‘રાઇટ એન્ગલ’ નવલકથા – પ્રકરણ – ૦૯
કામિની સંઘવી
પપ્પા અને ભાઈ સાથે કોર્ટમાં કશિશનો પહેલીવાર સામનો
કશિશ સવારે ઊઠી ત્યારે તેના મનમાં ઘણા સવાલો હતા. પહેલીવાર તેનો સામનો કોર્ટમાં તેના પપ્પા અને ભાઈ સાથે થવાનો હતો. સવારમાં કશિશે કૌશલને પોતાની સાથે કોર્ટમાં આવવા માટે કહ્યું. જોકે, કૌશલ કશિશ પર આ વાતને લઈને ગુસ્સે થયો. કશિશ અને કૌશલ વચ્ચે ઝઘડો થયો અને તેને લઈને કશિશના સંયમ અને ધીરજે દગો દઈ દીધો. તેને કોર્ટમાં જવાનું મન નહોતું થયું, પણ આખરે તેણે જે યુદ્ધ આરંભ્યું હતું, તેને પરિણામ સુધી પહોંચાડવાનું હતું. તે તૈયાર થઈને કોર્ટમાં પહોંચી અને રાહુલની ઑફિસમાં દાખલ થઈ. રાહુલ કશિશની રાહ જોતો જ બેઠો હતો. બંને કોર્ટ તરફ ચાલ્યાં. કોર્ટમાં એન્ટર થયાં ત્યાં કશિશની નજર પપ્પા અને ઉદયભાઈ પર પડી. કશિશે પપ્પાનાં ચરણ સ્પર્શ કર્યાં. એઝ યુઝઅલ પપ્પાએ તેને આશીર્વાદ આપ્યા. પપ્પાનું સહજ વર્તન જોઈને કશિશને થોડી રાહત થઈ. જજ સાહેબ ચેમ્બરમાં આવ્યા એટલે રાહુલે પોતાના કેસની વિગતો કહી. સામે પક્ષે ઉદયભાઈએ વકીલ કરવા માટે સમય માગ્યો અને જજે તેમની વિનંતીને માન્ય રાખી. રાહુલથી છૂટા પડીને કશિશ ધ્યેયને મળી. કશિશનો મૂડ ઠીક કરવા ધ્યેયે મૂવી જોવા જવાનું પ્લાનિંગ કર્યું. બંનેએ આંખો દિવસ આનંદ સાથે વીતાવ્યો. કોઈ જગ્યાએ કેસનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. કશિશથી છૂટા પડીને ધ્યેયે ઉદયને ફોન લગાવ્યો અને પોતાના ઘરે બોલાવ્યો.
હવે આગળ વાંચો…
‘જો, ઉદય પહેલાં જ કહી દઉં છું. એલફેલ બોલ્યા વિના તું જે પૂછીશ તેના જવાબ આપીશ, પણ ગાળી ગલોચ કરી છે તો કોઈ વાતના જવાબ નહીં આપું.’
ઉદય જેવો ઘરમાં દાખલ થયો કે તરત જ ધ્યેયે એને ચીમકી આપી દીધી. ઉદય એટલું તો સમજતો હતો કે સામે ભલે દોસ્ત હોય, પણ એ નામી વકીલ છે એટલે સમજી વિચારીને બોલવામાં સાર છે, પણ એને મનમાં ખટકો હતો કે રાતોરાત કેમ કશિશે એના પર કેસ કર્યો?
‘જો, હું ય તારી સાથે લડવા ઝઘડવા નથી આવ્યો, પણ મને એ કહે કે રાતોરાત એવું શું થયું કે કશિશે મારા પર કેસ ઠોકી દીધો.’ ઉદયે પૂછ્યું એટલે ધ્યેયે એની સામે નજર મિલાવતાં કહ્યું,
‘એ વાતની તને ખબર હોય કે મને?’ ધ્યેયે સામો સવાલ કર્યો એટલે ઉદય એને તાકી રહ્યો અને પછી ભડક્યો.
‘જો પાછી વકીલગીરી ચાલુ કરી.’
ધ્યેય એની સામે શાંતિથી જોઈ રહ્યો. પગ પર પગ ચડાવીને આરામથી સોફા પર બેસતા બોલ્યો,
‘કશિશ થોડા સમય પહેલાં તારા ઘરે આવી, ત્યારે એવું શું થયું હતું કે એને કેસ કરવા સુધી જવું પડ્યું?’ ધ્યેયે જવાબ આપવાના બદલે સામો સવાલ કર્યો.
ધ્યેયના સવાલથી ઉદય ગૂંચવાયો, એની અકળામણ એના ચહેરા પર દેખાઈ રહી હતી,
‘એલા હું તને પૂછું તો તું સામે મને પૂછે છે? આ તારી કોર્ટ નથી કે સામા સવાલ પૂછીને મને કન્ફયુઝ કરીને તું કેસ જીતી જાય. સીધેસીધી વાત કર કશિશે કેસ કેમ કર્યો?’
ધ્યેય સોફા પરથી ઊભો થઈને ઉદયની સામે પોતાના ટેબલ પર જ ગોઠવાયો.
‘જો મને જે માહિતી છે તે એટલી જ છે કે ગયા મહિને કશિશ તારા ઘરે આવી હતી ત્યારે એને કોઈક રીતે ખબર પડી કે એને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હતું, ઇન્ટરવ્યૂ કૉલ લેટર આવ્યો હતો, પણ તેં એના સુધી પહોંચવા ન દીધો. આ બધું કેમ અને કેવી રીતે થયું તે તું કહી શકે…હું નહીં. મારી વાત સમજાય છે?’
ઉદય આ સાંભળીને વિચારમાં પડ્યો. કશિશને કેવી રીતે ખબર પડી હશે? શું પપ્પાએ કહ્યું હશે? પણ પોલીસ સમન્સ આપી ગયો ત્યારે પપ્પાને પણ આઘાત લાગ્યો હતો. એનો મતલબ એમ કે એ જાણતા ન હતા. આખરે આખી વાતની કશિશને ખબર કેવી રીતે પડી? ઉદયે પોતાની મૂંઝવણ ધ્યેય સામે કાઢી,
‘મને એમ કે તેં કહ્યું હશે!’ એ બોલ્યો એટલે હવે ચમકવાનો વારો ધ્યેયનો હતો.
‘કેવી નાંખી દેવા જેવી વાત કરે છે? તારા ફેમિલીની મેટર મને શી રીતે ખબર હોય?’ ધ્યેયએ ખભ્ભા ઉછાળ્યા. ધ્યેયને તાજુબી એ વાતની હતી કે આખી ય વાતમાં પોતે ક્શા પિક્ચરમાં છે જ નહીં અને આ ઉદય કહે છે કે મેં કશિશને કહ્યું હશે. નક્કી કંઈક લોચો છે.
‘અરે યાર, જે દિવસે કૉલ લેટર આવ્યો ત્યારે હું ને તું જ તો કેરમ રમતા હતા. યાદ કર. જૂન મહિનો ચાલતો હતો. તારે વૅકેશન ચાલતું હતું, વરસાદ થયો ન હતો એટલે રોજ આપણે બપોરે બંને મારા ઘરે કેરમ રમવા બેસતા. એક દિવસ બપોરે ઘરમાં બધાં સૂતા હતા ત્યારે પોસ્ટમેન રજિસ્ટર એ.ડી. કશિશના નામનું આપી ગયો હતો. મેં સાઇન કરીને લઈ લીધું હતું. યાદ આવ્યું?’
બાર-તેર વર્ષ પહેલાં બનેલી આવી સામાન્ય ઘટના તો કેવી રીતે ધ્યેયને યાદ હોય! એણે રૃમમાં આંટા માર્યા. બહુ યાદ કર્યું ત્યારે એને આછું-આછું યાદ આવ્યું કે રોજ તેઓ રમતાં હતા ત્યારે ટપાલ તો ઘણી આવતી હોય, પણ એક દિવસ રજિસ્ટર એ.ડી.થી એક લેટર આવ્યો હતો.
‘હા..મને યાદ આવ્યું, પણ મને શું ખબર હોય કે એ લેટરમાં શું છે? મને એટલું યાદ છે કે કિંગ અને કવર બાકી હતા કાઢવાના અને દાવ તારો હતો. છતાં તું એક મિનિટમાં આવું કહીને રૃમમાંથી બહાર ગયો હતો. ખાસ્સી પાંચ મિનિટે તું આવ્યો હતો.’ ધ્યેય આટલું બોલીને અટકી ગયો. એના મનમાં વિચાર આવ્યો કે કાશ પોતાને ખબર હોત કે એ રજિસ્ટર એ.ડી.માં કશિશનો મેડિકલ કૉલેજના પ્રવેશ માટેનો ઇન્ટરવ્યૂ લેટર છે તો? તો કદાચ આ દિવસ આવ્યો ન હોત.
‘એ કૉલ લેટરનું તેં શું કર્યું?’
‘હું એ ફાડી નાંખવા ઇચ્છતો હતો, પણ મેં વિચાર્યું કે પપ્પાને જાણ કરીને ફાડું. એટલે પપ્પા બપોરે ઊઠ્યા ત્યારે મેં એમને દેખાડ્યો હતો….અને..’ અને ઉદયના મનમાં સ્ટ્રાઇક થઈ. એણે ચપટી વગાડી,
‘યસ…કોઈક રીતે કશિશને આ કૉલ લેટર મળ્યો હોવો જોઈએ અથવા પપ્પાએ એ સાચવ્યો હોય અને એના હાથમાં આવ્યો હોય તેમ બને.’
‘પણ અંકલ શું કામ આ કૉલ લેટર સાચવે?’
ધ્યેયના સવાલથી ઉદય વિચારમાં પડ્યો. એકાદ મિનિટ બંને વિચારતા રહ્યા પછી બિઝનેસમેનને બિઝનેસ સિવાય બહુ મગજ દોડાવવું ન ગમતું હોય એમ ઉદય માથું ખંજવાળતા બોલ્યો,
‘છોડને યાર.. કશિશને જે રીતે ખબર પડી હોય તે રીતે, ફરક શું પડે છે? મૂળ વાત પર આવ. તેં કેમ એને કેસ કરવા ઉશ્કેરી? તું એને આવું જલદ પગલું લેતાં અટકાવી શક્યો હોત ને?’ ઉદયે ફટ દઈને ધ્યેય પર આરોપ ઠોકી દીધો. જે ધ્યેયને ગમ્યું નહીં. ગુસ્સો તો એને બહુ આવ્યો કે હમણાં ને હમણાં ઘરમાંથી ઉદયને બહાર કાઢી મૂકે, પણ એની અંદર બેઠેલા વકીલમાં ગજબ ધીરજ હતી. સાથે- સાથે આટલાં વર્ષોની દોસ્તી પર વિશ્વાસ હતો.
‘જો એક વાત સમજી લે…કોઈના પર આરોપ મૂકતા પહેલાં પુરાવા જોઈએ. એટલે ખોટી ફેંકાફેંક ન કર અને તું કેમ એમ માની લે છે કે મેં જ એને કેસ કરવા ઉકસાવી હશે? આટલાં વર્ષોની દોસ્તી પછી તું મને આટલો જ ઓળખે છે?’
ધ્યેય નારાજ થઈ ગયો એટલે ઉદયને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળમાં કાચું કાપ્યું. બાર ધોરણ સુધી બંને સાથે ભણ્યા, સાથે રમ્યા અને સાથે મોટા થયા. બાર પછી ધ્યેય કૉલેજ અને પછી એલએલ.બી. કરવા માટે બાજુના શહેરમાં ગયો અને ઉદય મહેન્દ્રભાઈની જ્વેલરી બિઝનેસમાં જોડાઈ ગયો, પણ વૅકેશન હોય કે ધ્યેય શહેરમાં આવ્યો હોય તો બંને ચોક્કસ મળતા. ધ્યેય માત્ર ઉદય સાથે જ નહીં, પૂરા ફેમિલી સાથે પૂરેપૂરો એટેચ હતો. ઉદય અને ધ્યેયની દોસ્તીના કારણે બંને પરિવાર વચ્ચે પણ સારો ઘરોબો હતો. એમાં ય ધ્યેયની જેમ કશિશ ભણવામાં હોશિયાર હતી, બંનેની વાંચનથી લઈને સ્પોટ્ર્સ સુધીની હોબી કોમન હતી. ઉદય એક ભાઈ તરીકે કશિશને ગમતો, પણ જ્ઞાન-ગમ્મત સાથે ઉદયને દૂર દૂરનો ય નાતો ન હતો. તેથી જે બૌદ્ધિકતાની કમી કશિશને ઉદયમાં અનુભવાતી તે ધ્યેય સાથે વાતચીત કરવામાં પૂરી થતી. એટલે જ ઉદયની એ બહેન છે તે કરતાં એક મિત્ર તરીકે બંને વચ્ચે સારી દોસ્તી થઈ હતી.
‘આઇ એમ સોરી…પણ જો ને કશિશ કેવું કરી રહી છે? તારે અટકાવી જોઈએ ને?’ ઉદય બોલ્યો એટલે ધ્યેયે એની સામે આકરી નજરે જોયું,
‘તું છે ને કશું સમજ્યા વિના બોલ બોલ કર્યા કરે છે. તેં કેમ ધારી લીધું કે, મેં એને સમજાવી નહીં હોય?’
‘તો પછી એનો વકીલ બનીને મારી સામે શું કામ લડે છે?’ ઉદયે પૂછ્યું,
‘પહેલી વાત, હું એનો કેસ નથી લડતો, બીજી વાત, મારો જુનિયર લડે છે…અને…’ ધ્યેય પૂરું બોલે તે પહેલાં તો ઉદય વચ્ચે બોલી પડ્યો,
‘મને મૂરખ સમજે છે? તું લડે કે તારો જુનિયર લડે, બેઉ એક જ વાત છે…સમજ્યો?’ ઉદય બોલ્યો એટલે ધ્યેય ઝીણી આંખ કરીને એને જોઈ રહ્યો.
‘હું જે સમજું છું ને તે તું નથી સમજતો. મેં એને મારો જુનિયર ન આપ્યો હોત તો કશિશ બીજા કોઈ વકીલ પાસે ગઈ હોત! પછી ખબર પડેત, બીજો વકીલ તારા કે તારા પરિવારની શરમ ન રાખેત અને આખી ય વાતને એવો વળાંક આપેત કે આબરૃના કાંકરા થઈ જાત. એટલે મેં એને મારો જુનિયર આપ્યો.’ ધ્યેયએ ઉદયને સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું એટલે પહેલીવાર એના મનમાંથી ધ્યેય પ્રત્યેની શંકા ઓછી થઈ. ધ્યેય બહુ લાંબું વિચારતો હતો. પોતે જ આક્ષેપબાજી કરવામાં ખોટી ઉતાવળ કરી નાંખી. ઉદય મૂળ મુદ્દા પર હવે આવ્યો,
‘હા, એ તેં સારું કર્યું, પણ હવે કહે કે મારે શું કરવું કે કશિશ કોર્ટમાં લડવાનું માંડી વાળે?’
‘તેં તારા વકીલને પૂછ્યું જ હશે ને? એમ ને એમ તો તું કાંઈ મારી પાસે દોડી નહીં આવ્યો હોય!’ ધ્યેયે એને ટોન્ટ માર્યો.
ઉદયે સબૂરી રાખી. ધ્યેયની વાત ખોટી નથી. પોતે વકીલના કહેવાથી જ આવ્યો છે. અત્યાર સુધી ધ્યેયનું વર્તન સહકારમય રહ્યું છે એટલે જો એ કશું પોઝિટિવ રિઝલ્ટ ઇચ્છતો હોય તો જરા સમજી-વિચારીને કામ લેવું પડે. આખરે આખી ય વાત જે રીતે વાજતેગાજતે કોર્ટે પહોંચી છે તે પાછી વળે તેવું તો કરવું જ પડે.
‘મેં હજુ વકીલ નથી રાખ્યો. આજે હજુ તો કોર્ટમાં એ માટે સમય માંગ્યો.’ એની વાત સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો, એ જોઈને ઉદય ખસિયાણો થઈને એની સામે જોઈને બોલ્યો,
‘કેમ હસે છે?’ ધ્યેય માંડ-માંડ હસવાનું રોકીને બોલ્યો,
‘એ બધું તું કોર્ટમાં કહે તો ચાલે, પણ જેવા સમન્સ મળ્યા હોય કે તરત તું વકીલ પાસે દોડ્યો હોય. એટલે ખોટા નાટક રહેવા દે. મુદ્દાની વાત કર!’
ધ્યેય પાસે બધી વાત ખૂલી પડી ગઈ તેથી ઉદય સહેજ ઠંડો પડ્યો, બહુ બોલાચાલી થઈ ગઈ. હવે કામની વાત પર જ ધ્યાન આપવું બહેતર છે.
‘જો ધ્યેય, જે થઈ ગઈ ગયું તે થઈ ગયું. હવે કે’ શું થઈ શકે?’
‘એક કામ થઈ શકે. કોર્ટ બહાર સમાધાન કરી શકાય. આ તને તારા વકીલે કહ્યું જ હશે અને એટલે જ તું મારી પાસે આવ્યો છે.’ ધ્યેયે ફરી ચોખ્ખીચટ વાત કરી એટલે ઉદયે શરણાગતિ સ્વીકારી લીધી, પણ એણે સ્વીકાર્યું નહીં કે એના વકીલે સમાધાન કરવાનું સૂચન કર્યું છે.
‘તું કશિશ સાથે વાત કરી લે. જો એ સમાધાન કરવા તૈયાર હોય તો હું મળવા તૈયાર છું.’
‘ઓ.કે. હું એને કહી જોઈશ. એકાદ વીકનો ટાઇમ આપ. મારે બે-ચાર મહત્ત્વના કેસ પતાવવાના છે તે પતી જાય એટલે આપણે મારા ઘરે અહીં જ મળી લઈએ, પણ એક વાતનું ધ્યાન રાખજે….એલફેલ બોલીને વાત બગાડીશ નહીં. એ ઓલરેડી બહુ દુઃખી થઈ છે. હવે વધુ દુઃખી નહીં કરતો.’
‘સારું. ચાલ હું નીકળું.’
ઉદય ગયો અને ધ્યેય વિચારમાં પડ્યો,
‘કશિશ સમાધાન કરશે?’
* * *