ચર્નિંગ ઘાટ ગૌરાંગ અમીન
ત્યાંનું જોઈ-શીખી, ત્યાં જીવશે બાળકો ત્યાંના
ના ઘરના ના સ્કૂલના, આપણા રહેશે ક્યાંના?
આજકાલની જનરેશન તો બાપ રે! છોકરાં બહુ જ સ્માર્ટ થઈ ગયાં છે. આપણને મોબાઇલમાં જે વસ્તુ ના આવડતી હોય તે એમને આવડે. આપણે જ્યારે એમની ઉંમરના હતા ત્યારે આપણે તો કેવા હતા? આઇ ટેલ યુ, ધીઝ કિડ્ઝ વિલ મેક અસ પ્રાઉડ. એટલેસ્તો આપણને જે ફેસિલિટી નહોતી મળી એ આપણે એમને આપીએ છીએ. આપણે નાના હતા ત્યારે રેડિયો પણ માંડ અમુક સમય પૂરતો આવતો અને હવે તો ધ હૉલ વર્લ્ડ હેઝ ઓપન્ડ અપ. હવે તો બધું નેટ પર થઈ ગયું છે. સ્કૂલો પણ કેટલી બદલાઈ ગઈ છે. સિલેબસ ‘ને બુક્સ જોઈને આપણે તો ગાંડા જ થઈ જઈએ. આખો દિવસ ભણ ભણ. ઘરે આવે એટલે હોમવર્ક ‘ને પ્રોજેક્ટ અને પાછી આપણે કંઈ ને કંઈ એક્ટિવિટી તો કરાવીએ જ. છોકરાં બિચારા કંટાળી જાય. વળી, હવે આપણા વખતે રમતાં એવી ગેમ્સ તો કોઈ રમતું નથી. એટલે હું તો પછી ટીવી જોવા દઉં, પણ ફિક્સ ટાઇમ. બપોરે જમતી વખતે જોવાનું. એટલી બધી ચેનલ છેને, કોઈની કોઈ ચેનલ પર એને ગમતું કાર્ટૂન મળી જાય એટલે એ ખુશ. શાંતિથી જમી લે. બાકી એણે જોવું હોય તો નેટ પર જોઈ લે. એય મને પૂછીને જ.
આજકાલનો સમય સરસ વાતો કરાવે છે! એથી વિશેષ સરસ વિચારો કરાવે છે, આશા ‘ને વિશ્વાસ જગાડે છે! મુંબઈના સ્લમમાં એક ખોલીમાં મોટો થઈને ઇસરોમાં વિજ્ઞાની બન્યો એ પ્રથમેશ હિરવે કે અબ્દુલ કલામનું બાળપણ કેવું હતું? એ લોકો ટીવી ‘ને નેટ પર શું જોતા હતા? વ્યસ્ત વાલીઓ કહે છે એ બધું ઠીક, ‘ત્યાં’ના છોકરાં જેમ આગળ આવે છે એમ અમારાં છોકરાંય આગળ આવશે. ના, હવે સૂતી વખતે મમ્માઝ વાર્તાઓ નથી કહેતી. ટાઇમ જ કોની પાસે છે? અપવાદ રૃપ લઘુમતીને વંદન. હવે બાળકો રામાયણની કથા સાંભળીને મોટા નથી થતાં. સંસ્કાર? આ ગ્લોબલ-ઇકોનોમી છે. વિશ્વ એક થઈ ગયું છે અને આપણે ઘણુ આગળ આવવાનું છે. દૂર જવાનું છે. કેટલું આગળ? ‘ત્યાં’ જેટલું. દૂર એટલે ક્યાં? તો કહે ‘ત્યાં’.
શહેરમાં આ અંગે થોડી વધારે ખરાબ સ્થિતિ છે. ગામમાં હજુ થોડું સારું છે. એનિવેઝ, બાળકો ખુશ છે. હોવા જ જોઈએ. એમના મનને સંસ્કાર વગેરે વાત જોડે શું મતલબ? એમને તો ટીવી ‘ને નેટના સંસ્કાર સાગરમાં ધુબાકા લગાવા મળે એટલે હડસન કહો કે થેમ્સ કહો કે વોલ્ગા નહાયા. એમાંય કાર્ટૂન જોવા મળે એટલે ભયોભયો. ટોમ એન્ડ જેરી જેવા કાર્ટૂન તો ખરેખર મજાના હોય છે. છોટા ભીમ જેવા ભારતીય પશ્ચાદભૂમિના કાર્ટૂન કામનાં હોય છે. અકબર-બિરબલ કે તેનાલીરામા જેવા કાર્ટૂન મનોરંજન સાથે ઘડતર પણ કરી શકે. છકા-મકાનું કાર્ટૂન આવે છે? વિદેશના ઘણા કાર્ટૂન વૉટ્સઍપ પર રખડતાં દ્વિઅર્થી સંવાદ ભરેલી ગુજરાતી ફિલ્મ કરતાં સારા હોય છે. ચાર્લી ‘ને લોરેલ-હાર્ડી પ્રકારની કોમેડી હવે કોણ બનાવે?! બાળકો જોઈ શકે ‘ને સ્વચ્છ મનોરંજન સાથે કશું શીખી શકે એવાં ઢગલો કાર્ટૂન છે એટલે ખાસ ફિકર કરવા જેવી નથી, પણ થોડીક ફિકર કરવી પડશે.
નોબિતા કહે કે તારા કપડાં અત્યારે જ ઉતાર એટલે હું કહું તને શું થયું છે અને બાળકો હસે. ડોરેમોન કહે કે દરેક જાપાનીની બુદ્ધિ તારી કક્ષાએ ઊતરી જાય તો આખું વિશ્વ તૂટી પડે. નોબિતા, તું બહુ વિચારે છે. તું દુનિયાનો સૌથી નકામો વ્યક્તિ ન હોઈ શકે. હંમેશાં કોઈક તો આપણાથી હલકું હોય જ છે. તારા જેવા સાવ નબળાને એ લોકો કેવી રીતે અબ્યૂઝ કરી શકે? હું તને મારી નાખીશ, કૂતરીની ઓલાદ. નોબિતા બોલે છે કે મારે હવે વધારે જીવવું નથી.તું કેમ કાયમ ન્હાવા જતી રહે છે? તું ન્હાતી હોય ત્યારે હું તને અડી નથી શકતો.
DORA = રખડતું. EMON = આપણે ‘ભાઈ’ લગાડીએ એવું. ડોરેમોન/ડોરિમોન એક જાડો યાંત્રિક-બિલાડો છે, જે ઉપકરણોથી જાદુ કરે. રોબોટ-કેટ. કાર્ટૂન સિરીઝનો હીરો નોબિતા ઘણો વિલક્ષણ છે. આળસુ, જુઠ્ઠો, કામચોર, શિસ્ત કે શિષ્ટાચાર-રીતભાત વગરનો. લગભગ દરેક એપિસોડમાં એણે સ્કૂલનું હોમવર્ક ના જ કર્યું હોય, ઘરકામ કરવું એ ખોટું છે એ ‘ડોરેમોન’નો મુખ્ય સંદેશ છે. નોબિતા રમત-ગમત કે અન્ય કોઈ હોબીમાં પણ ઝીરો છે. તેને કદી પોતાની કોઈ પણ ભૂલ કે નાગાઈ પર પસ્તાવો ના થાય. એને ગર્વ હોય છે કે એ માબાપ – શિક્ષકોને છેતરી શકે છે. ૭-૮ વરસની ઉંમરે એ કાયમ છોકરીઓને પ્રપોઝ કરવાનું વિચારતો હોય. બોલો આ નોબિતા મોટો થઈને શું કરશે? ખરી વાત તો એ છે કે એ કદી મોટો નહીં થાય, કદી સુધરશે નહીં ‘ને સંસારના કોઈ પણ બાળકની મદદે ડોરેમોન જેવું કશું ક્યારેય નહીં આવે.
ડોરેમોન નામની હલકટ ‘ને અત્યંત નુકસાનકારક સિરીઝ ભારતમાં ૨૦૦૫થી આવી. ડિઝની ચેનલ. હવે નેટફ્લિક્સની જેમ ડિઝનીફ્લિક્સ શરૂ થાય છે. ડોરેમોન મૂવીએ મોટા પાયે કમાણી કરી લીધી છે. બહુમત ઘરમાં હોમ-ક્વિન્સ આ ન્યૂસન્સથી ત્રસ્ત છે. આપણા દેશ એવં સમાજમાં વિદેશનું ઘેલું એટલું છે કે બાળકો જ્યારે વિદેશી કાર્ટૂન જુએ ત્યારે સંખ્યાબંધ પેરેન્ટ્સના મગજને વિશિષ્ટ હાશકારો મળે છે. એમાંય સેક્યુલર ગેમના ખેલીઓ માટે તો દેશી કાર્ટૂન જોવું એ અતાર્કિક ‘ને અવૈજ્ઞાનિક થઈ જાય. જો છોટા ભીમ કહે, ‘ભારતે શૂન્યની શોધ આપી ના હોત તો હજુ આખી દુનિયા જંગલી હોત.’ તો એ હિન્દુ કટ્ટરવાદી, ભૂતકાળમાં ભટકતો ‘ને સંકુચિત મનનો થઈ જાય અને આ ડોરેમોન ‘ને નોબિતા અમાનવીય કક્ષાની વાત તદ્દન સહજ રીતે કરે તોય એવાને હસવું આવે.
૨૦૦૮માં ડોરેમોનને જાપાન સરકારે જાપાનનો પહેલો કાર્ટૂન-એમ્બેસેડર બનાવ્યો. પ્રવક્તાએ કીધું કે જાપાનની સંસ્કૃતિમાં વિશ્વના લોકો ઊંડો રસ લે એટલે આ પગલું ભર્યું. જસ્ટ થિંક, એ લોકો જાતે કહે છે કે ડોરેમોન થકી અમે અમારો સંસ્કૃતિક પ્રચાર કરીએ છીએ. પ્રચાર ‘ને પ્રસારમાં કેટલું અંતર? પણ, બાંગ્લાદેશ ‘૧૩માં બગડ્યું. નિર્ધાર કર્યો કે ડોરેમોન પર પ્રતિબંધ, કેમ કે એ બાંગ્લાદેશમાં હિન્દી ભાષાનો પ્રસાર કરે છે! ચીને પણ ચોખ્ખો વિરોધ કરેલો કે ડોરેમોન એક સાંસ્કૃતિક-આક્રમણ છે. ભૂરી ભોદી બલાડીને જાકારો આપો. જે-તે સમયે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ચીન-જાપાનનો આ ટકરાવ વિશ્વએ જાહેરમાં જોયેલો, પણ જાપાન તો અમેરિકા પર કબજો કરી શકીએ એવા નોબિટિક વિચારો ધરાવી ડોરેમોનિક ફારસ કરી ચૂકેલ દેશ. ના, અમે તો વ્હેલ મારીશું જ! જાપાન કોઈનું ના સાંભળે.
આસામથી લઈને વોશિંગ્ટન, ઘણાએ ડોરેમોન તથા એની અસર પર રિસર્ચ કરી છે અને અંતે ચિંતા વ્યક્ત કરી છે. ભય વ્યક્ત કર્યો છે. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવા/ માંગવા ઇચ્છતા ભારતના નાગરિકોને આ ડોરેમોન નામની માયાવી જંગાલિયત દેખાય તો સારું. અરવિંદ સ્કૂલમાં નોબિતા જેવો હતો? રાહુલને કાલે ઊઠીને સંતાન આવે ‘ને એ નોબિતા જેવો થાય તો એમને ગમશે? છોડો, મોટા લોકોની વાતો. બજેટમાં ચગદાઈ જઈશું એવા ડરમાં રહેતા ‘સાધારણ’ લોકોને પોતાનું બાળક લેશન ના કરે, ઘરમાં ‘ને સ્કૂલમાં વાર્તા કરીને બધાંને છેતરીને ગૌરવ અનુભવે એ લગીર ના પાલવે. ૭-૮ વરસની ઉંમરે વિજાતીય પાત્ર સાથે આપણું બાળક શરીર-શરીર રમે એવું ફાવશે? ‘૧૬માં મધ્યપ્રદેશના વ્યાપમ ફેમ આશિષ ચતુર્વેદીએ સરકારમાં રજૂઆત કરેલી કે આ સિરિયલ પર પ્રતિબંધ મૂકો. પાકિસ્તાનમાં તેહરિક-એ-ઇન્સાફ દ્વારા ‘૧૭માં બૅન મૂકવા માગણી થયેલી.
પ્રાઇમરી સ્કૂલમાં ભણતું બચ્ચું મોટું થશે ત્યારે કઈ સાલ ચાલતી હશે એ તર્ક, આદર્શ કે સ્વપ્નની નહીં, સિમ્પલ મેથ્સની વાત છે અને એ અનુભવ બ્હારના અંતરાલ માટે રિસ્ક ના લેવાય. જો ઘર કે કુટુંબમાં રહીને બાળક અસામાજિકતાના પાઠ ભણશે તો સરકાર ‘ને સમાજ શું કરી લેશે? અરે, ભવિષ્યની સરકાર ‘ને સમાજ આ જ આજકાલનાં બાળકો છે. કન્સલ્ટિંગ સાઇકિએટ્રી ડૉક્ટર નીરજ રવાણી સ્પષ્ટ કહે છે કે બાળકો માટે કોઈ રોલ-મોડેલ હોય એ અસામાન્ય બાબત નથી, પરંતુ મમ્મી-પપ્પાએ ધ્યાન રાખવું જોઈએ કે એ રોલ-મોડેલ સારા મૂલ્ય ‘ને વર્તનની છબી ઊભી કરે. બાળ મનોવિજ્ઞાનના ખાંટુ હોય કે સમાજશાસ્ત્રીઓ, ડોરેમોનના બે-ચાર એપિસોડ જોઈને ભારે નારાજ ના થાય એવું શક્ય જ નથી. વ્યાખ્યા વિશ્વમાનવીની હોય કે દેશના સારા નાગરિકની, સમજુ લોકોનો નિર્ણય આખરી છે – સે નો ટુ ડોરેમોન.
તાજેતરમાં જ લોકસભામાં સૂચના પ્રસારણ રાજ્ય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે જાહેર કર્યું કે હવે કાર્ટૂન ચેનલ્સ પર જંક ફૂડ કંપનીઓની જાહેરાત નહીં ચાલે. સીધી વાત છે કે બાળકોના શરીરની તંદુરસ્તી મહત્ત્વની છે, પણ એથી મહત્ત્વની તંદુરસ્તી મનની છે. મનમાં જે પાયો નખાશે, ભવિષ્યમાં ઇમારત એ પાયા પર ચણાશે. અમેરિકામાં જે કોઈ બંદૂકો સાથે સ્કૂલમાં ઘૂસીને ગોળીઓ વરસાવી ઘણાને મારી નાંખે છે તેનું શારીરિક આરોગ્ય નોર્મલ હોય છે. જે એબનોર્મલ હોય છે તે છે માનસિક સ્થિતિ. મનોરંજન ‘ને કળા જોડાય ત્યારે બીજું શું-શું સારું નિષ્પન્ન થાય એ ૨૧ એપ્રિલે યોજાઈ ગયેલા શ્રુશબરી ઇન્ટરનેશનલ કાર્ટૂન ફેસ્ટિવલમાં ભલભલા ચિત્રકારોએ બતાવેલું. બાળક આપણું છે, પણ ભવિષ્ય બાળકોનું છે. આપણે એમના ભવિષ્ય સાથે રમત ના કરી શકીએ. આપણે આપણા બાળકોના ભવિષ્ય સાથે કોઈને પણ રમત કરવાની પરવાનગી ના આપી શકીએ. વૅકેશનમાં બાળકો ટીવી ના જુવે તો શું કરે? ઉત્તર જાતે શોધી શકાય તેમ છે. ડોરેમોન હાય હાય. નોબિતા હાય હાય.
બુઝારો – હું મનોરંજન આપીશ ‘ને આશા રાખીશ કે લોકો કશુંક શીખશે, નહીં કે લોકોને શિક્ષણ આપીશ ‘ને આશા રાખીશ કે કોને મનોરંજન મળ્યું. – વૉલ્ટ ડિઝની
——————————.