ગરમી કેવી પડે છે?

તરબૂચની લારીએ ઊભા રહીને ચારેક જણ ઍન્કરના દેખતાં તરબૂચની ચીરીમાં ડાંફાં મારે છે.

વ્યંગરંગ – કલ્પના દેસાઈ

ગમે એવી માથાફાડ ગરમી પડતી હોય કે હાડ ધ્રુજાવતી ઠંડી પડતી હોય કે પછી ઘૂંટણ સુધીના ડૂબાડૂબ પાણી ભરાઈ જાય એવો વરસાદ પડતો હોય, આ દુનિયા પર એક જ વ્યક્તિ એવી છે જે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની જાનની ખબર કાઢવા નીકળી પડે છે. લોકોની ખબર બીજા લોકો સુધી પહોંચાડવામાં એ ભારે જહેમત ઉઠાવે છે તોય બદલામાં એને શું મળે છે? પગાર સિવાય? આજે મારે વાત કરવી છે ટીવીના ઍન્કરની.

સ્થળ પર રૃબરૃ જઈને, જીવને કે જીભને જોખમમાં નાંખીને પણ આ ઍન્કર ભાઈ/બહેન લોકોની સાથે વાત કરીને, એકનો એક સવાલ દસેક જણને પૂછીને દરેકના અલગ-અલગ વિચારો દર્શકો સુધી પહોંચાડે છે. ઘણી વાર તો બધાના સરખા જ જવાબો સાંભળીને દર્શકો પણ આશ્ચર્ય પામે છે. શું અહીં પણ અગાઉથી મોસ્ટ આઈએમપી આપીને બધું ગોખાવાઈ ગયું હોય? જોકે, માઈક મોં સુધી બરાબર નહીં પહોંચ્યું હોય અથવા તો લોકોને પોતાનો સંદેશો બરાબર નહીં પહોંચે એવી બીકમાં જ કદાચ ટીવીના કેમેરા જોઈને હોંશીલા ને જોશીલા બે મિનિટના કલાકારો ગળું ખોંખારીને માઈકની સામે ઍન્કર કરતાં પણ વધારે મોટા અવાજમાં ઘાંટા પાડવા માંડે છે. આમ તો દર્શકોને સચોટ અહેવાલ તો માહોલ જોતાં જ મળી જતો હોય, તોય ત્યાં ઊભેલા લોકોમાંથી બે ચાર ઊંચાનીચા થતા લોકોને પૂછવાનો રિવાજ હોવાથી, ઍન્કર ભૂલ્યા વગર પોતાની ટીમની બધી માહિતી આપવાની સાથે-સાથે એક કામ પતે એમ સમજીને એકાદ બોરિંગ સવાલ પૂછી જ લે છે. ને પછી છેલ્લે પરસેવો લૂછતાં લૂછતાં, ‘ફલાણા કે ઢીંકણા કેમેરામેન સાથે, ફલાણી કે ઢીંકણી ચેનલમાંથી જબરદસ્તી મોકલાયેલો હું કખગઘ.

આકાશમાંથી અંગારા ફેંકીને રસ્તા પરનો ડામર પીગળાવતી ને કારનું એ.સી. ચાલુ રાખવા મજબૂર કરતી ગરમીમાં તો, ચાર રસ્તે વેચાતાં તરબૂચ કે બરફગોળા અને આઇસક્રીમ કે રંગીન શરબતો જ રાહત આપી શકે. ઘરમાં નિરાંતે ઠંડકમાં ઝોકાં મારતાં કે ટીવી જોતાં લોકોને કોઈ પૂછવા નથી જતું, કે ગરમી કેવી પડે છે?’ (ધારો કે પૂછે ને તોય ચાર રસ્તે મળતા જવાબોમાંથી જરાય ઊતરતો જવાબ કોઈનો ન હોય એની ખાતરી! ચાલીસથી પચાસ ડિગ્રીનો એક આંકડો ઉમેરાય વધારાનો, બીજું કંઈ નહીં.)

ચાલો, આપણેય જઈએ શહેરના ચાર પાંચ જાણીતા ચાર રસ્તે.

તરબૂચની લારીએ ઊભા રહીને ચારેક જણ ઍન્કરના દેખતાં તરબૂચની ચીરીમાં ડાંફાં મારે છે.

ભાઈ, પહેલાં તમને પૂછું. ગરમી કેવી પડે છે?’

અરે, ગરમી ને? સખ્ખત ગરમી પડે છે.

તમે ગરમીને મારવા શું કરો છો?’

ગરમી જો દેખાતી હોત ને તો લાકડીએ લાકડીએ એને ઝૂડી કાઢત, પણ હમણાં તો તરબૂચ ખાવા સિવાય કોઈ ઉપાય નથી.

અચ્છા, એટલે તમે ગરમીમાં તરબૂચ ખાઓ છો એમ ને? બીજું શું કરો છો?’

(યાર, ગરમીમાં જ તો તરબૂચ ખાવા આવ્યો ત્યાં તમે ભટકાઈ ગયા! બીજું શું કરવાનું? હવે આગલી લારી પર ગંગાજમના પીધા પછી એની બાજુની લારી પર બરફગોલો ને છેલ્લે એની બાજુની લારી પર આઇસક્રીમ ખાઈશ. બીજું કંઈ પૂછવું છે? પ્લીઝ જાઓ. આ બાજુવાળો ડોકિયાં કરે છે ક્યારનો. એને પૂછો. ગરમીમાં આપણી હટી જશે ને તો જોવા જેવી થશે.)

સર સર, હું કહું. ગરમીને મારવા અમે રોજ આવી કાળઝાળ મોંઘવારી જેવી ગરમીમાં આ જ ચાર રસ્તે, આ જ ચાચાની લારીએ તરબૂચ ખાવા આવીએ છીએ. તરબૂચ ગરમીનું ફળ છે. તરબૂચથી શરીરમાં ને મગજમાં ઠંડક થાય છે. તરબૂચમાં બિયાં બહુ હોય છે, પણ હું સ્વચ્છ ભારતમાં માનું છું એટલે બિયાં ગળી જાઉં છું. હું રોજ ઘરના માટે પણ એક તરબૂચ લઈ જાઉં છું. તરબૂચથી કોઈ નુકસાન થતું નથી, પણ આજકાલ ઇન્જેક્શનવાળા તરબૂચ આવે છે તેનાથી ચેતવું. કૅન્સર થઈ શકે છે. આ ચાચાની લારી પર ગેરન્ટીના તરબૂચ મળે છે એટલે અમે રોજ અહીં જ તરબૂચ ખાવા આવીએ છીએ.તરબૂચ પર નાનકડો નિબંધ પૂરો કરી પેલા હોંશીલાએ ફરી તરબૂચની ચીરીમાં ડાંફું મારવા મોં ફાડ્યું.

આવી ભયંકર ગરમીમાંય બિચારા ઍન્કરને કોઈએ તરબૂચની એક ચીરીય ઑફર ના કરી! સો સૅડ!

——————-.

કલ્પના દેસાઇવ્યંગરંગ
Comments (0)
Add Comment