂક્યો અને ઇજનેરોને કહ્યું કે, હવે આ દોરી સાથે વાયર બાંધીને ખેંચો એટલે તમારા વાંકાચૂકા પાઇપ સોંસરવો વાયર નીકળી જશે. આ દૃષ્ટાંતમાં ઇજનેરો ભણેલા ગણાય અને પેલો અભણ ગણેલો કહેવાય. અમારા ગામનો ભગો માલધારી આ રીતે ગણેલો છે.

એક દિવસ હું મહાદેવના મંદિરમાં માથું નમાવી મંદિરની બહાર આવેલા બાકડા પર બેઠો હતો. ચરોતરમાં કાકાને કોકા અને મામાને ‘મોમા’ કહે છે એટલે ત્યાંની ભાષા પ્રમાણે હું ‘બોકડા’ ઉપર બેઠો હતો. ત્યાં ભગો ત્યાંથી પસાર થયો. ભગાના એક હાથે પ્લાસ્ટર આવેલું જોઈ મને ફાળ પડી. મેં ભગાને પૂછ્યું ઃ ‘ભગા, આ પોપટ ક્યાંથી પાળ્યો?’

ભગાએ એક હાથ ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બંધાવી એ હાથને ઝોળીમાં મૂકી ઝોળી ગળામાં લટકાવી હતી. ભગો મારા સવાલને બરાબર સમજી ગયો હતો, કારણ ખગ જાણે ખગકી ભાષા.

‘અરે ભાઈ, કીધાની વાત નથી.’ ભગાએ મારી બાજુમાં ‘બોકડા’ ઉપર બેસતાં નિસાસો નાખ્યો. ભગાના બીજા હાથમાં લાકડી હતી. બે-ચાર ભેંસ ભગાની આગળ ચાલતી હતી. એ ભગાને બેસી જતો જોઈને ઊભી રહી ગઈ. આ ભગા પાસેથી એકવાર મેં જાનવર વિશે ઝીણવટ ભરેલી માહિતી મેળવી ત્યારથી મને માણસ ઉપરથી માન ઓછું થઈ ગયું છે.

ભગાએ મને કહ્યું હતું કે અમે ગાય અને ભેંસને એક જ વાડામાં બાંધીએ છીએ અને ઘેટાં-બકરાંને પણ એક જ વાડામાં બાંધીએ (રાખીએ) છીએ. હજુ સુધી કોઈ ખૂંટ ભેંસના પ્રેમમાં પડ્યો હોય કે કોઈ પાડાએ ગાયને દિલ દઈ દીધું હોય એવું બન્યું નથી. ક્યારેય કોઈ બકરો ઘેેટી ઉપર નજર બગાડતો નથી અને ક્યારેય કોઈ ઘેટો બકરીની છેડતી કરતો નથી. એમાં પણ મેં જાણ્યું કે દરેક પ્રાણીઓની પ્રજનન ઋતુ નક્કી હોય છે અને એ સમયમાં એ પ્રજોત્પત્તિ માટે મળે છે. આ સાંભળીને હું માણસ હોવા છતાં સમગ્ર માનવજાત મારી નજરમાં નીચી પડી ગઈ. આ પાલક પશુઓ સો ટકા શાકાહારી છે અને પાણી સિવાય કશું પીતાં નથી. અખાધ ખાવું, અપેય પીવું અને ન કરવા જેવા તમામ કામ કરવા એ માણસ માટે રોજિંદું કાર્ય છે.

‘ભગા તું માંડીને વાત કર તો ખબર પડે.’ મેં કહ્યું.

‘જો ભાઈ, હું સમજણો થયો ત્યારથી તમે અમારી પાસેથી દૂધ લ્યો છો. આપણા ત્રણ પેઢીના સંબંધ એટલે ખોટું નહીં બોલું.’ ભગાએ ભૂમિકા બાંધી.

‘જો ભગા… હું કોઈનેય કહીશ નહીં, હું તને વચન આપું છું, પણ તારો હાથ કેવી રીતે ભાંગ્યો એની સાવ સાચી વાત કરજે. તારી ઘરવાળીએ તને માર્યો હોય એવું તો નથી ને?’ મેં હૈયાધારણ આપી.

‘ના ભાઈ ના, એવું તમારા સુધરેલા વર્ણમાં બનતું હશે. અમારી નાતમાં બાયડી કોઈ દી’ ભાયડાને મારે નહીં.’ ભગાએ મને હડફેટે લઈ લીધો.

‘તો પછી કેવી રીતે ભાંગ્યો?’ મારી ધીરજ ખૂટી.

‘એકાદ વરહ પહેલાં મેં મોબાઇલ લીધો. વગડામાં ઢોર ચારવા જઉં તોય ભેગો લઈ જાતો. ત્યાં નવરો પડંુ એટલે મેરિયાની મા સાથે વાત કરવા થાય.’

આ મેરિયો એટલે ભગાનો છોકરો. અમુક કોમમાં પતિ-પત્ની એકબીજાનાં નામ બોલતાં નથી. જે લોકો ઊભા બરડે સુધરી ગયા છે તે જાહેરમાં પણ નામ લેવા લાગ્યા છે. અમે ૧૯૯૬માં સુરેન્દ્રનગર રહેવા આવ્યા ત્યારની એક સત્ય ઘટના છે. અમારી સોસાયટીમાં જ રહેતાં એક બહેન મારા શ્રીમતીજી સાથે વાત કરતાં હતાં. વાતવાતમાં એ બોલ્યાં કે, ‘સુરેશ હમણાં આવશે.’ ‘સુરેશ કાલે મોડો આવ્યો હતો.’ ‘અમારે સુરેશને થેપલાં બહુ ભાવે’ એ વખતે મારો મૌલિક હજુ ત્રણ વરસનો જ હતો. મેં બાફી માર્યું. મેં એ પડોશણને કહ્યું કે, ‘સુરેશને મૌલિક સાથે રમવા મોકલજો.’ મારી વાત સાંભળીને એ ખડખડાટ હસી પડ્યાં અને મારા પત્નીને કાપો તો લોહી ના નીકળે એવા થઈ ગયાં. પેલી પડોશણે ખુલાસો કર્યો કે, ‘સુરેશ એટલે પીન્ટુના પપ્પા.’ મને પણ સંકોચ થયો. ‘તો પછી પીન્ટુને રમવા મોકલજો.’ એમ કહીને હું ઘરમાં જતો રહ્યો, પરંતુ મારા પત્ની મારી સાથે બે દિવસ સુધી બોલ્યાં નહોતાં. એમને મૂરખની પત્ની હોવાનું દુઃખ થયું હતું.

‘તારા ઘરના સાથે વાત કરવા માટે મોબાઇલ વગડામાં પણ સાથે લઈને જતો હતો બરાબર?’ મેં પૂછ્યું.

‘હા… બરાબર.’

‘પણ એમાં હાથ કેવી રીતે ભાંગે?’ મેં આશ્ચર્ય પ્રગટ કર્યું.

‘કહું છું… એની જ વાત કરું છું. એક દિવસ બપોરે ઢોરા ધરવાહટ ખાઈને એક ઝાડના છાંયે વાગોળતા હતા. હું પણ ઘેરથી લાવેલો ભાત ઝાપટી આડો પડ્યો હતો. એમાં મને મેરિયાની મા સાથે વાત કરવાનું મન થયું.’

‘થવું જ જોઈએ, આપણે નવરા પડીએ એટલે સ્વજન યાદ આવે એમાં કંઈ જ નવું નથી, પણ આ હાથ કેવી રીતે ભાંગ્યો?’ હું વારંવાર એક જ મુદ્દા ઉપર આવી જતો હતો.

‘ભાઈ, કહું છું એની જ વાત કહું છું. મેં મોબાઇલમાં જોયું તો ટાવર સાવ પકડાતો નહોતો.’ ભગો બોલ્યો.

‘મતલબ કે કવરેજ નહોતંુ.’

‘હા… મારા મોબાઇલમાં ટાવરના પાંચ ખૂંટા આખે આખા આવે છે, પણ તે દિવસે તો સમ ખાવા પૂરતો એક ખૂંટો પણ જોવા મળે નહીં.’

‘પછી?’ મારી ઇંતેજારી વધી.

‘મને થયંુ કે ઘરવાળી સાથે વાત કરવાનંુ મન થયું છે તો ગમે તેમ કરીને વાત તો કરવી જ છે.’ ભગાની વાતમાં નર્યો નેહ નીતરતો હતો.

‘બરાબર છે, વાત કરવી જ જોઈએ.’ મેં ટેકો આપ્યો.

‘હું ટાવર પકડવા લીમડાના ઝાડ ઉપર ચડ્યો.’

‘ઝાડ ઉપર ચડીએ તો ટાવર પકડાય?’

‘હા પકડાય… હું ખૂબ ઊંચે ચડ્યો એટલે અઢી ખૂંટા પકડાઈ ગયા. ભગાએ ચોર પકડ્યા હોય એવી રીતે ખૂંટા પકડવાની ખુશી વ્યક્ત કરી.’

‘પછી? ‘હું વધારે અધીરો થયો.

‘પછી શું? મેં એક હાથે ડાળ પકડી અને બીજા હાથે મોબાઇલ પકડ્યો. મેરિયાની માને મોબાઇલ લગાડ્યો.’

‘વાત થઈ?’ મેં પૂછ્યું.

‘ના બધી રિંગ પૂરી થઈ ગઈ તોય ઉપાડ્યો નહીં. પાંચ મિનિટ રહીને ફરી લગાડ્યો.’ ભગો બોલ્યો.

‘બીજી વખતે તો ઉપાડ્યો ને?’ હું ઘાંઘો થયો.

‘ના, બીજી વખતે ય નો ઉપાડ્યો. ભાયડે પાંચ મિનિટ રહીને ત્રીજીવાર લગાડ્યો ત્યારે ઉપાડ્યો. મેં ઘરવાળીને ઘઘલાવી કે મૂઈ ફોન કેમ ઉપાડતી નહોતી? તો શરમાઈને બોલી કે તમારાં બા બાજુમાં બેઠાં હતાં. અમારામાં સાસુ બાજુમાં બેઠાં હોય ત્યારે ઘરવાળા સાથે વાત નો કરાય.’ ભગો બોલ્યો.

‘એ બધું તો ઠીક, પણ તારો હાથ કેવી રીતે ભાંગ્યો?’ હું વળી મૂળ વાત ઉપર આવી ગયો.

‘તમને અમે બે માણા પ્રેમથી વાત કરીએ એમાં રસ નથી, પણ મારો હાથ ભાંગે એમાં વધારે રસ લાગે છે.’ ભગાએ ક્રીસ ગેઇલ જેવી સિક્સર મારી.

‘કહું છું, એની જ વાત કહંુ છું. પછી મેં મેરિયાની મા સાથે મીઠી-મીઠી વાતુ માંડી. અમારી ગોઠડી જામી ગઈ. મેં કીધું કે તરણેતરના મેળાને હવે એક મહિનાની જ વાર છે. મેરિયાને લઈને મેળે જાશું. ત્યાં કંડમાં નહાશું. દર્શન કરીને બાવન ગજની ધજાને આંખે અડાડશું. ગાયના ગળામાંથી નીકળીને પાપ બાળશું. ફુગ્ગા ફોડશું. ચગડોળમાં બેસશું. મોતનો કૂવો જોશું. રાવટીમાં ભજન સાંભળશું… હું વર્ણન કરતો હતો ત્યાં મેરિયાની મા વચ્ચે બોલી.’ ભગો અટક્યો.

‘શું બોલી? મેં પૂછ્યું

‘મેરિયાની મા બોલી કે આ વખતે મેળામાં હું એક કામ કરવાની છું. તે તમને અત્યારથી નહીં કહું. મેં કહ્યું કે કહી દે. તો કહે, નહીં કહું. મેં કીધું કે તું કહે નહીં તો તને મારા સમ છે. મેં સમ દીધા એટલે શરમાતા-શરમાતા ધીરેથી બોલી કે આ વખતે મેળામાં હું મારા હાથ ઉપર તમારા નામનું ત્રાજવું ત્રોફાવીશ.’ ભગો રોમાંચિત થઈ ગયો.

‘વાહ ભગા વાહ’ હું પણ રાજી થયો.

‘મેરિયાની માએ હાથ ઉપર મારું નામ લખાવવાની વાત કરી ‘ને હરખમાં ‘ને હરખમાં મારો હાથ છૂટી ગયો અને ઝાડ ઉપરથી નીચે પડ્યો.’ ભગાએ રહસ્ય ખોલી નાખ્યું.

‘તું ટાવર પકડી શક્યો, પણ ડાળ ન પકડી શક્યો.’

‘અત્યારે મારો પાટો બાંધેલો હાથ જોઈને મેરિયાની મા એવું હસે છે કે મારો આખા દિવસનો થાક ઊતરી જાય છે.’ આટલું બોલી ભગો પોતાની ભેંસ લઈને ચાલતો થયો. ભગો જતો હતો અને જગો જોતો હતો.

——————–.

જગદીશ ત્રેવેદીહસતાં રહેજો રાજ.હાસ્યલેખ
Comments (0)
Add Comment